સપનેય કલ્પના ન કરી હોય એટલા પૈસા માણસ પાસે આવી જાય ત્યારે ઘણા કિસ્સાઓમાં માણસને એવો એહસાસ થતો હોય છે કે જાણે તેને પાંખો ફૂટી હોય. શોએબના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું.
સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૩૪)
‘અરે! કિતના ભી બિઝી હૂં તો ભી તુમ કો મના કર સકતા હૂં ક્યા, ડાર્લિંગ?’ તિવારી રોમૅન્ટિક મૂડમાં આવી ગયો અને તેણે બીના સાથે ઉમળકાથી વાત શરૂ કરી
વિશાલ સિંહથી બચવા માટે રઘુ હવાતિયાં મારી રહ્યો હતો. તેણે જનસેવા પાર્ટીના નેતા તિવારી પાસે વધુ મુદત માગવા માટે ફરી એક વાર કૉલ લગાવી જોયો, પણ તિવારીએ તેનો કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
ADVERTISEMENT
રઘુએ કહ્યું હતું, ‘તો તું પણ આજથી મારો નાનો ભાઈ છે. અડધી રાતે પણ મને જગાડવાનો અધિકાર તને આપું છું.’
લખનઉમાં પોતાના બંગલોમાં ચોતરફથી પોલીસ વચ્ચે ઘેરાયેલા રઘુ પર આઇપીએસ વિશાલ સિંહનું પ્રેશર વધી રહ્યું હતું અને રઘુ શાહનવાઝને મારી નાખવા માટે પ્રસાદ પર દબાણ વધારી રહ્યો હતો. મુંબઈમાં બેઠેલો પ્રસાદ રહેમાનના ભરોસે બેઠો હતો આ દરમિયાન આઇપીએસ વિશાલ સિંહે રઘુના વધુ કેટલાક ગુંડાઓને મારી નાખ્યા હતા.
અસહાય બની ગયેલો રઘુ લાચારી અને મૃત્યુના ભયને કારણે લગભગ પાગલ જેવો થઈને ચીસો પાડી રહ્યો હતો. તેને સમજાઈ રહ્યું હતું કે મૃત્યુ ક્ષણે-ક્ષણે તેની નજીક આવી રહ્યું હતું. બીજી બાજુ પ્રસાદ માત્ર વાતો કરી રહ્યો હતો, કશું નક્કર પરિણામ આપતો નહોતો.
વિશાલ સિંહથી બચવા માટે રઘુ હવાતિયાં મારી રહ્યો હતો. તેણે જનસેવા પાર્ટીના નેતા તિવારી પાસે વધુ મુદત માગવા માટે ફરી એક વાર કૉલ લગાવી જોયો, પણ તિવારીએ તેનો કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
રઘુને અકળામણ થઈ અને ગુસ્સો પણ આવ્યો. જોકે અત્યારે તેને ગરજ હતી અને તેણે ગરજને કારણે ગધેડાને પણ બાપ કહેવો પડે એમ હતો. તેણે શરમ અને સ્વમાન નેવે મૂકીને ફરી વાર તિવારીનો નંબર લગાવ્યો. એ વખતે તિવારીનો નંબર બિઝી થઈ ગયો હતો. રઘુએ ચાર વાર તિવારીનો નંબર ટ્રાય કરી જોયો, પણ તેનો નંબર સતત બિઝી હતો.
તિવારીએ કૉલ ડિસ્કનેક્ટ કર્યો એટલે ડૂબતો માણસ તરણાનો સહારો શોધે એ રીતે રઘુ બીજા કોની મદદ લઈ શકાય એમ વિચારવા લાગ્યો. એ વખતે તેને અલ્તાફ યાદ આવ્યો. તેણે અલ્તાફને કૉલ કર્યો. અલ્તાફનો નંબર પણ બિઝી હતો. તેણે ત્રણ-ચાર વખત અલ્તાફને નંબર લગાવી જોયો, પરંતુ અલ્તાફનો નંબર સતત બિઝી હતો. થોડી વાર પછી અલ્તાફના ફોનની રિંગ વાગી, પણ અલતાફે કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો!
રઘુએ અકળાઈને મોબાઇલ ફોન પોતાના માથામાં માર્યો! હવે તેને એ વાતની પણ પરવા નહોતી કે પોતાની ગૅન્ગના માણસો પોતાના વિશે શું વિચારશે. મૃત્યુનો સાક્ષાત્કાર થાય ત્યારે ભલભલા માણસો સ્વસ્થતા ગુમાવી દેતા હોય છે. રઘુ પણ કોઈ સંત મહાત્મા તો હતો નહીં!
lll
શાહનવાઝ સાથે ફોન પર વાત પૂરી કર્યા પછી અલ્તાફ ઝડપથી વિચારવા લાગ્યો કે રશ્મિ માથુર અને વિજય સિંહાને ખતમ કરવાનું કામ કોને સોંપવું જોઈએ. અલ્તાફ પોતે વર્ષો સુધી હૈદરનો શૂટર રહી ચૂક્યો હતો. તે શાર્પશૂટર તરીકે પંકાઈ ગયો હતો, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી તેણે જાતે જોખમ ઉઠાવવાનું બંધ કર્યું હતું. હૈદરની સાથે પણ તેને એ મુદ્દે જ વાંધો પડ્યો હતો. અલ્તાફથી જુનિયર એવા ઘણા ગુંડાઓ હૈદરની ગૅન્ગમાં આગળ વધી ગયા હતા અને શાહનવાઝ (હૈદર હોવું જોઈએ) તેનો ઉપયોગ શૂટર તરીકે જ કરી રહ્યો હતો. અધૂરામાં પૂરું, હૈદરના નાના ભાઈ સાહિલના ચમચાઓ હૈદરની ગૅન્ગમાં બહુ ઝડપથી આગળ વધી ગયા હતા અને એવા ચમચાઓ અલ્તાફને આદેશ આપતા થઈ ગયા હતા એટલે તેણે અકળાઈને હૈદરની ગૅન્ગ છોડી દેવાનું પગલું ઉઠાવવું પડ્યું હતું. તેણે હૈદરની ગૅન્ગ છોડી ત્યારે પોતાના કેટલાક વફાદાર સાથીઓને પણ તે પોતાની સાથે ખેંચી લાવ્યો હતો એને કારણે હૈદર તેના પર ભડક્યો હતો અને તેણે તેને મારી નાખવાનો આદેશ છોડ્યો હતો. હૈદરના ગુંડાઓએ અલ્તાફ પર ત્રણ વખત હુમલાઓ કર્યા હતા, પરંતુ તે બચી ગયો હતો. ત્રીજા અને છેલ્લા હુમલા વખતે તો હૈદરના ગુંડાઓએ તેના વિસ્તારમાં જ તેના પર હુમલો કર્યો હતો. એ વખતે તેને ત્રણ ગોળીઓ વાગી હતી અને તેણે દોઢ મહિના સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. એ પછી તે બહાર નીકળવાનું ટાળતો હતો અને તેણે પોતાના ઘરની આજુબાજુ પોતાના વફાદાર ગુંડાઓનું લગભગ અભેદ્ય કહેવાય એવું સિક્યૉરિટી કવર સુરક્ષા કવચ ગોઠવી દીધું હતું.
અલ્તાફને શોએબ યાદ આવી ગયો. શોએબ ઝનૂની યુવાન હતો. તે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવી શકતો હતો. તેણે માત્ર પંદર વર્ષની ઉંમરે એક પાડોશી સાથેની તકરારમાં ઉશ્કેરાઈને છરીના બત્રીસ ઘા ઝીંકીને પાડોશીનું ખૂન કરી નાખ્યું હતું, પરંતુ તે સગીર વયનો હતો એટલે તેને બાળસુધાર ગૃહમાં મોકલી દેવાયો હતો. જોકે તે ત્યાં સુધરવાને બદલે વધુ નઠારો થઈને બહાર નીકળ્યો હતો. એ સમય દરમિયાન જ એક વખત હૈદરના ગુંડાઓએ અલ્તાફ પર હુમલો કર્યો હતો અને એ વખતે હિંમતપૂર્વક વચ્ચે પડીને તેણે અલ્તાફનો જીવ બચાવ્યો હતો. એને કારણે તે અલ્તાફનો વિશ્વાસુ બની ગયો હતો. અલ્તાફે તેને મુંબઈથી થોડે દૂર અંતરિયાળ વિસ્તારમાં ગોળી ચલાવવાની તાલીમ અપાવી હતી અને તેને શૂટર બનાવી દીધો હતો. જોકે તે શૂટર બન્યો એ પછી તેને મેદાનમાં ઉતારવા જેવું મોટું અને જોખમી કામ અલ્તાફ પાસે આવ્યું નહોતું.
અલ્તાફે શોએબને કૉલ કર્યો. શોએબે તરત જ કૉલ રિસીવ કર્યો અને કહ્યું, ‘બોલો, ભાઈ.’
અલ્તાફે સમય બગાડ્યા વિના સીધું જ કહી દીધું, ‘બે જણને રસ્તામાંથી હટાવવાના છે.’
શોએબે પણ એક ક્ષણનોય વિચાર કર્યા વિના કહી દીધું, ‘જી, ભાઈ. કામ થઈ જશે.’
અલ્તાફે કહ્યું, ‘મને આ જ જવાબની અપેક્ષા હતી. કામ આજે જ કરવાનું છે. હમણાં જ. એકદમ સૉફ્ટ ટાર્ગેટ છે, પણ કામ કર્યા પછી જોખમ ઊભું થાય એવું છે. તારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે તું પકડાઈ ન જા. અને કદાચ પકડાઈ જા તો પણ તારે મોઢું ખોલવાનું નથી. તું પકડાઈ જા તો તારે થોડો સમય માટે જેલમાં રહેવું પડશે, પરંતુ તારા કુટુંબની ચિંતા ન કરતો. તને નિર્દોષ છોડાવવાની જવાબદારી મારી. આ કામ માટે હું તને એક કરોડ રૂપિયા ઍડ્વાન્સ મોકલાવી દઉં છું અને બીજા એક કરોડ રૂપિયા કામ પતે એટલે તરત જ તને મળી જશે.’
અલ્તાફના એ શબ્દો સાંભળીને શોએબને થોડી વાર તો ભરોસો ન બેઠો કે અલ્તાફભાઈ ‘માત્ર’ બે જણએ ઉડાવવા માટે આટલી મોટી રકમની ઑફર કરી રહ્યા છે! તે ખેપાની યુવાન હતો અને નાની ઉંમરે જ ખૂન કરી ચૂક્યો હતો. તેને મોતથી બિલકુલ ડર લાગતો નહોતો. ‘ડર’ નામનો શબ્દ જ જાણે તેના માટે અસ્તિત્વમાં નહોતો. તે પૈસા માટે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માટે તૈયાર થઈ જતો હતો. તે પૈસા કમાવા ઇચ્છતો હતો, પણ તેણે જિંદગીમાં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે આખી જિંદગીમાં બે કરોડ રૂપિયા જેવી રકમ એકસાથે કમાશે. તેને તો જાણે લૉટરી લાગી ગઈ હતી.
તેણે કહ્યું, ‘કામ થઈ જશે.’
સપનેય કલ્પના ન કરી હોય એટલા પૈસા માણસ પાસે આવી જાય ત્યારે ઘણા કિસ્સાઓમાં માણસને એવો એહસાસ થતો હોય છે કે જાણે તેને પાંખો ફૂટી હોય. શોએબના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું.
lll
અલ્તાફે શોએબ સાથે વાત કરીને મોબાઇલ ફોન કાનેથી હટાવ્યો એ જ વખતે તેના પર રઘુનો કૉલ આવ્યો.
અલ્તાફ શોએબ સાથે વાત કરી રહ્યો હતો એ જ વખતે પણ તેના ફોન પર રઘુના અનેક કૉલ્સ આવી ગયા હતા. તે શાહનવાઝ સાથે વાત કરી રહ્યો હતો એ દરમિયાન પણ તેના પર રઘુના બે કૉલ આવી ગયા હતા, પરંતુ તેને રઘુ કરતાં શાહનવાઝમાં વધુ રસ હતો. તેને ખબર હતી કે રઘુ લખનઉમાં બેઠો છે એટલે તેના માટે એક હદથી વધુ કામનો નથી. બીજી બાજુ શાહનવાઝનો સંબંધ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનથી માંડીને દેશના ટોચના પાવરફુલ પૉલિટિશ્યન્સ સાથે છે એ તે જાણતો હતો.
તેણે રઘુના કહેવાથી કેટલાંક કામ કર્યાં હતાં, પરંતુ રઘુ પાસેથી તેને કોઈ પણ કામ માટે થોડા લાખ રૂપિયા મળતા હતા. રઘુ પાસેથી તેને દસ લાખ રૂપિયાથી વધુ રકમ ક્યારેય મળી નહોતી. શાહનવાઝે તો તેને દસ કરોડ રૂપિયાની ઑફર કરી હતી.
તેના માટે એક કાંકરે અનેક પક્ષી મારવા જેવી તક સામે ચાલીને તેને મળી હતી. કોઈ ગૅન્ગસ્ટર માટે જિંદગીમાં ક્યારેક આવી જાય એવી તક તેને સામે ચાલીને મળી હતી. તે શાહનવાઝે ચીંધેલું કામ કરી આપે તો શાહનવાઝની ગુડબુકમાં આવી જાય તેમ હતો. તેને શાહનવાઝને કારણે રાજકીય છત્ર પણ મળી શકે એમ હતું અને ઉપરથી એ કામ કરવા માટે દસ કરોડ રૂપિયા જેવી અકલ્પ્ય રકમ એકઝાટકે મળી શકે એમ હતી.
રઘુએ અલ્તાફ પર ઉપકાર કર્યો હતો પણ અલ્તાફને અત્યારે રઘુમાં નહીં, શાહનવાઝમાં રસ હતો. તેણે રઘુનો કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો!
lll
અલ્તાફે કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો. રઘુને તેના પર કાળ ચડ્યો.
અલ્તાફે હૈદર સાથે છેડો ફાડી નાખ્યો અને પોતાની નાનકડી ગૅન્ગ બનાવી એ સમાચાર મળ્યા એ સાથે રઘુએ તેને સામે ચાલીને કૉલ કરીને ખાતરી આપી હતી કે ‘કોઈ પણ મુશ્કેલી આવે તો મને એક કૉલ કરી દેજે. હું તન-મન-ધનથી તારી સાથે છું. બોલ, મારા તરફથી શું મદદ જોઈએ છે?’
એ વખતે અલ્તાફ ગળગળો થઈ ગયો હતો. તે માત્ર એટલું જ બોલી શક્યો હતો કે ‘તમે બહુ મોટી વાત કરી દીધી, રઘુભાઈ! આજથી તમે મારા મોટા ભાઈ છો. જરૂર પડશે ત્યારે હું તમારા માટે જાનની બાજી પણ લગાવી દઈશ.’
રઘુએ કહ્યું હતું, ‘તો તું પણ આજથી મારો નાનો ભાઈ છે. અડધી રાતે પણ મને જગાડવાનો અધિકાર તને આપું છું.’
અને એ જ અલ્તાફે અત્યારે રઘુની જિંદગીના સૌથી કપરા સમય વખતે તેનો કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો હતો!
પડે છે ત્યારે સઘળું પડે છે. રઘુને એ વાત બરાબર સમજાઈ રહી હતી. જોકે અત્યારે તેની પાસે અલ્તાફની મદદ માગ્યા વિના છૂટકો નહોતો એટલે તેણે સ્વમાનની અને સામે બેઠેલા-ઊભેલા સાથીદારો શું વિચારશે એની પરવા કર્યા વિના અલ્તાફને વૉટ્સઍપ પર એક ઑડિયો મેસેજ મોકલાવ્યો.
lll
‘જાનુ, આપ બિઝી ન હો તો થોડી દેર બાત કર સકતે હૈં?’
તિવારીની પ્રેમિકા ફોન પર પૂછી રહી હતી.
તિવારીએ રઘુનો કૉલ ડિસકનેક્ટ કર્યો એ જ વખતે તેના મોબાઇલ ફોન પર જનસેવા પાર્ટીની મહિલા વિન્ગની મહાસચિવ એવી તેની પ્રેમિકા બીનાનો કૉલ આવ્યો.
‘અરે! કિતના ભી બિઝી હૂં તો ભી તુમ કો મના કર સકતા હૂં ક્યા, ડાર્લિંગ?’ તિવારી રોમૅન્ટિક મૂડમાં આવી ગયો અને તેણે બીના સાથે ઉમળકાથી વાત શરૂ કરી.
એ વખતે તિવારીને કલ્પના પણ નહોતી કે એ કૉલ તેના પર કેટલી મોટી આફત લાવવાનો હતો!
વધુ આવતા શનિવારે...

