Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કરફ્યુ ન હોય એ સમય જાણે સૌ માટે દિવાળી

કરફ્યુ ન હોય એ સમય જાણે સૌ માટે દિવાળી

07 June, 2023 07:48 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આ હકીકતને ઇન્ડો-અમેરિકન રાઇટર બશારત પીરે ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’માં લખી છે. બશારતની આ બુકમાં એંસી ટકા પોતાના કાશ્મીરના અનુભવો છે તો એ અનુભવને રસપ્રદ બનાવવા તેણે વીસ ટકા કલ્પનાઓ ભેળવી છે, જેનો તે નિખાલસતાથી સ્વીકાર પણ કરે છે

કરફ્યુ ન હોય એ સમય જાણે સૌ માટે દિવાળી

બુક ટૉક

કરફ્યુ ન હોય એ સમય જાણે સૌ માટે દિવાળી


‘કરફ્યુની અમને આદત હતી. જે રીતે સવાર પછી રાત પડે અને રાત પછી સવાર આવે અને કોઈને આશ્ચર્ય ન થાય એવી જ રીતે અમને પણ કરફ્યુથી કોઈ અચરજ નહોતું થતું. હા, અમને નવાઈ ત્યારે લાગે જ્યારે એવી ખબર પડે કે ચોવીસ કલાકથી કરફ્યુ નથી! આવો સમય અમને ભાગ્યે જ જોવા મળતો પણ જ્યારે એ સમય જોવા મળે ત્યારે અમારે મન એ દિવસ દિવાળી બની જતો. એ એક દિવસમાં અમે અમારા બધા તહેવાર, પ્રસંગ ઊજવી લેવા માટે રીતસર ઊછળતા.’

આજે કાશ્મીરમાં વાતાવરણ બદલાયું છે પણ એ બદલાયેલા વાતાવરણમાં સુખ છે એનો તમને અનુભવ ત્યારે થાય જ્યારે તમે ઇન્ડો-અમેરિકન રાઇટર બશારત પીરની સેમી-ફિક્શન બુક ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’ વાંચો. એક વાટકી ચોખા પાડોશમાં લેવા ગયેલા ચાર વર્ષના બાળક પર આતંકવાદીઓનું ફાયરિંગ થાય અને એ બાળક માર્યો જાય. પાટીની પેન લેવા માટે માત્ર ડેલી પર આવીને ઊભી રહેલી પાંચ વર્ષની દીકરીને સેનાની ગોળી લાગે અને તેના હાથમાં પેન કાયમ માટે અકબંધ રહી જાય. બશારત કહે છે, ‘કાશ્મીર દુનિયાનું સ્વર્ગ છે એ જેટલું સાચું એટલું જ સાચું એ પણ કે આ પ્રદેશે નર્ક જેવી યાતનાઓ પણ જોઈ છે, ભોગવી છે. મહિનાઓ સુધી એક જ ટંક જમવાનું હોય અને એ જમવામાં પણ રોટી કે ચાવલ જ મળે, બીજી કોઈ આઇટમ ન મળે તો પણ એ ભોજનનો સૌથી સારો આનંદ જો કોઈ લઈ શકે તો એ કાશ્મીરના આતંકી વિસ્તારમાં રહેવાનો અનુભવ ધરાવતો મુસ્લિમ. ઇસ્લામને આંખ સામે રાખી ઇસ્લામ માટે જ લડતા બંદાઓ સામે ઊભા રહેવાનું અને ઊભા રહ્યા પછી પણ સ્થાનિક પ્રશાસનની શંકાની નજર સહન કરવાની... કાશ્મીરે ખરેખર નર્કનો અનુભવ કર્યો છે એવું કહેવું જરાપણ અતિશિયોક્તિ નહીં કહેવાય.’



‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’ બશારત પીરના અનુભવો અને અનુભવોને ચૅનલાઇઝ્ડ કરવા માટે વાપરેલી ફિક્શન પર આધારિત છે. જૂજ લોકો જાણે કે ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’ અને ક્રિટિકલી અક્લેમ્ડ ફિલ્મ ‘હૈદર’ વચ્ચે સીધો સંબંધ છે, પણ એ સંબંધ જાણતાં પહેલાં બશારતમિયાંને જાણી લેવા જોઈએ.


કોણ છે આ બશારત પીર? | બશારત પીર મૂળ કાશ્મીરના અને કાશ્મીરમાં જ તેમનું નાનપણ અને યુવાની પસાર થયાં. પત્રકાર તરીકેની કરીઅર પણ પીરે કાશ્મીરમાં જ શરૂ કરી અને એ જ કારણે તેની માનસિકતા સુધારવાદી મુસ્લિમો જેવી ડેવલપ થઈ અને એ જ કારણે બશારતે સાચી દિશામાં વાતને રજૂ કરવાની માનસિકતા કેળવી કાશ્મીરમાં પત્રકારિત્વ કરી દુનિયાભર સામે કાશ્મીરની સાચી પરિસ્થિતિ રજૂ કરી. બશારત કહે છે, ‘સૌથી અગત્યનું જો કંઈ હોય તો એ કે તમારે વાત મનાવતાં પહેલાં વાત સાંભળવી પડે. ઊંચો અવાજ કરવાથી સામેની વ્યક્તિ ચૂપ ચોક્કસ થઈ જાય પણ એવું કરવાથી પોતે સાચા છે એવું પુરવાર નથી થતું. કાશ્મીરમાં એ જ બન્યું હતું એવું મારું માનવું છે. બધાને પોતે સાચા છે એવું લાગે છે પણ સાચા પુરવાર કરવા માટે જે પેશન્સ હોવી જોઈએ એ કોઈમાં નથી અને તકલીફ પણ એ એક જ વાતની છે.’

રીડિફથી માંડીને તહલકા, ધ હિન્દુ જેવાં પબ્લિકેશન માટે કામ કરી ચૂકેલા બશારત પીર છેલ્લા દોઢ દશકથી અમેરિકાની ન્યુઝ એજન્સી સાથે જોડાયેલા છે. બશારતે પોતાના કાશ્મીરના અનુભવો ન્યુ યૉર્ક ટાઇમ્સમાં લખ્યા, જેને એવો તો બહોળો રિસ્પૉન્સ મળ્યો કે બશારતે ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’ પર કામ કર્યું. બસરત કહે છે, ‘એ કાશ્મીરની વાતો જેટલી બહાર આવી છે એનાથી અનેકગણી વાતો હજી બહાર આવી નથી. એ આવશે ત્યારે લિટરરી લોકો ધ્રૂજી જશે. આજે કાશ્મીરમાં શાંતિ છે ત્યારે ઘણા એવું માને છે કે એ વાતો હવે બહાર ન આવવી જોઈએ પણ હું કહીશ કે છુપાયેલો જખ્મ હંમેશાં મોટું સ્વરૂપ લે. બહેતર છે કે અત્યારે જ બહાર આવી જાય...’


‘કરફ્યુડ નાઇટ’ અને ફિલ્મ ‘હૈદર’ |  બશારત પીરની લૅન્ગ્વેજથી ફિલ્મ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ એ સ્તર પર ઇમ્પ્રેસ કે તે બશારતના નિયમિત કૉન્ટૅક્ટમાં રહે. ભારદ્વાજે જ્યારે શેક્સપિયરના ડ્રામા ‘હૅમલેટ’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેણે પહેલી વાત બશારતને કરી અને બશારતે જ સજેશન આપ્યું કે આ સ્ટોરી કાશ્મીર પર બેઝ્ડ હોવી જોઈએ. ભારદ્વાજને આઇડિયા ગમ્યો અને તેણે બશારતને જ સ્ટોરી ડેવલપ કરવા કહ્યું અને આમ બશારત સ્ક્રિપ્ટરાઇટિંગની દુનિયામાં આવ્યો. ‘હૈદર’ લખતી વખતે બશારતને સૌથી મોટો ફાયદો પોતાની જ બુક ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’નો થયો અને તેણે પોતાના એ તમામ અનુભવો ફિલ્મની સ્ક્રિપ્ટમાં સામેલ કર્યા. આ જ કારણ છે કે ફિલ્મ ‘હૈદર’ની રોલિંગ ક્રેડિટ્સમાં વિશાલ ભારદ્વાજે અનેક લોકોનો આભાર માનવાની સાથોસાથ ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’નો પણ આભાર માન્યો છે.

બશારત અત્યારે ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’ પરથી વેબ-સિરીઝ પ્લાન કરે છે, જેના માટે ઑલરેડી પ્રોડક્શન હાઉસ પણ ફાઇનલ છે પણ નગ્ન સત્ય જેવી કેટલીક 
હકીકત એક પણ સરકાર સહન નહીં કરી શકે, જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.

સ્ટોરી શૉર્ટકટ
‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’માં વાત છે બશારત પીરની પોતાની. કાશ્મીરમાં જ્યારે વૉરના દિવસો હતા ત્યારે જગત આખું વિકાસની વાતો કરતું પણ કાશ્મીરમાં માત્ર આઝાદીની વાતો થતી. આઝાદી માટે લડતાં બાળકોના મનમાં ઝેર કેવી રીતે ભરવામાં આવતું અને એ ઝેરનો કેવો દુરુપયોગ કરવામાં આવતો એ વાત ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’ છે તો સાથોસાથ ભારત અને પાકિસ્તાન સરકાર પણ આ વૉરનો કેટલો દુરુપયોગ કરતાં એની વાત પણ કહેવામાં આવી છે. ‘કરફ્યુડ નાઇટઃ અ મેમરી ઑફ વૉર ઇન કશ્મીર’માં એક નાના બાળકની નજરથી વાતને જોવામાં આવે છે જે ધીમે-ધીમે મોટો થતો જાય છે અને વધતી ઉંમર સાથે તે મનમાં વેર અને ઝેરને પોષતો થઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2023 07:48 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK