ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ તેમના માસિક ચક્રમાંથી પસાર થઈ રહી હોય ત્યારે ઘરના પુરુષ સભ્યએ મદદરૂપ થવું જોઈએ. અરે, જરૂર પડે તો સૅનિટરી પૅડ પણ લાવીને આપી શકાય.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું જાણું છું કે આ ખૂબ જ સામાન્ય અને સૌથી વધુ ચર્ચિત વિષય છે. હા, હું ફેમિનિઝમ વિશે વાત કરી રહી છું. સામાન્ય માન્યતા એવી છે કે સ્ત્રી સમાનતા એટલે ઘરની દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવું, તેને મનગમતા ડ્રેસિસ પહેરવાની છૂટ આપવી, પાર્ટીમાં જવાની પરવાનગી આપવી. ફેમિનિઝમનો અર્થ આટલો જ છે? એક છોકરી તરીકે અંગત રીતે મારું માનવું છે કે જેમ ચૅરિટીની શરૂઆત ઘરેથી થાય છે, એવી જ રીતે ફેમિનિઝમ પણ ઘરથી શરૂ થાય છે. ઘણાના ઘરમાં જોઉં છું કે લંચ અથવા ડિનર પછી પુરુષો પોતાની થાળી પણ નથી ઉપાડતા. તેમનો ફન્ડા એવો છે કે હું આખો દિવસ બહાર કામ કરીને આવું છું. આ કામ બહેન, પત્ની અને મમ્મીનું છે. ઘરનું કામ કેટલું અગત્યનું છે એ બધા પુરુષો કોવિડ પછી સમજી જ ગયા છે, છતાં સિનારિયો જેમનો તેમ છે. નારીવાદ હજી પણ અસ્તિત્વમાં છે એ જોઈને ખરેખર ઉદાસી અનુભવું છું. ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ તેમના માસિક ચક્રમાંથી પસાર થઈ રહી હોય ત્યારે ઘરના પુરુષ સભ્યએ મદદરૂપ થવું જોઈએ. અરે, જરૂર પડે તો સૅનિટરી પૅડ પણ લાવીને આપી શકાય. આટલા રૂઢિચુસ્ત બનવાની જરૂર નથી. ઘણા પુરુષો પત્નીને લાડ લડાવશે, એના કામ કરી આપશે, પરંતુ બહેન કે મમ્મીને હેલ્પ કરવામાં સંકોચ થાય છે. દૂધ અને શાકભાજીની જેમ સૅનિટરી પૅડની ખરીદી કરવાની છે. એમાં ક્ષોભજનક શું છે? દીકરીને લાડ લડાવવા એનું નામ ફેમિનિઝમ છે? ફેમિનિઝમની વ્યાખ્યા આવા રૂઢિચુસ્ત વિચારોને છોડવામાં છે.
પશ્ચિમના દેશોનું અનુકરણ કરવામાં આપણે સ્માર્ટ છીએ તો તેમની પાસેથી ફેમિનિઝમનો અર્થ પણ સમજવા જેવો છે. વિદેશમાં પુરુષો રસોઈ બનાવવાથી લઈને ડિશ વૉશિંગ જેવા ઘરનાં તમામ કામો કરે છે. ડ્રેસિંગ અને સ્ટાઇલિંગમાં આધુનિક દેશ સાથે પોતાની જાતને સરખાવવી અને જે-તે દેશની વિચારધારાને સ્વીકારવી એ બન્નેમાં મોટો તફાવત છે. ઘરનાં કામકાજ એ 24×7ની નોકરી છે. એમાં રજાઓ હોતી નથી. ભવિષ્યમાં એવા દિવસો આવશે જ્યારે આપણી પાસે ડોમેસ્ટિક હેલ્પરોની પણ અછત સર્જાશે. આવનારા સમયને ધ્યાનમાં રાખી દરેક ઘરમાં પુરુષોએ ખાસ કરીને નવી પેઢીના યુવાનોએ સ્ત્રી સમાનતાના મુદ્દાને જુદી રીતે વિચારવાની તાતી જરૂર છે. મને ગર્વ છે કે અમારા ઘરમાં એની સારી રીતે શરૂઆત થઈ છે.
ADVERTISEMENT
શબ્દાંકન - વર્ષા ચિતલિયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

