મલાડમાં રહેતા અને નિવૃત્ત જીવન કોઈ પણ જાતની ગંભીર શારીરિક સમસ્યાઓ વગર જીવતા ૭૨ વર્ષના જગજીવન સાવલાનું નામ આ જીવંત ઉદાહરણોની યાદીમાં આવે છે. તેમણે ૨૦૦૧માં તેમના ભાઈ માટે એક કિડની ડોનેટ કરી હતી. છેલ્લાં ૨૪ વર્ષથી એક કિડની સાથે તેઓ સ્વસ્થ જીવન જીવે છે.
જગજીવન સાવલા ફૅમિલી સાથે.
એક કિડની સંપૂર્ણ કાર્યક્ષમ હોય તો શરીરનું ફંક્શનિંગ નૉર્મલ ચાલે છે એના જીવંત ઉદાહરણ જેવા ૭૨ વર્ષના જગજીવન સાવલા તેમનું નિવૃત્ત જીવન ખૂબ જ મોજશોખથી જીવી રહ્યા છે. ૨૪ વર્ષ પહેલાં એક કિડની તેમના ભાઈને ડોનેટ કર્યા પછી પણ પહેલાંની જેમ જ રૂટીન લાઇફ જીવીને અંગદાન ખરેખર શ્રેષ્ઠ દાન છે અને એને દાન કરતાં ખચકાટ કે ડર ન અનુભવવો જોઈએ એવો સંદેશ પણ આપે છે
કિડની એવું અંગ છે જે શરીર પાસે બે હોવા છતાં એકથી પણ સંપૂર્ણ જીવન સ્વસ્થ રીતે જીવવું શક્ય છે. આ વાત અનેક જીવંત ઉદાહરણોથી સાબિત થઈ ચૂકી છે. મલાડમાં રહેતા અને નિવૃત્ત જીવન કોઈ પણ જાતની ગંભીર શારીરિક સમસ્યાઓ વગર જીવતા ૭૨ વર્ષના જગજીવન સાવલાનું નામ આ જીવંત ઉદાહરણોની યાદીમાં આવે છે. તેમણે ૨૦૦૧માં તેમના ભાઈ માટે એક કિડની ડોનેટ કરી હતી. છેલ્લાં ૨૪ વર્ષથી એક કિડની સાથે તેઓ સ્વસ્થ જીવનનો આનંદ ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
કિડની દાન કરવાનો નિર્ણય
જગજીવનભાઈને પાંચ ભાઈઓ અને એક બહેન. જગજીવનભાઈના નાના ભાઈ કલકત્તામાં રહેતા હતા. પરિવારથી દૂર અને જીવનથી હતાશ થઈ ગયા હોવાથી તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નહોતા. પરિણામે કિડનીની સમસ્યા ઊભી થઈ એમ જણાવતાં જગજીવનભાઈ કહે છે, ‘ભાઈની કિડનીની હેલ્થ નાદુરસ્ત હોવાની ખબર પડી એ સમયે ડૉક્ટરે ડાયાલિસિસની ભલામણ કરી હતી, પણ મારો એક ભાઈ અમેરિકામાં રહેતો હતો અને MD ડૉક્ટર હતો. તેણે ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય અને સરખું ધ્યાન રખાય તો આયુષ્ય થોડું વધે છે એવી સમજણ પડતાં આખો પરિવાર ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી થયો. એટલું જ નહીં, મારો મોટો ભાઈ, પપ્પા અને હું તરત જ કિડની ડોનેટ કરવા તૈયાર થઈ ગયા. ઘરના સભ્ય માટે વધુ લાગણી તો હોય જ છે, પણ માનવતાની દૃષ્ટિએ પણ જો કોઈને જરૂર હોત તો તેને પણ મેં આપી જ હોત. ફક્ત કિડની ડોનેટ કરવાનું મન બનાવવાથી કંઈ નથી થતું, એના માટે અમુક એલિજિબિલિટી ટેસ્ટ હોય છે. એની સાઇઝ ચેક થયા બાદ નક્કી થાય છે કે એ કિડની દરદીના શરીરમાં ફિટ બેસી શકશે કે નહીં. અમારા ત્રણેયની ટેસ્ટ થયા બાદ મારી કિડની મારા ભાઈ સાથે બરાબર મૅચ થઈ રહી હતી. મને તો બહુ ખુશી થઈ કે મારા ભાઈના દુખમાં હું કામ આવી શક્યો. મને ડર કરતાં વધારે મારા ભાઈની ચિંતા હતી કે તે સાજો થઈ જાય બસ. મારી કિડની આપવામાં આવશે એવો નિર્ણય લેવાયા બાદ મારી પત્ની થોડી ચિંતામાં આવી ગઈ : કિડની ડોનેટ કર્યા બાદ મારી હેલ્થ સારી રહેશે કે નહીં? કોઈ સાઇડ-ઇફેક્ટ્સ તો નહીં થાયને? જોકે ડૉક્ટરે વિગતે સમજાવ્યું કે એક કિડની પર પણ શરીર સારી રીતે કામ કરી શકે છે. બધી ટેસ્ટ થઈ ગયા બાદ ઑપરેશનની તારીખ આવી એ સમયે પર્યુષણ ચાલતા હતા. આથી ફૅમિલીએ પર્યુષણ પતે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું અને ડૉક્ટર સહમત થયા. ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ શરીર બહારથી આવેલા અંગને ઍક્સેપ્ટ કરે છે કે નહીં એની નિગરાની રાખવી પડે છે. બધું જ ધાર્યા અનુસાર ચાલી રહ્યું હતું, પણ કિસ્મતને તો કંઈક બીજું જ મંજૂર હતું. ટ્રાન્સપ્લાન્ટ થયાના છઠ્ઠા દિવસે મારા ભાઈનો દેહાંત થયો. આ ઘટનાએ દુ:ખ તો આપ્યું, પણ કિડની દાન કરવાનો મારો નિર્ણય મારી નજરે આજે પણ યોગ્ય અને માનવતાપૂર્ણ જ છે.’

ધર્મપત્ની હંસાબહેન અને દીકરા-વહુ સાથે જગજીવનભાઈ સાવલા.
એક કિડની ઇનફ છે
કિડની દાન કર્યા બાદ લાઇફ કઈ રીતે ચેન્જ થઈ છે એ સવાલનો જવાબ આપતાં જગજીવનભાઈ કહે છે, ‘કિડની ડોનેટ કર્યા બાદ થોડા સમય માટે શરીરમાં ખાલી જગ્યા થઈ ગઈ હોય એવી ફીલિંગ આવે, પણ પછી બધું જ નૉર્મલ થઈ જાય. દૈનિક જીવનમાં, કામકાજમાં, ચાલવા-ફરવામાં, ખાવા-પીવામાં કોઈ તકલીફ આવતી નથી. હું તો સવારે મારા ફ્રેન્ડ્સ સાથે લગોરી રમવા જાઉં, સ્વિમિંગ કરું. કિડની ડોનેટ કર્યા બાદ શારીરિક, માનસિક અને વૈવાહિક જીવનમાં પણ કોઈ સાઇડ-ઇફેક્ટ્સ થતી નથી. સમાજમાં એવી ઘણી ગેરસમજ ફેલાયેલી છે જે લોકોમાં ડર અને ખચકાટ પેદા કરે છે : કિડની આપવાથી જીવન નબળું અને આયુષ્ય ઓછું થઈ જાય છે, કિડનીદાન પછી આપણી કાર્યક્ષમતા ઘટી જાય છે, ડાયટમાં ઘણાબધા પ્રતિબંધો આવી જાય છે, આજીવન દવા ખાવી પડે છે. આ બધું જ મિથ છે. આવું કંઈ જ થતું નથી. કિડની ડોનેટ કર્યા બાદ ડૉક્ટર જણાવે એ મુજબ થોડા સમય પૂરતું ધ્યાન રાખવું પડે, પણ પછી તમે તમારી મરજીના માલિક છો, તમને જે ઇચ્છા થાય એ કરવાની પૂરી છૂટ છે. મને શ્વસનમાં સમસ્યા છે, પણ એ માટે પમ્પ સાથે હોય એટલે વાંધો આવે નહીં. બાકી હું ફિઝિકલી અને મેન્ટલી એકદમ ફિટ ઍન્ડ ફાઇન છું. એક મેડિકલ અભ્યાસ મુજબ ૧૦૦માંથી બે લોકો જન્મથી જ એક જ કિડની ધરાવતા હોય છે અને ત્રણ લોકોની એક કિડની અડધું જ કામ કરે છે છતાં તેઓ આખું જીવન સ્વસ્થ રીતે જીવે છે. આ સત્ય મેડિકલી સ્વીકારવામાં આવ્યું છે. દાન શ્રેષ્ઠ હોય છે, પણ અંગદાન સર્વશ્રેષ્ઠ હોય છે. કિડનીની સાથે લિવરનું દાન પણ શક્ય છે. એનો એક ભાગ દાન કરીએ તો એ પાછું રીજનરેટ થઈ શકે.’
બનના થા ડૉક્ટર, બન ગએ ફોટોગ્રાફર
જગજીવનભાઈનું જીવન પહેલેથી જ રોલરકોસ્ટર રાઇડ જેવું રહ્યું છે. તેમને ડૉક્ટર બનવાની ઇચ્છા હતી, પણ પ્રવેશ-પરીક્ષામાં બે માર્ક્સથી રહી જતાં મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો નહીં અને અંતે BSc કરવું પડ્યું. તેમને ઝૂઓલૉજીનું નૉલેજ છે. પરિવાર સાથે મળીને પ્લાસ્ટિક મૂર્તિ બનાવવાની ફૅક્ટરીમાં થોડો સમય કામ કર્યું, પરંતુ એ ક્ષેત્ર અનુકૂળ લાગ્યું નહીં એમ જણાવીને તેમની કરીઅર વિશે જગજીવનભાઈ કહે છે, ‘ગોરેગામની પાટકર કૉલેજમાં ડિગ્રી હાંસલ કરી એ દરમ્યાન મારા પપ્પાના ફ્રેન્ડ જપાનથી કૅમેરા લાવ્યા હતા. ૧૯૭૫માં એ ચલાવતાં શીખ્યો અને એમાં રસ જાગ્યો હોવાથી એમાં કરીઅર બનાવવાનું નક્કી કર્યું. ૧૯૮૦માં મેં પોતાનો ફોટો-સ્ટુડિયો શરૂ કર્યો. પછી ફોટોની ફિલ્મ રોલ પ્રોસેસિંગ લૅબ પણ શરૂ કરી. સમય બદલાતાં આલબમને બદલે પેન ડ્રાઇવનાં યુનિક બૉક્સ બનાવવાનું શરૂ કર્યું. ૨૦૧૫થી હું નિવૃત્ત લાઇફ જીવું છું. પત્ની હંસા સાથે હરુંફરું છું. અમે બન્નેએ કારમાં ઉત્તર ભારત અને દિક્ષણ ભારતને સારી રીતે એક્સપ્લોર કર્યું છે. બૅન્ગલોર, કોચી, તિરુપતિ, વડોદરા, જયપુર, ચંડીગઢ, શિમલા, હિમાચલની સ્પીતિ વૅલી બહુ સારી રીતે ફર્યા છીએ. લાઇફને ફુલ્લી એન્જૉય કરું છું. હજી પણ લાઇફ ચાન્સ આપે તો મારે ફરવું છે.’


