આવું કારણ આપીને ગુજરાતના પુરુષે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના એક પુરુષે છૂટાછેડા માટે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને દાવો કર્યો છે કે પત્નીના રખડતા શ્વાનો પ્રત્યેના પ્રેમને લીધે તેમના લગ્નજીવન પર ગંભીર અસર થઈ છે. તેના આરોપોમાં ક્રૂરતા ઉપરાંત પત્નીની રખડતા શ્વાનોને ઘરમાં લાવવાની અને તેમને તેમની સાથે બેડ શૅર કરવા દબાણ કરવાની આદત વગેરેનો સમાવેશ છે. ગુજરાત હાઈ કોર્ટ આ કેસની સુનાવણી પહેલી ડિસેમ્બરે કરશે.
ફૅમિલી કોર્ટે છૂટાછેડાની અરજી ફગાવી દીધી એ પછી પતિએ હાઈ કોર્ટમાં દાદ માગી હતી, જેને પગલે ગુજરાત હાઈ કોર્ટે પત્નીને આ બાબતમાં નોટિસ ફટકારી હતી.
ADVERTISEMENT
પતિની ફરિયાદ મુજબ રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સના લોકોનો વિરોધ હોવા છતાં તેની પત્ની અમદાવાદમાં તેના ઘરે એક રખડતા શ્વાનને લાવી ત્યારથી તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે શ્વાન તેના માટે અને અન્ય રહેવાસીઓ માટે જોખમી હતો અને નાણાકીય મુશ્કેલીઓને કારણે પાલતુ પ્રાણીનું પાલન-પોષણ કરવું મુશ્કેલ બન્યું હતું. પતિએ વધુમાં દાવો કર્યો હતો કે પત્ની પાછળથી વધુ શ્વાનોને તેમના ઘરમાં લાવી હતી, જેને કારણે ગંદકીના કારણે પાડોશીઓ તરફથી ફરિયાદો થવા લાગી હતી. શ્વાનો તેના પર વારંવાર હુમલો કરતા હતા. પત્ની વારંવાર પલંગમાં શ્વાનને સુવડાવવાનો આગ્રહ રાખતી હતી અને જો તે પત્નીની બાજુમાં સૂવાનો પ્રયાસ કરે તો શ્વાન તેને કરડતો હતો.
રેડિયો-સ્ટેશન પર મજાક ઉડાવી
પતિએ કથિત ક્રૂરતાના અન્ય બનાવોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેની પત્ની દ્વારા રેડિયો-સ્ટેશન દ્વારા આયોજિત એપ્રિલ ફૂલની મજાકનો પણ સમાવેશ થાય છે જેમાં જાહેરમાં તેના પર લગ્નેતર સંબંધનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે આ સ્ટન્ટથી તેના મિત્રો, સાથીદારો અને જનતા સમક્ષ શરમજનક લાગ્યું હતું. આ ઘટનાઓના તનાવથી તેને ડાયાબિટીઝ અને અન્ય રોગ થયા હતા.
૨૦૦૧માં મળ્યા, ૨૦૦૬માં લગ્ન
પતિ-પત્ની ૨૦૦૧માં એકબીજાને મળ્યાં હતાં અને ૨૦૦૬માં લગ્ન કર્યાં હતાં. પતિએ શરૂઆતમાં ૨૦૧૨માં બૅન્ગલોરમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે ૨૦૧૬માં અધિકારક્ષેત્રના મુદ્દાઓને ટાંકીને કેસ પાછો ખેંચી લીધો હતો. અમદાવાદની એક ફૅમિલી કોર્ટે ફેબ્રુઆરી ૨૦૨૪માં તેની અરજી ફગાવી દીધી હતી, જેના કારણે હાઈ કોર્ટ સમક્ષ હાલની અપીલ દાખલ કરવામાં આવી હતી.


