બિહારમાં વિરાટ વિજય પછી નરેન્દ્ર મોદીએ કહ્યું...
બિહારમાં ભવ્ય વિજય પછી દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ બિહારી સ્ટાઇલમાં ગમછો લહેરાવીને પાર્ટીના કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. આ કાર્યક્રમમાં બિહારની આગવી ઓળખ સમાન મખાનાના હારથી વડા પ્રધાનનું સન્માન કરવામાં આવ્યું હતું.
બિહારમાં BJPની જીત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં BJP હેડક્વૉર્ટર પરથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે BJPએ બિહારમાં એટલી બેઠકો જીતી છે જેટલી કૉન્ગ્રેસ છેલ્લી છ વિધાનસભા ચૂંટણીઓમાં નથી જીતી શકી.
કૉન્ગ્રેસ પાર્ટી ફરી એક વાર તૂટી શકે છે એમ જણાવીને નરેન્દ્ર મોદીએ આ સંબોધનમાં એવું પણ કહ્યું હતું કે ‘બિહારની ભૂમિએ ભારતને લોકશાહીની માતા બનવાનું ગૌરવ આપ્યું છે. આજે બિહારે એવી શક્તિઓને હરાવી છે જે લોકશાહી પર હુમલો કરતી હતી. હવે આવનારાં પાંચ વર્ષ બિહારની વિકાસયાત્રા તેજ ગતિથી આગળ વધવાની છે. હું દેશ અને દુનિયાના ઇન્વેસ્ટર્સને કહું છું કે બિહાર તમારું સ્વાગત કરવા તૈયાર છે.’
ADVERTISEMENT
બીજું શું બોલ્યા નરેન્દ્ર મોદી?
* બિહારે બતાવી દીધું કે જૂઠાણું હારે છે, જનવિશ્વાસ જીતે છે.
* યુવાનો મતદારયાદીના શુદ્ધીકરણને બહુ ગંભીરતાથી લઈ રહ્યા છે. બિહારના યુવાનોએ આ કામગીરીને જબરદસ્ત સપોર્ટ આપ્યો હતો.
* યુવાનોને હું ખાસ અભિનંદન આપું છું. તેમનાં સપનાંઓ અને આકાંક્ષાઓએ જંગલરાજની જૂની અને સાંપ્રદાયિક MY ફૉર્મ્યુલાનો નાશ કરી દીધો છે.
* આજની વિરાટ જીતે નવી સકારાત્મક MY ફૉર્મ્યુલા આપી છે. એમાં M એટલે મહિલા અને Y એટલે યુથ છે.
* બિહારની ભૂમિ પર ફરી કદી જંગલરાજ પાછું નહીં ફરે.


