રહેણાક વિસ્તારમાં ઘૂસીને ૮ જણને ઘાયલ કર્યા, બે કલાક સુધી ઘરમાં અને દુકાનમાં ઘૂસીને લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા
વનવિભાગની ક્વિક રિસ્પૉન્સ ટીમ, પોલીસ અને સ્વયંસેવકોએ મળીને દીપડાને પકડ્યો હતો
પુણે જિલ્લા બાદ નાશિકમાં પણ દીપડાએ તરખાટ મચાવ્યો છે. આ મહિનામાં ત્રીજી વાર નાશિક જિલ્લામાં દીપડાના હુમલાએ હાહાકાર મચાવ્યો હતો. શુક્રવારે બપોરે નાશિકના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઘૂસી ગયેલા દીપડાને પકડવાના પ્રયાસમાં વનવિભાગના બે કર્મચારીઓ સહિત આઠ લોકો ઘાયલ થયા હતા.
ગઈ કાલે નાશિકના ગીચ રહેણાક વિસ્તારોમાં બે દીપડા ઘૂસી ગયા હતા જેમાંથી એક દીપડો ભાગી ગયો હતો અને બીજો દીપડો એક ઘરમાંથી બીજા ઘરમાં અને દુકાનોમાં ઘૂસતો હતો. હિંસક બનેલા દીપડાએ બે જણને ઘાયલ કર્યા હતા.
ADVERTISEMENT
વનવિભાગની ક્વિક રિસ્પૉન્સ ટીમ, પોલીસ અને સ્વયંસેવકોએ મહામહેનતે બે કલાકની જહેમત બાદ દીપડાને પકડ્યો હતો. દરમ્યાન આખા વિસ્તારમાં લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. એ પછી દીપડાને વન્યજીવન સારવાર કેન્દ્રમાં લઈ જવાયો હતો. રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગના પ્રધાન ગિરીશ મહાજને ઘટનાસ્થળે પહોંચીને બચાવ-કામગીરીની સમીક્ષા કરી હતી અને ઘાયલોને વળતર આપવાની જાહેરાત કરી હતી.


