સાંજે ૪.૪૫ વાગ્યે નાની રેડ ટ્રૉલી-બૅગ નધણિયાતી પડી હોવાનું જણાતાં સિક્યૉરિટીને જાણ કરવામાં આવી હતી
બૅગ ખોલ્યા બાદ એમાંથી કપડાં અને અન્ય વસ્તુઓ નીકળી હતી
દિલ્હીમાં થયેલા કાર-બ્લાસ્ટ અને એ મૉડ્યુલ્સ દ્વારા દેશભરમાં કાર-બ્લાસ્ટ કરવાનું ષડ્યંત્ર રચાયું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યા બાદ બધી સિક્યૉરિટી-એજન્સીઓને સાબદી રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પાસેના બસ-ડેપોમાં એક નધણિયાતી બૅગ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી.
સાંજે ૪.૪૫ વાગ્યે નાની રેડ ટ્રૉલી-બૅગ નધણિયાતી પડી હોવાનું જણાતાં સિક્યૉરિટીને જાણ કરવામાં આવી હતી. એ પછી તરત એની જાણ મુંબઈ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષિતતાની દૃષ્ટિએ બસ-ડેપો ખાલી કરાવ્યો હતો. આ નધણિયાતી બૅગની માહિતી બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS)ને આપવામાં આવતાં એના ઑફિસરો આવી પહોંચ્યા હતા. તેમણે સ્કૅનરથી પહેલાં બૅગને બહારથી સ્કૅન કરી હતી. એ પછી એમાં કશું પણ શંકાસ્પદ ન જણાતાં બૅગ ખોલી હતી. એ બૅગમાંથી કપડાં અને અન્ય વસ્તુઓ નીકળી હતી. પોલીસે ત્યાર બાદ ફરી પાછો બસ-ડેપો રાબેતા મુજબ શરૂ કરવાની પરવાનગી આપી હતી.


