Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિન્ટેજ બાઇક્સ અને સ્કૂટર્સનું કલેક્શન જોવું હોય તો ડોમ્બિવલીના આ કાકા પાસે પહોંચી જજો

વિન્ટેજ બાઇક્સ અને સ્કૂટર્સનું કલેક્શન જોવું હોય તો ડોમ્બિવલીના આ કાકા પાસે પહોંચી જજો

Published : 14 November, 2026 02:22 PM | Modified : 14 November, 2026 02:35 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

બાઇક પ્રત્યેનો ક્રેઝ મોટા ભાગના પુરુષોમાં જોવા મળે છે, પણ વિન્ટેજ બાઇક્સનું કલેક્શન કરીને એને ચાર દાયકાથી સાચવી રાખવાનો ક્રેઝ બહુ જ જૂજ લોકોમાં જોવા મળે છે અને આવો જ શોખ ડોમ્બિવલીમાં રહેતા સત્યેન્દ્ર નવરેને છે.

સત્યેન્દ્ર નવરે અને તેમના ભાઈ આશિષ નવરે

સત્યેન્દ્ર નવરે અને તેમના ભાઈ આશિષ નવરે


બાઇક પ્રત્યેનો ક્રેઝ મોટા ભાગના પુરુષોમાં જોવા મળે છે, પણ વિન્ટેજ બાઇક્સનું કલેક્શન કરીને એને ચાર દાયકાથી સાચવી રાખવાનો ક્રેઝ બહુ જ જૂજ લોકોમાં જોવા મળે છે અને આવો જ શોખ ડોમ્બિવલીમાં રહેતા સત્યેન્દ્ર નવરેને છે. કિક મારીને સ્ટાર્ટ થતી બાઇક્સને તેઓ માત્ર ગૅરેજમાં સાચવતા નથી, રસ્તા પર ચલાવે પણ છે. દિવાળીમાં તેમણે પોતાના કલેક્શનનું એક્ઝિબિશન રાખ્યું હતું એ આખા ડોમ્બિવલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

બાઇક માત્ર ટ્રાન્સપોર્ટનું સાધન હોય તો એકાદ-બે ગાડી પૂરતી છે, પણ જો બાઇક માટે ક્રેઝ હોય તો ૪૦ બાઇક્સ પણ ઓછી પડે. કોઈ ગાડીના નવા મૉડેલ પાછળ દોડે છે, તો કોઈ જૂની થઈ ગયેલી ગાડીને ફરી રસ્તા પર દોડતી કરવાની મજા માણે છે. ડોમ્બિવલીના ૭૧ વર્ષના સત્યેન્દ્ર નવરે એવા જ બાઇકપ્રેમી છે, જેમણે શોખને માત્ર શોખ ન રહેવા દઈને છેલ્લા ચાર દાયકામાં ૬૦થી વધુ વિન્ટેજ બાઇક્સ અને સ્કૂટર્સનો જીવંત વારસો ઊભો કર્યો છે. મૅચલેસ મોટરસાઇકલથી શરૂ થયેલી આ સફરમાં જાવા, યઝ્દી, બુલેટ, વેસ્પા, લૅમ્બ્રેટા, ટ્રાયમ્ફ, AJS અને BSA જેવી અનેક બાઇક્સ જોડાતી ગઈ. ૬૦થી વધુ વિન્ટેજ બાઇક્સ અને સ્કૂટર્સનું કલેક્શન માત્ર ગાડીઓનો સંગ્રહ નથી, ઑટોમોબાઇલના એક એવા યુગનો જીવંત વારસો છે જે આજે ધીમે-ધીમે અદૃશ્ય થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ગાડીઓ તેમના ગૅરેજમાં માત્ર ધૂળ ખાતી ઊભી નથી, આજે પણ કિક મારીને સ્ટાર્ટ થાય છે અને રસ્તા પર દોડે છે. બાઇકપ્રેમ કેવો હોવો જોઈએ એ જાણવું હોય તો સત્યેન્દ્ર નવરેનું ગૅરેજ એક વખત ચોક્કસ જોવું પડે.



પિતાની મૅચલેસ બની પ્રેરણા


૧૯૭૦નું ઇટાલિયન વેસ્પા સ્કૂટર


સૌથી પહેલી બ્રિટિશ કંપનીની મૅચલેસ મોટરસાઇકલ.

સત્યેન્દ્ર નવરે માટે વિન્ટેજ ગાડીઓનો શોખ કોઈ એક દિવસમાં નહોતો જાગ્યો. એની પાછળ પરિવાર સાથે જોડાયેલી ચાર દાયકાની સફર છે. વાત એમ છે કે તેમના પિતાએ ૧૯૬૫માં મિલિટરીના ઑક્શનમાંથી બ્રિટિશ બનાવટની ત્રણ ‘મૅચલેસ’ મોટરસાઇકલ ખરીદી હતી અને ઘરે લઈ આવીને રિપેર કરીને ફરી રસ્તા પર દોડતી કરી હતી. એ સમયના અનુભવને યાદ કરતાં સત્યેન્દ્ર નવરે કહે છે, ‘મૅચલેસમાં વપરાયેલી બ્રિટિશ ટેક્નૉલૉજી અને મોટરસાઇકલને ફરી જીવંત બનતી જોતાં મને બહુ ફૅસિનેટિંગ લાગ્યું. ત્યાંથી જ વિન્ટેજ ગાડીઓ પ્રત્યેનો મારો ક્રેઝ વધતો ગયો. ત્યાર બાદ નક્કી કર્યું કે એક જ ગાડી પૂરતી નથી, અલગ-અલગ કંપની અને મૉડલની ગાડીઓ શોધીને એને રિસ્ટોર કરવી છે. આ રીતે ૧૯૮૫થી વિન્ટેજ અને ક્લાસિક બાઇક્સના કલેક્શનની શરૂઆત થઈ.’

ટેક્નિકલ જ્ઞાન પણ મેળવ્યું

વિન્ટેજ ગાડીઓ સાચવવી હોય તો માત્ર ગાડી ખરીદવી પૂરતી નથી. એના મેકૅનિઝમ, એન્જિન અને જૂની ટેક્નૉલૉજીની સમજ પણ જરૂરી છે. આ માટે સત્યેન્દ્ર નવરેએ અંબરનાથની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ (ITI)માંથી મોટર મેકૅનિક અને ઑટોમોબાઇલનો અભ્યાસ કર્યો. આ વિશે વધુમાં જણાવતાં સત્યેન્દ્રભાઈ જણાવે છે, ‘પહેલાંના સમયમાં આવી ગાડીઓ રસ્તા પર સામાન્ય રીતે જોવા મળતી હતી, એટલે એના સ્પેરપાર્ટ‍્સ પણ સરળતાથી મળી જતા. આજે પરિસ્થિતિ અલગ છે. ગાડીઓનું ઉત્પાદન વર્ષો પહેલાં બંધ થઈ ગયું હોવાથી ઓરિજિનલ સ્પેરપાર્ટ‍્સ મળવા મુશ્કેલ છે અને એને સમજતા મેકૅનિક પણ બહુ ઓછા રહ્યા છે. જૂની અને નવી ગાડીઓ વચ્ચેનો સૌથી મોટો તફાવત એની રિપેરિંગ સિસ્ટમમાં છે. આજની ગાડીઓમાં ઇલેક્ટ્રૉનિક પાર્ટ‍્સનું પ્રમાણ વધારે છે. પાર્ટ બગડે તો ઘણી વખત આખો પાર્ટ બદલવો પડે, જ્યારે અમારી જૂની ગાડીઓમાં મેકૅનિકલ સિસ્ટમ છે. ઘણા પાર્ટ‍્સને રિપેર કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. એટલે જૂની ગાડીમાં હાથથી કામ કરવાની મજા પણ અલગ છે.’

સ્પેરપાર્ટ‍્સ શોધવા દુનિયા ફરી

કલેક્શન વધતું ગયું એમ ગાડીઓના સ્પેરપાર્ટ‍્સ શોધવાનું કામ પણ પડકારરૂપ બનતું ગયું એમ જણાવતાં સત્યેન્દ્ર નવરે કહે છે, ‘હું પાક્કો બાઇકપ્રેમી હતો તેથી કલેક્શન કરવા માટે મને જ્યાંથી માહિતી મળે ત્યાં બાઇક લેવા પહોંચી જતો. મુંબઈના ચોરબજારથી લઈને પુણે, નાશિક, બૅન્ગલોર, દિલ્હી, ઇન્દોર, સાઉથ ઇન્ડિયા, ગુજરાત અને ઝારખંડના જમશેદપુર સુધી બાઇક્સ અને સ્પેરપાર્ટ‍્સની શોધખોળ કરી છે. પહેલાં સ્પેરપાર્ટ‍્સ માટે જાતે જ અલગ-અલગ શહેરોમાં જવું પડતું. હવે ઇન્ટરનેટ, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામને કારણે દેશના અલગ-અલગ ભાગોમાં બેઠેલા લોકો સાથે સંપર્ક થઈ જાય છે. કોઈ પાસે જૂનો પાર્ટ હોય કે કોઈ જૂની ગાડી વેચવાની હોય તો એના વિશે માહિતી મળી જાય છે.’

અઢળક બાઇક્સનું કલેક્શન

આજે સત્યેન્દ્ર નવરેના કલેક્શનમાં બાઇક્સ અને સ્કૂટર્સ મળીને આશરે ૬૦ જેટલાં વાહનો છે. મૅચલેસ બાદ જાવા બાઇક તેમના કલેક્શનમાં આવી. ત્યાર બાદ સ્કૂટર્સ તરફ વળતાં ૧૯૬૩નું ઓરિજિનલ ઇટાલિયન મૉડલ વેસ્પા, બજાજ સ્કૂટર અને લૅમ્બ્રેટા પણ કલેક્શનનો ભાગ બન્યાં.

ઘરની પાસેના પ્લૉટમાં પાર્ક થયેલી બાઇક્સ

વર્લ્ડ વૉર 2ના સમયની ટ્રાયમ્ફ મિલિટરી મોટારસાઇકલ

આ ઉપરાંત યઝ્દી, ટ્રાયમ્ફ, AJS, BSA અને રૉયલ એનફીલ્ડ જેવી જાણીતી કંપનીઓની બાઇક્સ પણ તેમના ગૅરેજમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ કલેક્શન માત્ર ભૂતકાળ સુધી સીમિત નથી. એમાં ૨૦૨૪નું હૉન્ડા હાઇનેસ મૉડલ પણ સામેલ છે એમ જણાવતાં સત્યેન્દ્રભાઈ કહે છે, ‘મારા હિસાબે લગભગ દરેક પ્રકારની ક્લાસિક ગાડી મારા કલેક્શનમાં આવી ગઈ છે. દરેક ગાડી સાથે એની પોતાની કહાની છે. એટલે મારા માટે આ માત્ર વાહન નથી, એક સમય અને ટેક્નૉલૉજીને સાચવવાનો પ્રયાસ છે.’

ફક્ત ગૅરેજમાં જ નથી રહેતી

વિન્ટેજ ગાડીઓનું કલેક્શન કરનારા ઘણા લોકો એને માત્ર શોભા માટે સાચવે છે, પરંતુ સત્યેન્દ્ર નવરેનો અભિગમ અલગ છે. તેઓ આજે પણ પોતાની ગાડીઓ નિયમિત ચલાવે છે. એક અઠવાડિયે મૅચલેસ, બીજા અઠવાડિયે બુલેટ અને ત્રીજા અઠવાડિયે જાવા-યઝ્દી ચલાવવાની તેમની પોતાની સિસ્ટમ છે. તેઓ કહે છે, ‘આ ગાડીઓ ચલાવવાની મજા જ અલગ છે. કિક મારવી પડે, ક્લચ દબાવીને ગિઅર બદલવું પડે. આજની સેલ્ફ-સ્ટાર્ટ ગાડીઓ ચલાવનારા ઘણા યુવાનોને તો આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એની પણ ખબર નથી. રસ્તા પર જૂની ગાડી લઈને નીકળો એટલે અચાનક કોઈ મુશ્કેલી ઊભી થવાની શક્યતા રહે જ. પ્લગ શૉર્ટ થઈ જાય, કેબલ તૂટી જાય કે ગાડી બંધ પડી જાય; તો એના માટે તૈયાર રહેવું પડે છે. અમે સ્પેર કેબલ, પ્લગ, સ્પૅનર અને જરૂરી ટૂલકિટ સાથે રાખીએ છીએ. ટાયર પંક્ચર થાય તો ખોલીને ફિટિંગ કરવાનું કામ પણ જાતે કરી લઈએ છીએ.’

ગૅરેજ નહીં, વિન્ટેજ મ્યુઝિયમ

મુંબઈ અને થાણે જેવાં શહેરોમાં એક ગાડી પાર્ક કરવી મુશ્કેલ હોય ત્યારે ૬૦થી વધુ ગાડીઓ માટે જગ્યા મેળવવી એ મોટો પડકાર છે. જોકે ડોમ્બિવલીના રામનગર વિસ્તારમાં રહેતા સત્યેન્દ્ર નવરે પાસે આ માટે પૂરતી જગ્યા છે. તેમની પોતાની જગ્યામાં અગાઉ લાકડાની વખાર ચાલતી હતી. સૉ મિલ બંધ થયા બાદ આ જગ્યાનો ઉપયોગ વિન્ટેજ ગાડીઓના ગૅરેજ અને પાર્કિંગ તરીકે કર્યો છે.

સફાઈ દરમ્યાન એક્ઝિબિશનનો વિચાર

તાજેતરમાં દિવાળી દરમ્યાન ગૅરેજની સફાઈ ચાલી રહી હતી. સત્યેન્દ્ર નવરે, તેમના મિત્ર અને નાના ભાઈ આશિષ નવરે મળીને ગાડીઓને બહાર કાઢીને પાણીથી સાફ કરી રહ્યા હતા. સાંજે લગભગ પાંચ-છ વાગ્યાના સમયે એક વિચાર આવ્યો કે આવતી કાલે દિવાળીનો પહેલો દિવસ છે તો કેમ નહીં આ ગાડીઓનું એક્ઝિબિશન રાખીએ? વિચાર આવ્યો અને થોડા જ કલાકોમાં એને અમલમાં મૂકી દેવામાં આવ્યો. તેમની દુકાન સામેની ખુલ્લી જગ્યામાં અંદાજે ૪૦ જેટલી બાઇક્સ રાખી શકાય એમ હતું. પરિચિતના માધ્યમથી મરાઠી અખબારમાં પ્રદર્શન વિશે સમાચાર પણ આપવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે ૬ વાગ્યે ઊઠીને તમામ ગાડીઓને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી અને દિવાળીના દિવસે રસ્તા પર એક અનોખું વિન્ટેજ બાઇક એક્ઝિબિશન ઊભું થઈ ગયું.

ડોમ્બિવલીના ફડકે રોડ પર યોજાતા ‘દિવાળી પહાટ’ કાર્યક્રમ અને સ્ટેશન તરફથી આવતી-જતી મોટી સંખ્યામાં લોકોના કારણે પ્રદર્શનને અણધાર્યો પ્રતિસાદ મળ્યો. ખાસ કરીને યુવાનો માટે આ ગાડીઓ જાણે બીજા જ યુગની વસ્તુ હોય એમ હતી. એક્ઝિબિશન દરમ્યાન લોકો સાથે થયેલા અનુભવ વિશે વાત કરતાં સત્યેન્દ્રભાઈ કહે છે, ‘ઘણા યુવાનો આવી ગાડીઓ પહેલી વાર જોઈ રહ્યા હતા. કોઈ પૂછતું કે આ ગાડી ક્યાંથી લાવ્યા? કોઈ પૂછતું કે પેટ્રોલ છે કે ડીઝલ? કેટલાક તો એવું પણ પૂછતા કે આ ગાડીઓ વેચવા માટે રાખી છે? જોકે મારી એકેય ગાડી ડીઝલવાળી છે જ નહીં. મારા ભેગા કરેલા વારસાને લોકો સુધી પહોંચાડી શકું, આજની પેઢીને એ માહિતી આપી શકું કે પહેલાંના જમાનામાં આવી બાઇક્સ હતી એ હેતુથી મેં એક્ઝિબિશન ગોઠવ્યું હતું. ઘણા પુરુષોને તો બાઇક્સ જોતાં પોતાના જમાનાની યાદ આવી ગઈ અને એમને નૉસ્ટૅલ્જિક ફીલિંગ આપીને મને બહુ આનંદ થયો. લોકો આવી વિન્ટેજ ગાડીઓ જોઈને એવું બોલતા કે જાણે આ કોઈ ‘અબ્દુલ નારાયણ ડિસોઝા’ જેવી ભેળપૂરી કે મિક્સ ગાડી છે. એટલે કે અલગ-અલગ ગાડીઓના સ્પેરપાર્ટ‍્સ ભેગા કરીને બનાવી હોય એવું લોકોને લાગતું હતું. આ સાંભળીને પહેલાં તો મને હસવું આવ્યું, પણ તેમની નિખાલસતાને જોઈને પછી અમારે તેમને ઇન્ટરનેટ પર ઓરિજિનલ મૉડલના ફોટો અને એનો ઇતિહાસ બતાવીને સમજાવવું પડતું કે આ ખરેખર કંપનીના ઓરિજિનલ મૉડલ છે.’

પરિવાર પણ આ વારસાનો ભાગ

સત્યેન્દ્ર નવરે માટે આ કલેક્શન એક વ્યક્તિનો શોખ નથી. તેમના ૫૭ વર્ષના નાના ભાઈ આશિષ નવરે આ સમગ્ર સફરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બહારગામથી ગાડીઓ કે સ્પેરપાર્ટ‍્સ લાવવાના હોય કે ટ્રાન્સપોર્ટેશનનું કામ હોય, આશિષ હંમેશાં મદદ કરે છે. પરિવારનો મુખ્ય વ્યવસાય ગૅસ-એજન્સીનો છે, પરંતુ વિન્ટેજ ગાડીઓનો શોખ પણ હવે પરિવારની ઓળખનો એક ભાગ બની ગયો છે. પરિવારમાં ૯૩ વર્ષીય માતા, પત્ની, દીકરો, પરણેલી દીકરી, નાનો ભાઈ આશિષ, તેની પત્ની, બે દીકરા અને પુત્રવધૂ છે.

વિન્ટેજ બાઇક્સ અને સ્કૂટર્સ

૧૯૭૦ના દાયકાનું બજાજ ચેતક

આ જગ્યાનો ઉપયોગ વિન્ટેજ ગાડીઓના ગૅરેજ અને પાર્કિંગ તરીકે કર્યો છે.

સફાઈ દરમ્યાન એક્ઝિબિશનનો વિચાર

તાજેતરમાં દિવાળી દરમ્યાન ગૅરેજની સફાઈ ચાલી રહી હતી. સત્યેન્દ્ર નવરે, તેમના મિત્ર અને નાના ભાઈ આશિષ નવરે મળીને ગાડીઓને બહાર કાઢીને પાણીથી સાફ કરી રહ્યા હતા. સાંજે લગભગ પાંચ-છ વાગ્યાના સમયે એક વિચાર આવ્યો કે આવતી કાલે દિવાળીનો પહેલો દિવસ છે તો કેમ નહીં આ ગાડીઓનું એક્ઝિબિશન રાખીએ? વિચાર આવ્યો અને થોડા જ કલાકોમાં એને અમલમાં મૂકી દેવામાં આવ્યો. તેમની દુકાન સામેની ખુલ્લી જગ્યામાં અંદાજે ૪૦ જેટલી બાઇક્સ રાખી શકાય એમ હતું. પરિચિતના માધ્યમથી મરાઠી અખબારમાં પ્રદર્શન વિશે સમાચાર પણ આપવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે ૬ વાગ્યે ઊઠીને તમામ ગાડીઓને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી અને દિવાળીના દિવસે રસ્તા પર એક અનોખું વિન્ટેજ બાઇક એક્ઝિબિશન ઊભું થઈ ગયું.

ડોમ્બિવલીના ફડકે રોડ પર યોજાતા ‘દિવાળી પહાટ’ કાર્યક્રમ અને સ્ટેશન તરફથી આવતી-જતી મોટી સંખ્યામાં લોકોના કારણે પ્રદર્શનને અણધાર્યો પ્રતિસાદ મળ્યો. ખાસ કરીને યુવાનો માટે આ ગાડીઓ જાણે બીજા જ યુગની વસ્તુ હોય એમ હતી. એક્ઝિબિશન દરમ્યાન લોકો સાથે થયેલા અનુભવ વિશે વાત કરતાં સત્યેન્દ્રભાઈ કહે છે, ‘ઘણા યુવાનો આવી ગાડીઓ પહેલી વાર જોઈ રહ્યા હતા. કોઈ પૂછતું કે આ ગાડી ક્યાંથી લાવ્યા? કોઈ પૂછતું કે પેટ્રોલ છે કે ડીઝલ? કેટલાક તો એવું પણ પૂછતા કે આ ગાડીઓ વેચવા માટે રાખી છે? જોકે મારી એકેય ગાડી ડીઝલવાળી છે જ નહીં. મારા ભેગા કરેલા વારસાને લોકો સુધી પહોંચાડી શકું, આજની પેઢીને એ માહિતી આપી શકું કે પહેલાંના જમાનામાં આવી બાઇક્સ હતી એ હેતુથી મેં એક્ઝિબિશન ગોઠવ્યું હતું. ઘણા પુરુષોને તો બાઇક્સ જોતાં પોતાના જમાનાની યાદ આવી ગઈ અને એમને નૉસ્ટૅલ્જિક ફીલિંગ આપીને મને બહુ આનંદ થયો. લોકો આવી વિન્ટેજ ગાડીઓ જોઈને એવું બોલતા કે જાણે આ કોઈ ‘અબ્દુલ નારાયણ ડિસોઝા’ જેવી ભેળપૂરી કે મિક્સ ગાડી છે. એટલે કે અલગ-અલગ ગાડીઓના સ્પેરપાર્ટ્‍સ ભેગા કરીને બનાવી હોય એવું લોકોને લાગતું હતું. આ સાંભળીને પહેલાં તો મને હસવું આવ્યું, પણ તેમની નિખાલસતાને જોઈને પછી અમારે તેમને ઇન્ટરનેટ પર ઓરિજિનલ મૉડલના ફોટો અને એનો ઇતિહાસ બતાવીને સમજાવવું પડતું કે આ ખરેખર કંપનીના ઓરિજિનલ મૉડલ છે.’

ઇંગ્લૅન્ડની બુલેટ બાઇક

કલેક્શન જોવું હોય તો રવિવારે અપૉઇન્ટમેન્ટ લઈને જવાય

સત્યેન્દ્ર નવરેનું આ વિન્ટેજ બાઇક અને સ્કૂટર કલેક્શન કોઈ કમર્શિયલ મ્યુઝિયમ નથી. વાહનપ્રેમીઓ અને જૂની ગાડીઓમાં રસ ધરાવતા લોકો માટે આ કલેક્શન વિનામૂલ્ય જોઈ શકાય છે. જે લોકો આ કલેક્શન જોવા ઇચ્છે છે તે અગાઉથી ફોન કરીને રવિવાર માટેની અપૉઇન્ટમેન્ટ 9833276677 નંબર પર સંપર્ક કરીને લઈ શકે છે. સત્યેન્દ્રભાઈ કહે છે, ‘આ ગાડીઓ માત્ર જૂની થઈ ગઈ છે એટલે એને સાચવવી જોઈએ એવું નથી. એની પાછળ એક સમયનો ઇતિહાસ, ટેક્નૉલૉજી અને લોકોની મહેનત જોડાયેલી છે. એને સાચવવાનો અર્થ એ સમયની એક યાદીને જીવંત રાખવાનો છે.’

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 02:35 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK