Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમે જેલમાં જઈ આવ્યા છીએ ઇમર્જન્સીમાં

અમે જેલમાં જઈ આવ્યા છીએ ઇમર્જન્સીમાં

Published : 28 June, 2025 04:40 PM | IST | Mumbai
Darshini Vashi

આઝાદીની લડાઈમાં જ નહીં પણ ઇમર્જન્સી દરમિયાન પણ ગુજરાતીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી હતી. આજે આપણે એવા જ કેટલાક ગુજરાતીઓને મળવાના છીએ જેમણે ઇમર્જન્સી વખતે દિવસો નહીં પણ મહિનાઓ જેલમાં વિતાવ્યા છે.

કોમલ છેડા, જગદીશ દેઢિયા, વિરેશ શાહ

કોમલ છેડા, જગદીશ દેઢિયા, વિરેશ શાહ


ઇમર્જન્સીને ૫૦ વર્ષ પૂર્ણ થયાં. આજથી ૫૦ વર્ષ પૂર્વે, ૧૯૭૫ની ૨૫ જૂને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી જાહેર કરી હતી જે ૧૯૭૭ની ૨૧ માર્ચ (૨૧ મહિના) સુધી અમલમાં રહી હતી, જેને ભારતના લોકશાહી ઇતિહાસનાં સૌથી કાળાં પ્રકરણોમાંનું એક ગણવામાં આવે છે તેમ જ આ દિવસને બંધારણની હત્યાના દિવસ તરીકે ગણવામાં આવે છે. ઇમર્જન્સી દરમિયાન ઘણા નેતાઓથી લઈને વિભિન્ન ક્ષેત્રમાંની અનેક વિભૂતિઓ જેલમાં ગઈ હતી પરંતુ આ ઇમર્જન્સી સામેની લડાઈમાં અડગ રહીને લડેલા અને મહિનાઓ સુધી જેલમાં રહેનારા અનેક બીજા એવા લોકો પણ છે જેમનો ઉલ્લેખ બહુ ઓછી જગ્યાએ છે. આઝાદીની લડાઈમાં જ નહીં પણ ઇમર્જન્સી દરમિયાન પણ ગુજરાતીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી હતી. આજે આપણે એવા જ કેટલાક ગુજરાતીઓને મળવાના છીએ જેમણે ઇમર્જન્સી વખતે દિવસો નહીં પણ મહિનાઓ જેલમાં વિતાવ્યા છે.


૧૮ મહિના જેલમાં વિતાવ્યા



બોરીવલીમાં રહેતા અને હાલમાં સમાજસેવાનાં અનેક કાર્ય સાથે સંકળાયેલા ૭૩ વર્ષના કોમલ છેડા કહે છે, ‘હું માંડ ૨૩ વર્ષનો હોઈશ. LLBનો અભ્યાસ કરી રહ્યો હતો અને મારે ઇમર્જન્સીના સમયમાં મારું ભણવાનું અધવચ્ચે જ છોડીને જેલમાં જવાનો વારો આવ્યો હતો. જોકે પોલીસ મને પકડી શકી નહોતી પણ હું સામેથી જ પોલીસ-ચોકીમાં ગયો હતો. શરૂઆતથી વાત કરું તો હું કચ્છી છું અને મારા પૂર્વજો કચ્છના રહેવાસી છે, પણ મારો જન્મ મધ્ય પ્રદેશમાં થયો હતો. નાનપણથી મારામાં દેશભક્તિ પ્રચુર હતી. સ્કૂલમાં હું અનેક સામાજિક આંદોલનમાં ભાગ લેતો. RSSની સાથે જોડાયેલો હતો. કૉલેજમાં ગયો પછી સામાજિક હિતો માટેના આંદોલનમાં મારી સક્રિયતા વધી. કૉલેજમાં ભણતો હતો ત્યારે જ મને મ્યુનિસિપાલિટી ઇલેક્શનમાં ઊભો રાખવામાં આવ્યો અને હું જીતી પણ ગયો. ત્યારે મારી ઉંમર ૨૧ વર્ષની હતી. પછી મ્યુનિસિપાલિટીમાં વાઇસ પ્રેસિડન્ટ પણ બન્યો. ત્યારે જયપ્રકાશ નારાયણનાં આંદોલન પણ શરૂ થયાં જેમાં અમે સક્રિય થઈ ગયા. એટલામાં દેશમાં ઇમર્જન્સી લાગી. હું તો મધ્ય પ્રદેશના ગામમાં રહેતો હતો. ઇમર્જન્સી લાગી એના બીજા દિવસે અમે આખા ગામની દીવાલો પર ઇમર્જન્સીનો વિરોધ કરતાં ચિત્રો દોર્યાં, વિરોધ કરતા નારાઓ લખ્યા. એના બીજા દિવસે મેં મારી ટીમના બધાને ભેગા કર્યા. અમે જુલૂસ કાઢ્યું ત્યાં પોલીસ આવી પહોંચી અને ઘણાને પકડીને લઈ ગઈ, પણ હું એમાંથી છટકી ગયો અને અન્ડરગ્રાઉન્ડ થઈને ઇમર્જન્સીની વિરુદ્ધ કામ કરતો રહ્યો. ત્રણ મહિના સુધી આવું ચાલ્યું. પોલીસ મને પકડવામાં નિષ્ફળ રહેતી હતી એટલે તેઓ મારા ઘરે આવ્યા અને મારા પરિવારની પ્રૉપર્ટી જપ્ત કરવાની નોટિસ મોકલી. તેમણે મારા પરિવારને કહ્યું કે જો કોમલ છેડા સરેન્ડર નહીં કરે તો બધી મિલકતો જપ્ત કરવામાં આવશે. એટલે મારે નાછૂટકે પરિવાર માટે થઈને સરેન્ડર કરવું પડ્યું હતું. ૧૯૭૫ની ૧૦ ઑક્ટોબરે મેં જિલ્લા કલેક્ટર સમક્ષ સરેન્ડર કર્યું અને મને પછી ૧૮ મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યો.’


જેલમાં શરૂઆતી દિવસો સરળ નહોતા, બહુ વેઠ્યું હતું એમ જણાવતાં કોમલ છેડા આગળ કહે છે, ‘ઘણા મોટા નેતાઓને અને અગ્રણીઓને બહુ સમય જેલમાં રહેવું પડ્યું નહોતું, પણ અમારા જેવા ઓછા જાણીતા લોકોને એ સમયે જેલમાંથી બહાર આવવું લોઢાના ચણા ચાવવા જેવું હતું. અમે કોઈ હિંસામાં જોડાયેલા નહોતા એટલે મારપીટ કે એવું કશું થયું નહોતું, પરંતુ અમારી રહેવાની અને ખાવાની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી હતી જાણે અમે બહુ મોટા કેદી હોઈએ. કાચું-પાકું જમવાનું મળતું. જેલમાં પણ મેં અનશન કર્યાં. અનેક આંદોલન કર્યાં. છેલ્લે મેં ૧૩ દિવસના આમરણ ઉપવાસ કર્યા ત્યારે મને જેલમાંથી મુક્ત કર્યો. આશરે ૧૮ મહિના મેં જબલપુર નજીક આવેલી જેલમાં કાઢ્યા, પરંતુ મારા લીધે મારા પરિવારે ઘણું વેઠવું પડ્યું હતું. તેમને કોઈ પૂછવા પણ જતું નહોતું. ખૂબ જ ભયભીત રહેતા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ હું મુંબઈમાં આવી ગયો અને અહીં સોશ્યલ ઍક્ટિવિટી શરૂ કરી દીધી. કચ્છી સમાજ માટે અનેક કામ કર્યાં. કચ્છ યુવક સંઘની સ્થાપના કરી અને અત્યારે પણ સામાજિક કામો ચાલુ જ છે.’

આર્થર રોડ જેલમાં રહ્યા અને છૂટીને આવ્યા પછી પણ સત્યાગ્રહ છોડ્યો નહીં


જ્યારે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી ત્યારે એને હટાવવા માટે દરેક જગ્યાએ સત્યાગ્રહ કરવામાં આવ્યા હતા. ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી જેમાં મોટા ભાગના કૉલેજિયન વધુ હતા. એમાંના એક એવા નવી મુંબઈમાં રહેતા અને ભૂમિ જીવદયા ટ્રસ્ટ નામની હૉસ્પિટલના ટ્રસ્ટી તેમ જ અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૭૦ વર્ષના જગદીશ દેઢિયા પણ છે. ત્યારે જગદીશભાઈ ૨૦ વર્ષના હતા અને લોકશાહીના રક્ષણ માટે ઇમર્જન્સીને હટાવવા માટે કરેલા સત્યાગ્રહ બદલ તેમને જેલમાં જવું પડ્યું હતું. આ વિશે માહિતી આપતાં જગદીશભાઈ કહે છે, ‘અમે લોકોએ પણ સત્યાગ્રહ કર્યો હતો. એ સમયે હું સાયનમાં આવેલી કૉલેજમાં ભણતો હતો. ત્યાં કમ્યુનિસ્ટ પાર્ટીનો એક કૉલેજ પ્રતિનિધિ હતો. તેણે અમને ચૅલેન્જ આપી હતી કે તે અમને અહીં સત્યાગ્રહ નહીં કરવા દે એટલે મારી સાથે બીજા ત્રણ જણ એટલે કુલ ચાર જણે અહીં સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. એક તો અમારે તેણે કરેલી ચૅલેન્જનો જવાબ આપવો હતો અને બીજું, અમારે ઇમર્જન્સીની સામે લડવું પણ હતું અને એ સમયે લોકોમાં ડરનો માહોલ પણ હતો એ અમારે દૂર કરવો હતો એટલે અમે સત્યાગ્રહ કર્યો. ઇમર્જન્સી હટાવવા માટે ઘોષણાઓ કરી, પૅમ્ફ્લેટ વહેંચ્યાં, ભારત માતાનો જયજયકાર બોલાવ્યો. અમે ત્યારે RSSમાં હતા પણ અમારાથી એ સમયે એવું બોલાતું નહીં, નહીંતર અમને સીધા લાંબા સમય માટે જેલમાં પૂરી દેવામાં આવ્યા હોત. લાંબો સમય જેલમાં જવાનો પણ અમને વાંધો નહોતો, પણ પછી અમારાં સત્યાગ્રહનાં કામો અટકી જવાનો ડર હતો એટલે અમને સત્યાગ્રહ કરવા બદલ જ્યારે પોલીસ પકડીને લઈ ગઈ ત્યારે અમે એમ કહ્યું કે અમે વિદ્યાર્થી પરિષદના કાર્યકરો છીએ. પોલીસ અમને કિંગ્સ સર્કલ પોલીસ-સ્ટેશનમાં લઈ ગઈ. ચાર દિવસ અમને રિમાન્ડમાં રાખ્યા અને પછી અમને આર્થર રોડ જેલમાં લઈ ગયા. આર્થર રોડ જેલથી અમારો કુર્લા કોર્ટમાં કેસ ચાલ્યો જ્યાં અમને ૪૨ દિવસની સજા થઈ. એટલે અમે ૪૨ દિવસ આર્થર રોડની જેલમાં કાઢ્યા જ્યાં અમને સારા-નરસા બન્ને પ્રકારના અનુભવ થયા. અમે જેટલા દિવસ ત્યાં રહ્યા ત્યારે ત્યાં પુરાયેલા કેદીઓના અમે ઇન્ટરવ્યુ લીધા. જેલની, ખોરાકની, રહેવાની વગેરે સગવડોનો અભ્યાસ કર્યો. સાથે-સાથે મેં મારા BComના ફાઇનલ વર્ષનો અભ્યાસ પણ કર્યો. જેલમાંથી છૂટી ગયા પછી પણ મેં ઇમર્જન્સી હટાવવા માટેનાં કાર્યો કરવાનાં ચાલુ જ રાખ્યાં હતાં. પોલીસની અમારા પર નજર હતી એટલે અમે અન્ડરગ્રાઉન્ડ થઈને કાર્યો કરતા હતા. એ સમયે મારી પાસે ઈશાન મુંબઈ એટલે કે મુલુંડથી લઈને ચેમ્બુર સુધીના એરિયાની RSSની જવાબદારી હતી.’

જેલમાં અનેક પ્રતિબંધો હતા

મલાડમાં રહેતા અને મેડિસિનના બિઝનેસ સાથે સંકળાયેલા ૭૭ વર્ષના વિરેશ શાહ કહે છે, ‘ઇમર્જન્સી લાદવામાં આવતાંની સાથે RSS પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધનો વિરોધ કરનારા લોકોનાં મોઢાં બંધ કર્યાં હતાં જેની વિરુદ્ધમાં અમે લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. મેં વિલે પાર્લે સ્ટેશન પર સત્યાગ્રહ કર્યો હતો. મારી સાથે બીજા આઠ જણ પણ હતા. અમને ત્યાંથી વિલે પાર્લે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યાંથી અમને અંધેરી કોર્ટમાં ઊભા કર્યા. ત્યાંથી બાંદરા કોર્ટમાં લઈ ગયા. ત્યાંથી આર્થર રોડ લઈ ગયા પછી ત્યાંથી થાણે જેલમાં અને ત્યાંથી રત્નાગિરિ લઈ ગયા. આમ હું ટોટલ બાવન દિવસ જેલમાં રહ્યો હતો. જેલમાં અમારા પર અનેક પ્રતિબંધો હતા. શનિવારે સાંજે અમને અમારી કોટડીમાં પૂરી દેતા તે સીધા સોમવારે જ બહાર આવવા દેતા. ત્યાં સુધી અમને સૂર્યપ્રકાશ જોવા મળતો નહતો. અમને આમ તો સાડાછ મહિનાની સજા ફરમાવવામાં આવી હતી પણ પછી અમને બાવન દિવસમાં છોડી દેવામાં આવ્યા હતા. અંધેરીમાં મારી પોતાની ફૅક્ટરી હતી. ત્યારે અત્યારનાં જેવાં ઝેરોક્સ મશીનો નહોતાં, હાથેથી પ્રિન્ટ કરવાનાં મશીનો હતાં. એટલે ફૅક્ટરીમાં કામ કરતા માણસો સાંજે ઘરે જાય પછી અમે હાથેથી ઝેરોક્સ કાઢીને એ પેપરને ઘરે-ઘરે જઈને વહેંચતા અને લોકોને જાગ્રત કરતા હતા. ઇમર્જન્સી વખતે મારી ઉંમર ૨૬ વર્ષની હતી અને એ સમયે મારી સગાઈ પણ થઈ હતી. ઘણા લોકો એવા પણ હતા જે મારા સાસરે જઈને કહેતા હતા કે તમે તમારી દીકરીની કોની સાથે સગાઈ કરાવી છે, તે તો જેલમાં છે. પણ મારા સાસરાના લોકો મને સારી રીતે જાણતા હતા અને હું કયા કારણસર જેલમાં છું એ પણ તેઓ જાણતા હતા એટલે તેમણે કોઈનું સાંભળ્યું નહીં. પાંચ વર્ષ અમારી સગાઈ રહી અને પછી લગ્ન કર્યાં.’

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2025 04:40 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK