ક્રિકેટ-મૅચનો નિબંધ લખવાનો આવે ત્યારે આખું પાનું કોરું મૂકીને નીચે એક લીટીમાં એવું કોઈ લખે કે વરસાદના કારણે મૅચ બંધ રહી છે તો પેપર ચેક કરનારાની હાલત કેવી થાય એ જરાક વિચારો
પ્રતીકાત્મક તસવીર
જેની વાંહે ‘જામ (કે પછી ઝામ)’ શબ્દ લાગે છે એ બધાય થોડાક અઘરા જ હોય. ટ્રાફિક જામ, ઇલ્ઝામ, અંજામ, દિગ્જામ બ્રેડનો જામ ને એક્ઝામ. ગુજરાતીની પરીક્ષામાં હમણાં ક્રિકેટ-મૅચનો નિબંધ પુછાયો એટલે એક નંગે આખું પેજ કોરું મૂકી નીચે એક લીટી લખી કે વરસાદને લીધે મૅચ બંધ રહી. હું સરકારી નોકરી કરતો હતો એ સમયે મારી સ્કૂલમાં એક છોકરાને અઠવાડિક ટેસ્ટમાં મેં સમાજવિદ્યામાં શૂન્ય માર્ક આપ્યા. એ બાળકના વાલી મારી સાથે દલીલ કરવા આવ્યા કે મારા દીકરાને શૂન્ય કેવી રીતે?
મેં કહ્યું, ‘ભાઈ, આથી નીચે માર્ક આપવાની મારી સત્તા નથી, બાકી તમારા નંગને માઇનસ પાંત્રીસ માર્ક આવે એમ છે. તેણે ભારતની આઝાદીની સાલવારીમાં પોતાની બર્થ-ડેટ લખી. જલિયાંવાલા બાગની ઘટના ક્યાં થઈ હતી એ પૂછ્યું તો એ ઇડન ગાર્ડનમાં દર્શાવી. લૉર્ડ વેલેસ્લીને લૉર્ડ ક્રિષ્નાનો બિગ બ્રધર બતાવ્યો. વિધવાવિવાહની પ્રથા ફિલ્મ ‘પ્રેમરોગ’એ નાબૂદ કરી એમ લખ્યું. ઍન્ટાર્કટિકા ખંડ શ્રીખંડની દુકાન પાસે દોરીને નકશામાં બતાવ્યો. ભારતની મૂળભૂત ફરજોના નાગરિકશાસ્ત્રના જવાબમાં ‘ખાવું-પીવું ને મોજ કરવી’ લખ્યું છે. રામાયણના રચિયતામાં રામાનંદ સાગરનું નામ લખ્યું છે ને મહાત્મા ગાંધીના સુપુત્ર રાહુલ ગાંધી જણાવ્યા છે. વડીલ, તમારા દીકરાના સામાજિક જ્ઞાને આખી નિશાળનું સામાજિક વિજ્ઞાન ગોટે ચડાવી દીધું છે. હવે આ માઇનસ માર્કિંગને લાયક છે કે નહીં કહો જોઈએ?’
ADVERTISEMENT
દસમા-બારમામાં સંતાન આવે એટલે માતા-પિતા પણ વીતરાગી અવસ્થામાં તાણના સરોવરમાં ગરકાવ થઈ જાય છે. છોકરાઓ વાંચે અને મા-બાપ એ વાંચે છે કે નહીં એનું ધ્યાન રાખવા માટે આખું વર્ષ એની મેથી મારે. એક્ઝામિનેશન હૉલ પર સંતાનોને લેવા-મૂકવાથી માંડીને થર્મોસમાં જૂસ ભરીને તડકામાં શેકાતાં માબાપ મેં મારી સગી આંખે જોયેલાં છે. દુનિયાના સફળ માણસોના મજૂરી કરતાં માબાપને ખબર પણ નહોતી કે આજે તેમના દીકરાની બોર્ડની એક્ઝામ છે. શું અબ્દુલ કલામનાં માબાપે તેમની આવી સેવા કરી હશે? ક્યારેય નહીં અને વિક્રમ સારાભાઈ પણ ભણતા હતા ત્યારે તેમની આવી સેવા કોઈએ નહોતી કરી. ફાનસના અજવાળે વાંચી-વાંચીને આજે દુનિયા આખીને જીયોના નામની રીટેલ સર્વિસ આપવામાં નિમિત બનેલા ધીરુભાઈ અંબાણી જેવા અનેક મહાનુભાવો પોતાનાં માતા-પિતાની માવજતથી નહીં પરંતુ પોતાની આવડતથી આગળ આવ્યા છે.
ક્યારેક મને એવું લાગે છે કે આપણે આપણાં સંતાનોને વધારે પડતાં વેવલાં બનાવી દીધાં છે. પ્લીઝ પેરન્ટ્સ, સંતાનોને વધુપડતો સેફ ઝોન ન આપો; થોડાં તેમને તેમની રીતે ટીચાવા દો - ઘડાવા દો. સાઇકલ પણ તમે લઈ દો અને એમાં હવા પણ તમે પૂરી આપશો તો યાદ રાખજો કે એ સંતાનની જીવનઘડતરની કારકિર્દીમાં તમે જ્યારે હયાત નહીં હો ત્યારે રોજ પંક્ચર પડશે.
તમારાં સંતાનોને તમારા વગર જીવતાં અને નિર્ણય લેતાં નાનપણથી જ શીખવા દો. વિશ્વના તમામ દેશોમાં ધોળિયાઓ તેમનાં સંતાનોને ‘સ્વીટ સિક્સ્ટીન’ની પાર્ટી આપીને આઝાદ કરી દે છે કે હવે તારી નોકરી, તારો પ્રેમ, તારો જીવનસાથી તું તારી રીતે નક્કી કર. આ સિસ્ટમથી અમુક ટકા કદાચ સ્વચ્છંદ થઈ જતા હશે પણ એથી વધુ વધારે ટકાનાં સંતાનો વધારે પરિપક્વ અને જવાબદાર બની જાય છે એટલે જ કદાચ ધોળિયાઓ અમુક ક્ષેત્રોમાં આગળ છે, જ્યારે આપણે ત્યાં ચાલીસ-બેતાલીસ વર્ષના ઢાંઢાઓ પિન્ટુઓ-ચિન્ટુઓ, ગગુઓ, ટમુડિયો, પપુડિયો, ચકુડિયો અને મૉન્ટુઓ BPL (બાપના પૈસા લહેર) કરતા નજરે પડે છે. દોસ્તો, એક વાત યાદ રાખજો કે સંતાનો માબાપનાં સપનાંની બ્લુ પ્રિન્ટ નથી, નથી ને નથી જ!
‘બેટા, તું આવું કરે તો સારું અને આવો બને તો સારું!’
આ કહેણનો દરેક વાલીને હક છે; પણ ‘બેટા, તું આવો જ બને અને તારે આવું જ કરવાનું છે’માં આવતો આ ‘જ’નો હઠાગ્રહ કેટલાંક સંતાનોની ટૅલન્ટની ભ્રૂણહત્યા કરી નાખે છે. જગતભરના હોશિયાર એકલવ્યો કદી ગુરુ દ્રોણની કૃપાદૃષ્ટિ કે કોચિંગ ક્લાસના મોહતાજ નથી હોતા.
કવિ હરિવંશરાય બચ્ચન ભારતના પ્રસિદ્ધ કવિ તરીકે પ્રખ્યાત હતા. શરૂઆતમાં અમિતાભ બચ્ચન તેમના પિતાના નામથી ઓળખાતા. સમય જતાં અમિતાભની મહેનત ફળી અને તેમને સફ્ળતા વરી એટલે એના એ જ લોકો કહેવા લાગ્યા કે આ હરિવંશરાય, પેલા સુપરસ્ટાર અમિતાભના પિતાજી કહીને ઓળખતા થયા. જે દીકરાના નામથી તેના પિતા ઓળખાય મારી દૃષ્ટિએ એ પિતાનું જીવતાં જગતિયું થઈ જાય. બસ, એ જ તો છે પિતૃતર્પણ. એ પછી ફાધર્સ ડેનાં કાર્ડ ગોતવાની જરૂર નથી પડતી. તમારાં-મારાં જિગરિયાં યુવાનો-યુવતીઓને મારે એટલું જ કહેવું છે કે રોજ સવારે અરીસાની સામે ઊભા રહીને જાતને ‘આઇ લવ યુ’ કહો. એક સંકલ્પ રોજ કરો કે ‘આજનો દિવસ મારાં માતાપિતાના ગૌરવમાં વધારો થાય એવો વિતાવવો છે. સિગારેટના ધુમાડા, બિયરની ચૂસકીઓ, રેવ પાર્ટીના જલસા અને ફટકા જેવી ગર્લફ્રેન્ડનો સુંવાળો સહવાસ આ બધું અને આવું તો કેટલું બધું મને મારા સમયે મળવાનું જ છે; પણ મા-બાપ ફરી મળવાનાં નથી.’
ઍન્ડ મોરલ ઑફ ધ સ્ટોરી, નિષ્ફળતા મળતાં મરવાના વિચાર કરવા માંડે ઈ તો કાયર કહેવાય. નિષ્ફળ થાય તો શું બારમા ધોરણમાંથી પાછું બાલમંદિરથી શરૂ કરવું પડે?

