Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અસ્તિત્વ સંબંધી મૂંઝવણ એટલે આપણા અસ્તિત્વની સાર્થકતાને લગતા પ્રશ્નો

અસ્તિત્વ સંબંધી મૂંઝવણ એટલે આપણા અસ્તિત્વની સાર્થકતાને લગતા પ્રશ્નો

Published : 02 November, 2025 01:36 PM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

એક ક્ષણનો પણ વિરામ લીધા વગર દિવસ-રાત શ્વાસ લઈ રહેલાં ફેફસાં અને ધબકી રહેલું હૃદય જ્યારે આપણને એવું પૂછે કે ‘શું કામ?’ ત્યારે જે જવાબ શોધવાની મથામણ સર્જાય એ અસ્તિત્વવાદની મૂંઝવણ છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


કલ્પના કરો કે એક સવારે તમારી આંખ ખૂલે અને જાણ થાય કે તમને કોઈ સાવ અજાણ્યા ટાપુ પર એકલા છોડી દેવામાં આવ્યા છે. એ ટાપુ પર ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા છે. તમને રાહત અને આનંદ આપી શકે એવી તમામ સગવડો છે, પણ તમને ખબર જ નથી કે એ ટાપુ પર તમારે એક્ઝૅક્ટ્લી કરવાનું છે શું? અને તમે ત્યાં કઈ રીતે આવ્યા? એ ટાપુ પર ઓચિંતા પ્રગટ થઈ જવાના કારણને તમે શોધતા હો અને એ જ સમયે તમારી જેમ ભટકી ગયેલું તમારી જ પ્રજાતિનું કોઈ અન્ય પ્રાણી મળે તો? હૃદય પર હાથ મૂકીને કહેજો કે એ અજાણી જગ્યાએ કોઈ અડાબીડ ઘાસની જેમ ઊગી નીકળેલા તમારા અસ્તિત્વ પરની શંકા ઓછી થાય કે નહીં? અને જો એ વ્યક્તિ તમારી સાથે વાતો કરે, તમારી પ્રશંસા કરે કે તમને વહાલ કરે તો? આજ સુધી તમે જેના કારણ વિશે અજાણ રહ્યા છો એવું તમારું અસ્તિત્વ તમને સાર્થક લાગવા લાગે કે નહીં? બસ, પ્રેમનો મુખ્ય હેતુ આ જ છે. આ પૃથ્વી પર અનાયાસે પ્રગટ થયેલા અને ભટકી ગયેલા આપણા વામન અસ્તિત્વને સાર્થક કરવાનો.
અસ્તિત્વવાદની ફિલોસૉફી વધારે પ્રકાશમાં ત્યારે આવી જ્યારે વીસમી સદીમાં આલ્બેર કામૂ અને સાર્ત્ર જેવા વિચારકોનો ઉદય થયો. ‘Existential Chisis’ કે અસ્તિત્વ સંબંધી મૂંઝવણ એટલે આપણા અસ્તિત્વની સાર્થકતાને લગતા પ્રશ્નો. આપણે શું કામ અહીં છીએ? આપણા હોવાનો અર્થ શું? એ પ્રકારના પ્રશ્નો. ટૂંકમાં આપણી જાત વિશે સંદેહ થવો. એક ક્ષણનો પણ વિરામ લીધા વગર દિવસ-રાત શ્વાસ લઈ રહેલાં ફેફસાં અને ધબકી રહેલું હૃદય જ્યારે આપણને એવું પૂછે કે ‘શું કામ?’ ત્યારે જે જવાબ શોધવાની મથામણ સર્જાય એ અસ્તિત્વવાદની મૂંઝવણ છે. અને એમાંથી બહાર આવવાનો સૌથી ટૂંકો રસ્તો પ્રેમ છે. પ્રેમ આપણને સ્વની સાર્થકતા જણાવે છે. અર્થની શોધમાં ભટકી રહેલા અસ્તિત્વને પ્રેમ એક એવો મજબૂત ઉદ્દેશ્ય પૂરો પાડે છે જે ભવસાગર ઓળંગવા માટે પર્યાપ્ત છે.
પ્રેમ આપણને જાતના હોવા વિશે સતત હૈયાધારણ આપે છે. સાર્ત્રે કહેલું, ‘In presence of love, we feel justified to exist.’ એક વાત તો નક્કી છે. જ્યાં સુધી હયાત છીએ, ત્યાં સુધી આ પૃથ્વી પર જો ઝનૂનપૂર્વક ટકી રહેવું હશે તો આપણા ‘બ્લૅક ઍન્ડ વાઇટ’ અસ્તિત્વને અર્થના રંગોથી ભરવું પડશે. જે ક્ષણે જીવતા રહેવાનો અર્થ, ધ્યેય કે હેતુ ખરી પડે છે એ જ ક્ષણથી આ જગત કંટાળાજનક અને ક્રૂર લાગવા લાગે છે. આપણા ‘નૉટ સો શ્યૉર’ અસ્તિત્વની અંદર પ્રેમ એક અર્થની પૂરણી કરે છે. અને એટલે જ પ્રેમમાં પડેલા લોકોને આ જગત વહાલું લાગવા લાગે છે. તેઓ વધુ જીવવા માગે છે અને ખુશ રહે છે, કારણ કે તેમનું હોવું સાર્થક બની જાય છે. રોજ સવારે ઊઠવા, કામ પર જવા કે રૂપિયા કમાવા માટે આપણને દરેકને એક કારણ જોઈએ છે. અને આપણા જીવનમાં એ કારણ પ્રેમ પૂરું પાડે છે.
મનોવિશ્લેષક સિગ્મન્ડ ફ્રૉઇડની ‘EROS’ અને ‘THANATOS’ થિયરી પ્રમાણે આપણા દરેક પર વિરુદ્ધ દિશામાં બે બળ લાગતાં હોય છે. ‘ઈરોઝ’ એટલે જીવનલક્ષી બળ (વૃત્તિ) અને ‘થેનેટોઝ’ એટલે વિનાશકારી બળ (વૃત્તિ). આપણી જ અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલી આ બે વૃત્તિઓમાંથી જે વૃત્તિ વધારે પ્રબળ અને સક્રિય હોય છે એ આપણા જીવનની દિશા નક્કી કરે છે. ‘ઈરોઝ’ જીવવાની ઇચ્છા જગાવે છે અને ‘થેનેટોઝ’ સ્વવિનાશની. પ્રેમ, સેક્સ, સર્જનાત્મકતા, સંતતિનિર્માણ અને સામાજિક સંબંધો ‘ઈરોઝ’નો ભાગ ગણાય છે. તેઓ જીવનજ્યોત પ્રગટાવે છે અને અખંડ રાખે છે. એની સામે આક્રમકતા, વ્યસન, જોખમી અને ગુનાહિત પ્રવૃત્તિઓ ‘થેનેટોઝ’ ગણાય છે. એ સ્વવિનાશ નોંતરે છે. એ મૃત્યુ તરફ આકર્ષે છે.
ફિઝિક્સની ભાષામાં કહીએ તો આપણા દરેક પર ‘એન્ટ્રોપી’નો સિદ્ધાંત લાગુ પડે છે. ‘એન્ટ્રોપી’ એટલે આ જગતમાં જે અને જેટલું ઊર્જાયુક્ત છે ધીમે-ધીમે એ બધું જ ઓગળતું જાય છે. અણુઓ છૂટા પડતા જાય છે અને ઊર્જા મુક્ત થતી જાય છે. એન્ટ્રોપી એટલે સ્વવિસર્જન. આપણા અસ્ત‌િત્વને ટકાવી રાખતાં પરિબળોની ગેરહાજરીમાં (અને ક્યારેક હાજરીમાં પણ), જાતનું ઓગળતાં જવું. એન્ટ્રોપીનું શ્રેષ્ઠ ઉદાહરણ બરફનો ટુકડો છે. પ્રત્યેક ક્ષણે ઓગળતા જતા અસ્તિત્વ કે વિનાશ પામતી જાતને જે બળ ટકાવી, સંભાળી, અટકાવી રાખે છે એ પ્રેમ છે.
આપણી આસપાસ રહેલાં અસંખ્ય વિનાશક પરિબળો અને વિપરીત સંજોગોની વચ્ચે અસ્તિત્વની નૌકાને એના નિર્ધારિત મુકામ સુધી હેમખેમ પહોંચાડવા માટે પ્રેમ જરૂરી છે. શરીરને પંચતત્ત્વોમાં ભેળવી દઈ આપણી અંદર સહેલી અપ્રાપ્ય ઊર્જાને રીસાઇકલ કરવા મથતા બ્રહ્માંડ સામે બાથ ભીડીને, પ્રેમ આપણને અકબંધ અને અડીખમ રાખે છે. વેરવિખેર થતાં અટકાવે છે.
પ્રેમની ગેરહાજરી આપણી અંદર રહેલા એક એવા ‘કબીર સિંહ’ કે ‘ઍન‌િમલ’ને જન્મ આપે છે જે સ્વવિનાશ માટે મજબૂર કરી દે છે. મોટા ભાગના કિસ્સામાં પ્રેમનું ડાયરેક્ટ કનેક્શન સ્વમાન અને સ્વમૂલ્ય સાથે રહેલું હોય છે. સામાન્ય રીતે પ્રેમ અને પર્પઝની ગેરહાજરીમાં નમી ગયેલું, ઢળી ગયેલું કે તળિયે બેસી ગયેલું આપણું સ્વમાન પ્રેમમાં પડતાંની સાથે જ ઊંચકાય છે. એને દુર્ભાગ્ય કહો કે સદ્નસીબ, પણ મોટા ભાગના લોકો પોતાની ‘સેલ્ફવર્થ’ તેમને મળતા પ્રેમના જથ્થાના આધારે નક્કી કરતા હોય છે. તો આપણું ટચૂકડું અસ્તિત્વ લઈને પેલા અજાણ્યા ટાપુ પર વિહાર કરી રહેલા આપણને લઈ જવા માટે કોઈ અગોચર વિશ્વમાંથી ‘સ્પેસશિપ’ ન આવે ત્યાં સુધી એ ટાપુ પર ‘આપણું હોવું’ તો જસ્ટિફાય કર્યા જ કરવું પડશે. અને એ કરવાની શ્રેષ્ઠ રીત પ્રેમ છે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2025 01:36 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK