નિરર્થક લાગતી ચીજમાંથી આપણે કોઈ અર્થ ગોતવાનો છે. અશોક જાની ‘આનંદ’ કંઈ કહેવા માગે છે...
પ્રતીકાત્મક તસવીર
પ્રત્યેક વસ્તુને એક અર્થ હોય છે. આપણને નિરર્થક લાગતાં તણખલાં પંખીઓ માટે માળો બનાવવાનું મટીરિયલ છે. આપણે ફેંકી દીધેલી પ્લાસ્ટિકની બૉટલો વીણીને રીસાઇકલ પ્રક્રિયામાં આપતા ગરીબ લોકો પોતાનું પેટિયું રળતા હોય છે. કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાની યોજનાઓથી કચરાનું પણ મૂલ્ય થવા લાગ્યું છે. નિરર્થક લાગતી ચીજમાંથી આપણે કોઈ અર્થ ગોતવાનો છે. અશોક જાની ‘આનંદ’ કંઈ કહેવા માગે છે...
એક ક્ષણના ઓગળ્યાની વાત કહેવી છે
કંઈ નવીન ઘટના ફળ્યાની વાત કહેવી છે
ADVERTISEMENT
રોજ શબ્દોને હું થોડા હચમચાવું છું
ને નવા અર્થો મળ્યાની વાત કહેવી છે
રોજિંદી જિંદગીમાં ઘસાઈ ચૂકેલો શબ્દ પણ ઘણી વાર નવા અર્થ ધારણ કરી આપણને મળવા આવી પહોંચે છે. ભગવદ્ગીતાનું અવારનવાર મનન કરનાર ચિંતકો એમાંથી નવા-નવા અર્થો મળતા રહેવાની વાત પોતાના પ્રવચનમાં કરતા હોય છે. જિંદગી અર્થસભર બને તો દીપી ઊઠે. અન્યથા ઉર્વીશ વસાવડા કહે છે એવો કોઈ અફસોસ ઘેરી વળે...
ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું
તૂટેલી ભીંતના ભીડેલ દ્વાર જેવો હું
ખૂલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું
કેટલાંક કાર્યો આપણે નિષ્ઠાપૂર્વક કરીએ છતાં પરિણામમાં મીંડું આવે છે. જે કામચોર હોય તેના મોંમાં કોળિયો સામેથી આવીને પડે અને જે કામ કરતા હોય તેણે સંઘર્ષ કરવો પડે. આવી વિષમતા જિંદગીનો અભિન્ન હિસ્સો છે. સુરેન્દ્ર કડિયાની પંક્તિમાં ઊંડા ઊતરવું પડે એમ છે...
કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે
જો હવામાં તીર પાછું જઈ શકે છે
હું કિનારે સ્થિર ઊભો રહી વિચારું
આ નદીનો અર્થ કેવો વહી શકે છે
નદીનો અર્થ વહેવું છે. સૃષ્ટિને ધબકતી રાખવા માટે નદી લાંબી સફર ખેડે છે. પોતે વાંકીચૂકી વહીને અન્યની જિંદગીને સીધી કરવા પ્રયત્ન કરે છે. જોકે માણસજાત જનેતા સમી નદીને પણ છોડતો નથી. દિલ્હીમાં જમુના નદીના હાલ જોઈને આપઘાત કરનારો પણ કિનારેથી પાછો ફરી જાય. ગણપત પટેલ ‘સૌમ્ય’ સણસણતું નિરીક્ષણ કરે છે...
જીવતરનો અર્થ સાચો એ ઘડી સમજાય છે
અન્ય કાજે આંખ રૂએ ને હૃદય સોરાય છે
ઈવ-આદમના જમાનાથી મથામણ થાય છે
તોય માણસજાત આ આજેય ક્યાં પરખાય છે
કોઈને પરખવું સહેલું નથી હોતું. મનનાં ઊંડાણો અતાગ હોય છે. હોઠો પર કોઈ વાત હોય ને મનમાં કોઈ વાત હોય. આજકાલ ડિજિટલ અરેસ્ટની એટલી બધી ઘટનાઓ બની રહી છે કે ભણેલાગણેલા માણસો પણ સામેવાળાના પ્રભાવમાં ફસાઈ જાય છે. આખી જિંદગીનું અર્થોપાર્જન બેચાર દિવસમાં ફીંડલું વળી જાય. વીરુ પુરોહિત કૅન્વસ પર ચિત્ર ઊપસાવે છે...
જો ગામના દરેક ઘરમાં શૂન્યભાવ છે
છે અર્થઘટન એ જ કે મારો અભાવ છે
એકાંત હોય કે નગરની ભીડ હોય છે
હું વ્યક્ત છું, બધે સ્થળે બમણો પ્રભાવ છે
દરેકને વ્યક્ત થવાની ઝંખના હોય છે. કોઈ આપણી નોંધ લે એવી ઇચ્છા હોય છે. હૃદયમાં અંદર ને અંદર ભરી રાખેલી સંવેદના પોતાનો ચહેરો આયનામાં જોવા તરસતી હોય છે. જો એને પર્યાપ્ત અવસર ન મળે તો એ મુરઝાઈ જાય. કલાવંત થવા માટે કલાનું જતન અને સંવર્ધન થવું જોઈએ. શીખવું, સુધરવું, વિકસવું વગેરે પ્રક્રિયા જિંદગીને નવો અર્થ આપે છે. કૈલાસ પંડિત લખે છે...
અર્થનો અવકાશ હોવો જોઈએ
એક કાગળ સાવ કોરો જોઈએ
અંત વેળાની સહજતા પામવા
જિંદગી સાથે ઘરોબો જોઈએ
ઘણા અર્થો આપણી સામે હોવા છતાં છેટા રહી જવામાં ઉસ્તાદ હોય. ક્યારેક તેમને સમજવામાં એટલી વાર લાગે કે શ્વાસ આથમવાનો સમય આવી જાય. સુધીર પટેલ મૌનની બારાખડી ઉકેલવાનો પ્રયાસ કરે છે...
ઘર તરફ પગલાં થવામાં વાર થોડી લાગશે
એ ગલીને ભૂલવામાં વાર થોડી લાગશે
કેટલું એણે કહી દીધું રહીને મૌન બસ
અર્થ એનો કાઢવામાં વાર થોડી લાગશે
લાસ્ટ લાઇન
સાધી શકે તે જાણશે, કે સાધનાનો અર્થ શું
ધારી શકે એ જાણશે, કે ધારણાનો અર્થ શું
અન્યોન્યને સંસારમાં ચાહત હવે જ્યાં લાગશે
ચાહી શકે તે જાણશે, કે ચાહનાનો અર્થ શું
મૃતપ્રાયને ક્યાં માણવું, આ શ્વાસ પણ શું ચીજ છે
માણી શકે તે જાણશે, કે માણવાનો અર્થ શું
પૂછો જરા બસ એ નજરને દૃશ્ય જેને ના મળ્યાં
ભાળી શકે તે જાણશે, કે ભાળવાનો અર્થ શું
મનનું ઘણું મનમાં રહ્યું અંતિમ ઘડી આવી, પછી?
આપી શકે તે જાણશે, કે આપવાનો અર્થ શું?
- હરીશ શાહ
(ઝલસંગ્રહઃ રાત નિદ્રામાં હતી)

