Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માલા સિંહા ૫૦ના દસકના મુગ્ધાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતા કિશોરોની ડ્રીમ ગર્લ હતી

માલા સિંહા ૫૦ના દસકના મુગ્ધાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતા કિશોરોની ડ્રીમ ગર્લ હતી

Published : 23 November, 2025 11:06 AM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

૧૯૫૨માં બેબી નજમાને બંગાળી ફિલ્મ ‘રોશનઆરા’માં મહત્ત્વનો રોલ મળ્યો અને માલા સિંહાનો જન્મ થયો. ત્યાર બાદ થોડી બંગાળી ફિલ્મો કર્યા બાદ જે ફિલ્મમાં તેમનું કામ વખણાયું એ ફિલ્મ હતી ‘ઢૂલી’ જેમાં શરદેન્દુ મુખરજી અને સુચિત્રા સેન મુખ્ય કલાકાર હતાં.

માલા સિંહા

વો જબ યાદ આએ

માલા સિંહા


થોડાં વર્ષો પહેલાં ફિલ્મસંગીતની મહેફિલમાં અમે સૌ સમવયસ્ક સંગીતપ્રેમીઓ જલસાથી ગીતો માણી રહ્યા હતા. એક મિત્રે મસ્તીમાં સૌને પ્રશ્ન પૂછ્યો, ‘તમારી યુવાનીમાં તમને કઈ અભિનેત્રી સૌથી વધુ ગમતી હતી?’ બીજાએ ચોખવટ કરતાં કહ્યું, ‘એમ પૂછો કે કોનાં સપનાં આવતાં હતાં?’ આખાબોલી મિત્રપત્નીએ ટકોર કરી, ‘અમારી હાજરીમાં કોઈ સાચો જવાબ નહીં આપે. અમે તો બેધડક દેવ આનંદનું નામ લઈએ છીએ.’ પુરુષો માટે આ મોટી ચૅલેન્જ હતી. અંતે નક્કી થયું કે દરેક એક કાપલીમાં ગમતી અભિનેત્રીનું નામ લખીને આપે જેથી કોણે  કોનું નામ લખ્યું એનો ફોડ ન પડે. 
એક પછી એક કાપલી ખૂલતી ગઈ. કોઈએ મધુબાલા, કોઈએ નર્ગિસ, કોઈએ નૂતન તો કોઈએ વૈજયંતીમાલાનું નામ લખ્યું હતું. પરંતુ બાકીની દરેક કાપલીમાં એક જ નામ હતું,  માલા સિંહા. જી હા, નશીલી આંખો, મારકણી અદા સાથે અભિનય કરતી માલા સિંહા ૫૦ના દસકના મુગ્ધાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતા કિશોરોની ‘ડ્રીમ ગર્લ’ હતી. (તમને જે વાતની ચટપટી છે એનો જવાબ આપી દઉં. ઓપિનિયન પોલના આ સૅમ્પલ સર્વેમાં હું બહુમતી સાથે હતો.)
માલા સિંહાનો જન્મ કલકત્તામાં ૧૯૩૬માં ૧૧ નવેમ્બરે થયો. નેપાલી માતા અને ક્રિશ્ચિયન પિતા આલ્બર્ટ સિંહાનું એકમાત્ર સંતાન લાડકોડમાં ઊછર્યું. માતાને હિન્દી ફિલ્મો જોવાનો ખૂબ શોખ એટલે પરિવાર સાથે દર રવિવારે ફિલ્મો જોતી બેબી એલડા સિંહા મનોમન હિરોઇન બનવાનાં સપનાં જોવા લાગી. કુદરતે સારો કંઠ આપ્યો હતો એટલે બેબી એલડા  સ્કૂલના ફંક્શનમાં નાટક અને સંગીતના કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લેતી. એક વાતનો  તેને ખૂબ ગુસ્સો આવતો કારણ કે સ્કૂલમાં તોફાની વિદ્યાર્થીઓ તેને ‘ડાલડા’ કહીને ચીડવતા. 
સિંહા પરિવારના પાડોશી અરબિન્દો મુખરજી એક બંગાળી ફિલ્મ બનાવતા હતા. સ્કૂલના વાર્ષિક સમારોહમાં નાચતી-ગાતી ચુલબુલી એલડા લડાને જોઈ તેમણે બેબીને ૧૯૪૬માં બંગાળી ફિલ્મ ‘જય વૈષ્ણોદેવી’માં બાળકલાકારનો રોલ આપવાનું નક્કી કર્યું. પિતાએ કહ્યું, ‘આને ઍક્ટિંગનો કોઈ અનુભવ નથી.’ મુખરજીએ કહ્યું, ‘તે એટલી હસમુખી અને બેફિકર છે કે તેને વાંધો નહીં આવે.’ અને બન્યું પણ એવું જ. એલડા સિંહામાંથી બેબી નજમા બનેલી બાળકીએ અનુભવી કલાકારની જેમ અભિનય કર્યો. 
મારી લાઇબ્રેરીમાં ૨૨ વર્ષ પહેલાં માલા સિંહાએ વિવિધભારતીને આપેલો એક  ઇન્ટરવ્યુ છે. એમાં તે કહે છે, ‘મને એ પછી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી ઑફર આવી પણ પિતાજીને હતું કે મારો અભ્યાસ બગડશે. પરંતુ સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું, ‘તમે એની ચિંતા ન કરો. અમે શૂટિંગ માટે જોઈતી રજા આપીશું. એક્સ્ટ્રા ટાઇમમાં તેને ભણાવીશું.’ અને મારી  અભિનય કારકિર્દી શરૂ થઈ. શૂટિંગમાં મને ફટાફટ ડાયલૉગ્સ બોલવાની એટલી આદત હતી કે ડિરેક્ટરે કટ કીધા પછી પણ બીજા કલાકારોના ડાયલૉગ્સ બોલ્યા કરતી.’ 
૧૯૫૨માં બેબી નજમાને બંગાળી ફિલ્મ ‘રોશનઆરા’માં મહત્ત્વનો રોલ મળ્યો અને માલા સિંહાનો જન્મ થયો. ત્યાર બાદ થોડી બંગાળી ફિલ્મો કર્યા બાદ જે ફિલ્મમાં તેમનું કામ વખણાયું એ ફિલ્મ હતી ‘ઢૂલી’ જેમાં શરદેન્દુ મુખરજી અને સુચિત્રા સેન મુખ્ય કલાકાર હતાં. માલા સિંહાનો સિંગર તરીકે પૅરૅલલ રોલ હતો જેની નોંધ લેવાઈ. 
એ જ ઇન્ટરવ્યુમાં માલા સિંહા કહે છે, ‘નાનપણમાં ફિલ્મો જોતી ત્યારે હિરોઇનોને જોઈ મનોમન હું મારી જાતને તેમની જગ્યાએ મૂકીને સપનાં જોતી. નર્ગિસ રાજ કપૂરની જોડીને જોઈ વિચાર કરતી કે એક દિવસ મને પણ રાજ કપૂર સાથે કામ કરવાનો મોકો મળે તો કેવું? બંગાળી ફિલ્મોમાં કામ કરવાની મજા આવતી પણ મારું લક્ષ્ય મુંબઈ હતું.’
માલા સિંહાનું એ સપનું જલદી પૂરું થયું. ફિલ્મફેર મૅગેઝિનમાં તેનો ફોટો જોઈ પ્રોડ્યુસર અમિયા ચક્રવર્તીએ મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. તેની સાથે ત્રણ ફિલ્મોનો કૉન્ટ્રૅક્ટ કર્યો અને ‘બાદશાહ’માં (૧૯૫૪) પ્રદીપ કુમાર અને ઉષાકિરણ સાથે એક અગત્યનો રોલ આપ્યો. કમનસીબે આ ફિલ્મ સદંતર નિષ્ફળ ગઈ અને પ્રોડ્યુસરે બાકીની બે ફિલ્મોનો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો (અમિયા ચક્રવર્તીએ ત્યાર બાદ ‘સીમા’માં નૂતન અને ‘કઠપૂતલી’માં વૈજયંતીમાલાને કામ આપ્યું). 
નાસીપાસ થયેલા આલ્બર્ટ સિંહા પુત્રીને લઈને કલકત્તા પાછા ફરવાનો વિચાર કરતા હતા. એ દિવસોમાં ચરિત્ર અભિનેતા જાનકીદાસ આલ્બર્ટ સિંહાના મિત્ર બની ગયા હતા. તેની સિફારિશથી કિશોર સાહુએ ‘હેમલેટ’માં માલા સિંહને કામ આપ્યું. એ ફિલ્મ પણ નિષ્ફળ નીવડી. ગીતા રૉયની સિફારિશથી કેદાર શર્માએ ‘રંગીન રાતેં’માં કામ આપ્યું. માલા સિંહાએ નક્કી કર્યું હતું કે પીછેહઠ કર્યા વિના જે કામ મળે એ કરતાં રહેવું. એટલે પૌરાણિક ફિલ્મ ‘એકાદશી’ સ્વીકારી. ત્યાર બાદ ‘રિયાસત’માં કામ મળ્યું. આમ ફિલ્મી દુનિયામાં ટકી રહેવાનો પુરુષાર્થ સતત ચાલતો રહ્યો. 
એ દિવસોને યાદ કરતાં માલા સિંહા કહે છે, ‘એ સમય સંઘર્ષમય હતો. મને મહિપાલ સામે ‘રિયાસત’માં (૧૯૫૫ – પ્રોડ્યુસર મહિપતરાય શાહ – સંગીતકાર અવિનાશ વ્યાસ] હિરોઇન તરીકે મોકો મળ્યો. એક દિવસ મહાકાલી કેવ્સ પાસે આઉટડોર શૂટિંગ હતું. એ દિવસોમાં ત્યાં જંગલ હતું. એ સમયે મારી પાસે ગાડી નહોતી. હું ડૅડી સાથે વહેલી સવારે ત્યાં પહોંચી ગઈ. થોડી વારમાં મહિપાલ તેમની ઑસ્ટિન ગાડીમાં ત્યાં આવ્યા. આખો દિવસ શૂટિંગ ચાલ્યું અને રાતે મહિપાલ તેમની ગાડીમાં ઘરે ગયા. અમારે ત્યાં જ રોકાવાનું હતું. હું મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે ક્યારે એવો દિવસ આવશે કે મારી ગાડીમાં ઘરે જઈશ. હું નવીસવી હતી એટલે કોઈ ડિમાન્ડ કરવાની હાલતમાં નહોતી પણ મેં નક્કી કર્યું હતું કે એક દિવસ હું મારી જાતને પુરવાર કરીશ.’
‘જંગલ જેવા વિસ્તારમાં એક પતરાનો શેડ હતો ત્યાં અમારે રાતવાસો કરવાનો હતો. રાતે ખૂબ ઠંડી પડી. ઉપરથી મચ્છરનો ત્રાસ. ડૅડી મારી ચિંતામાં આખી રાત જાગતા રહ્યા. મારી પાસે ગરમ કપડાં નહોતાં. દિવસે ત્યાં ખૂબ ગરમી પડતી. જે ખાવાનું મળે એ ખાઈ લેતાં. પ્રોડ્યુસરને ફરિયાદ કરીએ તો એમ કહેશે કે આવાં નખરાં કરવાં હોય તો ઘેર જાઓ. અમે બીજી હિરોઈન સાથે કામ કરીશું. એટલે ચૂપચાપ આ બધું સહન કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો. સવારે પાંચ વાગ્યે ઊઠી, તૈયાર થઈ પાછું શૂટિંગ શરૂ થયું. આવી પરિસ્થિતિમાં મેં હિંમત નહોતી હારી. હું મન લગાવીને કામ કરતી.’
માલા સિંહાની ત્યાર બાદની ફિલ્મો હતી ‘એક શોલા’, ‘પૈસા હી પૈસા’, નૌશેરવાન- એ-આદિલ’, ‘એક ગાંવ કી કહાની, ‘અપરાધી કૌન’, ‘નયા ઝમાના’ અને ‘ફૅશન.’ આ ફિલ્મોમાં માલા સિંહા ભલે હિરોઇન હતી પરંતુ તેના કામની ખાસ નોંધ ન લેવાઈ. મધુબાલાની ના બાદ ગુરુ દત્ત ‘પ્યાસા’ માટે હિરોઇનની શોધમાં હતા. ગીતા બાલીએ ગુરુ દત્તને કહ્યું, ‘માલા સિંહા અત્યંત પ્રતિભાશાળી છે. આ રોલ માટે ફિટ છે.’ ગુરુ દત્ત સાથે માલા સિંહાની મુલાકાત થઈ અને તેને રોલ મળ્યો. આ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીએ માલા સિંહાની અભિનયક્ષમતાની નોંધ લીધી.
 એ ઇન્ટરવ્યુમાં માલા સિંહા કહે છે, ‘પ્રોડ્યુસર મહિપતરાય શાહ રાજ કપૂર સાથે ‘પરવરિશ’ બનાવતા હતા. તેમણે મને હિરોઇનનો રોલ ઑફર કર્યો. હું તો ડરી ગઈ. મારા ગમતા અભિનેતા રાજ કપૂર સાથે કામ કરવાનો મોકો હોવા છતાં મને મારા પર વિશ્વાસ નહોતો. આટલા મોટા કલાકાર સામે મારું શું ગજું? મેં ના પાડી. પ્રોડ્યુસરે ડૅડીને કહ્યું, ‘તમે માલાને સમજાવો, આવો મોકો નહીં મળે.’ તેમણે મને સમજાવી અને હું તૈયાર થઈ.’
‘શૂટિંગનો પહેલો દિવસ મને બરાબર યાદ છે. આગલા દિવસે આખી રાત મેં ડાયલૉગ્સ  યાદ કરવાની મહેનત કરી. સેટ પર આવીને જોયું કે સૌની આંખો મારા પર છે. રાજસા’બ તો દૂર ઊભા મસ્તીમજાક કરી રહ્યા હતા. શૂટિંગ શરૂ થયું. હું નર્વસ હતી. વારંવાર રીટેક થતા હતા. રાજસા’બ અભિનેતા ઉપરાંત ડિરેક્ટર પણ હતા. તેમણે જોયું કે હું ડરેલી છું. તેમણે  બંગાળીમાં કહ્યું, ‘એ રોશોગુલ્લા, આમી બોંગાલી, તુમિ બોંગાલી’ આટલું કહીને મારું ટેન્શન ઓછું કર્યું. હું રિલૅક્સ થઈ ગઈ.’  
‘પરવરિશ’ બાદ ‘ફિર સુબહ હોગી’, ‘ધૂલ કા ફૂલ’, લવ મૅરેજ’, ‘માયા’, ‘ધર્મપુત્ર’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘અનપઢ’, ‘દિલ તેરા દીવાના’, ‘ગુમરાહ’, ‘જહાંઆરા’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘બહારેં ફિર ભી આએગી’, ‘મેરે હુઝુર’, ‘હમસાયા’, ‘આંખેં’ અને બીજી અનેક ફિલ્મોમાં  કામ કરી માલા સિંહાએ ટોચની અભિનેત્રીનું સ્થાન મેળવ્યું. 
કહેવાય છે કે સઘળું સમું સૂતરું ચાલતું હોય છે ત્યારે નસીબ એવી કરવટ લે છે કે મનુષ્ય હતપ્રભ થઈ જાય છે. કારકિર્દીની ટોચ પર માલા સિંહાના જીવનમાં એક એવો બનાવ બન્યો કે તેની દુનિયાભરમાં બદનામી થઈ ગઈ. એ વાત આવતા રવિવારે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2025 11:06 AM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK