માળું બેટું, કો’ક મને પ્રેમ કરે ને પછી મને દગો દ્યે એના માટે હું હડિયાપટ્ટી કરું ને સાલ્લું કોઈ મારી સામે જોવે જ નઈ. મને તો થ્યું કે હું છાપામાં જાહેરખબર દઉં કે દગો દઈ શકે એવા વિશ્વાસુ પાત્રની જરૂર છે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આજે મારે વાત કરવી છે મારા કવિ થવાના ઢઢડિયાની, પણ વાત આગળ વધારતાં પહેલાં આ ઢઢડિયો શબ્દનો અર્થ કહી દઉં. શોખના બાપુજી બરાબર ઢઢડિયો. અમારા કાઠિયાવાડમાં ઘણા એને ચૂચો પણ કહે. તમને જે ગમે એ તમે રાખજો. ઓવર ટુ મારા કવિ બનવાના ઢઢડિયાની.
૧૯૯૧ની સાલમાં માધવપુર બ્રહ્મવેદાંતજીની શિબિરમાં પિતાશ્રીએ મને મોકલ્યો. ત્યાં સૂફી ગઝલ અને કવ્વાલી જીવનમાં પહેલી વાર સાંભળ્યાં અને હું પ્રેમમાં પડ્યો, એટલે કે સૂફી સંગીતના હોં...!
જહાન કી ગુરૂબત મેં શકુન નહીં આએગા
તેરી તસવ્વુર કે સુખરન કોઈ ઉઠાએગા,
મુન્તઝીરે મસ્તલક મેં વજૂદ ભી બહ જાએગા
દિમાગ ફટ જાએગા મગર યે શે’ર સમઝ મેં ન આએગા
આ મુક્તક જેવી જ કૈંક મારી હાલત હતી. તમને ખબર જ છે કે ભણતરે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને તેના હૈયામાં હવે ઇમોશન્સનું વાયરિંગ થતું હતું. એ સમયે મિત્રવર્તુળમાં એવી બે અફવાઓ : એક, જેને કવિ થવું હોય તે શરીરથી ‘વીક’ હોવો જોઈએ અને બીજી, તે ઊંડા પ્રેમમાં પડ્યો હોવો જોઈએ. આમાંથી પ્રથમ અફવામાં હું પર્ફેક્ટ બેસતો હતો. ૧૯૯૧માં મારું વજન માંડ ૫૧ કિલો હતું. હું શારીરિક રીતે વીક હતો. જોકે બીજી અફવામાં ૧૯૯૧થી છેક ૨૦૨૪ સુધી ફિટ ન થયો.
મેં મારા ભાઈબંધ અતુલને મારી વિટંબણા કહી. અતુલ કહે, ‘સાંઈ, જેમ મેકઅપ વગર કોઈ ફિલ્લમસ્ટાર ન થઈ શકે, પાર્ટી બદલ્યા વગર કોઈ કૅબિનેટ મંત્રી ન થઈ શકે એ રીતે પ્રેમ કર્યા વગર કવિ થાવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે ભાઈ...!!’
મારી દલીલ એ હતી કે દૂબળો દેહ અને જથ્થાબંધ ખીલને લીધે હું મને પણ અરીસામાં જોવો નહોતો ગમતો તો અન્ય કોઈને કેવી રીતે ગમું? પ્રેમ તો કોઈ આપણને કરે તો થાયને? આપણા એકલાથી તો માત્ર અફસોસ થાય! કવિતા લખવા માટે પ્રેમ ફરજિયાત કરવો પડે ઇટ મીન્સ ગામ સાટું ગાડું ફેરવવા જેવું થાય.
ચાર-છ મહિના પ્રેમ થવાની મેં ધીરજપૂર્વક રાહ જોઈ. જગતમાં ઘણાને પ્રેમમાં નિષ્ફળતા મળે, મને તો પ્રેમ થવામાં જ ઘોર નિષ્ફળતા સાંપડી. કોઈ હમઉમ્ર નવયૌવનાએ મને પ્રેમને યોગ્ય ન સમજ્યો. પછી મારી સાથે કોઈએ બેવફાઈ ન કરી હોવા છતાં હું કબર-કફન-હત્યારિન અને બેવફાની શાયરિયું લખવા લાગેલો. ૯૧થી ૯૪ વચ્ચે મારી સાથે ભણનારા મારા એન્જિનિયર મિત્રો મારી પાસે શાયરીઓ બોલાવતા, વન્સ મોર પણ કરાવતા... સાલ્લાઓએ વીસેક વર્ષ પછી ફોડ પાડ્યો કે અમે તો તારી ઠેકડી ઉડાડવા વન્સ મોર કરાવતા હતા.
‘તારી શાયરીમાં દમ નથી!’ અતુલ પહેલી વાર મારી કવિતા સાંભળીને આ શબ્દો બોલ્યો હતો. ત્યારે મેં કહ્યું હતું કે ‘મારા ખાનદાનમાં કોઈને દમ (અસ્થમા) નથી તો શાયરીમાં કેવી રીતે દમ આવે?’
અતુલે મને રસ્તો બતાવ્યો, ‘ભાઈ, માત્ર ગઝલ-કવ્વાલી સાંભળીને શાયર ન થવાય. કવિતા લખવા માટે કોઈ કવિની સલાહ લે તો સારું!’
અતુલની સલાહ કડક પણ સાચી હતી. વળી કોઈ છોકરી તમારી સામે દાંત ન કાઢે કે સૅન્ડવિચ ખાવા કૅન્ટીનમાં પધારવાની ના પાડી દે એટલે તે બેવફા ન કહેવાય બકા! તેના ઉપરોક્ત વાર્તાલાપે મારી નીંદર ઉડાડી દીધી.
બીજા દિવસથી મેં ગુજરાતી કવિઓનાં પુસ્તકો વાંચવાનાં શરૂ કર્યાં. સદ્ભાગ્યે ગોંડલમાં ‘સાહિત્ય વર્તુળ’ નામની એક સંવેદનશીલ સંસ્થાએ કવિ રમેશ પારેખનું કવિ સંમેલન યોજ્યું. ડૉ. દીપક લંગાલિયા જે હાડકાંના ડૉક્ટર હોવા છતાં કવિતા લખતા હતા તે મારા વડીલ મિત્ર બન્યા. કવિઓની સરભરામાં કવિતાપ્રેમી તરીકે હું પણ રમેશ પારેખનો સ્વયંસેવક બન્યો. રમેશ પારેખને જે રીતે તેની સોનલને ઢાળ પર ફૂલ દીધાનું યાદ હતું એમ મને પણ રમેશ પારેખને હાથોહાથ બીડી દીધાનું હજી યાદ છે. રમેશ પારેખ સાથે થયેલો ત્રણ મિનિટનો સંવાદ આજે પણ યાદ છે.
‘પારેખસાહેબ, કવિતા કેવી રીતે આવડે?’
‘તું બીડી પીવે છે?’
‘ના.’
‘છાંટોપાણી?’
‘ના’
‘તને કોઈ છોકરી ગમે છે?’
‘ના...’
સહેજ મૂછમાં હસીને બીડીની શટ લઈને પારેખસાહેબે મને કહ્યું...
‘તો પછી ‘ગઝલનું છંદશાસ્ત્ર’ પુસ્તક વાંચી જા. જે ઊગે એ લખ. કાટ ઊખડશે તો કો’ક દી કવિતા પણ લખાશે...’
રમેશ પારેખની બીડી પૂરી અને સલાહ પણ. ત્યાર બાદ તેમની સલાહ મુજબ મેં ઉર્દૂ-હિન્દી અને ગુજરાતીના ઘણા કવિઓને વાંચ્યા. ગઝલશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું, પણ વાંચીને લખલખું આવી ગયું. રદીફ અને કાફિયા મને પ્રેતાત્મા જેવા લાગતા. નાની બહેર અને મોટી બહેર સમજવામાં મારું મગજ બે’ર મારી ગયું. કવિ થવાના મારા અભરખા તોય શાંત ન થયા. દિવસમાં ત્રણ વાર શબ્દોના ઊભરા મારી અંદર આવતા હતા.
મારા હૃદયમાંથી ઊઠતા ભાવોને માત્રામેળમાં ઢાળવાનું મને અઘરું લાગ્યું, કારણ કે ત્યારે હજી મારો કુટુંબમેળ પણ બાકી હતો. કોઈના પણ સર્ટિફિકેટની રાહ જોયા વિના મેં જે મનમાં આવ્યું એ લખી રાખ્યું. ‘પાગલ’ના ઉપનામથી લાલ અક્ષરે લખેલી મારી ગઝલની ડાયરી ભજનિક પિતાશ્રીના હાથમાં આવી ગઈ. મારો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો.
‘તું લખે છે એ સારું કહેવાય, પણ બેટા, ‘પાગલ’ના ઉપનામ કરતાં ‘સાંઈરામ’ના નામથી લખીશ તો કદાચ એકાદ-બે સારી કવિતા ઊગશે.’
આટલું કહીને પપ્પા ચાલ્યા ગયા.
બસ, એ દિવસથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પ્રશાંત બન્યો સાંઈરામ. નામ ધારણ કર્યું એને આજે વર્ષો થયાં, હજી માણસ બનવાની પ્રક્રિયામાં જ છું. ત્રણેક કાવ્યસંગ્રહો અત્યાર સુધીમાં બહાર પડ્યા છે. હાસ્યલેખનાં પુસ્તકો પર કેટલાક હુંશિયાર દુકાનદારો મારી કવિતાનો સંગ્રહ નિઃશુલ્ક ભેટમાં પધરાવી દે છે...! મારેય કવિ થાવું’તું...! પણ શું કામ થાવું’તું એનું કારણ હજી સુધી મને મળ્યું નથી. મારી અંદરનો ઢઢડિયો હજી રાતી રાણ જેવો છે. રોયાને મહામારીની પણ અસર નથી થઈ ને મોંઘવારી પણ એનું કાંય બગાડી નથી શયકી.


