સુપરકલેક્શનનો વિક્રમ થયો એ જગજાહેર છે. આ મૂવી બાદ ચોક્કસ પ્રજાના તોફાની પ્રત્યાઘાતો વિવાદનો વિષય પણ બન્યા. તાજેતરમાં કેટલાક સવાલ આ ફિલ્મમાં દર્શાવાયેલા ઇતિહાસ વિશે ચર્ચામાં આવ્યા છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજકાલ ‘છાવા’ ફિલ્મની ચર્ચા અતિ જોરશોરમાં ચાલી રહી છે. સુપરકલેક્શનનો વિક્રમ થયો એ જગજાહેર છે. આ મૂવી બાદ ચોક્કસ પ્રજાના તોફાની પ્રત્યાઘાતો વિવાદનો વિષય પણ બન્યા. તાજેતરમાં કેટલાક સવાલ આ ફિલ્મમાં દર્શાવાયેલા ઇતિહાસ વિશે ચર્ચામાં આવ્યા છે. આમ પણ આપણી જ નહીં, દુનિયાભરની ફિલ્મોમાં ઇતિહાસ સાથે ચેડાં થતાં જ રહે છે અને એ પણ એટલી બધી વાર અને એટલાં બધાં વરસોથી થાય છે કે હવે કેટલીક બાબતોમાં સત્ય અને અસત્ય વિશેના ભેદ પણ ભુલાઈ ગયા હશે. ફિલ્મો, સિરીઝ અને સિરિયલોમાં ઇતિહાસને ક્રીએટિવિટીના નામે કે ફિક્શન સ્વરૂપે રજૂ કરવાનો સિલસિલો વરસોથી ચાલી રહ્યો છે જેને લીધે આજની અને આવનારી પેઢીઓને કયું અને કેવું સત્ય (?) મળશે એ તો ભગવાન જાણે; પરંતુ અત્યારે તો આપણી સામે અનેકવિધ ફિલ્મો, સિરિયલો અને સિરીઝ મારફત ઇતિહાસના નામે કે નિમિત્તે સત્યને ફિક્શનનાં વસ્ત્રો પહેરાવીને ઢગલાબંધ અસત્ય સફળતા અને સરળતાથી વેચાઈ રહ્યાં છે. હાલ દેશભક્તિના નામે, વીરો-વીરાંગનાઓ, વૈજ્ઞાનિકો, ક્રાન્તિકારીઓ, સ્પોર્ટ્સપર્સન વગેરેના નામે પણ સત્ય-ઇતિહાસ સાથે અડપલાં થાય છે.
સવાલ માત્ર મૂવીઝ કે સિરીઝનો નથી; સવાલ ઇતિહાસની રજૂઆતનો છે, ઇતિહાસ સાથે થતી ઘાલમેલનો છે જે જૂની-નવી ઉપરાંત ભાવિ પેઢી માટે પણ જોખમી બની શકે; કારણ કે ફિલ્મોનું માધ્યમ એટલું અસરકારક હોય છે કે પ્રજાના માનસપટ પર એ વધુ અંકિત થઈ જાય છે. આમાં સત્ય તો ક્યાંય પડદા પાછળ છુપાઈ-ભુલાઈ જાય છે.
ADVERTISEMENT
ઇતિહાસ હોય કે સત્યકથા હોય, ક્રીએટિવ લિબર્ટીના નામે ફિલ્મો-સિરીઝો ભરપૂર પૈસા અને પ્રસિદ્ધિ મેળવી લે છે. આ ઉપરાંત ધાર્મિક સિરિયલોમાં પણ ભગવાનના નામે લોકો ગેરમાર્ગે દોરાતા રહે છે. કમનસીબી એ છે કે લોકોમાં આવા તમામ વિષયોની જાગૃતિ કે સમજણ રહી નથી. તેમને સાચું કે ખોટું શું છે એની પરવા હોતી નથી. તેમને પોતાને મનોરંજન મળે છે એ વાતથી જ સંતોષ થઈ જાય છે. સવાલ ઉઠાવશે કોણ? એ અવાજ ક્યાં સુધી અને કેટલો પહોંચશે?
આપણે આજકાલ કોઈ ચોક્કસ સમાચાર વાંચીએ ત્યારે પણ કેટલો વિશ્વાસ બેસે છે? (છાપામાં આવી ગયું એટલે સાચું જ એ સમય અને જમાનો ગયો.) સોશ્યલ મીડિયામાં ફરતા મેસેજિસ, વિડિયો કે અહેવાલ વગેરે પર કેટલા ટકા ભરોસો થઈ શકે છે? ખેર, હવેના સમયમાં સત્યને ઓળખવા અલગ આંખો-ચશ્માં, દૃષ્ટિકોણ, સમજણ, વિવેક જરૂરી બની ગયાં છે; કારણ કે અસત્યો ઉત્તમ કુશળતાથી સત્યનાં આકર્ષક વસ્ત્રો પહેરીને બહુ જોર અને જોશથી ફરતાં-ફેલાતાં રહે છે અને એની પાછળ ગાડરિયા પ્રવાહમાં કરોડો લોકો પણ ભળતા જાય છે.
બુનિયાદી સવાલ એ છે કે હાલ આજની અને આવતી કાલની પેઢીને-પ્રજાને શું અપાઈ-પીરસાઈ રહ્યું છે? તેઓ શું અને કોને સત્ય માનીને જીવશે? આમ ને આમ તો ઇતિહાસ, ધર્મ, ભક્તિ અને શ્રદ્ધાની વ્યાખ્યા પણ બદલાઈ જશે એવું લાગતું નથી?

