આજના સમયમાં જ્યારે દરેક બાબતમાં પૈસો મહત્ત્વનો બન્યો છે ત્યારે આર્થિક સ્વતંત્રતાનો અનુભવ દરેક વ્યક્તિ કરે અને એ માટે મહેનત કરે એ જરૂરી બન્યું છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કોઈની પાસે હાથ ફેલાવવો કે નાછૂટકે મફતમાં કોઈ વસ્તુ લેવી પડે એ અવસ્થા વ્યક્તિના આત્મસન્માનને ઘણી રીતે ડૅમેજ કરનારી હોય છે. હાથ ફેલાવવો પડે ત્યારે મનમાં ક્યાંક ને ક્યાંક અંદર હીનતા આવ્યા વિના રહેતી નથી.
લોકો જ્યારે આત્મનિર્ભર બને છે ત્યારે આર્થિક રીતે જ નહીં, માનસિક અને સામાજિક રીતે પણ આત્મનિર્ભર બનતા હોય છે. આજના સમયમાં જ્યારે દરેક બાબતમાં પૈસો મહત્ત્વનો બન્યો છે ત્યારે આર્થિક સ્વતંત્રતાનો અનુભવ દરેક વ્યક્તિ કરે અને એ માટે મહેનત કરે એ જરૂરી બન્યું છે. તમે જો ઊંડાણપૂર્વક જોશો તો સમાજમાં બે પ્રકારના વર્ગ વિકસી રહ્યા છે. એક તરફ અતિ સંપન્ન અને ભણેલોગણેલો પ્રોફેશનલ વર્ગ જેમની પાસે સમય નથી અને જેઓ પૂરી રીતે કોઈક તેમના માટે કામ કરી આપે એ વાતને મહત્ત્વ આપી રહ્યા છે. બીજી બાજુ એવો પણ વર્ગ છે જેમનું ભણતર ઓછું છે અને જેમની પાસે નોકરી-ધંધામાં જોઈએ એવી સ્કિલ પણ નથી. આવા સમયે એક કામ છે જેની જરૂરિયાત છે અને તમે જો એને અનુસરો તો તમારું પણ કામ થઈ શકે એમ છે. એ છે ડિલિવરીનું કામ. યસ, આજે અમે દાદરની અમારી સંસ્થામાં હાઇજીનિક ફરસાણ વેચીએ છીએ. જોકે બોરીવલીમાં કે ડોમ્બિવલીમાં એ ફરસાણ નથી મળતું. તમે જો ઇચ્છો તો એ ફરસાણની ડિલિવરીનું કામ કરી શકો, જેમાં તમારું કમિશન હોય. એવી જ રીતે પચ્ચીસ ટકાના ડિસ્કાઉન્ટમાં દવાઓ આપીએ છીએ. એમાં પણ દસથી પંદર ટકાનું કમિશન લઈને તમે દવા લોકોને પહોંચાડી શકો છો. આજે વર્કિંગ મહિલાઓ ઘરે રસોઈ બનાવી શકે એવો સમય જ નથી હોતો. તમે જો ભણેલા નથી તો રસોઈ બનાવવાનું કામ કરી શકો છો. આરામથી આ કાર્યમાં ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયાની આવક સંભવ છે. અમારે ત્યાં કરિયાણાની દુકાનમાં કામ કરતા સવાર અને સાંજ માત્ર બે-બે કલાકના સમયમાં એક ભાઈ ડોમ્બિવલીથી ખાખરા લાવતા અને લોકોના ઘરે ડિલિવરી કરી આવતા. આગળ જતાં તેમણે એ કામ ફુલ ટાઇમ શરૂ કર્યું. ત્રણેય લાઇનનો રેલવેનો પાસ કઢાવી લીધો હતો. સવારે ૩ કલાક જાય અને સાંજે ૩ કલાક જાય. આ જ કામથી મેળવેલા પૈસાથી દીકરીનાં લગ્ન કર્યાં, ડોમ્બિવલીમાં પોતાનો ફ્લૅટ પણ લીધો અને આજે સુખેથી જીવે છે. મેં પોતે મારા બન્ને ભાઈઓ સાથે મળીને સ્કૂલથી પાછા આવ્યા પછી બપોરે ત્રણથી રાતના ૯ વાગ્યા સુધી લૉટરીની ટિકિટ, વરસાદમાં પ્લાસ્ટિક, બૉલપેન, બેલ્ટ જેવી અઢળક વસ્તુઓ રસ્તા પર વેચી છે.
ADVERTISEMENT
મારું એટલું જ કહેવું છે કે જીવનમાં એકેય કામ નાનું નથી. બસ, તમે મહેનત કરવા તૈયાર હો તો દરેક કામથી તમારો પ્રોગ્રેસ થઈ શકે છે. તમે માત્ર આત્મનિર્ભર બનવાનો ગોલ રાખો.
- અનિલ ધરોડ (વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, દાદરના મૅનેજિંગ ટ્રસ્ટી અનિલ ધરોડ ઘણાં વર્ષોથી સામાજિક રીતે સક્રિય છે.)


