બેઠક તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કોઈ સામાધાનકારી ઉકેલ માટેની હતી, પણ મળવા માટે સ્ટ્રૅટેજિક જગ્યા તરીકે અલાસ્કાની પસંદગી થઈ.
અલાસ્કા
પંદરમી ઑગસ્ટે વિશ્વની બે મહાસત્તાઓના પ્રતિનિધિઓની મીટિંગ અમેરિકાના અલાસ્કામાં થઈ. બેઠક તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કોઈ સામાધાનકારી ઉકેલ માટેની હતી, પણ મળવા માટે સ્ટ્રૅટેજિક જગ્યા તરીકે અલાસ્કાની પસંદગી થઈ. આ અલાસ્કા એક સમયે રશિયાનું હતું અને રશિયાએ જ એ પ્રદેશ વેચી નાખ્યો. આજે જાણીએ અલાસ્કા કેટલામાં વેચાયું અને એમાં કોને કેટલો ફાયદો થયો અને કોને નુકસાન
છેલ્લા આખા અઠવાડિયા દરમ્યાન વાવણી સમયે જે રીતે ખેડૂતની આંખો વાદળો તરફ મંડાયેલી હોય, જે રીતે પ્રેમીની આંખો પ્રેમિકાના આવવાના રસ્તે મંડાયેલી હોય એ રીતે આપણા બધાની આંખો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના સર્વેસર્વા પુતિનની મીટિંગ તરફ મંડાયેલી હતી. મીટિંગમાં શું થયું એ વાત તો જૂની થઈ ગઈ, પણ બન્ને દેશો વચ્ચેનો એક જૂનો ઇતિહાસ હાલની ખરબચડી સપાટી પર તરતો દેખાયો. ઇતિહાસના આ મુખ્ય પૃષ્ઠનું નામ છે અલાસ્કા. એક સમય હતો જ્યારે અલાસ્કા રશિયાની માલિકીનો પ્રદેશ હતો. ત્યાર પછી સમય કંઈક એવો આવ્યો કે રશિયાને પોતાનો એ પ્રદેશ અમેરિકાને વેચી દેવાની ફરજ પડી અને ત્યાર બાદ આજનો સમય છે જ્યારે અલાસ્કા અમેરિકાની માલિકીનો પ્રદેશ તો છે જ, સાથે જ એને માટે રશિયા સાથેનો આ સોદો અને એનાં પરિણામો બન્ને સોનાની ચીડિયા સમાન અને હીરાની ખાણ સમાન સાબિત થયાં છે.
ADVERTISEMENT
વાત કરીએ એ તારીખની જ્યારે ‘ભવિષ્યનાં લેખાંજોખાં’ નામના એ હિસાબી ચોપડામાં અલાસ્કાની જમીન એનો ભૂતકાળ છોડીને નવું ભવિષ્ય લખવા તરફ જઈ રહી હતી. તારીખ હતી ૧૮૬૭ની ૨૯ માર્ચ!
બે સેન્ટ પ્રતિ એકર
શિયાળાની ઋતુ અને અમેરિકાના વૉશિંગટન DCમાં ઠંડીની ચાદર ઓઢીને લપેટાયેલી એ રાત જ્યારે રશિયન રાજદૂત વેર્ન એડવર્ડ સ્ટોયકલ ફટાફટ પોતાનું રાત્રિભોજન પૂરું કરવાની ઉતાવળમાં છે, કારણ કે ગમે એ ઘડીએ પોતાના દેશ રશિયાથી તેમના પર એક મેસેજ આવવાનો હતો. રશિયન ઝારનો મેસેજ અર્થાત્ રશિયાના રાજા ઍલેક્ઝાન્ડર દ્વિતીયનો સંદેશ! હજી તો ભોજન પૂરું જ થયું ત્યાં તો મેસેજ આવી પણ ગયો અને વેર્ન એડવર્ડ સ્ટોયકલ અમેરિકી વિદેશમંત્રી વિલિયમ હેન્રી સ્ટુઅર્ટના ઘર તરફ રવાના થયા.
વેર્ન એડવર્ડ સ્ટોયકલને ઘરે આવેલા જાણીને સ્ટુઅર્ટ પોતાની રૂમની બહાર આવે છે અને ત્યાં જ એ રશિયન રાજદૂત અમેરિકી વિદેશમંત્રીને એક ખુશખબર આપતા કહે છે, ‘રશિયાના ઝારે ડીલને મંજૂરી આપી દીધી છે! બે સેન્ટ પ્રતિ એકર!’ રશિયન રાજદૂત વેર્ન એડવર્ડ સ્ટોયકલ અમેરિકાના વિદેશમંત્રી સ્ટુઅર્ટને આ જે ડીલ વિશે કહી રહ્યા હતા એ ડીલ એટલે વિશ્વના ઇતિહાસમાં આજ સુધીની સૌથી મોટી લૅન્ડ ડીલ!
બીજા દિવસની સવારે અર્થાત્ ૩૦ માર્ચે રશિયા ૧૫ લાખ ૧૮ હજાર ૮૦૦ વર્ગ કિલોમીટરની જમીન અમેરિકાને વેચી દે છે. આ આટલી મોટી જમીન માટે રશિયાને કેટલા રૂપિયા મળે છે? માત્ર ૭૨ લાખ ડૉલર! મતલબ કે લગભગ ૬૨ કરોડ રૂપિયા. અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી આ ડીલ એટલે આજે આપણે જેને અલાસ્કા તરીકે ઓળખીએ છીએ એ જમીની પ્રદેશ. એ જ અલાસ્કા જ્યાં આ ૧૫ ઑગસ્ટે વ્લાદિમીર પુતિન અને ડોનલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી. ક્યારેક બે સેન્ટ પ્રતિ એકરના ભાવે ખરીદાયેલું એ જ અલાસ્કા આજે એટલું મોટું અને એટલું મહત્ત્વનું બની ચૂક્યું છે કે આ એક રાજ્યની GDP વિશ્વના કેટલાય દેશની GDP કરતાંય વધુ છે.
અલાસ્કા, અલાસ્કા કિધર હૈ તૂ...
રશિયાના જન્મની કહાની આપણને ક્યાંક નવમી સદીની આસપાસના સમયગાળામાં મળે છે જ્યારે કિએવમાં ઋરિક ડાયનૅસ્ટીનું રાજ હતું. હા, એ જ કિએવ જે આજે યુક્રેનની રાજધાની છે. કિએવ એ સમયગાળા દરમ્યાન સાંસ્કૃતિક અને રાજનૈતિક બન્ને દૃષ્ટિએ આખા યુરોપમાં એક મહત્ત્વના પ્રદેશ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું હતું. ધીરે-ધીરે વ્યાપાર અને શક્તિનો ગઢ બની રહેલા કિએવના રાજવીઓએ એ સમયે નવા રાજ્ય તરીકે રશિયાની સ્થાપના કરી. મધ્યકાળના સમયથી જ રશિયાનો ઇતિહાસ એટલે કે વાસ્તવમાં તો ઋરિક રાજવંશીઓનો ઇતિહાસ વિસ્તારવાદી અને શક્તિપ્રદર્શનવાદી રહ્યો છે. આથી જ તેરમી સદી આવતા સુધીમાં તો એક સમય એવો આવી ગયો જ્યારે ઋરિકના રાજ્ય કિએવ પર મંગોલો વારંવાર આક્રમણ કરવા માંડ્યા. સતત યુદ્ધની એ પરિસ્થિતિથી કંટાળેલા ઋરિકોએ મંગોલોના આક્રમણને કારણે પોતાની રાજધાની કિએવનું સ્થળાંતર કરવા વિચાર્યું અને લઈ ગયા મૉસ્કો!
વિજયી સૂર્ય ફરી એક વાર લહેરાયો અને પંદરમી સદી આવતા સુધીમાં રશિયન રાજવી (જેને ઝાર કહેવામાં આવે છે) ગ્રેન ડ્યુક ઇવાન તૃતીયએ મંગોલોના શાસનને પૂર્ણતઃ ખતમ કરી નાખ્યું. સોળમી-સત્તરમી સદીનો આખો સમયગાળો હતો રશિયાના વિસ્તારવાદનો. તેમણે પોતાના રાજ્યની સીમાઓ એક તરફ સાઇબીરિયાનાં જંગલો સુધી તો બીજી તરફ પ્રશાંત મહાસાગર સુધી વિસ્તારી હતી. આ એ સમય હતો જ્યારે રશિયા વિશ્વનું સૌથી મોટું રાજ્ય બની ચૂક્યું હતું. ૧૬૮૭ની એ સાલ જ્યારે રશિયાની સત્તા પર હતા પીટર ધ ગ્રેટ જેમણે યુરોપનાં બીજાં રાજ્યો સાથે વ્યાપાર અને વ્યવહારમાં નોંધનીય વૃદ્ધિ કરી અને શરૂ થયા નવા વ્યાપારી સબંધો અને સમીકરણો.
તેમના જ વંશજ હતા પીટર ધ ગ્રેટ દ્વિતીય જે નવી-નવી જગ્યાઓ શોધતા રહેવાનો અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનો શોખ ધરાવતા હતા. પીટર દ્વિતીયને એક સમયે એવી જિજ્ઞાસા થઈ કે સાઇબીરિયાની પૂર્વ સીમાઓ ઉત્તરી અમેરિકાને મળે છે કે નહીં? ૧૭૪૧ની એ સાલ જ્યારે આ જિજ્ઞાસા સાથે પીટર ધ ગ્રેટ દ્વિતીયએ ડેનિશ નાવિક બિટ્સ બેરિંગને સાઇબીરિયાની પૂર્વી સીમાઓ ચકાસવા માટે મોકલ્યો. મહિનાઓ સુધી બર્ફીલા સમુદ્રમાં સફર કરતા રહ્યા બાદ આખરે બિટ્સ બેરિંગને એક કિનારો દેખાયો. એકદમ ઊજળો, નિર્જન. જાણે સફેદ ચાદર ઓઢીને સૂતેલી શાંત જમીન. બેરિંગ પોતાની હોડી એ તરફ લઈ જાય છે અને કિનારે ઊતરીને ત્યાં રશિયન સામ્રાજ્યનો ધ્વજ લહેરાવી દે છે. એ નિર્જન સમુદ્રકિનારો, શ્વેતરંગી બરફનું રણ એટલે અલાસ્કા!
કમાણી કરતો કોહિનૂર
એક તો નિર્જન વિસ્તાર, ઉપરથી ભરપૂર મોટી સંખ્યામાં સી ઓટર્સ જેમને આપણે ઊંટબિલાઉના નામે ઓળખીએ છીએ. તંદુરસ્ત શિયાળો જેને આપણે લોમડી કહીએ છીએ અને જબરદસ્ત માત્રામાં માછલીઓ અને કરચલાઓ. આ બધા જ એવા દરિયાઈ અને જમીની જીવો હતા જેમની આખા યુરોપમાં અને ચીનમાં જબરદસ્ત ડિમાન્ડ હતી. સ્વાભાવિક છે કે બિટ્સ બેરિંગ દ્વારા શોધાયેલો આ દ્વીપ પીટર દ્વિતીયને બેહદ પસંદ પડવાનો હતો. ૧૭૪૧ની એ સાલ જ્યારે બેરિંગે પોતાના રાજા માટે જળ બિલાડીઓ, મોટી જાડી ચામડીવાળાં શિયાળ, માછલીઓ અને કરચલાથી ભરપૂર અલાસ્કા શોધ્યું અને ૧૭૮૪ આવતાં સુધીમાં તો ફરનું કામ કરતા રશિયન વેપારીઓ માટે અલાસ્કા એક મહત્ત્વનો રહેણાક દ્વીપ બની ચૂક્યો હતો. ફરના વેપારીઓની પહેલી વસ્તી અલાસ્કાના કોડિયાક દ્વીપ પર સ્થપાઈ, જેથી અહીંનાં પ્રાણીઓનું ચામડું અને ફરમાંથી બનતી ખાલ યુરોપ અને ચીન મોકલી શકાય.
ત્યાર બાદ ૧૭૯૯માં અલાસ્કામાં એક રશિયન-અમેરિકન કંપનીની સ્થાપના થઈ અને જોતજોતામાં રશિયન વેપારીઓ દ્વારા વિકસેલો આ ઠંડો જમીની પ્રદેશ ફર, ચામડું, માછલીઓ અને કરચલાઓનું ધમધમતું આંતરરાષ્ટ્રીય બજાર બની ગયો. વેપાર અને વ્યવહાર બન્ને દૃષ્ટિએ અલાસ્કા રશિયા માટે સોનાની ખાણ સાબિત થઈ રહ્યું હતું અને રશિયા આ વિસ્તાર દ્વારા મબલક કમાણી કરવા માંડ્યું.
અલાસ્કા - વેપારથી આધિપત્ય સુધી
હમણાં સુધી માત્ર અર્થતંત્રની દૃષ્ટિએ મહત્ત્વનું જણાતું અલાસ્કા હવે ધીરે-ધીરે એની નવી ઓળખ પણ છતી કરી રહ્યું હતું. પ્રશાંત મહાસાગરનો કિનારો અને રશિયાની માલિકી. સામ્રાજ્યવાદ અને વિસ્તારવાદને મહત્ત્વ આપનારા રશિયન રાજવીઓએ જો આખા વિશ્વ પર રાજ કરવું હોય તો તેમના માટે અલાસ્કા સ્ટ્રૅટેજિકલી અત્યંત મહત્ત્વનું સ્થળ હતું, કારણ કે અલાસ્કા એકમાત્ર સમુદ્ર નજીક એવી જગ્યા હતી જ્યાંથી વેપાર પણ થઈ શકે એમ હતો અને બીજાં રાજ્યો તરફની સફર પણ થઈ શકે એમ હતી.
જોકે અહીં એક મુશ્કેલી ઊભી થઈ. પૈસાને જ પોતાનો પરમેશ્વર માનનારા રશિયન વેપારીઓએ અલાસ્કાની મૂળ નિવાસી એવી આદિવાસી પ્રજાને પોતાને ત્યાં કામે રાખવા માંડી. સસ્તા મજૂરો અને મોટો ફાયદો હોવાને કારણે તે વેપારીઓએ એ અભણ અને ભોળી પ્રજાને ધીરે-ધીરે ગુલામ બનાવવા માંડી અને તેમના પર જુલમ કરવા માંડ્યો. જુલમ સહન કરવાની ધીરજનોય આખરે ક્યારેક તો અંત આવે જ. ૧૮૦૨ની સાલ આવતાં-આવતાં સ્થાનિક આદિવાસીઓની સહનશીલતાએ જવાબ દઈ દીધો અને તેમણે રશિયન વેપારીઓ વિરુદ્ધ બગાવત કરી. જોકે ૧૮૦૪ સુધીમાં રશિયનોએ ફરી અલાસ્કાનો કબજો લઈ લીધો, પણ તકલીફ માત્ર અહીં જ પૂરી થઈ જાય એમ નહોતું. અલાસ્કાનો બીજી તરફનો છેડો જે કૅનેડા સાથે જોડાયેલો હતો એ કૅનેડા પર બ્રિટિશર્સનો કબજો હતો. હવે એ સમયે બ્રિટન વિશ્વફલક પર એક એવી શક્તિ તરીકે ઊભર્યું હતું જેની પ્રશાંત મહાસાગરમાં પણ શક્તિશાળી નૌસેના હતી. આથી રશિયાને ડર હતો કે બ્રિટન અલાસ્કા પર પણ કબજો કરી લેશે. એની પાછળનું એક કારણ એ હતું કે બ્રિટિશર્સના નેજા હેઠળનું કૅનેડા અલાસ્કા સાથે સીધેસીધું જમીની વિસ્તાર દ્વારા જોડાયેલું હતું, જ્યારે રશિયા માટે અલાસ્કા પહોંચવું એટલું સરળ નહોતું. રશિયનોએ અલાસ્કા પહોંચવા માટે સમુદ્રમાર્ગે કેફોન દ્વારા અથવા બરફાચ્છાદિત બેરિંગ સ્ટેટ દ્વારા પહોંચવું પડતું હતું જેને કારણે એટલું તો રશિયાને સમજાઈ ચૂક્યું હતું કે જો ભવિષ્યમાં અલાસ્કા પર આધિપત્યને લઈને યુદ્ધ થયું તો બ્રિટન સામે જીતવું સહેલું નહીં રહે.
આ બધી લમણાઝીંક તો ચાલી જ રહી હતી. એવામાં ૧૮૫૩માં ક્રિમિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું. જે રશિયા અલાસ્કા પર પોતાનું આધિપત્ય જાળવી રાખવા બાબતે કૉન્ફિડન્ટ નહોતું એ જ રશિયા બાલ્કન દેશો પર પોતાના કબજાને લઈને અત્યંત મહત્ત્વાકાંક્ષી હતું. બલ્ગેરિયા, રોમાનિયા, માલ્દોવા અને ક્રિમિયા જેવા દેશો પર એને પોતાનું નિયંત્રણ જોઈતું હતું. આ બધા જ દેશો એ સમયે ઑટોમન સામ્રાજ્યના આધિપત્ય હેઠળ હતા. ઑટોમન સામ્રાજ્ય એટલે મુસ્લિમ બહુમતીવાળું સામ્રાજ્ય. મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં ખ્રિસ્તી લઘુમતીની સુરક્ષાના મુદ્દે ૧૮૫૩ના જુલાઈ મહિનામાં રશિયન રાજવીએ રોમાનિયા પર આક્રમણ કર્યું. ટર્કીને જ્યારે આ આક્રમણની ખબર પડી ત્યારે એણે રશિયા વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી નાખ્યું. બ્રિટનને તો જાણે ફાવતું પડી ગયું. એણે તો આમેય અલાસ્કા માટે આજે નહીં તો કાલે રશિયા સાથે યુદ્ધ કરવું જ હતું. એમાં ટર્કીએ જાહેર કરેલા યુદ્ધમાં રોમાનિયાની સાથે બ્રિટન અને ફ્રાન્સ પણ રશિયા વિરુદ્ધના એ યુદ્ધમાં જોડાયાં. આ બધા પાછળનું એક મહત્ત્વનું કારણ એ હતું કે કાળા સમુદ્રમાં દિવસે-દિવસે રશિયાની તાકાત વધતી જઈ રહી હતી અને એ આ બધા દેશોને મંજૂર નહોતું. ૩ વર્ષ સુધી સતત ચાલેલા આ યુદ્ધનો આખરે અંત આવ્યો ૧૮૫૬માં થયેલી પૅરિસ ટ્રીટી દ્વારા, જેમાં રશિયાની ખરાબ રીતે હાર થઈ હતી.
મજબૂરી હૈ સાબ, બેચના પડેગા
હાર અને જીત કરતાં પણ વરવું કોઈ યુદ્ધ-પરિણામ હોય તો એ છે ખુવારી. એક તરફ ૩ વર્ષના એ યુદ્ધ દરમ્યાન રશિયન ખજાનો લગભગ-લગભગ ખાલી થઈ ચૂક્યો હતો તો બીજી તરફ ૧૯મી સદીનો મધ્યકાળ આવતા સુધીમાં અત્યાધિક શિકારને કારણે અલાસ્કામાં ઊંટબિલાઉની સંખ્યામાં પણ જબરદસ્ત ઘટાડો આવી ચૂક્યો હતો. યુદ્ધમાં ખર્ચો અને કમાણી કરી આપનારા અલાસ્કામાં પશુઓની ઘટતી સંખ્યા. પરિણામસ્વરૂપ અલાસ્કા વેપારની કરોડરજ્જુ ગણાતી રશિયન-અમેરિકન કંપની પણ ખોટમાં ચાલવા માંડી હતી જેને કારણે રશિયાએ એ કંપની ચલાવવા માટે પોતાના ખજાનામાંથી સબસિડી આપવી પડી રહી હતી. બધું મળીને એમ કહીએ તો ચાલે કે ગઈ કાલ સુધી ચીન અને યુરોપમાં વેપાર કરીને કમાણી કરી આપનારું અલાસ્કા ૧૯મી સદીના મધ્યકાળ સુધીમાં રશિયન સરકાર માટે આર્થિક બોજારૂપ બની ગયું હતું. એવા સંજોગોમાં રશિયન ઝાર ઍલેક્ઝાન્ડર દ્વિતીય અને તેના સલાહકાર ગ્રેન ડ્યુન કૉન્સ્ટન્ટિને અલાસ્કાને વેચી નાખવાનો નિર્ણય કર્યો.
ઍલેક્ઝાન્ડરને લાગતું હતું કે અલાસ્કા જેવા આર્થિક બોજને સાચવી રાખવા કરતાં રશિયાએ એનાં સંશાધનોનો એશિયામાં નવાં ક્ષેત્રો શોધવામાં અને દેશમાં સુધારાઓ કરવામાં ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એક તરફ અલાસ્કાને સાચવી રાખવા માટે આર્થિક ખર્ચ થઈ રહ્યો હતો અને બીજી તરફ જો બ્રિટન એનો કબજો મેળવવા હુમલો કરે તો એનાથી બચાવવા શું કરવું એ પણ માથાનો દુખાવો હતો. હવે એ સમયે ઍલેક્ઝાન્ડર અને કૉન્સ્ટન્ટિનને લાગતું હતું કે અમેરિકા બ્રિટનનું પ્રતિદ્વંદ્વી છે એટલે અમેરિકાને અલાસ્કા વેચી દેવું જોઈએ, જેથી કૅનેડાને પોતાને કબજે કરી બેઠેલા બ્રિટિશર્સનો પ્રભાવ ઓછો કરી શકાય.
અમેરિકા - બગાસું ખાતાં પતાસું મોંમાં પડ્યું
આ એ સમય હતો જ્યારે અમેરિકા પોતાના દેશની સરહદો પશ્ચિમથી લઈને પૂર્વ સુધી વિસ્તારવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. આથી જ તો ૧૮૦૩માં એણે લ્યુસિયાના ખરીદ્યું. ૧૮૪૫માં એણે ટેક્સસને પોતાનામાં ભેળવી લીધું અને ત્યાર બાદ કૅલિફૉર્નિયા સહિત બીજા અનેક વિસ્તારો મેક્સિકો પાસે છીનવી લીધા. હવે આ વિસ્તારવાદી ભૂખ્યા વરુની નજર પ્રશાંત મહાસાગર પર હતી; કારણ કે પ્રશાંત મહાસાગર વિદેશવ્યાપાર, નૌસેના અને બીજાં જરૂરી સંશાધનોના સંદર્ભે અત્યંત મહત્ત્વનો હતો. એવામાં જો અલાસ્કા એને મળી જાય તો અમેરિકા પ્રશાંત મહાસાગરમાં પોતાની તાકાત ખૂબ ઝડપથી વધારી શકે એમ હતું. એટલું જ નહીં, જપાન અને ચીન જેવા દેશો સાથે વ્યાપાર કરવા માટે એને એક મુખ્ય દરિયાઈ માર્ગ પણ મળી જાય એમ હતું.
માર્ચ ૧૮૬૭ની એ સાલ જ્યારે રશિયા અને અમેરિકા વચ્ચે અલાસ્કા બાબતે કૉન્ફિડેન્શિયલ મીટિંગ્સની શરૂઆત થઈ. આ બન્ને દેશો નહોતા ચાહતા કે તેમની વચ્ચે થઈ રહેલી આ ડીલની વાત કોઈ પણ રીતે બ્રિટન સુધી પહોંચે, કારણ કે જો બ્રિટિશર્સને ખબર પડે તો નક્કી તેઓ આ ડીલમાં આડખીલી ઊભી કરી શકે એમ હતા. શરૂઆતની મીટિંગ દરમ્યાન રશિયન ઝારે અલાસ્કાની કિંમત નક્કી કરી હતી ૫૦ લાખ ડૉલર. આ કિંમત નક્કી કરીને તેમણે પોતાના રાજદૂત સ્ટોયકલને અમેરિકા મોકલ્યો હતો, પરંતુ સ્ટોયકલે જાણ્યું કે અલાસ્કા ખરીદવા માટે અમેરિકા તલપાપડ થઈ રહ્યું છે ત્યારે રશિયન ઝારે એનો ભાવ વધારીને ૭૨ લાખ ડૉલર કરી નાખ્યો. અનેક મીટિંગ્સ અને અનેક નિગોશિએશન્સ પછી આખરે ૧૮૬૭ની ૩૦ માર્ચે બન્ને દેશોએ એક ઐતિહાસિક સંધિ પર હસ્તાક્ષર કર્યા. અલાસ્કાની આ ડીલ વિશ્વનો સૌથી મોટો જમીની સોદો હતો.
ડીલ તો થઈ, પરંતુ અમેરિકામાં પણ ઓછી ધાંધલધમાલ નહોતી થઈ. આ એ સમય હતો જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ઍન્ડ્રૂ જૉન્સન વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા ચાલી રહી હતી જેને કારણે અલાસ્કાની ડીલનો પણ અમેરિકામાં સખત વિરોધ થયો હતો. એટલું જ નહીં, એને અમેરિકન સંસદમાં મંજૂરી પણ નહોતી મળી. અમેરિકાને લાગતું હતું કે બરફનું આ રણ ખરીદીને દેશને આર્થિક કે કૂટનીતિ અંતર્ગત પણ કોઈ ફાયદો થવાનો નથી. ડીલ થયાના એક વર્ષ બાદ અમેરિકા તરફથી રશિયાને સોનાના સિક્કાઓરૂપે પેમેન્ટ મળ્યું અને બસ, શરૂ થયો એક નવો યુગ. અલાસ્કા માટે પણ અને અમેરિકા માટે પણ.
૧૮૯૬ની સાલને અલાસ્કા માટે ગોલ્ડ રશ યર તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમ્યાન અલાસ્કામાં મોટા પ્રમાણમાં સોનાની ખાણો મળી આવી અને વીસમી સદીમાં એ જ અલાસ્કામાંથી અમેરિકાને બીજો મોટો ખજાનો મળ્યો ક્રૂડ ઑઇલ તરીકે. આટલું તો હજી ઓછું હતું કે અલાસ્કાના દરિયામાંથી મોટી સંખ્યામાં સાયમન્ડ માછલીઓ અને કરચલાઓ અમેરિકાને મળી રહ્યા હતા જેને કારણે એ દરિયાઈ જીવોનો વેપાર પણ અમેરિકા માટે દસગણી કમાણી લઈને આવવા માંડ્યો.
ત્યાર બાદ સાલ આવી ૧૯૪૧ની જ્યારે અમેરિકાએ બ્રિટિશર્સને સાથ આપવા માટે બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. ત્યારે પણ અલાસ્કા રણનીતિ અને કૂટનીતિની દૃષ્ટિએ મહત્ત્વનું સાબિત થયું હતું. અમેરિકા અને બ્રિટન બન્ને માટે રશિયા અને આર્કટિક વિસ્તારો પર નજર રાખવા માટે અલાસ્કા એક મહત્ત્વની કડીરૂપ સ્થળ બની રહ્યું. ૧૯૪૨-’૪૩ની સાલમાં જ્યારે જપાને અલાસ્કાના એક-બે દ્વીપો પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ અમેરિકાએ તેમને હરાવીને ત્યાંથી ભગાડી મૂક્યા હતા.
કુદરતી સંસાધનો, કુદરતી ધનસંપદા, વ્યાપારની દૃષ્ટિએ, રણનીતિ અને કૂટનીતિની દૃષ્ટિએ આ બધી જ રીતે અલાસ્કા અમેરિકા માટે મહત્ત્વનું સાબિત થઈ રહ્યું હોવાથી આખરે અમેરિકાએ એને ૧૯૫૯ની ૩ જાન્યુઆરીએ પોતાના ૪૯મા રાજ્ય તરીકે પોતાનામાં સામેલ કરી લીધું. એ જ અલાસ્કા જે ક્યારેક અમેરિકન્સ દ્વારા જ સ્ટુઅર્ટની મૂર્ખામી તરીકે વગોવવામાં આવ્યું હતું એ જ અલાસ્કા અમેરિકાની સૌથી દૂરંદેશીભરી ડીલ તરીકે આજે પણ સાબિત થઈ રહ્યું છે. એક તરફ ૭૨ લાખ ડૉલરમાં વેચાઈ ગયેલો અત્યંત સમૃદ્ધ એવો જમીની ટુકડો આજે પણ અમેરિકા માટે લાખો, કરોડો, ખર્વો ડૉલર્સ કમાઈ રહ્યો છે તો બીજી તરફ એ જ ૭૨ લાખ ડૉલરને કારણે રશિયા તૂટતાં અને નેસ્તનાબૂદ થતાં બચી ગયું અને બેઠું થઈ શક્યું. આજે જે રશિયા વિશ્વ પર પોતાનો દબદબો ધરાવે છે એ અલાસ્કાના વેચાણ દ્વારા મળેલા ૭૨ લાખ ડૉલરને કારણે જીવિત છે.

