ભાઈંદરના સંતોષ પાટીલના પરિવારે આ વખતે ગણેશોત્સવમાં ઘરમાં પોસ્ટ-ઑફિસ બનાવી છે: મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ઇતિહાસ દર્શાવતી ૧૦૦થી વધુ સ્ટૅમ્પ સજાવટનો ભાગ છે : ૧૦૦થી વધુ લોકોએ બાપ્પાને પત્ર લખીને ભક્તિ, શુભેચ્છાઓ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે
પાટીલ પરિવારે ગણેશોત્સવમાં સજાવટ માટે એક અનોખી અને યાદગાર થીમ પસંદ કરી છે અને એ ભારતીય પોસ્ટ-ઑફિસ પર આધારિત છે
ભાઈંદર-પૂર્વના નવઘર રોડ પર સુજાતા કો-ઑપરેટિવ સોસાયટીના રહેવાસી સંતોષ પાટીલનો પરિવાર છેલ્લાં ૧૨૫ વર્ષથી તેમના ઘરમાં ગણપતિબાપ્પાનું સ્વાગત કરી રહ્યો છે. આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી આવી છે. આ વર્ષે પાટીલ પરિવારે ગણેશોત્સવમાં સજાવટ માટે એક અનોખી અને યાદગાર થીમ પસંદ કરી છે અને એ ભારતીય પોસ્ટ-ઑફિસ પર આધારિત છે. સંતોષ પાટીલે ૧૫૦થી વધુ મહેમાનોને આમંત્રણ આપવા માટે પોસ્ટકાર્ડ મોકલ્યાં છે.
કેવી રીતે આવ્યો આઇડિયા?
ADVERTISEMENT
સજાવટના આઇડિયા વિશે બોલતાં સંતોષ પાટીલે કહ્યું હતું કે ‘આજના સમયમાં પત્ર લખવાનું લુપ્ત થઈ રહ્યું છે એના કારણે મને આ વિચાર આવ્યો હતો. આજના ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ઈમેઇલ્સની દુનિયામાં હાથથી લખેલા પત્રો ધીમે-ધીમે અદૃશ્ય થઈ રહ્યા છે, પરંતુ અમારા માટે પત્રો હંમેશાં લાગણીઓનું વહન કરતા રહ્યા હતા. પોસ્ટમૅનની રાહ જોવી એ સમાચાર, આશા અને ખુશીની રાહ જોવા સમાન હતી. હું આ વર્ષે ગણપતિબાપ્પા સાથે એ લાગણી ફરીથી બનાવવા માગતો હતો.
બાપ્પાને પત્રો
આ થીમની ખાસ વાત એ છે કે સંતોષ પાટીલે તેમના બધા મહેમાનો અને મુલાકાતીઓને ગણપતિબાપ્પાને પત્રો લખવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે ગર્વથી કહ્યું કે અમને ૧૦૦થી વધુ પત્રો મળ્યા હતા. આ પત્રો નાનાં બાળકોથી લઈને વૃદ્ધ નાગરિકો સુધી બધાએ લખ્યા હતા અને આમાં સહભાગી થયા હતા. દરેક પત્રમાં ગણપતિબાપ્પા પ્રત્યે ભક્તિ, શુભેચ્છાઓ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. મારા માટે એ ઉત્સવનો સૌથી હૃદયસ્પર્શી ભાગ હતો. આ પત્રો ગણપતિબાપ્પાની મૂર્તિની આસપાસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેનાથી પ્રેમ અને શ્રદ્ધાથી ભરેલા સંદેશાઓની રંગબેરંગી દીવાલ તૈયાર કરાઈ છે.
પ્રામાણિકતાનો સ્પર્શ
આ થીમને વધુ પ્રામાણિક બનાવવા માટે મુંબઈ જનરલ પોસ્ટ-ઑફિસ (GPO)એ પણ ટેકો આપ્યો હતો. અધિકારીઓએ સંતોષ પાટીલને સ્ટૅમ્પ, પત્રો, ઍરમેઇલ શીટ્સ અને આઇકૉનિક પીળા પોસ્ટકાર્ડ પૂરા પાડ્યાં હતાં જેનો ઉપયોગ પંડાલને સજાવવા માટે કરવામાં આવ્યો હતો. અમે બધા મહેમાનોને પોસ્ટકાર્ડ દ્વારા આમંત્રણો પણ મોકલ્યાં હતાં એમ સંતોષ પાટીલે કહ્યું હતું.
સ્ટૅમ્પ્સમાં વિવિધ વાર્તાઓ
મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ઇતિહાસ દર્શાવતી ૧૦૦થી વધુ સ્ટૅમ્પ્સ શણગારનો ભાગ છે. હાઇલાઇટ્સમાં મહાત્મા ગાંધીની સ્વતંત્રતા પછીની પ્રથમ સ્ટૅમ્પ, પ્રતિષ્ઠિત જય હિન્દ સ્ટૅમ્પ અને દાયકાઓથી જાહેર કરાયેલી અનેક સ્મારક સ્ટૅમ્પ્સનો સમાવેશ થાય છે. સંતોષ પાટીલે મુલાકાતીઓ માટે થીમેટિક કૉર્નર બનાવ્યા છે. એક ખૂણો ખેડૂતોને સમર્પિત હતો, જ્યાં ગ્રામીણ જીવન દર્શાવતી સ્ટૅમ્પ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મુદ્દે સંતોષ પાટીલે સમજાવ્યું હતું કે ખેડૂતો ઘણી વાર ગામડાંઓમાં પોસ્ટમૅનની રાહ જુએ છે, ક્યારેક મહત્ત્વપૂર્ણ પત્રો અથવા મની-ઑર્ડર માટે હું તેમનું સન્માન કરવા માગતો હતો. બીજો ખૂણો ભારતીય સેનાને સમર્પિત હતો, જેમાં સૈનિકોની હિંમત અને બલિદાનની યાદમાં સ્ટૅમ્પ્સ હતી. ઘરેથી આવતા પત્રોનો હંમેશાં સૈનિકો માટે વિશ્વનો અર્થ રહ્યો છે. આજે પણ એક પત્ર ફોનકૉલ કરતાં વધુ હૂંફ વહન કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.
૧૨૫ વર્ષની પરંપરા
પાટીલ પરિવાર છેલ્લાં ૧૨૫ વર્ષથી ગણપતિબાપ્પાને ઘરે લાવી રહ્યો છે અને આ પરંપરાને ખૂબ જ ભક્તિભાવથી જીવંત રાખે છે. દર વર્ષે તેઓ એવી થીમ પસંદ કરે છે જે સામાજિક અથવા સાંસ્કૃતિક સંદેશ આપે છે.
આ મુદ્દે સંતોષ પાટીલે કહ્યું હતું કે આ વર્ષની પોસ્ટ-ઑફિસ થીમ ખાસ હતી, કારણ કે એ ઘણા લોકોના હૃદયને સ્પર્શી ગઈ હતી. જ્યારે લોકોએ જૂનાં પોસ્ટકાર્ડ અને સ્ટૅમ્પ જોયાં ત્યારે તેમને તેમના બાળપણની યાદ અપાવી હતી; એ સમયે સંબંધીઓને પત્ર લખવાનું, જવાબોની રાહ જોવાનું અને પત્રોનો સંગ્રહ કરવાનો. આજની ડિજિટલ પેઢી આ ભાવના ગુમાવી રહી છે.

