કૅબિનેટની મીટિંગમાં ગેરહાજર રહીને નારાજ છગન ભુજબળે ચીમકી ઉચ્ચારી
છગન ભુજબળ
મરાઠા અનામત માટે હૈદરાબાદ ગૅઝેટની માહિતીને માન્ય રાખીને મરાઠાઓને કુણબી તરીકેની માન્યતા આપવાનો ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) કાઢવામાં આવ્યો છે જેને પગલે અધર બૅકવર્ડ ક્લાસ (OBC) તરીકેના લાભ મરાઠાઓને પણ મળશે. સરકારના આ નિર્ણયથી OBC નેતા છગન ભુજબળ નારાજ છે. બુધવારે તેમણે કૅબિનેટની મીટિંગમાં હાજર રહેવાનું ટાળ્યું હતું તેમ જ સરકારી GRને લઈને કોર્ટમાં જવાની તૈયારી પણ બતાવી હતી.
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની પ્રી-કૅબિનેટ મીટિંગમાં અજિત પવારે પણ હાજરી આપી હતી. બેઠક દરમ્યાન છગન ભુજબળે અજિત પવાર પર આકરા પ્રહાર કરતાં પૂછ્યું હતું કે ‘મરાઠા અનામત અંગે નિર્ણય લેતાં પહેલાં જાણ કેમ ન કરાઈ?’ એના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે ‘નિર્ણય દેવેન્દ્ર ફડણવીસે લીધો હતો. OBCના અનામત ક્વોટાને નુકસાન ન થાય એ વાત ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી.’
ADVERTISEMENT
જોકે છગન ભુજબળે કોણ જીત્યું કે કોણ હાર્યું એમાં પડવા કરતાં વકીલ પાસે GRની ખરાઈ કરાવવાનો નિર્ણય લીધો છે તેમ જ એક સમાજનો અધિકાર બીજા સમાજને આપવાનો સરકારને કોઈ અધિકાર નથી એમ જણાવીને સોમવારે અદાલતમાં આ GRને પડકારવાની જાહેરાત પણ કરી છે.
OBC નેતા લક્ષ્મણ હાકેએ હૈદરાબાદ ગૅઝેટના GRને ફાડીને પગ નીચે કચડ્યો, નાગપુરમાં OBC મહાસંઘ સાંકળી ઉપવાસ પર
મરાઠાને OBC અનંતના ક્વોટામાં ઘૂસાડ્યા હોવાનો દાવો કરીને અમુક OBC નેતાઓએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. હૈદરાબાદ ગેઝેટનો GR રદ્દ કરવામાં નહીં આવે તો સરકારને તેની મોટી કિંમત ચૂકવવી પડશે એવું કહીને OBC નેતા લક્ષ્મણ હાકેએ GRની કૉપી ફાડી હતી. તેમજ કાળી પટ્ટી બાંધીને તાલુકા કચેરી આગળ આંદોલન કર્યું હતું. તો નાગપૂરમાં ૩૦ સપ્ટેમ્બરથી OBC મહાસંઘે મરાઠા અનામતના વિરોધમાં સાંકળી ઉપવાસ ચાલુ કર્યા છે. તેમણે મળવા માટે આજે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફસનવીસ નગપૂરના સંવિધાન ચૉકમાં પહોંચશે અને તેમની ૪ માંગણીઓ પર ચર્ચા કરશે.
OBC સમાજ માટે પ્રધાનમંડળની ઉપસમિતિની રચના
મરાઠા અનામત બાદ આક્રમક બનેલા OBC સમાજને શાંત પાડવા માટે ગઈ કાલે યોજાયેલી કૅબિનેટની બેઠકમાં OBC સમાજ માટે પ્રધાનમંડળની સ્વતંત્ર ઉપસમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. OBC સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક કલ્યાણના કામ માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. ૯ સભ્યોની બનેલી આ સમિતિમાં BJPના ૪ સભ્યો છે, જ્યારે શિવસેના અને NCPના બે સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિની અધ્યક્ષતા ચંદ્રશેખર બાવનકુળેને સોંપવામાં આવી છે. છગન ભુજબળ, સંજય રાઠોડ, અતુલ સાવે, દત્તાત્રેય ભરણે, ગુલાબરાવ પાટીલ અને ગણેશ નાઈક સમિતિના સભ્યો રહેશે તેમ જ OBC કમિશનના સચિવ પણ સમિતિમાં રહેશે.
મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રને અનામત મળશે જ એવી જરાંગેને ખાતરી
OBCના નેતાઓ દ્વારા મરાઠા અનામતનો વિરોધ થવાથી અમુક મરાઠા કાર્યકરોએ અનામત મળવા અંગે શંકા વ્યક્ત કરી હતી. જો કે મનોજ જરાંગે અનામત મળવા બાબતે સ્પષ્ટ હતા. છત્રપતિ સંભાજીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સમર્થકોને ખાતરી આપી હતી કે, ‘OBCનો વિરોધ જ દર્શાવે છે કે GR સાચું છે અને મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રને અનામત મળશે જ.’

