Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રિજેક્શન હૅન્ડલ કરવા ખૂબબધા આત્મવિશ્વાસની જરૂર પડે છે

રિજેક્શન હૅન્ડલ કરવા ખૂબબધા આત્મવિશ્વાસની જરૂર પડે છે

Published : 09 November, 2025 03:43 PM | Modified : 09 November, 2025 03:44 PM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

રિજેક્શનને હૅન્ડલ કરવાની આખી રમત આપણા સ્વમાનને સાચવી લેવાની છે. એની પાછળનું મનોવિજ્ઞાન એવું છે કે રિજેક્શન મળતાંની સાથે જ આપણી જાત આપણને નિરર્થક અને નિમ્ન લાગવા લાગે છે, આત્મવિશ્વાસ તૂટવા લાગે છે અને આપણા અસ્તિત્વની સાર્થકતા વિશે શંકા થવા લાગે છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


અસ્વીકાર મળતાંની સાથે જ એક ઊંડો શ્વાસ લો. ઈગોની સ્વિચ ઑફ કરી દો. સ્માઇલ કરીને જાતને કહો, ‘ઇટ્સ ઓકે.’ અને ત્યાંથી ચાલ્યા જાઓ. જેમણે તમારો અસ્વીકાર કર્યો છે, થોડા સમય માટે તે વ્યક્તિનો સંપર્ક કરવાનું છોડી દો. સામેવાળી વ્યક્તિને રિયલાઇઝ થવું જોઈએ કે તેણે પાડેલી ‘ના’ની કદર થઈ રહી છે

રિજેક્શન એટલે આપણે કરેલી માગણીનો અસ્વીકાર. આપણી જે ઇચ્છા સંતોષવા માટે આપણે અન્ય પર આધાર રાખવો પડતો હોય એ દરેક બાબતમાં રિજેક્ટ થવાની તૈયારી રાખવી. સૌથી પહેલાં તો આપણો પ્રસ્તાવ કે માગણી રજૂ કરતી વખતે ખૂબબધી વિનમ્રતા રાખવી. એના બે ફાયદા છે. એક તો એ કે વિનમ્રતાપૂર્વક રજૂ થયેલા પ્રસ્તાવને મંજૂરી મળવાની શક્યતા વધારે હોય છે અને બીજું એ કે પ્રસ્તાવ સમયે દાખવેલી વિનમ્રતાનો સૌથી મોટો ફાયદો આપણા સ્વમાનને થતો હોય છે. એ યાદ રાખવું જરૂરી છે કે આપણા હુકમ કરતાં આપણી વિનંતી નામંજૂર થયાનું દુ:ખ ઓછું થતું હોય છે.
આપણું પ્રિયજન જ્યારે આપણા પ્રેમ, ડેટિંગ પ્રપોઝલ કે લગ્નપ્રસ્તાવનો અસ્વીકાર કરે ત્યારે કોઈ પણ દલીલ કર્યા વગર કે ખુલાસા માગ્યા વગર એનો ચુકાદો સાંભળી લો. રિજેક્શન મળ્યા પછી ‘શું કામ?’ પૂછવાને બદલે જો આપણે શાંતિથી એ સ્થળ છોડીને ચાલ્યા જઈએ છીએ તો એ જ આપણા સ્વમાનની સૌથી મોટી જીત છે. ‘ના’ સાંભળ્યા પછી ‘હા’ પડાવવા માટે આપણે જેટલા પ્રયત્નો કરીએ છીએ, આપણું સ્વમાન એટલું વધારે ઘવાતું જાય છે. એકની એક વાત વારંવાર રજૂ કરવાથી ફક્ત સામેવાળી વ્યક્તિ માટે જ નહીં, જાત માટે પણ આપણે અપ્રિય બનતા જઈએ છીએ.
એનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે અસ્વીકાર મળતાંની સાથે જ એક ઊંડો શ્વાસ લો. ઈગોની સ્વિચ ઑફ કરી દો. સ્માઇલ કરીને જાતને કહો, ‘ઇટસ ઓકે’ અને ત્યાંથી ચાલ્યા જાઓ. રિજેક્શન હૅન્ડલ કરવા માટે ખૂબબધા આત્મવિશ્વાસની જરૂર પડે છે. જેમણે તમારો અસ્વીકાર કર્યો છે, થોડા સમય માટે તે વ્યક્તિનો સંપર્ક કરવાનું છોડી દો. ફોન નહીં, મેસેજ નહીં, હાય-હેલો કશું જ નહીં. સામેવાળી વ્યક્તિને રિયલાઇઝ થવું જોઈએ કે તેણે પાડેલી ‘ના’ની કદર થઈ રહી છે.
રિજેક્શન સોર્સથી તાત્કાલિક દૂર થઈ જવું એ સ્વમાન સાચવી લેવાની રિકેટ ફૉર્મ્યુલા છે. તેમની પ્રવૃત્તિઓ, દિનચર્યા કે હાલચાલ વિશે મિત્રોને પૂછ્યા કરવું, તેમના ફેસબુક કે ઇન્સ્ટા અકાઉન્ટમાં આંટાફેરા કરવા, તેમનું ‘લાસ્ટ સીન’ કે ‘ઍક્ટિવ બિફોર’ જોયા કરવું એ બધું નિરર્થક છે. એવું કરવાથી આપણું સ્વમાન ક્યારેય રિકવર નથી થઈ શકતું. આપણે વધુ ને વધુ પેલા રિજેક્શન વિશે વિચાર્યા કરીએ છીએ અને દુ:ખી થયા કરીએ છીએ. એમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે, ‘આઉટ ઑફ સાઇટ, આઉટ ઑફ માઇન્ડ.’ જે નજર સામે નથી હોતું એ ધીમે-ધીમે ભુલાતું જાય છે અને એટલે જ દરેક રિલેશનશિપ કાઉન્સેલર એવી સલાહ આપે છે કે બ્રેક-અપ પછી જ્યાં સુધી તમે ઇમોશનલી રિકવર ન થઈ જાઓ ત્યાં સુધી તમારા એક્સને બ્લૉક કરી દો.
રિજેક્શનને હૅન્ડલ કરવાની આખી રમત આપણા સ્વમાનને સાચવી લેવાની છે. એની પાછળનું મનોવિજ્ઞાન એવું છે કે રિજેક્શન મળતાંની સાથે જ આપણી જાત આપણને નિરર્થક અને નિમ્ન લાગવા લાગે છે, આત્મવિશ્વાસ તૂટવા લાગે છે અને આપણા અસ્તિત્વની સાર્થકતા વિશે શંકા થવા લાગે છે. એટલે એ સમયે કોઈ એવી પ્રવૃત્તિ કરવી બહુ જરૂરી છે જે આપણા સ્વમાનને ઊંચકે, આપણો આત્મવિશ્વાસ વધારે. જાતમાં ઇન્વેસ્ટ કરવાનો એ શ્રેષ્ઠ સમય હોય છે.
રિજેક્શન મળવાના બે અર્થ કાઢી શકાય. એક, કાં તો આપણે તે વ્યક્તિ, નોકરી, પદવી કે તક માટે લાયક નથી. બે, આના કરતાં અનેકગણી વધારે સારી વ્યક્તિ, નોકરી કે તક આપણી પ્રતીક્ષા કરી રહી છે. આ બન્ને શક્યતાઓને ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ રિજેક્શનના ઉપાય ફક્ત બે જ છે - સુધાર અને સમય. સમય તો પસાર થતો જ રહેવાનો છે, પણ એ પસાર થતા સમયની સાથે જાતને સતત ઉન્નત કરતા રહેવાનો પ્રયત્ન એટલે આત્મસુધાર શ્રેષ્ઠ બદલો સફળતા છે. એવી વિરાટ સફળતા જેની સામેવાળી વ્યક્ત‌િએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય. રિજેક્શન મળ્યા પછી આપણે આપણું એ ‘વર્ઝન’ બનાવવાનું છે જેને ભવિષ્યમાં મળ્યા પછી આપણને રિજેક્ટ કર્યાનો કોઈને અફસોસ થાય.
આપણને જે ‘હાર્ટ-બ્રેક’ લાગતી હોય છે હકીકતમાં એ જ ઘટના આપણી ઉન્નતિ અને ઉદ્ધારનો શંખનાદ હોય છે. જ્યાં સુધી અંદર કશુંક તૂટતું નથી ત્યાં સુધી કશું જ સર્જાતું નથી. સફળતા અને સ્વીકારના શિખર પર બિરાજવા માટે અસંખ્ય પગથિયાં ચડવાં પડે છે. જિંદગીમાં આગળ વધવા કે કોઈ નિશ્ચિત મુકામ પર પહોંચવા માટે દરેકને એક Stimulusની જરૂર પડે છે. એક એવી ઉત્તેજના, આગ કે ઝંખના જે આપણને આગળ ધપાવ્યા કરે. આગ અને ધુમાડાની ગેરહાજરીમાં તો રૉકેટ પણ ઉપર નથી જતું. ઊર્ધ્વગામી દિશામાં આગળ વધવા માટે આગ લાગવી જરૂરી છે. રિજેક્શન એ આગનું કામ પૂરું પાડે છે.
જે ક્ષણે કે સ્તરે આપણો સ્વીકાર થઈ જાય છે એ જ તબક્કે આપણે સ્થાયી થઈ જઈએ છીએ અને આપણી વૈયક્તિક પ્રગતિ માટે એ બહુ ગંભીર અને જોખમી અવસ્થા છે. રિજેક્શન આપણને ગતિશીલતા આપે છે. હૈયું તૂટે છે, પણ ફરી જોડાવા માટે. જર્મન ફિલોસૉફર ફ્રૅડરિક નિત્શેનું એક વિધાન મારું પ્ર‌િય છે, ‘What doesn’t kill you, makes you stronger.’ મૃત્યુ સિવાયની દરેક દુર્ઘટના આપણને વધારે મજબૂત બનાવતી જાય છે. એ અસ્વીકાર હોય કે અકસ્માત, બીમારી હોય કે બ્રેક-અપ, જો કોઈ દુર્ઘટના આપણને જીવતા રાખે છે તો એ આપણું સારું ઇચ્છે છે. પાઇલટ માટેના ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થયેલા અબ્દુલ કલામસાહેબનું એક સુંદર વિધાન છે, ‘Rejection is an opportunity for your selection...’ અસ્વ‌ીકાર તમને વધુ સારી પસંદગી કરવાની તક આપે છે. એક સ્થળેથી મળેલું રિજેક્શન તમને વધુ સારી દિશા કે મુકામ તરફ જવાનો ઇશારો કરતું હોય છે. તો જીવનના જે મુકામ પર તમે ‘અહીં નહીં મળે’નું બોર્ડ વાંચો ત્યારે એનો ગૂઢાર્થ એમ સમજવો કે ‘ચાલતા રહો, આગળ તમને વધુ સારું મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2025 03:44 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK