સામાન્ય રીતે આવા પોર્ટફોલિયોમાં ચારથી છ પસંદગીનાં ફન્ડ હોય છે. એ ફન્ડ ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ વગેરે પ્રકારનાં હોઈ શકે. એકબીજાનાં પૂરક હોય એવાં ફન્ડની એમાં પસંદગી કરવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારે ગણતરીની સ્કીમમાં જ રોકાણ કરવું કે પછી અનેક શ્રેણીઓ અને અનેક સ્ટ્રૅટેજી ધરાવતો ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો બનાવવો? આજે આપણે આ અગત્યના પ્રશ્નની ચર્ચા કરીશું.
ગણતરીની સ્કીમનો પોર્ટફોલિયો એટલે શું?
ADVERTISEMENT
સામાન્ય રીતે આવા પોર્ટફોલિયોમાં ચારથી છ પસંદગીનાં ફન્ડ હોય છે. એ ફન્ડ ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ વગેરે પ્રકારનાં હોઈ શકે. એકબીજાનાં પૂરક હોય એવાં ફન્ડની એમાં પસંદગી કરવામાં આવે છે.
ગણતરીની સ્કીમના પોર્ટફોલિયોને લગતા ફાયદા
પોર્ટફોલિયોમાં ગણતરીનાં જ ફન્ડ રાખ્યાં હોય તો એમની કામગીરી પર નજર રાખવાનું સહેલું પડે છે. રોકાણકારો એક જ શ્રેણીનાં વધુ ફન્ડમાં રોકાણ કરે એનો કોઈ અર્થ હોતો નથી. દાખલા તરીકે કોઈએ પાંચ લાર્જ કૅપ ફન્ડમાં રોકાણ કર્યું હોય, પરંતુ વાસ્તવમાં પાંચેમાં અમુક સ્ટૉક્સ તો સરખા જ હોય એવું બને. આવામાં રોકાણ ડાઇવર્સિફાય થયું ન કહેવાય.
દરેક ફન્ડનો પોતાનો એક્સપેન્સ રેશિયો હોય છે. તમે વધારે ફન્ડ રાખો તો એના માટેનો ખર્ચ પણ વધારે થાય. લગભગ સરખું વળતર આપનારાં અનેક ફન્ડ હોય તો વધારાનો ખર્ચ બિનજરૂરી થઈ જાય છે.
તમે પોતાનાં નાણાકીય લક્ષ્યોના આધારે નિશ્ચિત પ્રકારનાં ફન્ડમાં રોકાણ કરીને લક્ષ્યો પૂરાં કરવાની દિશામાં આગળ વધી શકો છો. દાખલા તરીકે તમે લાર્જ કૅપ અને મિડ કૅપ ફન્ડમાં નિવૃત્તિ માટેનું રોકાણ કર્યું હોય, વાર્ષિક પર્યટન કે સંતાનોના શિક્ષણ માટે ડેટ અને હાઇબ્રિડ ફન્ડનું કૉમ્બિનેશન કર્યું હોય.
ગણતરીનાં ફન્ડમાં રોકાણ કરનારને અમુક જોખમો પણ નડી શકે છે
એક કે બે શ્રેણીનાં ફન્ડમાં (દાખલા તરીકે ફક્ત મિડ કૅપ કે થિમેટિક ફન્ડ) રોકાણ કર્યું હોય તો બિનજરૂરી જોખમ વધી જાય છે. જો એ શ્રેણીના કે ક્ષેત્રના ફન્ડની કામગીરી નબળી રહી હોય તો પોર્ટફોલિયો પણ નબળો રહી જાય છે.
ગણતરીનાં જ ફન્ડમાં રોકાણ રાખનારી વ્યક્તિ ક્યારેક વધુપડતા આત્મવિશ્વાસમાં સપડાઈ ગઈ હોય એવું પણ બને. પોતાને રોકાણ, ફન્ડ અને ફન્ડના સંચાલન બાબતે ઘણીબધી જાણકારી છે એવી માન્યતાને લીધે અમુક જ ફન્ડ પસંદ કર્યાં હોય અને એ ફન્ડની કામગીરી નબળી રહે તો એકંદરે પોર્ટફોલિયો નબળો રહી જાય છે.
ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કહેવું ઘટે કે અલગ-અલગ શ્રેણીનાં ફન્ડનો ઊંડો અભ્યાસ કર્યા બાદ ચારથી છ સારાં ફન્ડની પસંદગી કરવી જોઈએ. દાખલા તરીકે એક લાર્જ કૅપ ફન્ડ, એક ફ્લેક્સિ કૅપ ફન્ડ, એક મિડ કૅપ અથવા સ્મૉલ કૅપ અને એક ડેટ અથવા હાઇબ્રિડ ફન્ડ. આ રીતે વધુપડતો વ્યાપ વધાર્યા વગર ડાઇવર્સિફિકેશનનો લાભ મેળવી શકાય છે.
છેલ્લે એટલું કહેવાનું કે પોર્ટફોલિયો હંમેશાં નાણાકીય લક્ષ્યોના આધારે, જોખમ ખમવાની શક્તિના આધારે અને રોકાણના સમયગાળાના આધારે તૈયાર કરવાનો હોય છે; બધે લાડવો ખાવાની વૃત્તિથી નહીં. જાતે નક્કી કરવામાં મુશ્કેલી નડતી હોય તો નાણાકીય સલાહકાર કે સેબી-રજિસ્ટર્ડ નિષ્ણાતની મદદ લઈ શકાય.

