આપણા કરતાં મૂંગા સજીવો કુદરતની વધારે નજીક હોય છે અને એટલે જ પરમ તત્ત્વ સુધીની યાત્રામાં તેઓ આપણા સાથી અને સારથિ બની રહે છે
પ્રતીકાત્મક તસવીર
‘બારી બાજુમાં બેસ અને શાંત ચિત્તે આ જગતનું અવલોકન કર. મને વહાલ કર અને સમજ કે આ પૃથ્વી પર આપણો જન્મ શું કામ થયો છે!’
એક પણ શબ્દ બોલ્યા વગર ફક્ત પોતાનાં વર્તન, ભાવ અને હાજરીથી મને જીવન વિશેની ઊંડી સમજણ આપનાર મારી સ્પિરિચ્યુઅલ સાથી એટલે મારું પૅટ ડૉગ, વિશ્કા નામ છે એનું. એ અત્યારે તો પાંચ વર્ષની છે અને તેમ છતાં મારા કરતાં અનેકગણી વધારે ‘આધ્યાત્મિક’ ઊંચાઈ ધરાવે છે.
ADVERTISEMENT
લૉકડાઉન પછી હું મારી દીકરી માટે એક પપી લઈને આવેલો. ગિજુભાઈ (બધેકા) કહેતા કે બાળકોને ગલૂડિયાં સાથે રમવા દો, બિલાડીને દૂધ પીવડાવવા દો, કબૂતરને ચણ અને ગાયને રોટલી નાખવા દો. પશુ કે પક્ષીના સાંનિધ્યમાં ઊછરેલું બાળક વધુ પ્રજ્ઞાવાન, સંવેદનશીલ અને દયાળુ હોય છે અને આમ પણ હું મારું બાળક પદાર્થો, સ્ક્રીન કે ગેમ્સ કરતાં કોઈ ચૈતન્યની હાજરીમાં મોટું થાય એવું વિચારીને વિશ્કાને ઘરમાં લાવેલો. મારા પપ્પાને કૂતરા સામે સખત વિરોધ હોવાથી એ સમયે એવી ડીલ થયેલી કે વિશ્કાને ફક્ત ત્રણ મહિના ઘરમાં રાખીશું. દીકરી મન ભરીને એની સાથે રમી લે પછી કોઈ બીજા ઓનરને આપી દઈશું. એ વાતને વર્ષો થઈ ગયાં, વિશ્કા હજીયે અમારા ઘરમાં છે અને એની સૌથી નજીક કોઈ હોય તો એ પપ્પા છે. એના ખરતા વાળ કે ‘ગોબરાવેડા’ સામે શરૂઆતમાં વાંધો ઉઠાવનાર મારા પપ્પા હવે એની સાથે બેડ શૅર કરે છે.
આ પ્રેમનો પ્રભાવ છે. ચૈતન્યનો ચમત્કાર છે. Mysticism (અધ્યાત્મવાદ)નો મૅજિક છે. આ જગત ભાષા પર નહીં; ભાવ, ઊર્જા અને તરંગો પર ટકેલું છે. અને એટલે જ ઘરમાં રહેલું એક મૂંગું પ્રાણી આપણી અંદર અને બહારનું વાતાવરણ બદલી નાખે છે. મનોવૈજ્ઞાનિક રીતે એ હવે સાબિત થઈ ચૂક્યું છે કે પાલતુ પશુ કે પક્ષીઓ આપણું માનસિક સ્વાસ્થ્ય સુધારે છે. ઘરમાં પાળેલું કૂતરું કે બિલાડી રોજ સવારે આંગણામાં આવતાં કબૂતર, ચકલી, પોપટ કે મોર, એક ખૂણામાં પડેલું માછલીઘર, ડેલીએ આવતી ગાય કે પછી ફ્લૅટની બાલ્કનીમાં ઊછરી રહેલો કોઈ છોડ. આપણી આસપાસ રહેલા મૂંગા સજીવો આપણને નિરાંત, રાહત, શાંતિ અને સ્વસ્થતા આપે છે. એમની સંભાળ લેવાથી કે એમને ખોરાક-પાણી આપવાથી આપણી અંદર સેરોટોનિન (હૅપીનેસ હૉર્મોન) રિલીઝ થાય છે, જે આપણી પ્રસન્નતા માટે જવાબદાર હોય છે. આપણા કરતાં આ સજીવો કુદરતની વધારે નજીક હોય છે અને એટલે જ પરમ તત્ત્વ સુધીની યાત્રામાં તેઓ આપણા સાથી અને સારથિ બની રહે છે. પદાર્થોના ઢગલામાં આપણે જેને શોધતા હોઈએ છીએ એ સુખ અને નિરાંત હકીકતમાં શુદ્ધ ચૈતન્યના સાંનિધ્યમાં મળતાં હોય છે.
એક ઉત્કૃષ્ટ સજીવ બનવા માટે જરૂરી એવાં પ્રેમ, કરુણા, વફાદારી, નિઃસ્વાર્થ ભાવ અને ઉદારતા જેવા ગુણધર્મો આપણા કરતાં તેમનામાં વધારે હોય છે, કારણ કે તેમનામાં ‘ઈગો’ કે ‘સ્વ’ વિશેની મિથ્યા ઓળખ નથી હોતી. કોઈ આધ્યાત્મિક શિબિર, પુસ્તક કે ગુરુ દ્વારા જે મેળવવામાં આપણને વર્ષો લાગી જાય છે એ સમજણ તેમનામાં જન્મજાત હોય છે. ન કોઈ મહત્ત્વાકાંક્ષા, ન કશું પામી લેવાની દોડ. ન ઓળખ કમાવાની ઘેલછા, ન પ્રસિદ્ધિની ભૂખ. ન પ્રશંસાની દરકાર, ન અવગણનાનું દુઃખ. આ મૂંગા સજીવો આપણને શીખવે છે કે ભૂખ, ઊંઘ અને તરસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષાયા પછી કરવાં જેવાં કામ ફક્ત બે જ છે. અવતરણ પામેલા સ્વરૂપમાં આ જગતને પૂરી તીવ્રતા અને સમગ્રતાથી અનુભવી લેવું અને એકબીજાને પ્રેમ કરી લેવો.
તેમની દુનિયામાં વહાલ, નિસબત અને કાળજી જ કરન્સી છે. તેમના માટે તો ચાહત એ જ ચલણ છે. મારા ડૉગીને જોઈને મને ઘણી વાર વિચાર આવે કે વફાદારી અને વહાલ સિવાય એની પાસે બીજી કોઈ આવડત જ નથી! મારી સામે એની શી ઔકાત? હું મારી વિદ્વત્તાનો ભાર લઈને ફરનારો તબીબ અને ઈ એક અભણ અને અબુધ પશુ. અગત્યનાં કહી શકાય એવાં અઢળક કામ બાજુ પર મૂકીને મારે એને શું કામ સમય આપવો જોઈએ? પણ એ વાત મને વિશ્કાએ સમજાવી કે કૉન્શિયસનેસની દુનિયામાં પદવી, પદાર્થ, પૈસો કે પ્રાણીનો પ્રકાર નહીં; ફક્ત પ્રેમ જ સર્વોપરી હોય છે.
મન અને શરીરે ઉપજાવી કાઢેલા દરેક શણગાર જ્યારે ખરી પડે ત્યારે જે બાકી રહી જાય એને શુદ્ધ ચૈતન્ય કહે છે. અને એ જગતમાં સજીવો વચ્ચે કોઈ ભેદભાવ નથી હોતો. વિશ્કા સાથે રહ્યા પછી એટલું જાણતો થયો છું કે મને વૈભવ, વિલાસ, સાહ્યબી અને સુવિધા ભલે પદાર્થોમાંથી મળે પણ સંતોષ અને સુખ તો ચૈતન્યમાંથી જ મળે છે. પ્રેમ, કરુણા, માફી અને આત્મીયતાનાં જે પ્રકરણ હું નિશાળમાં નથી ભણ્યો એ બધા પાઠ મને એક મૂંગું પ્રાણી શીખવી રહ્યું છે. એનું આયુષ્ય તો બહુ જ ટૂંકું છે. એ તો હમણાં ચાલી જશે પણ શરીરના સીમાડાઓને પેલે પાર, રાખ થયા પછીના કોઈ અગોચર લોકમાં જો ફરી મને એ ક્યાંક મળશે તો હું કહીશ એને કે આપણી પૃથ્વી પરની મુલાકાત એળે નહોતી ગઈ.

