યહૂદી વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે શાંતિની સ્થાપના જરૂરી છે પણ શાંતિ પહેલાં શક્તિ વધુ જરૂરી છે. શાંતિ શક્તિની પાછળ આવે છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
યુદ્ધ શક્તિનો આવિષ્કાર છે કે અશક્તિનો એકરાર? આમ તો યુદ્ધની વાત કરીએ ત્યારે બહાદુરી, શૌર્ય આ બધી મોટી-મોટી વાતો આગળ ધરી દઈએ છીએ. ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે! કાયર ભાગજો રે!’ આવું શૌર્યગીત આજકાલ આપણે રોજેરોજ છાપાંઓમાં વાંચીએ છીએ. ઇઝરાયલ, ઈરાન, હમાસ, અમેરિકા આ બધા એકસરખા માણસોથી ઊભરાતા પ્રદેશો છે. હમણાં ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ રોજેરોજ મરતા અને મારતા માણસો વચ્ચે એક એવી વાત કરી છે કે સરેરાશ માણસ વિચાર કરતો થઈ જાય. આપણે સર્વત્ર હું અને તું, અમે અને તમે આ ભાષામાં વાત કરતા રહ્યા છીએ. આ ભાષામાં વાત કરતી વેળાએ આપણાં પરસ્પરનાં યુદ્ધો તો ચાલુ જ હોય છે. આપણે યુદ્ધને હંમેશાં ધર્મયુદ્ધ કહીએ છીએ. દરેક લડનાર પક્ષ એવું માનતો હોય છે કે સત્ય અને ધર્મ તેના પક્ષે છે. બધા શાંતિની વાત કરે છે. લડી રહેલા પક્ષોને પણ યુદ્ધ નથી જોઈતું. તેમને પણ શાંતિ જ જોઈએ છે. શાંતિની વાત કરતી વેળાએ આ બધા પક્ષો પોતાની શક્તિની વાત કરવાનું ભૂલતા નથી. પોતે વધુ શક્તિશાળી છે. શત્રુનો નાશ કરી નાખ્યા પછી શાંતિ સ્થાપશે એવું બધા મને છે. યહૂદી વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે શાંતિની સ્થાપના જરૂરી છે પણ શાંતિ પહેલાં શક્તિ વધુ જરૂરી છે. શાંતિ શક્તિની પાછળ આવે છે. શક્તિ શાંતિની પાછળ આવતી હોતી નથી. પહેલાં શક્તિ અને પછી શાંતિ.
શક્તિ એટલે તાકાત. પોતે વધારે બળવાન છે અને બીજા બધા નિર્બળ છે એટલે પોતાની સત્તા કે હકૂમત ઉપર રહે અને બીજું કોઈ પોતાની વાતને અવગણે નહીં. આ અહંકાર માણસને શાંતિ તરફ નહીં પણ શક્તિ તરફ દોરી જાય છે. પણ જો માણસ શક્તિ વિહોણો જ હોય તો સામા પક્ષને ક્યારેય શાંતિ મળતી જ નથી. નેતન્યાહુ લડાયક છે. ઇઝરાયલ એટલે યહૂદી કોમ. આ યહૂદીઓ ૨૦૦૦ વરસ સુધી ઘરબાર વિનાના દુનિયાભરમાં ભટક્યા. તેમની પાસે કોઈ શક્તિ નહોતી, નરી શાંતિ જ હતી. આજે આ યહૂદીઓ ઇઝરાયલની ભૂમિ પર અત્યંત શક્તિશાળી બન્યા છે. હવે આ શક્તિ જે રીતે પાડોશી દેશોમાં પ્રસરી ગઈ છે એને પણ શું આપણે શાંતિનો માર્ગ કહીશું? તો પછી આ શક્તિ છે શું અને આ શાંતિ પણ શું છે?
ADVERTISEMENT
ખોટી વાત પણ વિચારીએ
આપણા દેશમાં જ્યારથી મુસલમાનોનું આગમન થયું છે ત્યારથી હિન્દુ અને મુસલમાન બે વર્ગો વચ્ચે વિશ્વાસ કે શાંતિ સ્થાપિત થયાં નથી. વખતોવખત આપણને શાંતિ જેવું લાગે છે ખરું. પણ એક ટકોરો મારતાં વેંત આ શાંતિ ઢગલો થઈ જાય છે. બન્ને વચ્ચે મૂળભૂત રીતે પૂરેપૂરો અવિશ્વાસ છે જ. આ સત્યનો અસ્વીકાર થઈ શકે એમ નથી. આપણે અવિશ્વાસ દૂર કરીને ભાઈચારાનો વિચાર કરી શકીએ ખરા?
મુસલમાનો જાહેર માર્ગો ઉપર નમાજ પઢવા બેસી જાય છે અને રસ્તો રોકી દે છે એ દેખીતી રીતે વાજબી તો ન જ કહેવાય. સાંપ્રત મુસ્લિમ નેતા ઓવૈસીએ આ મુદ્દા પર એક પ્રશ્નના જવાબમાં બહુ વિચારપ્રેરક વાત કરી હતી. તેમણે કહ્યું કે મુસલમાનો નમાજ પઢવા માટે જાહેર માર્ગો રોકી દે છે અથવા ઇબાદત માટે વહેલી સવારે માઇકનો ઉપયોગ કરીને શાંતિનો ભંગ કરે. એનાથી સામાજિક માળખું જરૂર ખોરવાઈ જાય. ઓવૈસીએ આના જવાબમાં કહ્યું કે જાહેર શાંતિ અને સુરક્ષા જરૂરી છે પણ એના માટે જે રીતે મુસલમાનો માઇકનો ઉપયોગ કરે છે અથવા જાહેર માર્ગો પર નમાજ પઢે છે એ જ રીતે અન્ય ધર્મ કે મતમતાંતરોવાળા રસ્તા પર સરઘસો નથી કાઢતા? અહીં આપણે પોથી યાત્રા જેવા આપણા નાના-નાના પ્રસંગો પણ યાદ કરવા જોઈએ. રસ્તાઓ આ રીતે પણ રોકાય જ છે. ઓવૈસીને કોઈએ પૂછ્યું છે કે તમે વંદે માતરમ્ કેમ નથી બોલતા? ઓવૈસીએ એના જવાબમાં કહ્યું છે જેઓ વંદે માતરમ્ નથી બોલતા તેઓ એક ચોક્કસ ધાર્મિક માન્યતાથી દોરવાયેલા છે. તેઓ જય હિન્દ તો બોલે જ છે. જો વંદે માતરમ્ અને જય હિન્દ સમાનાર્થી શબ્દો હોય તો આવાં રમખાણો શા માટે થાય છે?
અહીં ઓવૈસીનો કે મુસલમાનોનો કોઈ પક્ષ લેવાની વાત નથી. માત્ર હિન્દુ હોય કે મુસલમાન, કોઈ પણ બૌદ્ધિક માણસે વિચારણા કરવા જેવી આ એક વાત છે.
કાયદો કાયદાનું કામ કરે
સમાજની સુરક્ષા અને નબળા માણસને સબળો ખાઈ ન જાય એના માટે કાયદા ઘડવામાં આવે છે. કાયદા નબળાના રક્ષણ માટે હોય છે. સબળાને વધુ શક્તિશાળી બનાવવા નહીં. થોડાંક વર્ષો પહેલાં નવરાત્રિના દિવસોમાં મારે લંડનમાં રહેવાનું થયું હતું. મારા યજમાન મને નવરાત્રિ ઉત્સવ જોવા અને માણવા માટે એક રાત્રે હિન્દુઓએ, ખાસ કરીને ગુજરાતીઓએ યોજેલા એક કાર્યક્રમમાં લઈ ગયા હતા. અવાજ મુદ્દલ બહાર ન જાય એવા પૅક્ડ હૉલમાં કાર્યક્રમ થયો. જ્યારે સહુ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે મેં મારા યજમાનને પૂછ્યું હતું કે શાંતિની આવી સખ્તાઈ દરેક કાર્યક્રમમાં હોય છે? યજમાને કહ્યું હતું કે નવરાત્રિમાં શાંતિની જે સખ્તાઈ તમે જોઈ રહ્યા છો એ નાતાલની રાત્રે હોતી નથી. અહીં નવરાત્રિ ઉત્સવ મુઠ્ઠીભર લોકો કરે છે. તેમને કાયદાનો અમલ કરાવવા માટે સરકારી તંત્ર જાગૃત હોય છે પણ આ જ સરકારી તંત્ર નાતાલના દિવસોમાં હળવે હાથે કામ લે છે. કાયદા ઘડાયા જરૂર હોય છે પણ આખરે કાયદા લોકોએ પોતે ઘડ્યા છે અને પોતાને માટે ઘડ્યા છે. નાતાલના દિવસોમાં લાખો ખ્રિસ્તીઓ એકીસાથે કાયદાના ભંગને સહજ માનતા હોય ત્યારે કાયદાનું રક્ષણ શી રીતે થાય?
તેમની વાત સાવ ખોટી છે એમ નહીં કહી શકાય. તેમની વાત સાવ સાચી જ છે એવું કહેવું તાર્કિક રીતે અઘરું છે. આજે વૈશ્વિક સ્તરે માણસ-માણસ વચ્ચે જે અવિશ્વાસ છે અને જે અશાંતિ ફેલાયેલી છે એના મૂળ કારણમાં થોડોક બૌદ્ધિક વિચારણાનો અભાવ છે. માણસ માત્રમાં પેલા ‘હું’નું હોવું સ્વાભાવિક છે. પ્રાકૃતિક પણ છે. આપણે એનો ઇનકાર નહીં કરીએ. પણ એ સાથે જ એને જ સમાજનું સર્વ શક્તિમાન તત્ત્વ માની લઈએ છે એ જ કદાચ આજની અશાંતિના પાયામાં રહેલું છે.
સમાજમાં શક્તિ જરૂરી છે. માણસ શાંતિ ઝંખે છે પણ શાંતિ શક્તિના ભોગે પ્રાપ્ત થઈ શકે નહીં.

