આજે મુંબઈમાં મરાઠી ભાષિકો ૪૨ ટકા છે. એની સામે અન્ય ભાષિકો ૫૮ ટકા છે.
પ્રતીકાત્મક તસવીર
માણસ એકલો જ હોય અને તેની સાથે રહેનારું બીજું કોઈ ન હોય તો પણ તે બોલ્યા વિના રહેતો નથી. પોતાના મનમાં જે કંઈ વિચારો આવે છે એ બીજાને કહેવા તેને ગમે છે. બીજાના મનમાં જે કંઈ વિચારો હોય છે એ સાંભળવા કે સમજવા તેને ગમે છે. આ સાંભળવા અને સમજવાની પ્રક્રિયા એટલે ભાષા. આ ભાષા સ્થળ-કાળના સંદર્ભમાં વિકસિત થાય છે. આજ સુધીમાં હજારો ભાષાઓ બોલાઈ ચૂકી છે અને હજારો ભાષાઓ લુપ્ત પણ થઈ ગઈ છે. ભાષા એ માત્ર સગવડ માટેનું એક માધ્યમ છે. ભાષા એ સંસ્કૃતિ નથી. સંસ્કૃતિનું અવતરણ ભાષા દ્વારા થાય છે. હમણાં ભાષા એટલે જાણે સંસ્કૃતિ હોય એવો ઊહાપોહ દેશના ડાહ્યા માણસો પણ કરી રહ્યા છે. જે ભાષા પરસ્પરને સમજવા માટે હોય છે એ ભાષા શેરીમાં ઊતરીને ખૂનામરકી કરતા નેતાઓ માટે જાણે નેતૃત્વનું એક સાધન બની ગયું છે.
આ વાત આજકાલ મુંબઈમાં મરાઠી ભાષા વિશે જે ઊહાપોહ થઈ રહ્યો છે એના સંદર્ભમાં વિચારપ્રધાન માણસે વિચાર કરવા જેવો છે. (જોકે આજકાલ વિચારપ્રધાન માણસને શોધવો એ એક આકરી અગ્નિપરીક્ષા છે.) આજકાલ માણસ વિચારને તટસ્થભાવે સમજતો કે મૂલવતો નથી. તે પોતાના વિચારને પોતાના સ્વાર્થ કે હિત સાથે સાંકળીને સંવાદ કરે છે. આપણો દેશ દુનિયાના બીજા અનેક દેશોની સરખામણીમાં માત્ર દેશ નથી, એક ઉપખંડ છે. આ ઉપખંડમાં ધર્મો, જાતિઓ, પેટાજાતિઓ અને ભાષાઓ એક નહીં અનેક છે. અહીં કોઈ ધર્મ કે કોઈ ભાષા વધારે મહત્ત્વનાં કે ઓછાં ઉપયોગી છે એવું કહી શકાય નહીં. ધર્મનો સંબંધ છે ત્યાં સુધી વૈદિક હિન્દુ ધર્મની પ્રચંડ બહુમતી છે એ વાત વ્યાવહારિક તથ્ય છે. આ તથ્યનો સ્વીકાર કરવો જ પડે. તમારી આસપાસ નદી, પહાડ કે વૃક્ષ હોય તો એના વિશે તમને કોઈ વાંધોવચકો હોવો જોઈએ નહીં. એક વૃક્ષની પાસે બીજું કોઈ વૃક્ષ ઊભું હોય તો એનાથી બેમાંથી એકેય વૃક્ષને કે એના અસ્તિત્વને કોઈ નુકસાન નથી થતું. બન્ને પોતપોતાની રીતે વિકસિત થાય છે. જોકે પ્રકૃતિની આ પાયાની વાત માણસ સમજતો નથી એવું ક્યારેક આપણને લાગે છે. મુંબઈમાં અહીં કોઈએ મરાઠી ભાષા જ બોલવી જોઈએ એવો આગ્રહ કે દુરાગ્રહ બાહુબળથી સ્થાપિત કરવા આ સમજદાર માણસો મથી રહ્યા છે એ સંસ્કૃતિની નહીં, શરમની વાત છે.
ADVERTISEMENT
ભાષાને શું વળગે ભૂર
ગુજરાતી ભાષાના આખાબોલા કવિ અખાએ છેક સત્તરમી સદીમાં ગુજરાતીમાં કહ્યું છે કે ભાષા એ માધ્યમની વાત છે. કોઈક વાત આપણે કહેવી હોય એ કહેવાઈ જાય અને બન્ને પક્ષે સંતોષ થઈ જાય. પછી એ ભાષાને શું વળગે ભૂર? લંડનમાં ગાંઠિયાની દુકાન ચલાવતા અને ધંધો કરતા ગુજરાતી દુકાનદારે ગુજરાતી ભાષામાં પોતાની દુકાનની બહાર ગાંઠિયાની જાહેરાત કરતું બોર્ડ મારેલું મેં જોયું છે. કદાચ તમારામાંથી પણ ઘણાએ જોયું હશે. થોડાંક વર્ષો પહેલાં મારે લંડન જવાનું થયું ત્યારે વીઝા આપતાં પહેલાં બ્રિટિશ ઑફિસરે મને એક-બે પ્રશ્નો પૂછ્યા હતા. ઉચ્ચારભેદને કારણે હું બે-ચાર શબ્દો સમજી શક્યો નહીં. ઑફિસરની સહાયક મહિલાને મેં પૂછ્યું કે સાહેબ શું જાણવા માગે છે? મહિલાએ સાહેબને પૂછ્યું અને પછી મને કહ્યું કે સાહેબ કહે છે કે જો તમને અંગ્રેજી ભાષા બરાબર સમજાતી નથી તો પછી તમે લંડન જઈને શું કરશો? મારા માટે આ પ્રશ્ન સાવ અણધાર્યો હતો. મેં પેલી મહિલાને કહ્યું, ‘બહેન, સાહેબને કહે કે મને અંગ્રેજી ભાષા ભાંગી-તૂટી આવડે છે ખરી. મારે ૮ દિવસ માટે લંડનમાં રહેવું હોય એ જો આ ભાંગી-તૂટી ભાષાથી ચાલે એમ ન હોય તો તમે બ્રિટિશરોએ અમારા દેશની એકેય ભાષા જાણ્યા કે સમજ્યા વિના ૨૦૦ વર્ષ રાજ્ય કેવી રીતે કર્યું?’
પેલી બહેન સંકોચ પામી અને બોલી, ‘સાહેબને એવું ન કહેવાય.’
મેં ફરી વાર કહ્યું, ‘કહેવાય, સાહેબને જ કહેવાય અને જો આવું કહેવાથી વીઝા મળે એમ ન હોય તો મારે લંડન જવાની જરૂર નથી.’
પેલી બહેને સાહેબને કહ્યું અને પેલો ફૂલગુલાબી બ્રિટિશ ઑફિસર આ સાંભળીને નારાજ ન થયો પણ ખડખડાટ હસી પડ્યો અને મારા વીઝા મળી ગયા.
આજે મુંબઈમાં મરાઠી ભાષિકો ૪૨ ટકા છે. એની સામે અન્ય ભાષિકો ૫૮ ટકા છે. આ ૪૨ ટકા મરાઠી ભાષિકો છે અને પેલા ૫૮ ટકામાં દેશની જુદી-જુદી ભાષાના લોકો વસવાટ કરે છે. આમાં હિન્દી એક ભાષા છે અને ગુજરાતી, તામિલ, બંગાળી, કન્નડ એમ જુદી-જુદી ભાષાના અન્ય લોકો છે. આ સૌ એક ભાષા બોલતા થાય તો તેમને વ્યાવહારિક જીવનમાં વધુ અનુકૂળતા રહે એ વાત સાવ સાચી, પણ જો આજ સુધીમાં એવું થઈ શક્યું ન હોય તો એના કારણે પેલા બ્રિટિશ ઑફિસર જેવી હળવાશ આપણે કેમ ન કેળવી શકીએ? આ બ્રિટિશરો અહીં હજારો માઇલ દૂરથી આવ્યા હતા અને અહીંની પ્રજાની રહેણીકરણી વિશે કક્કો પણ જાણતા નહોતા. આમ છતાં મારી વાતને તેમણે સહજતાથી સ્વીકારીને મારા વીઝા મંજૂર કર્યા. મરાઠીનો આગ્રહ (કે દુરાગ્રહ) અને બ્રિટિશ માણસનું પેલું વર્તન આ બે વિશે આપણા મનમાં ઘડીક વિચાર આવે એવું છે. આમ કેમ? આપણે ક્યાં છીએ?
ભાષા માતા સરસ્વતી
માનવજાત જુદા-જુદા પ્રદેશમાં વસતી હોય છે. સમયના પ્રવાહ સાથે ભાષા આગળ-પાછળ પણ થતી હોય છે. ગુજરાતમાં જ ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રમાં જે ભાષા બોલાતી હોય છે એ બન્ને વચ્ચે પાર વિનાનો તફાવત રહ્યો હોય છે. આમ છતાં એ એક જ ભાષા છે પરસ્પર સંવાદ કરવાનું માધ્યમ. આપણા દેશની એકતા વિશે રાત-દિવસ વાતો કરીએ છીએ ત્યારે ભાષા વિશે આવી થપ્પડબાજી આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે એ સહેજ વિચારી લેવા જેવું છે.

