Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણને ગમતાં ગીતોનું પ્લે-લિસ્ટ આપણે જ બનાવવું પડે છે

આપણને ગમતાં ગીતોનું પ્લે-લિસ્ટ આપણે જ બનાવવું પડે છે

Published : 23 November, 2025 11:53 AM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

અંદરના હોય કે બહારના, કયા અવાજને પ્રાધાન્ય અને મહત્ત્વ આપવું એ પસંદગી હંમેશાં આપણા હાથમાં હોય છે, પણ ક્યારેક એ અવાજોમાં આપણે એવા ગૂંચવાઈ જતા હોઈએ છીએ કે કોની વાત સાચી માનવી એ આપણે નક્કી નથી કરી શકતા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


મેડિટેશન કરીએ તો ખ્યાલ આવે કે આપણી બહારનું વાતાવરણ સંપૂર્ણ શાંત હોવા છતાં આપણી અંદર ખૂબ બધો ઘોંઘાટ સંભળાય છે. એવું લાગે કે જાણે મનની અંદર કોઈ પાર્ટી ચાલી રહી છે. અને એ પાર્ટીમાં રહેલો દરેક જણ આપણી સાથે કંઈક વાત કરવા માગે છે. અલગ-અલગ દિશાઓમાંથી ખૂબ બધા અવાજો આવતા હોય છે. એમાંથી મોટા ભાગના અવાજો ચિંતા, અસલામતી કે ટીકાત્મક હોય છે જેમ કે ‘તારાથી કશું જ થવાનું નથી’, ‘તું ડફોળ છે’, ‘આટલી મોટી ભૂલ કરી? ‘તારી નોકરી તો ગઈ’, ‘તું કોઈને ઇમ્પ્રેસ કરી શકે તેમ નથી’ અને આવા તો કેટલાય અવાજો જે આપણા આત્મવિશ્વાસ અને માનસિક શાંતિને છિન્નભિન્ન કરી નાખતા હોય છે. પણ મનની પાર્ટીમાં કેટલાક એવા લોકો પણ સામેલ હોય છે જેઓ આપણને પ્રોત્સાહિત કરતા હોય, આપણી પ્રશંસા કરતા હોય. ક્યાંક ખૂણામાં બેઠાં-બેઠાં ધીમા અવાજે આપણને કહેતા હોય, ‘બધું ઠીક થઈ જશે. તું ખોટી ચિંતા કરે છે.’
દરેક મનુષ્ય માટે સૌથી મોટી ચૅલેન્જ એના મનમાં ચાલી રહેલા ઢગલાબંધ અવાજોમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે. કોને સાંભળીએ? કોને ઇગ્નૉર કરીએ? ક્યારેક તો એવું લાગે કે વિચારો ટોળે મળીને મનની અંદર એક ‘લાઉડ’ DJ પાર્ટી કરી રહ્યા છે અને આપણને ખબર જ નથી પડતી કે તેમની મ્યુઝિક સિસ્ટમને મ્યુટ કઈ રીતે કરવી! પણ ઍક્ચ્યુઅલી, આ જ ઘટના જો આપણી બહારના વાતાવરણમાં બનતી હોય તો આપણને એટલીબધી હેરાનગતિ નથી થતી. કોઈ પણ સામાજિક મેળાવડા, પાર્ટી કે પ્રસંગમાં ખૂબ બધો ઘોંઘાટ હોવા છતાં પણ આપણી પસંદગીની વ્યક્તિ સાથે આપણે આરામથી વાત કરી શકીએ છીએ. અને એ સમયે પાર્ટીમાં ચાલી રહેલો ઘોંઘાટ કે બૅકગ્રાઉન્ડ નૉઇસ આપણને એટલોબધો ડિસ્ટર્બ નથી કરતો. એનું કારણ છે ‘ધ કૉકટેલ પાર્ટી ઇફેક્ટ’.
આ એક એવી મનોવૈજ્ઞાનિક ઘટના છે જેમાં અસંખ્ય શ્રાવ્ય ઉત્તેજના (Auditory Stimuli)માંથી આપણે કોઈ એકની પસંદગી કરી બાકીના અવાજોની અવગણના કરી શકીએ છીએ. જેમ કે પાર્ટીમાં કોઈ એક વ્યક્તિ સાથે વાત કરતી વખતે, પાર્ટીમાં રહેલા અન્ય અવાજો આપમેળે ઇગ્નૉર થઈ જતા હોય છે. જે ક્ષણે આપણે કોઈ એક ચોક્કસ અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એ જ ક્ષણે એ સિવાયના અન્ય અવાજો આપમેળે મ્યુટ થઈ જાય છે. આ જ ઘટનાનું નામ ‘ધ કૉકટેલ પાર્ટી ઇફેક્ટ’ છે. અને એક મજાની વાત કહું? આ જ સિદ્ધાંત આપણા મનની અંદર ચાલી રહેલા અવાજોને પણ લાગુ પડે છે. જે ઇચ્છનીય વિચાર પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એનું વૉલ્યુમ આપમેળે વધી જાય છે. બૅકગ્રાઉન્ડમાં રહેલા બાકીના પજવતા વિચારો ધીમે-ધીમે આપમેળે શાંત થતા જાય છે. એનું કારણ એવું છે કે જે વાત, વિચાર, વ્યક્તિ કે પરિસ્થિતિને આપણા અટેન્શનની ઊર્જા મળે છે એ આપમેળે વૃદ્ધિ પામે છે. લેખક રૉબિન શર્માનું એક અવતરણ યાદ રાખવા જેવું છે, ‘what you focus on, grows.’
અંદરના હોય કે બહારના, કયા અવાજને પ્રાધાન્ય અને મહત્ત્વ આપવું એ પસંદગી હંમેશાં આપણા હાથમાં હોય છે પણ ક્યારેક એ અવાજોમાં આપણે એવા ગૂંચવાઈ જતા હોઈએ છીએ કે કોની વાત સાચી માનવી એ આપણે નક્કી નથી કરી શકતા. એ પસંદગી કરવાનો સૌથી સરળ રસ્તો એક જ છે. જે અવાજ કે વિચાર સૌથી સહાયક, રાહતકર્તા અને સકારાત્મક હોય એની જ વાત સાંભળવી. બાકીના તમામ અવાજોને શટઅપ કહી દેવું. મનની પાર્ટીના ‘વડા’ તરીકે કોઈ એક વિચારની નિમણૂક કર્યા પછી બાકીના ડિસ્ટર્બિંગ થૉટસ કે ડરામણા વિચારોને તમે ઉદ્ધતાઈથી કહી શકો છો, ‘શાંતિ રાખ. દેખાતું નથી? હું તેમની સાથે વાત કરી રહ્યો છું.’
જાગૃત અવસ્થામાં હોઈએ ત્યારે આપણા દરેકના મનમાં સતત એક રેડિયો વાગ્યા કરે છે. એને ‘મેન્ટલ ચૅટર’ કે ‘મન્કી માઇન્ડ’ કહેવાય છે. દસ જાતનાં અલગ-અલગ સ્ટેશન્સ પોતાની વાત સંભળાવવા માટે પ્રયત્નો કરતાં હોય છે. મેડિટેશન કે ચિંતન દ્વારા જો એ અવાજોનું યોગ્ય ફિલ્ટરેશન કરવામાં ન આવે તો એ અવાજ પ્રદૂષણ આપણા માનસિક સ્વાસ્થ્યનું વાતાવરણ બગાડી શકે છે. આપણને ગમતાં ગીતોનું પ્લે-લિસ્ટ આપણે જ બનાવવું પડે છે.
આપણું મગજ કોઈ ચોક્કસ સમયે બહુ જ મર્યાદિત માહિતી ગ્રહણ અને પ્રોસેસ કરી શકે છે. જ્યારે માહિતી કે વિચારોનો ઓવરડોઝ થઈ જાય છે ત્યારે આપણું મન ‘સિલેક્ટિવ અટેન્શન’ દ્વારા એને ઉપયોગી થઈ શકે એવી માહિતી કે વિચારોની પસંદગી કરવા માટે સક્ષમ હોય છે. આ કુદરતી ન્યાય-વ્યવસ્થાને સાયન્સની ભાષામાં ‘attenuation theory of attention’ કહેવાય છે. એ થિયરી પ્રમાણે આપણને પજવતા જે વિચારો, વ્યક્તિઓ કે સંજોગોને આપણે અટેન્શન નથી આપતા, એ આપમેળે નબળા પડતા જાય છે. ચાર અલગ અલગ ધ્વનિ-સ્રોતમાંથી કોઈ એક પર ફોકસ કરવાથી બાકીના ત્રણ આપમેળે શાંત પડી જાય છે.
આપણી અવેરનેસ, ધ્યાન અને ચૈતન્યનું સુકાન આપણા કાબૂમાં છે એ પ્રતીતિ થવી જરૂરી છે. આપણા મન અને જગતમાં બની રહેલી અસંખ્ય અનિચ્છનીય કે અપ્રિય ઘટનાઓ આપણા કાબૂમાં નથી. આપણા નિયંત્રણમાં ફક્ત આપણું અટેન્શન છે અને એની દિશા જ આપણને મારે કે ઉગારે છે. તો મનના મેદાનમાં જ્યારે પણ વિચારોનો મેળો ભરાય ત્યારે મક્કમ થઈને આપણે એટલો જ નિર્ધાર કરવાનો છે કે આપણે કોની વાત સાંભળવી છે? આપણને અનુકૂળ હોય એવા એક વક્તાનું ચયન કરી લેવાથી મનના સ્ટેજ પર ધમપછાડા અને ધક્કામુક્કી કરનારા બીજા વક્તાઓ આપમેળે શાંત બેસી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2025 11:53 AM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK