વધતી ઉંમર સાથે શરીરમાં આવતી કમજોરી અને બીમારીને કારણે જીવનની ગતિ ધીમી પડી જાય છે, પણ બોરીવલીમાં રહેતા ૮૮ વર્ષના મણિકાંત કોઠારીને કોઈ સ્પીડબ્રેકર નથી નડતું. કિડનીની તકલીફને કારણે તેમને અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરાવવાની ફરજ પડે છે.
મણિકાંત કોઠારી
એક સમયે ગરીબી અને સંઘર્ષમાંથી પસાર થઈ ચૂકેલા બોરીવલીના ૮૮ વર્ષના મણિકાંત કોઠારી જીવનના આ પડાવે એવી પરિસ્થિતિમાં છે કે બીજાને મદદ કરી શકે. એટલે તેઓ તેમના જીવનનો છેલ્લો પડાવ લોકોની સેવામાં વિતાવી રહ્યા છે. જોકે ઉંમરના હિસાબે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. એમ છતાં તેઓ તેમનાથી બનતા બધા પ્રયત્નો કરીને બીજાના જીવનમાં અજવાળું પાથરી રહ્યા છે. પોતાના જીવનકાળમાં મણિકાંતભાઈ અનેક તડકા-છાયામાંથી પસાર થયા છે. એમ છતાં તેમણે જીવનને હંમેશાં એક સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ ધપાવ્યું છે. તેમના જીવન વિશે જાણવું ખરેખર બીજાઓ માટે પ્રેરણારૂપ છે.
ડાયાલિસિસ પછીયે ફ્રેશ
ADVERTISEMENT
મણિકાંતભાઈને કિડનીની તકલીફ હોવાથી છેલ્લાં ૪ વર્ષથી અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરાવવું પડે છે. આ ઉંમરમાં ઘણી વાર ડાયાલિસિસ કરાવ્યા પછી લોકોને કમજોરી જેવું ફીલ થતું હોય છે, પણ મણિકાંતભાઈ ડાયાલિસિસ પછી ઘરે આવીને ફ્રેશ થઈને સીધા મીરા રોડની ઑફિસમાં જવા ઊપડી જાય છે. આ ઉંમરે પણ પોતાના પપ્પાના એનર્જી-લેવલ વિશે વાત કરતાં તેમનો દીકરો નીતિન કહે છે, ‘મારા પપ્પા સવારે છ વાગ્યે ઘરેથી નીકળી જાય. સાડાછ વાગ્યાથી સાડાનવ વાગ્યા સુધી તેમનું ડાયાલિસિસ ચાલે. ૧૦ વાગ્યા સુધીમાં તેઓ ઘરે પહોંચે. ઘરે આવી ફ્રેશ થઈને પોણો કલાકમાં તો મીરા રોડ ઑફિસ જવા નીકળી જાય. એક બિલ્ડર ભાઈએ તેમને બેસવા માટે એક કૅબિન આપી છે. અહીંથી જ મારા પપ્પા સમાજસેવાનાં જે કામ હોય એ પતાવે છે. ઑફિસ જવા માટે તેઓ ટ્રેનમાં મુસાફરી કરીને જાય. એ પછી સીધા સાંજે તેઓ ઘરે પહોંચે. બાકી આ ઉંમરમાં ડાયાલિસિસ કર્યા પછી ઘણાને થાક અને કમજોરીનો અનુભવ થતો લાગે, પણ તેઓ એકદમ ઊર્જાવાન હોય.’
સમાજસેવા મારો ધર્મ
મણિકાંતભાઈ તેમનો મોટા ભાગનો સમય સમાજસેવાના કામમાં આપે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મીરા રોડની ઑફિસમાં દરરોજ સવારે ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બેસું છું અને મારાં સમાજસેવાનાં જે કામો હોય એ પતાવું છું. સ્કૂલનાં બાળકોને સ્કૂલની ફી આપવાની હોય કે ગરીબ પરિવારોને રૅશનની કિટ આપવાની હોય એ માટે ભંડોળ એકઠું કરવાનું કામ કરું છું. ઘણા બિલ્ડર ભાઈઓ સાથે મારા સારા સંબંધ છે એટલે મને દાતાઓ પાસેથી સારુંએવું ભંડોળ મળી રહે છે. મારી કોઈ સંસ્થા નથી. હું વ્યક્તિગત સ્તરે આ કામ કરું છું. દર બે મહિને હું મારા વતન રાણપુરમાં જઈને ગરીબ પરિવારોમાં અનાજનું વિતરણ કરુ છું. અનેક જરૂરિયાતમંદ પરિવારો છે એ બિચારા રીતસર મારા આવવાની રાહ જોઈને બેઠા હોય છે. હોટેલમાં જઈને આરામથી ૧૦૦૦-૨૦૦૦ રૂપિયા ઉડાવી શકતા હો તો તમારા ૧૧૦૦ રૂપિયાના દાનથી એક કુટુંબને મહિનાનું રૅશન મળી જાય. એ સિવાય ગામડાંની સ્કૂલોમાં સ્ટેશનરી, યુનિફૉર્મ કે બીજી કોઈ વસ્તુની જરૂર હોય એ અમે ભંડોળના હિસાબે પૂરી પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. હું બહુ ધાર્મિક નથી. મારા માટે સમાજસેવા એ જ મારો ધર્મ છે. હું બીજી સેવાકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલો છું.’
મહિને ૨૭ રૂપિયા પગાર
મણિકાંતભાઈ જીવનમાં અત્યારે એ સ્થિતિમાં છે કે જરૂરિયાતમંદોને મદદ કરી શકે, પણ એક સમયે તેમનું જીવન ખૂબ જ સંઘર્ષમાં વીત્યું છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને મુંબઈમાં આવ્યાને ૭૨ વર્ષ થયાં. ૧૬ વર્ષની ઉંમરે હું વતનથી મુંબઈ આવી ગયેલો. માઝગાવમાં ખાદી ભંડારનો મોટો સ્ટોર હતો એમાં મને પ્યુનની નોકરી મળેલી અને મહિને ૨૭ રૂપિયા પગાર હતો. કાલબાદેવી પર એક હોટેલવાળા સાથે મારી ઓળખાણ થયેલી. તેણે મને કહ્યું કે મારે વૉચમૅન રાખવો નથી; તમે રાત્રે મારી દુકાનની બહાર સૂઈ જજો, હું તમને ખાટલાની વ્યવસ્થા કરી આપીશ અને સવારની ચા ફ્રી આપીશ. પાછળના ભાગમાં એક કૂવો હતો તો ત્યાં હું નાહી લેતો. મારા પર પરિવારની જવાબદારી હતી. પૈસા બચાવીને મારે ઘરે મોકલવા પડતા.’
મણિકાંતભાઈનું બાળપણ પણ ખૂબ ગરીબીમાં વીત્યું હતું. એ જૂની વાતોને યાદ કરતાં તેઓ કહે છે, ‘મારા પપ્પા બહુ ધાર્મિક હતા એટલે તે બધાં કામોમાં એટલા ગૂંચવાયેલા રહ્યા કે ધંધા પર તેમનું એટલું ધ્યાન નહોતું. અમે બે ભાઈઓ અને એક બહેન. ઘરની આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. અમારાં સગાંસંબંધીઓ જૂનાં કપડાં અમને મોકલતાં એ અમે પહેરતા. ગામમાં વણિક સમાજમાં સૌથી ગરીબ ઘર અમારું હતું. પોતાનું મકાન પણ નહોતું. દોઢ રૂપિયા ભાડું ચૂકવીને ભાડાના મકાનમાં રહેતા. હું SSC સુધી ભણ્યો, પણ એમાં ફેલ થયો. જૈન લોકોની બોર્ડિંગ હતી એમાં હું ભણ્યો. ત્યાં ભણવાનું, ખાવા-પીવાનું, રહેવાનું બધુ ફ્રીમાં હતું. એ પછી તો હું મુંબઈ આવી ગયો.’
૩ બહેનોમાં પત્ની કોણ?
એક કિસ્સો શૅર કરતાં મણિકાંતભાઈ કહે છે, ‘એક ભાઈએ મને કહેલું કે મારા મામાની દીકરી દેશમાં છે, જો તમારે લગ્ન કરવાં હોય વાત આગળ વધારીએ. મેં તેમને કહેલું કે મારો પગાર કંઈ એટલો છે નહીં અને તેને મારી સાથે મુંબઈ લાવવાનું મારા માટે શક્ય નથી. તેમણે મારાં બા-બાપુજી સામે વાત રાખી અને તેમને છોકરી પસંદ પડી ગઈ. હું તો મુંબઈમાં હતો અને ત્યાં ગામમાં ગોળધાણા ખવાઈ ગયા. લગ્ન આડે ૪ દિવસ બાકી હતા ત્યારે હું દેશમાં ગયો. મારી સામે ૩ બહેનો આવીને ઊભી રહી ગઈ અને મને કહે કે આમાંથી ગોતી કાઢો તમારી થનારી પત્ની કોણ છે? હવે મેં તો ચહેરો જોયો જ નહોતો એટલે ઓળખું કઈ રીતે? એ સમયે તો ટેલિફોન પણ નહોતા. પત્ર લખીને વાતો કરતા.’
૬ વર્ષ, બાવીસ સૅનેટોરિયમ
મણિકાંતભાઈ અને મંજુલાબહેનનો ઘરસંસાર ૫૬ વર્ષ ચાલ્યો. ૯ વર્ષ પહેલાં તેમનાં પત્ની અવસાન પામ્યાં. પત્ની સાથેના ઘરસંસારની વાતો કરતાં તેઓ કહે છે, ‘અમારા સંબંધોમાં ઘણી મીઠાશ હતી. તેણે મારું ઘણુંબધું સાચવ્યું અને મેં પણ તેનું ઘણુંબધું સાચવ્યું. લગ્નની પહેલી રાત્રે જ મારી પત્નીને ફિટ આવી ગયેલી. હું રજા લઈને આવેલો એટલે દેશમાં લગભગ એક મહિનો રોકાયેલો. આ સમયગાળામાં તેને આઠ-દસ વખત ફિટ આવી ગઈ. એ સમયે પરિવારના લોકો અને સગાંસંબંધીઓએ મને શિખામણ આપેલી કે પત્નીને છોડી દે, આ રીતે તારો ઘરસંસાર કેમ ચાલશે? જોકે મેં અગ્નિની સાક્ષીએ તેની સાથે ફેરા ફરેલા એટલે હું કોઈ પણ કિંમતે મારી ધર્મપત્નીને છોડવા રાજી નહોતો. હું તેને લઈને મુંબઈ આવી ગયો. અહીં અમે અલગ-અલગ સૅનટોરિયમમાં ૬ વર્ષ રહ્યાં. અહીં વાજબી ભાવે રહેવાની સુવિધા આપવામાં આવે, પણ એક સૅનટોરિયમમાં ૩ મહિનાથી વધારે રહેવા ન મળે. એટલે આટલાં વર્ષોમાં અમે કાંદિવલી, બોરીવલી, કુર્લા, મલાડ વગેરે જગ્યાએ આવેલાં બાવીસ અલગ-અલગ સૅનટોરિયમમાં રહ્યાં. દર ૩ મહિને ઘરનો સામાન લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ ફર્યા. અંતે પછી અમે ભાંડુપમાં પાઘડીમાં ૨૦૦૦ રૂપિયામાં ઉછીના પૈસા લઈને રૂમ લીધેલી.’
મણિકાંતભાઈના ૩ દીકરામાંથી અત્યારે એક જ હયાત છે. તેમનો સૌથી મોટો દીકરો રાજુ પાંચ વર્ષની નાની વયે જ રેલવે-ક્રૉસિંગ દરમ્યાન ઍક્સિડન્ટમાં ગુજરી ગયેલો. સૌથી નાના દીકરા હિતેશનું ૩૪ વર્ષની વયે ૨૦૦૭માં હાર્ટ-અટૅકથી અવસાન થઈ ગયેલું. તેમનો વચલો દીકરો નીતિન છે જે સૉફ્ટવેર એન્જિનિયર છે. મણિકાંતભાઈને કોઈ દીકરી નથી, પણ તેઓ તેમની બન્ને વહુઓ એટલે કે હિતેશનાં પત્ની અમીષા અને નીતિનનાં પત્ની સોનાલીને પોતાની દીકરીથી વિશેષ માને છે. હવે તો તેમનાં પૌત્ર-પૌત્રીઓ પણ મોટાં થઈ ગયાં છે. તેઓ કહે છે, ‘મેં જીવનમાં ઘણો સંઘર્ષ, દુખ જોયાં છે; પણ અત્યારે હું સુખી છું. ભગવાને મને ઘણું આપ્યું છે. મારું સ્વાસ્થ્ય સારું છે, પૈસાની કોઈ કમી નથી, સમાજમાં પ્રતિષ્ઠા છે.’
નાની-મોટી ઘણી નોકરીઓ
જીવનમાં કઈ રીતે આગળ આવ્યા એ વિશે વાત કરતાં મણિકાંતભાઈ કહે છે, ‘શરૂઆતમાં મેં ઘણી નાની-મોટી નોકરીઓ કરી. એ પછી મારા સાળાએ મને એક ટ્રક લઈ દીધેલી. એમાં રેતી, ઈંટ, સિમેન્ટ ભરીને સપ્લાય કરવાનું કામ કર્યું. એકમાંથી બે, બેમાંથી ચાર લૉરી કરી. ઘણાં વર્ષો સુધી આ કામ ચાલ્યું. એમાં ઘણી મહેનત કરી. એ પછી પ્રૉપર્ટીની લે-વેચનું કામ શરૂ કર્યું, જેમાં મેં ખાસ્સી મિલકત પણ વસાવી. અત્યારે પણ હું ઍક્ટિવ છું. જે બિલ્ડરે મને ઑફિસમાં કૅબિન આપી છે એ ફ્રી ઑફ કૉસ્ટ આપી છે એટલે મારે પણ તેને વળતી કોઈ મદદ કરવી જોઈએ એ ભાવે હું ત્યાં અકાઉન્ટિંગનું કામ હોય, પ્રૉપર્ટીને લઈને કોઈ ઍડ્વાઇઝ હોય કે તેને જરૂર હોય ત્યારે લોકો પાસેથી મારી ગૅરન્ટીથી પૈસા લાવીને આપું.’
ત્રણ વસ્તુ ખાવાનું છોડો
મણિકાંતભાઈએ જીવનમાં ઘણો સંઘર્ષ, દુખ જોયાં છે છતાં તેઓ જીવનને સકારાત્મક વિચાર સાથે જીવી રહ્યા છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને એક ગુરુદેવ મળેલા. તેમણે એક વાત કરેલી કે આપણું મગજ વન રૂમ કિચન છે, એમાં થ્રી બેડરૂમ હૉલ કિચનનો સામાન ભરશો તો એ ફાટી જશે. એટલે હું મારા સ્વાસ્થ્યનું, મારા પરિવારનું અને સમાજસેવાના કામનું વિચારું છું. એ સિવાય બીજી કોઈ જાતની માથાકૂટમાં પડતો નથી. લોકોને હું કહું છું કે તમે આ રીતથી જીવન જીવશો તો તમારી આવરદા પણ વધશે. હું ગામડાંઓમાં મારી એક શિબિર પણ રાખું છું. એમાં ૩૦૦-૪૦૦ માણસ ભેગા થાય. હું તેમને સલાહ આપું છું કે જો તમારે તમારું શરીર સાચવવું હોય તો ગાંઠિયા, પાપડ અને અથાણાં આ ત્રણ ફૂડ-આઇટમ ખાવાનું બંધ કરો. છેલ્લાં ૩૦ વર્ષથી મેં આ બધી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધું છે. હું માનું છું કે તમારે તમારા શરીરને સાચવવું જોઈએ. શરીર સારું હશે તો વિચારો સારા આવશે અને તમે લોકો માટે કંઈક કરી શકશો.’


