‘જસ્ટ અ સેકન્ડ સર...’ સેક્રેટરી રૂપલે આઇ-પૅડમાં પેજ ચેન્જ કર્યું અને અપડેટ આપવાનું શરૂ કર્યું, ‘સર, દિલ્હીના ત્રણમાંથી બે મૉલ એક મહિનામાં રેડી થશે, જ્યારે ચાણક્યપુરીનો મૉલ ૨૧ નવેમ્બરે રેડી થઈ જશે
ઇલસ્ટ્રેશન
‘સર, આપણને નવાં ૭ ઍરપોર્ટના મેઇન્ટેનન્સનું કામ મળ્યું છે અને સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે ઍરપોર્ટ ડેવલપ કરવાનું કામ પણ મળી ગયું છે.’
કપમાં ચા પીરસાતી હતી અને મનસુખભાઈના કાનમાં સેક્રેટરીના શબ્દો પડતા હતા. આ તેમનું રૂટીન હતું. જુહુમાં રહેતા મનસુખભાઈના આલીશાન બંગલાના સેકન્ડ ફ્લોરને ડાઇનિંગ રૂમ તરીકે ડેવલપ કરવામાં આવ્યો હતો તો ફર્સ્ટ ફ્લોર પર કિચન અને પેન્ટ્રી હતાં. કિચન અને ડાઇનિંગની ઉપરના એરિયામાં બધા બેડરૂમ આવતા હતા તો આઠમા માળ પર જિમ અને નવમા ફ્લોર પર સ્વિમિંગ-પૂલ હતો. સામાન્ય ગુજરાતી માટે મનસુખભાઈ સંઘવીના બંગલા પાસે ઊભા રહીને ફોટો પડાવવો એ એક લહાવો હતો અને એ લહાવા વચ્ચે જો મનસુખભાઈ તેમને એક વાર જોવા મળી જાય તો એ દિવસ દિવાળી બની જતો.
ADVERTISEMENT
‘નવા મૉલનું કામ કેટલે પહોંચ્યું?’
‘જસ્ટ અ સેકન્ડ સર...’ સેક્રેટરી રૂપલે આઇ-પૅડમાં પેજ ચેન્જ કર્યું અને અપડેટ આપવાનું શરૂ કર્યું, ‘સર, દિલ્હીના ત્રણમાંથી બે મૉલ એક મહિનામાં રેડી થશે, જ્યારે ચાણક્યપુરીનો મૉલ ૨૧ નવેમ્બરે રેડી થઈ જશે. એના ઇનૉગરેશન માટે તમે અમિતાભ બચ્ચનને લેવાનું ફાઇનલ કર્યું છે અને બચ્ચનસર ડિસેમ્બરમાં કોઈ પણ ડેટ આપવા તૈયાર છે... મુંબઈના મૉલની વાત કરું તો નવી મુંબઈના મૉલને તૈયાર થવામાં હજી ૩ મહિના લાગશે અને બાંદરાની જગ્યાનું લેવલિંગ શરૂ થઈ ગયું છે. એ જગ્યા પર જાન્યુઆરીમાં કન્સ્ટ્રક્શન શરૂ થશે.’
‘બાંદરાવાળો મૉલ મને એપ્રિલ પહેલાં રેડી જોઈએ.’ ચાની પહેલી ચૂસકી લેતાં મનસુખભાઈએ ઑર્ડર કર્યો, ‘મારે દુબઈમાં ડેન્યુબ સાથે વાત થઈ ગઈ છે. નેક્સ્ટ વીક રાજીવે મીટિંગ માટે જવાનું છે.’
વાત કરતાં-કરતાં જ મનસુખભાઈએ આજુબાજુમાં જોયું.
ડાઇનિંગ ટેબલ પર રાહુલ આવી ગયો હતો, પણ રાજીવની ચૅર ખાલી હતી. મનસુખભાઈએ પત્ની વર્ષા સામે જોયું.
‘રાજીવ ક્યારે રિટર્ન થાય છે?’
સવાલ વર્ષાબહેનને પુછાયો હતો, પણ જવાબ સેક્રેટરી રૂપલે જ આપ્યો.
‘સર, ફ્લાઇટ લૅન્ડ થઈ ગઈ ને રાજીવસર સીધા ઑફિસે જાય છે.’ મનસુખભાઈએ રૂપલ સામે જોયું કે તરત રૂપલે સ્પષ્ટતા કરી, ‘તમારી પૂજાનો સમય હતો અને મૅડમ તમારી સાથે પૂજામાં હતા એટલે રાજીવસરે મને ફોન કરીને અપડેટ કરી.’
‘હં...’ મનસુખભાઈએ રાબેતા મુજબનો છેલ્લો સવાલ કર્યો, ‘આજની કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગ...’
‘સર... ફાઇનૅન્સ મિનિસ્ટર સાથે બપોરે તમારું લંચ છે અને એ પછી તમે કંપનીના IT હેડ સાથે આપણા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રોજેક્ટ માટે મીટિંગ કરશો. એ મીટિંગમાં તમારી સાથે અમેરિકાથી પરપ્લેક્સિટીના CEO અરવિંદ શ્રીનિવાસ જોડાશે.’ રૂપલે કહ્યું, ‘મેઇન તો આ બે જ મીટિંગ...’
‘કોઈ ઇમ્પોર્ટન્ટ કૉલ...’
‘ના સર...’ કૉલર-લિસ્ટ ચેક કરતાં રૂપલનો ચહેરો સહેજ તંગ થયો, ‘સર, સમવન મિસ્ટર સોમચંદ શાહનો ફોન હતો. કહ્યું કે મનસુખભાઈ ફ્રી થઈ જાય એટલે કહેજો મને ફોન કરે... સો વિઅર્ડ પણ તેની વાત પરથી મને લાગ્યું કે મે બી, તમારા કોઈ રિલેટિવ કે ફ્રેન્ડ હોય એટલે અપડેટ કરું છું.’
‘હં... નો ઇશ્યુ, હું વાત કરી લઉં છું.’ ચાની છેલ્લી ચૂસકી સાથે મનસુખભાઈએ વાત પૂરી કરી, ‘તમે જઈ શકો છો...’
રૂપલ રવાના થઈ અને મનસુખભાઈએ વર્ષા સામે જોયું.
‘રાજીવ સાથે તમે વાત કરી?’
‘પપ્પા, તેની ઇચ્છા નથી...’ જવાબ વર્ષાને બદલે દીકરા રાહુલે આપ્યો, ‘સૉરી ટુ સે પપ્પા, પણ જો રાજીવની ઇચ્છા ન હોય તો આપણે ફોર્સ ન કરવો જોઈએ. આઇ નો, બહુ મોટું ઇન્ડસ્ટ્રિયલ ગ્રુપ છે, આપણાથી ખાસ્સા આગળ છે, રેપ્યુટેડ ફૅમિલી ઍન્ડ ઑલ... પણ રાજીવનું મન આપણે જોવું જોઈએ.’
‘મન ત્યારે જોવાનું હોય જ્યારે ઇચ્છા દેખાતી હોય રાહુલ...’ મનસુખભાઈ ઊભા થયા, ‘તમે કોઈને મળો છો, વાત કરો છો અને પછી રિજેક્ટ કરો છો. તારે બહેન નથી એટલે તને ખબર નહીં પડતી હોય; પણ બેટા, રિજેક્શનનો જે સ્ટૅમ્પ છે એ દીકરી અને તેના બાપને ભારે પડતો હોય છે.’
‘આપણે એક વખત રાજીવને બેસાડીને પૂછીએને...’
‘એક વખત?!’ મનસુખભાઈનો ચહેરો તંગ થયો, ‘વર્ષા, તમે જુઓ તો ખરાં, અત્યાર સુધીમાં આપણે પાંચ વખત રાજીવને બેસાડ્યો છે, પણ એક પણ વાર તેણે વાજબી જવાબ આપ્યો છે? માન્યું કે હજી તેની ઉંમર ૩૦ વર્ષની છે અને આજકાલ છોકરાઓ ૩૫ વર્ષ સુધી મૅરેજ નથી કરતા; પણ મને એ નહીં ચાલે, જે મેં ઑલરેડી તમને લોકોને બે વર્ષ પહેલાં જ કહી દીધું હતું.’
‘તમે આ બાબતમાં વધારે ચિંતા કરીને તમારી હેલ્થ નહીં બગાડતા, પ્લીઝ.’
‘જેણે ચિંતા કરવાની છે તે માણસ તો આવું કંઈ કહેતો નથી. ઊલટું પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં જ પડ્યો રહે છે.’ મનસુખભાઈએ રાહુલ સામે જોયું, ‘આજે તું તેને સ્પષ્ટતા સાથે કહી દે. મને જવાબ જોઈએ અને એ જવાબ ‘હા’માં જોઈએ...’
‘કદાચ, રાજીવને કોઈ ગમતું હોય...’
‘આપણી ક્યાં ના છે, એક વાર કહે તો ખરો...’ મનસુખભાઈએ કાંડા પર લટકતી રોલેક્સમાં નજર કરી, ‘ઍનીવે, આ બધા માટે અત્યારે મારી પાસે સમય નથી, મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું... રાત સુધીમાં મને ક્લિયર જવાબ જોઈએ અને એ જવાબ મને માત્ર ને માત્ર...’
મનસુખભાઈએ વાઇફની આંખોમાં જોયું અને વર્ષાબહેને કમને વાત પૂરી કરી...
‘હામાં જોઈએ છે...’
મનસુખભાઈએ વર્ષાબહેનની સામે સ્માઇલ કર્યું અને રાહુલના ફેસ પર ચપટી વગાડી.
‘યસ...’
lll
સંઘવી ઍન્ડ સન્સ.
સવાસો વર્ષથી મુંબઈમાં સ્થિત આ કંપનીની મોટામાં મોટી ખાસિયત એ હતી કે એણે મોટા ભાગની ગુજરાતી કંપનીઓમાં સ્ટેક લીધો હતો. એક પણ ગુજરાતી લિસ્ટેડ કંપની એવી નહોતી જેમાં સંઘવી ઍન્ડ સન્સની ઇક્વિટી પાર્ટનરશિપ ન હોય. મનસુખભાઈના પપ્પા ગોરધનભાઈનું મૂળ કામ પૈસા ધીરવાનું અને એ માટે તેમની શ્રોફ હતી, પણ ભારત સરકારે પ્રાઇવેટ ફાઇનૅન્સ કરતી શ્રોફનું લાઇસન્સ રદ કરતાં ગોરધનભાઈએ પૈસા પાછા લઈ લીધા અને જે પૈસા પાછા આપી શક્યા નહીં તેમની કંપનીમાં સ્ટેક લઈને પાર્ટનરશિપ કરી. ગોરધનભાઈ હંમેશાં કહેતા, ‘તમે પૈસા માટે નહીં, પૈસો તમારા માટે કામ કરતો હોવો જોઈએ.’
બાપુજીની આ વાતને મનસુખભાઈ સંઘવીએ બરાબર પકડી અને બાપુજીનો ધંધો સંભાળતાંની સાથે જ તેમણે ઇક્વિટી પાર્ટનરશિપની દિશામાં તોતિંગ કામ કર્યું. પરિણામ એ આવ્યું કે સંઘવી ઍન્ડ સન્સને ઓળખતા બહુ ઓછા લોકો, પણ એનું વજન દેશભરની કંપનીઓ પર રહેતું. અલબત્ત, રાહુલ અને રાજીવની કૉલેજ-કરીઅર પૂરી થયા પછી તેમને સંઘવી ઍન્ડ સન્સની બાપીકી બિઝનેસ-સ્ટાઇલમાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો.
lll
‘પપ્પા, આ બ્રૅન્ડિંગનો જમાનો છે. તમારું નામ સાંભળીને લોકોના ચહેરા પર લાઇટ આવી જવી જોઈએ.’
‘હં...’ રાહુલે સામે જોયા વિના જ મનસુખભાઈએ જવાબ આપ્યો હતો, ‘એક વખત ધીરુભાઈ કે ગૌતમભાઈને સંઘવી ઍન્ડ સન્સનું નામ આપીને જોઈ લે; તેમના ચહેરા પર લાઇટ નહીં, હેલોજન આવી જશે...’
‘પપ્પા, હું કૉમન મૅનની વાત કરું છું...’
રાહુલની વાતને આગળ વધારતાં રાહુલથી ૪ વર્ષ નાના રાજીવે દલીલ કરી.
‘પપ્પા, ભાઈની વાત સાચી છે. હવેના સમયમાં બ્રૅન્ડનેમ બહુ મહત્ત્વનું થઈ ગયું છે. જો તમારી પાસે બ્રૅન્ડનેમ હોય તો જ તમે બિઝનેસમાં સર્વાઇવ થઈ શકો.’
‘ના, ખોટી વાત...’ મનસુખભાઈએ અનુભવ વર્ણવ્યો, ‘તમારી પાસે બૅક-બોન હોય તો જ તમે બિઝનેસમાં સર્વાઇવ થાઓ અને એ બૅક-બોન સંઘવી ઍન્ડ સન્સ છે. આજના સમયમાં તમે હવે સ્ટાર્ટ-અપની વાત કરો છો ને એન્જલ-ઇન્વેસ્ટરની વાત બોલો છો; પણ ધ્યાનથી જુઓ, સંઘવી ઍન્ડ સન્સે એ જ કામ કર્યું અને એ પણ તાતા સન્સના વિચાર પર. તાતા સન્સે પોતાની ગ્રુપ-કંપનીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને આપણે આપણી કમ્યુનિટીની કંપનીમાં...’
‘હું એ જ કહું છું... ગ્રુપ-કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થયું એટલે તાતા સન્સની બ્રૅન્ડ-વૅલ્યુ પણ વધી... આપણે બીજામાં ઇન્વેસ્ટર બન્યા એટલે આપણી સંઘવી ઍન્ડ સન્સ બ્રૅન્ડિંગની દૃષ્ટિએ તો ત્યાં ને ત્યાં જ રહી ગઈ.’
‘મને નથી લાગતું પણ...’ પપ્પાએ બુક બંધ કરતાં બન્ને દીકરાઓને કહ્યું, ‘તમારા મનમાં કોઈ પ્લાન હોય તો હું રેડી છું. બસ, મારી વાત એટલી છે કે પૈસા માટે દોડવાનું નથી, પૈસો તમારા માટે દોડતો હોવો જોઈએ...’
‘અત્યારે કદાચ આપણે...’ રાજીવે તરત જ સુધારો કર્યો, ‘અમારે દોડવું પડશે, પણ આવતાં પાંચ વર્ષમાં એવી સિચુએશન આવશે પપ્પા કે સંઘવી ઍન્ડ સન્સમાં આપણે કોઈ કામ નહીં કરતા હોઈએ, આપણા હજારો એમ્પ્લૉઈ કામ કરતા હશે અને આપણે લાઇફ-ટાઇમ વેકેશન માણતા હોઈશું.’
lll
‘રાજીવ, તને કોઈ છોકરી ગમતી હોય, તારી ઇચ્છા તેની સાથે મૅરેજ કરવાની હોય તો તું મને કહે...’
‘ના મમ્મી, એવું કંઈ નથી.’ રાજીવે મમ્મી સામે જોયું, ‘એવું હોત તો-તો હું તમને પહેલાં જ કહી દેત...’
‘ના બેટા, આ તો તારા પપ્પાને લાગે છે કે તારું નામ રાજીવ રાખ્યું એમાં તું કોઈ ફૉરેનરના પ્રેમમાં પડી ગયો હોય અને અમને કહી ન શકતો હો...’ મમ્મીએ રાજીવના માથે પ્રેમથી હાથ ફેરવ્યો, ‘તારા પપ્પાએ જ કહ્યું છે કે જ્ઞાતિ, જાતિની ચિંતા કર્યા વિના તું અમને તારી ઇચ્છા દેખાડી શકે છે. અમારી એમાં હા જ હશે. જરૂર લાગશે તો પપ્પા તે છોકરીનું બૅકગ્રાઉન્ડ ચેક કરાવે ને એમાં તો કંઈ ખોટું નથીને...’
‘ઑબ્વિયસ્લી... પણ મમ્મી મને એવું કંઈ નથી.’
સારામાં સારાં કહેવાય એવાં ચાર માગાં રિજેક્ટ કર્યા પછી મનસુખભાઈએ જ વર્ષાબહેનને રાજીવની ઇચ્છા જાણવાનું કહ્યું હતું. મમ્મીએ મેસેન્જર બનીને રાજીવનો જવાબ પપ્પાને પહોંચાડ્યો એટલે પપ્પાના હૈયે ધરપત થઈ અને નવેસરથી રાજીવ માટે છોકરીઓ જોવાનું શરૂ થયું.
વાત ચરમસીમા પર ત્યારે પહોંચી જ્યારે રાજીવે દેશની શ્રેષ્ઠ કહેવાય એવી ફૅમિલીની ૨૦ છોકરીઓ રીજેક્ટ કરી અને છેલ્લે તેણે ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠ એવી અંતાણી ફૅમિલીની દીકરીનું માગું પણ રિજેક્ટ કર્યું.
lll
‘વર્ષા, વાત ઈગોની બિલકુલ નથી.’ મનસુખભાઈએ અકળામણ છુપાવતાં કહ્યું, ‘વાત અપમાનની છે અને રાજીવ મૅરેજ માટે જે રીતે ના પાડી દે છે એ કોઈના માટે અપમાન બને છે.’
‘મને લાગે છે કે આપણે થોડો સમય રાજીવનાં મૅરેજ ભૂલી જઈએ.’
‘મને એ સૉલ્યુશન નથી લાગતું.’ મનસુખભાઈની વાત વાજબી હતી, ‘કારણ હોવું જોઈએ. નક્કર કારણ કે મારે આ કારણે હમણાં મૅરેજ નથી કરવાં. જો મને રાજીવ નક્કર કારણ આપે તો હું એ માટે તૈયાર રહું અને સામેવાળાને પણ એ વાત સમજાવી દઉં; પણ રાજીવની વાતમાં, રાજીવના જવાબમાં સાર નથી. તે છોકરો... તે છોકરો રમાડતો હોય એવું મને લાગે છે અને મનસુખ સંઘવી રમશે તો તેના દીકરાના હાથે પણ નહીં...’
‘તમે આટલા ઉગ્ર શું કામ થાઓ છો. હું... હું તમારી વાત સાથે સહમત છું અને એટલે તો તમારી બધી વાત સાંભળું છું... પણ આનો કોઈ રસ્તો નથી.’ વર્ષાએ પતિ સામે જોયું, ‘છે તમારી પાસે આનો કોઈ રસ્તો...’
સંઘવી ઍન્ડ સન્સના સુપ્રિમોએ હકારમાં ગરદન નમાવી અને તેમની આંગળી સ્માર્ટફોનના કી-પૅડ પર ફરવા માંડી.
(ક્રમશ:)


