બૅરિકેડ્સ ન હોવાને કારણે અકસ્માત થયો હોવાનો પરિવારનો આરોપ
ખાબકેલી ટૅક્સી અને જીવ ગુમાવનાર જયપ્રકાશ શર્મા
ગુરુવારે રાત્રે માઝગાવમાં આવેલા ભાઉચા ધક્કા ખાતે એક અકસ્માતમાં દરિયામાં ટૅક્સી ખાબકતાં ૬૩ વર્ષના ટૅક્સી-ડ્રાઇવરે જીવ ગુમાવ્યો હતો. મુમ્બાદેવીમાં રહેતા ડ્રાઇવર જયપ્રકાશ શર્મા નવી જેટી માટે બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હતું એ વિસ્તારમાં ટૅક્સી ચલાવતા હતા. ત્યારે બૅરિકેડ્સ કે જરૂરી ચેતવણી દર્શાવતાં બોર્ડ ન હોવાને કારણે ટૅક્સી-ડ્રાઇવર સાથે અકસ્માત થયો હોવાનો આરોપ ટૅક્સી-ડ્રાઇવરના પરિવારજનોએ લગાવ્યો હતો.
ગુરુવારે રાત્રે ૯.૩૫ વાગ્યે જેટી નજીકથી પસાર થઈ રહેલી ટૅક્સી દરિયામાં ખાબકી હતી. નજીકમાં લાંગરેલી માછીમારી બોટ પર રહેલા કેટલાક માછીમારોએ એ જોયું હતું અને તેઓ ડ્રાઇવરને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા. ડ્રાઇવરને બચાવીને જે. જે. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ક્રેનની મદદથી ટૅક્સીને બહાર કાઢી હતી. યલો ગેટ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે તેમ જ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ ચકાસીને અકસ્માતનું કારણ જાણવાની કોશિશ થઈ રહી છે.


