જે દિવસે કૉલેજમાંથી ઑફર-લેટર આવ્યો હતો એ જ દિવસે તેણે અભિજાતને પૂછ્યું હતું. અભિજાતે જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો હતો, ‘મને શું પૂછે છે? આસ્ક યૉર દિલ... તારું દિલ શું કહે છે?’
ઇલસ્ટ્રેશન
લિસન ટુ દિલ, નો?’
વિદિશા ડ્રેસિંગ ટેબલ સામે બેઠી હતી. સરસ હૅન્ડલૂમની ઑફ-વાઇટ સાડી પહેરી હતી. ખાદી સિલ્કનું બ્લાઉઝ. ગળામાં નાનકડા રુદ્રાક્ષની ઇફેક્ટ આપે એવી માળા. બસ, કપાળે મોટો પચીસ પૈસાના સિક્કા જેવડો ચાંદલો કરવા જતાં તેનો હાથ અટકી ગયો.
ADVERTISEMENT
જો અભિજાત હોત તો તેણે શું કહ્યું હોત? એ જને ‘લિસન ટુ યોર દિલ, વિદિશા!’
lll
અભિજાત વારંવાર એક ફિલ્મી ગાયનને પોતાની રીતે ગાતો હતો:
દિલ કી આવાઝ હી સુન
મેરે ફસાને પે ન જા
દિલ કી ધડકન કી તરફ દેખ
ઝમાને પે ન જા...
આજે એ અભિજાત આ દુનિયામાં નહોતો. હતું તો માત્ર વિદિશાનું દિલ...
પણ દિલ કંઈ કહી રહ્યું નહોતું.
lll
વિદિશાની છાતીમાંથી એક નિઃશ્વાસ સરી પડ્યો. આજે કૉલેજમાં લેક્ચરર તરીકે જૉઇન થવાનો પહેલો દિવસ હતો. વિદિશાને જૉબ પર જવાની સહેજે ઇચ્છા નહોતી થઈ રહી. ઇન ફૅક્ટ, તેને આ જૉબ કરવી જ નહોતી પણ તેની ફ્રેન્ડ ઉર્વીએ સતત આગ્રહ ચાલુ રાખ્યો હતો.
‘વિદિશા, ક્યાં સુધી આમ અભિજાતની યાદમાં ઝૂરતી રહીશ? તારી સામે આખી જિંદગી પડી છે. કૉલેજની જૉબ જૉઇન કરીશ તો તારું મન એમાં પરોવાયેલું રહેશે. કૉલેજ ઇઝ ઑલ્વેઝ ફુલ ઑફ યંગ એનર્જી. તને એ કૉલેજ જ ફરી જીવવાની એનર્જી આપશે. પ્લીઝ વિદિશા, ડોન્ટ રિફ્યુઝ ધી ઑફર.’
ઑફર પણ બહુ સરસ હતી. પાંચ આંકડાની મોટી સૅલેરી, પેટ્રોલ, બુક્સ, અપાર્ટમેન્ટનું ભાડું વગેરે પાછળ જે રકમ ખર્ચાય એનું ફુલ રી-એમ્બર્સમેન્ટ અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે તેણે કોર્સિસ જે રીતે ભણાવવા હોય એ રીતે ભણાવવાની ફુલ ફ્રીડમ.
lll
‘અભિજાત, હું આ જૉબ કરું?’
જે દિવસે કૉલેજમાંથી ઑફર-લેટર આવ્યો હતો એ જ દિવસે તેણે અભિજાતને પૂછ્યું હતું. અભિજાતે જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો હતો, ‘મને શું પૂછે છે? આસ્ક યૉર દિલ... તારું દિલ શું કહે છે?’
પછી તે ગાવા લાગ્યો હતો... દિલ કી આવાઝ હી સુન...
‘હવે ગાવાનું બંધ કરીને સરખો જવાબ આપને...’
‘આપ્યો તો ખરો! દિલને પૂછી લેને?’
‘અરે, જૉબ કરવાનું દિલ હતું એટલે જ તો મેં અપ્લાય કર્યું હતું, પણ એ વખતે વાત અલગ હતી. ત્યારે આપણી સગાઈ નહોતી થઈ.’
‘તો હવે શું ફરક પડે છે? સગાઈ કર્યા પછી ઇંગ્લિશ લિટરેચરના ક્લાસિસ ન લઈ શકાય એવું કઈ યુનિવર્સિટીના રૂલ્સમાં લખ્યું છે?’
‘બી સિરિયસ અભિજાત. શું મૅરેજ પછી તું મને જૉબ કરવાનું અલાઉ કરીશ ખરો?’
‘ઓ હલોઓઓ...’ અભિજાતે તેની બે આંખોની સામે જોર-જોરથી ચાર ચપટીઓ વગાડતાં કડક-તીખા અવાજે કહી દીધું હતું:
‘આ મૅરેજ પહેલાં અને મૅરેજ પછી એવુંબધું શું છે હેં? આ તે કંઈ મોબાઇલ નેટવર્કનો પ્લાન છે? પ્રી-પેઇડ... પોસ્ટ-પેઇડ...? એવું ન હોય, માય ડિયર વિદિશા... જસ્ટ લિસન ટુ દિલ!’
‘બસ, તારી પાસે તો દરેક પ્રૉબ્લેમનું એક જ સૉલ્યુશન હોય છે, લિસન ટુ દિલ.’
‘અફકોર્સ વળી!’ અભિજાતે વિદિશાની હથેળી બે હાથ વડે પકડીને પોતાની છાતી પર ધરીને એકદમ ધીમા અને ભારે ગંભીર અવાજે કહ્યું હતું...
‘જુઓ મૅડમ, આ છાતીની લેફ્ટ સાઇડમાં જે દિલ નામના શખ્સ બિરાજે છેને... આપણે તો બસ એના જ ગુલામ છીએ. અહીં વડોદરામાં એન્જિનિયરિંગનાં ચાર વર્ષ અને પછી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રૅજ્યુએશનનાં બીજાં અઢી વર્ષ દરમિયાન આ મિસ્ટર દિલશાહને એકેય છોકરી સાથે ઇલુ-ઇલુની ફીલિંગ્સ થઈ નહોતી. પણ મૅડમ, આપણા સમાજની સો કૉલ્ડ જુનવાણી અરેન્જ્ડ મૅરેજની સિસ્ટમ હેઠળ જ્યારે હમોએ તમોને તમારા ઘરમાં તમારા કૂણા-કૂણા હાથ વડે ચા-નાસ્તાની ફૂલ-ફૂલવાળી ડિઝાઇનની ટ્રે ઉપાડીને હમોની તરફ હળવા પગલે આવતાં જોયાં તે જ ક્ષણે હમોના દિલે તમોના દિલને લાઇક મારવા માટે અંદરથી ટિડિંગ કરતી ઘંટડી વગાડી હતી. બસ, ત્યારથી હમોના દિલને તમોના હૃદય સાથે...’
‘ઓફ્ફો! જસ્ટ શટ અપ!’ વિદિશાએ ડાઇનિંગ ટેબલ પર પડેલું ચપ્પુ ઉઠાવીને ધમકી ઉચ્ચારી હતી. ‘હવે જો એક પણ શબ્દ આ કનોડિયા સ્ટાઇલમાં બોલ્યો છેને... તો આ તારો છેલ્લો દિવસ હશે!’
‘ચંડિકા... ચંડિકા... સાક્ષાત્ ચંડિકા!’ અભિજાતે તરત જ કોઈ ધાર્મિક સિરિયલના ભક્તની જેમ બે હાથ જોડીને ગદગદ્ થઈ જતો પોઝ આપી દીધો હતો.
અભિજાતનું ઓવર-ઍક્ટિંગથી છલકાતું ડાચું જોઇને વિદિશા ફૂઉઉઉ... કરતી હસી પડી હતી. બુઠ્ઠા ચપ્પુની અણી અભિજાતના દિલ ૫૨ ભોંકતાં ફરી એ જ સવાલ કર્યો હતોઃ ‘બોલને અભિ... શું કરું?’
અને અભિજાતે એ જ ઓવર-ઍક્ટિંગના લહેકામાં સ્વયં મહાદેવજી આશીર્વાદ આપતા હોય એવી મુદ્રા ધારણ કરતાં ગહન અવાજે માર્ગદર્શન આપ્યું હતું, ‘... લિસન ટુ દિલ, વત્સ!’
lll
બટ, વૉટ વૉઝ દિલ સેઇંગ? દિલ શું કહી રહ્યું હતું? વિદિશાને હજી સમજાતું નહોતું, પણ અભિજાત એ બાબતે હંમેશાં ક્લિયર હતો.
એક રાત્રે વિદિશા જમ્યા પછી તેના બેડરૂમમાં સૂતી હતી ત્યાં અભિજાતનો ફોન આવ્યો.
‘લિસન, મને ગોળધાણા ખાવાનું મન થયું છે!’
‘ગોળ-ધાણા?’ વિદિશા ચોંકી ઊઠી હતી. ‘કેવા ગોળ-ધાણા?’
‘કેવા એટલે વળી? આપણી સગાઈના દિવસે ખાધા હતા એવા! એ દિવસે કોણે બનાવેલા?’
‘મમ્મીએ.’
‘રાઇટ. તો આજે તારે બનાવવા પડશે. તું ફટાફટ મમ્મી પાસેથી એ ગોળ-ધાણાની રેસિપી શીખી લે. હું હમણાં જ ખાવા માટે આવું છું.’ વિદિશાને હસવું આવી ગયું હતું. ‘ગોળ-ધાણા ખાવા માટે? શું છેક વડોદરાથી આવવાનો છે તું?’
‘આવવાનો નથી, આવી ગયો છું! તું ફટાફટ નીચે ડ્રૉઇંગ રૂમમાં આવ, મમ્મી કિચનમાં ગોળ શોધી રહી છે.’
‘વૉટ ધ...’ વિદિશા ચોંકી ગઈ હતી. રાતના પોણાદસ વાગ્યે કોઈ થનાર હસબન્ડ તેની થનારી પત્નીના ઘરે ‘ગોળ-ધાણા’ ખાવા આવે?
વિદિશા સહેજ કપડાં સરખાં કરીને નીચે આવી ત્યારે જોયું તો ભાઈસાહેબ તેની મમ્મી અને પપ્પા જોડે સોફામાં ખડખડાટ હસતા બેઠા છે!
‘વિદિશા, આઇ ટેલ યુ...’ પપ્પા ખુલ્લા દિલે હસતાં-હસતાં બોલ્યા હતા, ‘જમાઈરાજ આટલા હસમુખા હશે એની મને લગીરે કલ્પના નહોતી.’
‘વડીલ, મસકાબાજી પછી કરજો. પહેલાં વિદિશાને કહો કે ગોળધાણા બનાવે! અને એક મિનિટ...’ વિદિશા પાસે આવીને તેણે આંખ મિચકારતાં કહ્યું હતું, ‘આવડશેને? બાકી રિસ્કી લાગતું હોય તો ના પાડવાની છૂટ છે હોં! જસ્ટ લિસન ટુ યૉર દિલ ઍન્ડ ડિસાઇડ...’
બસ, બધી જ વાતમાં ‘લિસન ટુ દિલ...’ બાઇક પર ક્યાંક ફરવા જતાં હોઈએ અને રસ્તામાં કોઈ વરઘોડો નાચતો-ગાતો જતો દેખાય તો તરત બ્રેક મારીને બાઇક ઊભી રાખે, ‘બોલ વિદિશા, નાચવું છે જાનમાં? પૂછી જો દિલને!’
કોઈ મોંઘી હોટેલના ભવ્ય હૉલમાં ઓગણીસ જાતની વરાઇટીવાળું બુફે-ડિનર હોય એવા રિસેપ્શનમાં ઓગણીસે ઓગણીસ આઇટમોનો ભરપેટ સ્વાદ માણ્યા પછી બહાર નીકળીને તે કહેતો:
‘યાર, આ ચાઇનીઝ, ઇટાલિયન, મેક્સિકન ખાઈને પેટમાં લોચો થઈ ગયો છે... ચલ, માણેકચોક જઈને રગડાપેટીસ ખાવી છે? વૉટ સેઝ યૉર દિલ?’
એક વાર તો એસજી હાઇવે પર થઈ ગયેલા ટ્રાફિક જામમાંથી માંડ પોણા કલાકે કાર નીકળી હતી ત્યાં યુ-ટર્ન મારતાં કહે છે:
‘બોલ, અડાલજની વાવ જોવા જવું છે? રાતના કેવી લાગતી હશે? મારી પાસે ટૉર્ચ પણ છે. ક્યાંકથી મીણબત્તીઓ મળે તો લઈ લઈએ. ઇટ વિલ બી અ વન્ડરફુલ સાઇટ... કમ ઑન, લિસન ટુ યૉર દિલ!’
વિદિશાને આઇડિયા ખૂબ જ રોમૅન્ટિક લાગ્યો. ‘કૅન્ડલ લાઇટમાં અડાલજની વાવ! વાઉ! આઇ મીન વાવ! પણ... ત્યાંનો ચોકીદાર આપણને જવા દેશે?’
‘ત્યાં જઈએ તો ખરા? પછી જોયું જશે. એ ચોકીદારની પાસે પણ એકાદ દિલ તો હશેને? ટકોરા મારી જોઈએ. કદાચ ખૂલી જાય તો બલ્લે બલ્લે...’
ચોકીદારને ૪૦૦ રૂપિયા વત્તા મીણબત્તીના બીજા ૧૦૦ આપીને અભિજાતે ધરાર અડાલજની વાવમાં ગેરકાયદેસર એન્ટ્રી લીધી હતી. ત્યાં આસપાસ સળગતી લાઇનબંધ ગોઠવેલી મીણબત્તીવાળા એક ઝરૂખામાં બેસીને અભિજાતે વિદિશાનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું હતું, ‘બોલ, હવે દિલ શું કહે છે?’
વિદિશાએ જરાય અચકાયા વિના કહ્યું હતું, ‘મને શી ખબર? મારું દિલ તો તું લઈને બેઠો છે...’
lll
વિદિશા હજી અરીસા સામે જ બેઠી હતી. પાછળથી ઉર્વીએ આવીને તેને ઢંઢોળી. ‘કમ ઑન વિદિશા, રેડી થઈ જા.’
વિદિશાનું દિલ બેસી રહ્યું હતું. ‘રેડી? આઇ ઍમ નૉટ રેડી ફૉર
ધિસ, ઉર્વી.’
ઉર્વી હળવેકથી તેના ખભા પર હાથ પસવારતાં બાજુમાં બેઠી, ‘લિસન વિદિશા, તારા દિલની નહીં, અત્યારે તારા માઇન્ડની વાત પર ભરોસો મૂકવાનો સમય છે.’
‘સમય?’ વિદિશાની આંખો છલકાઈ ગઈ, ‘સમય જ ક્યાં આપ્યો અભિજાતે?’
ઉર્વીએ તેની આંખો છલકાવા દીધી. થોડી વારે વિદિશાને ટિશ્યુ પેપર આપતાં તેણે કહ્યું, ‘ટાઇમ ઇઝ ધ ગ્રેટેસ્ટ હીલર... સમય ઘણા ઘાવને રુઝાવી શકે છે, કમ ઑન વિદિશા, આ એક તક તારી સામે આવીને ઊભી છે. બસ, સવાલ તારી જાતને જ એક તક આપવાનો છે. પ્લીઝ વિદિશા, ગિવ યૉરસેલ્ફ અ ચાન્સ...’
વિદિશાને પણ થયું... ચાલો, સમય જોડે એક ચાન્સ લઈ જોઈએ. બહુ-બહુ તો શું થશે? નહીં ગમે તો નોકરી છોડતાં કોણ રોકવાનું છે?
તેણે ફરી પેલો પચીસ પૈસાના સિક્કાની સાઇઝનો ચાંદલો ઉપાડ્યો. અરીસામાં જોઈને મન મક્કમ કરીને પોતાની જાતને પૂછી જોયું. છેક ઊંડે-ઊંડેથી જાણે એક પડઘો સંભળાયોઃ ‘લિસન ટુ દિલ, વિદી...’
વિદિશાએ બરાબર કપાળની વચ્ચોવચ એ ચાંદલો લગાડી દીધો.
(ક્રમશ:)


