હૃષીકેશના અગ્રણી વેપારી કિશોરચંદને ત્યાં મોટી ઉંમરે પારણું બંધાયાનો હરખ ઝાઝું ટક્યો નહીં. પહેલી પ્રસૂતિના છ-આઠ માસમાં તેમનાં પત્નીએ પિછોડી તાણી ને નમાયી થયેલી દીકરી નાનપણથી માંદી ને માંદી.
					
					
ઇલસ્ટ્રેશન
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશ સ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. હૃષીકેશના ઘરે સવાર આમ જ ઊગે છે... હું સોહાગણ બની ત્યારથી!
ઊંડો શ્વાસ લઈ તેણે જાણે સુખ છાતીમાં ભર્યું. અગાસીમાં પથરાયેલો સવારનો કુમળો તડકો પ્રેરતો હોય એમ માથે સ્કાર્ફ નાખી ખભે શાલ વીંટાળી તે વિલાના પહેલા માળના શયનખંડને અટૅચ્ડ ટેરેસમાં આવી ઊભી. અગાસીની પાળે હાથ ટેકવી પાછળ વહેતી ગંગાના ભવ્ય પટ પર નજર નાખતાં અભિભૂત થવાયું. ઠંડા પવનની લહેરખીથી બચવા માથે ઓઢેલો સ્કાર્ફ સરખો કરતાં નજર વરંડામાં ગઈ ને આસિતાના ફીકા ચહેરા પર ખિલાવટ આવી ગઈ. આંખો ટેકવી તે ઝાડપાનની માવજત કરતા પતિને નિહાળી રહી.
ADVERTISEMENT
કોમળતાથી ગુલાબને સ્પર્શી છોડવાને સીંચતા પુરુષની ક્રિયામાં ભલે નજાકત હોય, તેનાં ઊંચાં-પહોળાં કદકાઠીમાં ભારોભાર જોમ ભર્યું છે! પણ હું અભાગણી તો એનેય માણવાથી વંચિત...
શરદપૂનમના ચાંદ પર અચાનક વાદળ છવાઈ જાય એમ ઘડી પહેલાં સુખને શ્વાસમાં ભરનારીને દુઃખની ટાંકણી ભોંકાઈ હોય એમ સિસકારો થઈ ગયો.
‘તમારી દીકરીનું હૃદય નબળું છે...’
હળવા નિસાસાભેર આસિતા
વાગોળી રહી:
હૃષીકેશના અગ્રણી વેપારી કિશોરચંદને ત્યાં મોટી ઉંમરે પારણું બંધાયાનો હરખ ઝાઝું ટક્યો નહીં. પહેલી પ્રસૂતિના છ-આઠ માસમાં તેમનાં પત્નીએ પિછોડી તાણી ને નમાયી થયેલી દીકરી નાનપણથી માંદી ને માંદી. દિલ્હી મોટા ડૉક્ટરને દેખાડતાં તેમણે પૂરતી તપાસને અંતે ફોડ પાડ્યો: તમારી લાડલી આસિતા કાચનું વાસણ છે એમ માની લો. શ્રમ પડે એવું કોઈ કામ તેણે કરવાનું નહીં. પકડાપકડી, દોડાદોડી તો ભૂલી જ જજો. બહારગામ ઝાઝું હરવાફરવાનું પણ નહીં.
દીકરીના નબળા હૃદયનું નિદાન કિશોરચંદ કાળજું કઠણ રાખી પચાવી ગયા. હૃષીકેશની માર્કેટમાં સાજસજાવટની તેમની મોટી દુકાન હતી. જામેલો ધંધો હતો. એને ગુડવિલ પર વેચી કિશોરચંદે દીકરીના ઉછેરમાં જીવ પરોવી દીધો. આસિતાને સવારના દૂધથી રાતે બેડટાઇમ સ્ટોરી સુધીની કાળજી તે લેતા. જાતે સ્કૂલ લેવા-મૂકવા જતા. અરે, આસિતા અન્ય બાળકો ભેગી દોડભાગ કરવા ન લાગી જાય એ માટે રિસેસમાં પણ ત્યાં પહોંચી જતા. બાળકો માટે કૅન્ડી, પીપર લઈ જાય એટલે તેમને જોતાં જ બચ્ચાપાર્ટી દોડી આવે. મેદાનમાં મોટું કૂંડાળું બનાવી દીકરી સાથે પોતે બેસીને રમાય એવી રમતો રમાડે. આસિતા ખુશ થઈને તાળીઓ પાડે ને કિશોરચંદની પાંપણે હરખની, સંતોષની બે બુંદ જામે.
‘પપ્પા, મારે દોડવું છે, ફરવું છે...’
મોટી થતી આસિતા ક્યારેક પપ્પાની પાબંદીઓથી કંટાળતી: મારી સખીઓ બદ્રીનાથ, કેદારનાથ જઈ આવે ને મારાથી બાજુમાં જ વહેતી ગંગામૈયામાં
રિવર-રાફ્ટિંગ પણ ન થાય? મેળામાં પણ તમે મને ઊંચકીને ફરો એ મને નથી ગમતું!
શરૂ-શરૂમાં કિશોરચંદ તેને ફોસલાવતા: તુંય જાતે બધે હરશે-ફરશે, બસ થોડી મોટી થઈ જા...
પણ યુવાનીમાં ડગ મૂકતા સુધીમાં જોકે આસિતાને પોતાની નબળી હેલ્થનો ભેદ પરખાઈ ગયેલો. પિતાથી છુપાવી તેણે એક મૅરથૉન રનમાં ભાગ લીધો ને અડધે જ બેભાન થતાં હો-હા મચી. ઍમ્બ્યુલન્સમાં દિલ્હી લઈ જવાઈ, સમયસરની સારવારે તે ઊગરી ગઈ પણ તબિયતની સચ્ચાઈએ તે રડમસ બનેલી: ઈશ્વરે મને આવી ઊણપ કેમ આપી?
‘કોણ કહે છે તારામાં ઊણપ છે?’ પિતાએ અપાર વાત્સલ્યથી દીકરીની કપરી પળોને જાળવી હતી, ‘તારું હૃદય મેડિકલી ભલે વીક હોય, એમાં કરુણાનો ભંડાર છે, છલોછલ અચ્છાઈ છે, ભારોભાર હિંમત છે. તારે મારા ખાતર જીવવાનું છે, હોં બેટા!’
અને આસિતા ટકી ગઈ. પોતાની સ્થિતિને અનુરૂપ શોખ તેણે કેળવવા માંડ્યા: ઘાટ પર જઈ તે ચિત્રો બનાવતી, જરૂરિયાતમંદ બહેનો માટે ઘરે સીવણના ક્લાસ શરૂ કર્યા, જાતને વ્યસ્ત અને આનંદમાં રાખતી, એ જોઈ કિશોરચંદના હૈયે હરખ છવાતો.
એક કસોટી હજી જોકે બાકી હતી.
‘નહીં કિશોરચંદજી, દીકરીને પરણાવવાનો વિચાર માંડી વાળો. તેનું હૃદય નબળું છે, શરીરે તે દૂબળીપાતળી છે, સામાન્ય ભાષામાં કહું તો શારીરિક સંસર્ગનો શ્રમ પણ તેના માટે મોતના મંડાણ જેવો બની રહેશે.’
વર્ષે એક વાર આસિતાનું રૂટીન ચેકઅપ દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલના મોટા ડૉક્ટર પાસે કરાવવાનું રહેતું. એમાં હવે બાવીસની થયેલી આસિતા માટે પોતે મુરતિયો ખોળી રહ્યાનું કિશોરચંદે ડૉક્ટરને કહેતાં સામેથી ચેતવણી મળી.
‘નો! ડૉક્ટર, મારી લાડલી પાસેથી લગ્નનું સુખ પણ ક્યાં છીનવો!’ કિશોરચંદ કકળી ઊઠ્યા.
તપાસ-રૂમના પાર્ટિશન પાછળથી ડૉક્ટરનું નિદાન સાંભળી ચૂકેલી આસિતાએ હળવો નિશ્વાસ નાખ્યો.
‘પપ્પા, મારે મૅરેજ નથી કરવાં.’
ડૉક્ટરની ચેતવણી દીકરી સાંભળી ચૂકી છે એનો કિશોરચંદને ખ્યાલ નહોતો અને તેને સત્ય કહેવાની હિંમત તો બિલકુલ નહીં. આસિતામાં સમજ હતી કે મારાં લગ્નના વિઘ્ને પિતા અંદરખાને ભાંગી ચૂક્યા છે, આ વખત હવે તેમને જાળવવાનો છે...
‘તમને છોડીને હું ક્યાંય જવાની નથી.’ આસિતા લાડ જતાવતી, પિતાનાં અશ્રુ લૂછતી, ગલીપચી કરતી ને કિશોરચંદના કરચલીવાળા ચહેરા પર હાસ્ય ફેલાઈ જતું.
તેમણે લગ્નનો વિચાર પડતો
મૂક્યો, પણ દીકરીની ચિંતા ન છૂટી : મારી હવે અવસ્થા થઈ, મારા પછી મારી દીકરીનું કોણ?
ઈશ્વરને પણ પિતાની તડપ સ્પર્શી હોય એમ તમને મોકલી આપ્યા, એ પણ એક સંન્યાસીના આશ્રમમાંથી!
પતિને નિહાળી સંતોષનો શ્વાસ લેતી આસિતાએ કડી સાંધી:
બીમાર દીકરીનો બાપ પથ્થર એટલા દેવ પૂજે એની નવાઈ ન હોય એમ જીવનના ઉત્તરકાળમાં કિશોરચંદને હરિદ્વારના સ્વામી વિજયાનંદની નિશ્રામાં શાતા સાંપડી. ગંગાતટે તેમનો નાનકડો આશ્રમ, ન ચેલાઓની ઝાઝી ભીડ, ન ભક્તોમાં છવાઈ જવાનો ધખારો. ગૂઢ સાધનાના પ્રતાપે સિત્તેરની ઉંમરે પણ વદન પર તપની ચમક. વર્ષના છ મહિના તો પાછા હિમાલયના કોઈ ગુપ્ત સ્થળે વિતાવતા હોય.
તેમનાં એક-બે પ્રવચનો સાંભળ્યા પછી કિશોરચંદને સ્વામીજીમાં શ્રદ્ધા બેસી ગઈ હતી. સ્વામીજી હરિદ્વારમાં હોય ત્યારે અઠવાડિયે એકાદ વાર તો અચૂક તેમના સત્સંગમાં જવાનું.
‘તમે તો દીકરીને ફૂલના પાનની જેમ સાચવી છે. ચિંતા ન કરો. તમારી હયાતીમાં જ તેનો સંસાર પણ મંડાશે...’
સિદ્ધહસ્ત સ્વામીજી ભાગ્યે જ કોઈને ભવિષ્યકથન કરતા હોય, પણ ભક્તનો નિઃસ્વાર્થભાવ સંતને પણ સ્પર્શી જતો હોય છે એમ તેમણે એક બેઠકમાં કિશોરચંદને કહેતાં દીકરીના લગ્નના પ્રયાસ પડતા મૂકનારા બાપમાં આશાનો સંચાર થયો.
પિતા સાથે ક્યારેક આસિતા પણ સ્વામીજીના આશીર્વાદ લેવા આશ્રમે જતી. તેમની વાણીમાં તેનેય શ્રદ્ધા હતી.
અને એ ખરેખર બન્યું... સરિતાની જીવનધારા સાગર તરફ ફંટાવાનું નિર્મિત હોય એમ આજથી સાડાચાર વર્ષ અગાઉ સ્વામીજીના આશ્રમમાં આસિતાના જીવનમાં આવ્યા ઓમ, અંતરમાં છવાયા... આશ્રમમાં જ તેમનો હથેવાળો થયો. એના છ મહિનામાં પિતાજીએ દેહ છોડ્યો ત્યારે કેટલી નિશ્ચિંતતા હતી તેમના ચહેરા પર! અને એનું કારણ હતું ઓમ! દીકરીને ચાહનારો તેની કાળજીમાં ક્યારેય નહીં ચૂકે એની શ્રદ્ધાએ આસિતાના પિતાજી વિના કોઈ તકલીફે ગયા.
અગાસીમાંથી પતિને નિહાળતી આસિતાની કીકીમાં ચાહત ઘૂંટાઈ.
‘તું અગાસીમાં કેમ ઊભી છે?’ નીચેથી ઓમનો સાદ સંભળાતાં તે ઝબકી. પતિદેવ તેને જ સંબોધી રહ્યા હતા: ભીતર જા, ઠંડી લાગી જશે. હું ઉપર જ આવું છું!
આમ તો આસિતાને દાદર ચડવાની મનાઈ હતી પણ લગ્ન પછી તેણે જીદ કરી મેડીનો રૂમ રાખેલો : જોડે અગાસી પણ છે, એ બધું ક્યારે ને કોણ વાપરવાનું!
ત્યારે ઓમે જ રસ્તો કાઢ્યો હતો - ઉતરચડ માટે તેણે બેઠકવાળી લિફ્ટ મુકાવી દીધેલી એટલે આસિતાનું મન પણ સચવાયું ને હૃદય પણ!
અત્યારે જોકે રૂમમાં પાછી ફરતી આસિતાએ અણખટ અનુભવી.
ઓમની કાળજી, લાગણી મને સ્પર્શે છે પણ સામે હું તેમને મામૂલી શરીરસુખ પણ આપી નથી શકતી એ દર્દ કોને કહેવું?
વળી પેલી ટાંકણી ભોંકાઈ.
અમારાં લગ્ન સાદાઈથી થયાં અને એમાં સુહાગરાતનું કોઈ સ્થાન નહીં હોય એવું દિલ્હીના મોટા ડૉક્ટર ઓમને લગ્ન અગાઉ સમજાવી ચૂકેલા : કામક્રીડાનો શ્રમ આસિતા બરદાસ્ત નહીં કરી શકે. ક્યારેક તે પ્રકૃતિને વશ થાય તો પણ તમારે તો સંયમ જ રાખવાનો.
આવું જાણ્યા પછીયે પરણનારો તો મારો ઓમ એક જ હોય!
આસિતાની પાંપણે ભીનાશ છવાઈ: ઓમ તો તેમનો પતિધર્મ બરાબર બજાવે છે, પણ હું પત્ની તરીકે મારા નબળા હૃદયને કારણે તેમને જોઈતું સુખ નથી દઈ શકતી, એનો કોઈ ઇલાજ આ ભવમાં શક્ય ન હોય તો મને વહેલું મોત દઈ દો ભગવાન, જેથી ઓમ તો આ વિના વરદાનની તપસ્યામાંથી છૂટે!
સાચા હૃદયની પ્રાર્થનાનો કેવો પડઘો પડશે એની આસિતાને ક્યાં ખબર હતી?
lll
‘તમારી પત્નીનો એક ઇલાજ શક્ય છે.’
આસિતા રૂમ તરફ ગઈ એટલે નજર વાળતા ઓમના ચિત્તમાં એઇમ્સના ડૉક્ટર સિસોદિયાના શબ્દો પડઘાયા.
આસિતા વર્ષો જેની સારવારમાં રહી એ મોટા ડૉક્ટર નિવૃત્ત થતાં ત્રણેક વર્ષથી આધેડ વયના ડૉક્ટર સિસોદિયા એનો કેસ જોતા. લંડનમાં સ્પેશ્યલાઇઝેશન કરનાર સિસોદિયાસાહેબની નિપુણતામાં કહેવાપણું નહોતું, પણ વરસેક અગાઉ તેમણે સૂચવેલા ઇલાજ માટે ઓમનું મન પણ ક્યાં માને છે!
હળવો નિશ્વાસ નાખી ઓમે બાગકામ સમેટવામાં ધ્યાન પરોવ્યું.
lll
‘ગુડ નાઇટ!’
શરીરસુખના નામે થોડાં હવાતિયાં, અંગે થોડાં બચકાં ભરી ફરજ પૂરી થઈ હોય એમ પતિદેવ પડખું ફરી પોઢી ગયા ને મારે હવે આખી રાત સિસકાવાનું!
ઝરણાએ બળબળતો નિસાસો નાખ્યો.
‘મારી ઝરણા માટે તો હું કોઈ રાજકુમાર ગોતીશ. આખરે મારી દીકરીનુ રૂપ કોઈ રાજકુમારીથી કમ ઓછું છે?’
માના શબ્દો સાંભરી ગયા. ઝરણા વાગોળી રહી:
ના, નવસારીના શેઠ ફળિયાના ઘરમાં કંઈ જાહોજલાલી નહોતી જ... પેઢીઓ જૂનું બાપદાદાનું એક માળનું મકાન હતું. નાની વયે ગુજરી ગયેલા માસ્તર પતિના અડધા પેન્શનથી મા-દીકરીનો ગુજરબસર થઈ રહેતો. મોટી થતી એકની એક દીકરીને જમનામા ગોખાવતી : બળ્યું આ શું રૂપિયો તાણી-તાણીને વાપરવાનો? તું મારી જેમ ભુલાવામાં ન રહેતી, છોકરો એવો ગોતજે જે પહેલેથી બે પાંદડે નહીં, પૈસાના પાંદડે-પાંદડે બેઠો હોય!
‘જરૂરથી વધારે પૈસો શું કામનો?’ આર્જવ કહેતો.
આ.. ર્જ..વ! આ એક નામે ઉરજોમાં આજેય કેવો ઉત્પાત સર્જાય છે! છાતીસરસો તકિયો દબાવી ઝરણા વળી ગતખંડમાં ડૂબી ગઈ.
ઝરણાની બાજુમાં જ તેનું ઘર. ઘર શું, લાંબા ગાળાને દીવાલ-સિમેન્ટના છાપરાથી ઢાંકી, અંદર કંતાયેલા પડદાની આડશથી રૂમ-રસોડાં અલગ કરાયેલાં ને નાવણિયું વાડામાં.
પણ એટલું ખરું કે હાથી-મોરનાં ચિત્રો પર આભલાના ભરતકામથી દીવાલો સુશોભિત હતી ને ઘર ચોખ્ખુંચણક રહેતુ. અને દેવયાનીમાસી રસોઈનો વઘાર કરે એની સુવાસ ચાર ઘરે પ્રસરી જતી.
‘માસી, આજે તમે શું બનાવ્યું?’ પાછળ વાડામાં જઈ નાનકડી ઝરણા સાદ પાડે ને તેનાથી બે વર્ષ મોટો આર્જવ સ્ટીલની થાળી લઈને આવે: લે, ભીંડાનું શાક અને રોટલી. તને ભાવે છેને!
એ જોઈ જમનામા પાડોશણને મીઠું વઢે : મારી જેમ તુંય વિધવા, ઘરમાં સીવણનો સંચો ચલાવી તું કેટલું રળી લે છે એ હું જાણું છું, પછી દર ત્રીજે દહાડે મારી ઝરણાના ભાગનુંય રાંધવાનું કેમ પરવડે?
‘ઓહો, જમનાભાભી! શાકભાજી મારે વાડામાં થાય છે ને ઝરણાની બે ફુલકા રોટી શું ભારે પડવાની? મારે તો જેવો આર્જવ એવી ઝરણા. જોતાં નથી, બેઉ ભેળાં કેટલું રમતાં હોય છે!’
વાત તો સાચી. બાળપણની એ નિર્દોષ મૈત્રી જુવાનીના પહેલા પડાવે પ્રણયમાં પલટાવી સહજ હતી, પણ પછી...
પછીના એ વળાંકે નિશ્વાસ જ નાખી શકી ઝરણા!
(ક્રમશ:)
		        	
		         
        

