ઘવાયેલા મનમાં પલટવારની જ્વાળા ફૂંકાઈ એ હવે બુઝાય એમ નથી, એને હું બૂઝવા દઉં પણ નહીં
ઇલસ્ટ્રેશન
આહ!
આદિલનો માદક સિસકારો કાને પડતાં કમરામાં પ્રવેશવા જતી ઝીનત ઉંબરે જ અટકી ગઈ. પડદા આડેથી ડોકિયું કરતાં હોઠ કરડ્યો.
ADVERTISEMENT
કોચ પર આડો પડી આદિલ સ્પા ગર્લ પાસે મસાજ કરાવી રહ્યો છે. પેલી પણ મસાજ કરવાના બહાને કેવળ આંતરવસ્ત્રોમાં રહી ખરેખર તો અશ્લીલ હરકતો દ્વારા આદિલની મર્દાનગી ઉશ્કેરી રહી છે.
આ અને આનાથીયે ઉઘાડાં, વરવાં દૃશ્યોની ક્યાં નવાઈ છે!
પડદો ઢાળી ઝીનત બળપૂર્વક આગળ વધી ગઈ. શ્વશુરજીની શ્રીનગરની આ કોઠીમાં ગણ્યા ગણાય નહીં એટલા કમરા હતા. અંગત જીવનનું દુઃખ વાગોળવા ઝીનત નજરે ચડ્યો એ કમરો ખોલી બેસી જતી ને કમરાની દીવાલો અવિરત વહેતાં તેનાં અશ્રુઓની સાક્ષી બની રહેતી.
આદિલના અબ્બુ લિયાકત અલી કશ્મીરના રાજકારણીઓમાં મોખરાનું નામ ગણાતા. ૩૭૦ હટ્યા પછી લાલચોક ખાતે તિરંગો લહેરાવવામાં એ અગ્રણી હતા. પરિણામે દિલ્હી સુધી તેમની વગ વર્તાતી. યુવા મોરચાના પ્રમુખ તરીકે આદિલે પણ નામ જમાવવા માંડેલું.
બાપ-દીકરાની નીતિરીતિ દોગલી છે એ પહેલાંથી હું જાણતી હોત તો!
અત્યારે એકાદ રૂમ ખોલી પલંગ પર પડતું મૂકતી ઝીનતના હોઠ થરથર્યા.
તો-તો અબ્બુને અમારા નિકાહનો પ્રસ્તાવ મૂકતાં વાર્યા હોત, કાજીને ‘કુબૂલ હૈ’ તો ન જ કહ્યું હોત!
ના, આદિલના અબ્બુ અત્યંત ગુપ્તપણે ભ્રષ્ટાચાર આદરે એની નવાઈ ન હોય પણ દીકરાની ઐયાશીને વણદેખી કરે, તેને વ્યભિચાર પર પડદો રાખવાનું શીખવે એ કેવું!
બાકી તો અબ્બુએ નન અધર ધૅન આદિલ સાથે રિશ્તો તય કર્યો છે જાણી ઝીનત હરખપદૂડી થઈ હતી. દોડીને સકીનાને ત્યાં જઈ ખુશખબરી કહેતાં ફેરફુદરડીએ ઝૂલી હતી.
અને કેમ ન હોય! આદિલ કુંવારી કન્યાના અરમાન સમો હતો. કેટલો ખૂબસૂરત, કેવો શાલીન. રિશ્તો તય થયાથી નિકાહ સુધી તે ઝીનત સાથે અદબભેર વર્ત્યો હતો. અરે, પરણ્યાની પહેલી રાત્રેય ઝીનતને અડ્યો નહોતોઃ તમે થાકી ગયાં હશો. નિરાંતની નીંદર માણો. વળી કોઠીમાં મહેમાનો પણ છે. હનીમૂન માટે તમારા અબ્બુએ સ્વિટ્ઝરલૅન્ડની ટિકિટ કરાવી જ છેને!
તેની આછી મુસ્કાન સીધી ઝીનતના દિલમાં ઊતરી ગયેલી. પરણ્યાની રાત્રે દુલ્હનના થાકનું વિચારતો પુરુષ કાં તો કાપુરુષ હોય કે પછી મહામાનવ! જેના રોમેરોમમાંથી પૌરુષ ટપકતું હોય તેને નામરદ ધારવાનો ગુનો કેમ થાય, એટલે પછી પોતાનો ખાવિંદ પુરુષોત્તમ હોવાનું સુખ આંખમાં સમેટી ઝીનત પોઢી ગઈ હતી.
એ આંખ હનીમૂનમાં ખૂલી!
અલબત્ત, સ્વિસ ઍરની ફલાઇટમાં આદિલે મદિરાપાન કર્યું એથી ચમકવા જેવું તો થયેલું પણ ઘણાને ઍરફ્લાયનો ફોબિયા હોય છે, ડ્રિન્કથી એમાં રાહત મળતી હશે એમ માની ઝીનતે મન મનાવેલું. હોટેલ પહોંચતાં સુધીમાં તેણે સિગારેટ ફૂંકી એથી ઝીનતને હૈયે ન સમજાય એવી ગૂંગળામણ થયેલી, પણ રૂમમાં સેટલ થયા પછી તો...
અત્યારે પણ એ દૃશ્યોની યાદે ઝીનતને કમકમાં આવી ગયાં.
‘રિમૂવ યૉર ક્લોથ્સ!’
જાણે કામનો તરફડાટ સહેવાતો ન હોય એમ પોતાનાં વસ્ત્રો ફગાવતાં આદિલે આદેશ આપ્યો. ન પ્યારના બે બોલ, ન પ્રણયની કોઈ ચેષ્ટા... પ્રથમ સાયુજ્યનાં ઝીનતે સજાવેલાં શમણાં સાથે આ પળનો કોઈ જ મેળ નહોતો. ત્યાં તો આદિલે તેને ઊંચકી પલંગ પર પછાડી : મને નખરાં નહીં જોઈએ... એક વાર કહું એટલે એ તરત થવું જોઈએ!
કોઈ અર્થમાં એ સહશયન નહોતું; હતો કેવળ અત્યંત કષ્ટદાયક, હીચકારો પાશવી બળાત્કાર. જે અઠવાડિયાના રોકાણ દરમ્યાન વારંવાર થતો રહ્યો.
‘તારા અબ્બુએ મોંઘું પૅકેજ આપ્યું છે, એ વસુલાવું તો જોઈએને!’
ક્યારેક આદિલ વ્યંગમાં મલકતો. તારા અબ્બુ એવી રીતે બોલતો જાણે ઝીનતના અબ્બુજાને તેમનું કંઈ બગાડ્યું હોય!
પણ એવું કહેવા-પૂછવાની ઝીનતની હિંમત નહોતી. શ્રીનગર પરત થયા પછી આદિલનાં તમામ અપલક્ષણ ઊઘડતાં ગયાં. પોતાની ઇમેજ માટે સભાન લિયાકત અલીએ એકના એક દીકરાને કૉલેજ ભણવા વિદેશ મોકલ્યો. લંડનમાં પૉલિટિકલ સાયન્સ ભણતો આદિલ વ્યભિચારના પણ પાઠ શીખી આવ્યો એ વિશે માબાપ આંખા આડા કાન કરી રાખતા. સાંસ્કૃતિક પ્રધાન તરીકે લિયાકત અલી પત્ની સાથે સરકારી નિવાસસ્થાનમાં રહેતા એટલે શ્રીનગરની કોઠીમાં આદિલને કોઈ પૂછનાર નહોતું ને આવી તો તેમની કંઈકેટલીયે કોઠીઓ હતી. ઐયાશીનો દુર્ગુણ કોઠીઓની દીવાલ બહાર કદી ગયો જ નહીં. પાછો આદિલ તો એટલો બેશરમ કે બજારુ સ્ત્રીને ઝીનતની સામે તેના બિસ્તર પર તાણી જઈ ભોગવટો કરે ને તે અપમાનથી ધ્રૂજતી બીજા રૂમમાં દોડી જઈને આંસુ સારતી રહે.
પોતાની વ્યથા કોને કહે? માબાપને અંગત કહેવાય નહીં, સકીના બિચારી તેના વાલિદને લઈ ખુદ દુખી હોઈ તેને ક્યાં મારું દર્દ કહી હેરાન કરવી એમ ઝીનત વિચારતી. સાસરે પતિનો વહેવાર બેશરમીભર્યો હોય તો સાસુ-સસરાનેય તેની ખાસ કોઈ પરવાહ નહીં. હા, બીજા આગળ ત્રણે મીઠાં બને, પણ તેમની ઉષ્માહીનતા ઝીનત તો સમજેને!
છતાં ઘરમાં વહુ આવ્યા પછી પણ દીકરો ખૂંટે બંધાવા ન માગે એથી મા તો વઢી જ શકે એમ માની હજી છ મહિના અગાઉ પહેલી વાર ધ્રૂજતા સાદે સાસુ નસીમબાનુને રાવ કરવાની હામ ભીડી, પણ એ તો તમારા દીકરાએ ઘરને રંગમહેલ બનાવી દીધું છે એટલું એક વાક્ય સાંભળીને જ તપી ગયાં: ગુસ્તાખ છોકરી! મારા દીકરાની ફરિયાદ કરતાં પહેલાં તારે એ વિચારવાનું હોય કે મારામાં એવી તે શું ખામી છે કે મારા શૌહરે પરણ્યા પછી પણ બીજે ફાંફાં મારવાં પડે છે?
જોરદાર વળ દઈ તેમણે ચીંટિયો ભર્યો હતો: તારામાં ઊણપ ન હોત તો લગ્નનાં આટલાં વર્ષમાં અમારે આંગણે કિલ્લોલ ગુંજતો થઈ ગયો હોત!
હડહડતું મેણું સાંભળી થીજી જવાયેલું.
‘જોતજોતામાં તારાં લગ્નને અઢી વર્ષ થઈ ગયાં...’ હજી બે દિવસ અગાઉ પોતે સકીનાને મળી પિયરનો આંટોફેરો કરેલો ત્યારે અમ્મીએ આડકતરી ઉઘરાણી કરી હતી - હવે આ કાનોને ખુશખબરીનો ઇન્તેજાર છે. પછી સંસારનો સાર સમજાવતી હોય એમ ઉમેરેલું : મિયાંને સંસારમાં બાંધી રાખવા માટે સંતાનથી સચોટ ઉપાય કોઈ નથી!
સંતાન!
ઝીનતના હોઠ વંકાયા... આદિલ જેવા વહેશી પુરુષનું બીજ મારી કોખમાં પોષાય કે નહીં એ નક્કી કરવા પૂરતુંય બીજ કોખમાં સરકવું તો જોઈએને! આદિલ માટે હું કેવળ તેની અકુદરતી ઇચ્છાપૂર્તિનું સાધન બનીને રહી ગઈ છું એ સત્ય મારે કયા શબ્દોમાં, કોને કહેવું?
હોઠ સુધી આવેલા હૈયાભેદે ભીતર દાવાનળ દહેકવા લાગ્યો હોય એમ ઝીનતનાં અશ્રુ વરાળ થઈ ગયાં ઃ ક્યાં સુધી હું પતિનો અત્યાચાર સહેતી રહીશ? અને શું કામ! હું કંઈ તેમની બાંદી નથી. આ ઘરમાં ખરીદીને નથી લવાઈ. આખરે પારકાં બૈરાંને પૂર્ણ સુખ આપતો આદમી ઘરની જ ઔરત સાથે ભેદ કરે એ કેવું!
ઝીનતે દમ ભીડ્યો. આવેશમાં તે ઊભી થઈ : મારા બિસ્તર પર પરસ્ત્રીને લઈ ઐયાશીમાં ડૂબેલા પતિદેવના રંગમાં ભંગ પાડી મારા હકનો હિસાબ હમણાં ને હમણાં જ પૂછી લઉં...
તડફડ કરવાના ઇરાદે તે જોશભેર ચાર ડગલાં ચાલી, પણ પછી બહાર લૉબીમાં કશોક સંચાર વર્તાતાં અટકી જવું પડ્યું. દરવાજા આગળના પડદામાંથી નજર ફેંકી. સામેના વળાંકે રઝાક ગાઉન વીંટી રૂમમાંથી આવેલા આદિલને કહેતો સંભળાયો : ‘બૉસ, મૉડલ્સનો મેળ પડી ગયો.’
રઝાક આદિલનો વિશ્વાસુ આદમી છે. કાળાં કામમાં એના પડછાયા જેવો. આદિલ માટે ડ્રગનો, છોકરીઓનો બંદોબસ્ત મોટા ભાગે તે જ કરતો. અલબત્ત, આમાં ક્યારેય કોઈ બળજબરી નહીં કરવાની આદિલની સ્પષ્ટ સૂચના રહેતી. આખરે કોઈ બબાલ તેની ઇમેજને પરવડે પણ નહીંને! પોતાને રીઝવતી કન્યાને તે ઉમદા ટિપથી ખુશ કરી દેતો. રૂપિયાપૈસાની તેને ક્યાં કમી હતી!
‘ગ્રેટ! બન્ને મૉડલ દેખાય છે તો વિડિયોમાં છે એવી જને?’
મૉડલ. વિડિયો.
ઝીનતને ગડ બેઠી.
હજી ગયા અઠવાડિયે ગુલમર્ગના શિખર પર જાણીતા ફૅશન-ડિઝાઇનરે રૅમ્પ-વૉક ગોઠવ્યો હતો. એમાં બરફની કેડી પર આંતરવસ્ત્રોમાં ચાલતી મૉડલ્સનો વિડિયો વાઇરલ થયો હતો. જાહેરમાં ન્યુડિટીના અશ્લીલ પ્રદર્શને ઘણાનાં ભવાં તંગ થયેલાં અને સાંસ્કૃતિક પ્રધાન તરીકે શ્વશુર લિયાકત અલી સાહેબે મુંબઈથી આવેલા ફૅશન-ડિઝાઇનર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યાના હેવાલ હતા... પણ પછી આ વિષયમાં કંઈ સાંભળ્યું નથી.
પણ રઝાકની વાત પરથી લાગે છે કે લાગતા-વળગતા સાથે પતાવટ કરી ફૅશન-ડિઝાઇનર તેની ટીમ સાથે મુંબઈ જવા નીકળી ગયો ને આદિલને ગમી ગયેલી બે મૉડલ રાતની કિંમત મેળવી તેને રીઝવવા અહીં રોકાઈ ગઈ!
‘આજ જુમ્મે કા દિન હૈ... તું તેમને ગુલમર્ગની કોઠી પર પહોંચાડ. આ વીક-એન્ડ ત્યાં ગાળવો છે.’
રઝાકને વધુ કહેવાની જરૂર નહોતી. તે નીકળી ગયો અને આદિલે રૂમ તરફ દોટ મૂકી. પેલી મસાજ ગર્લની સોડમાં ભરાવાની અધીરાઈ ખમાતી ન હોય એમ તેનો ગાઉન રૂમના દ્વારે જ ફગાવ્યો એ જોઈ ઝીનતની છાતીમાં લાય ઊઠી :
નહીં, ઘરની ચાર દીવાલો વચ્ચે આદિલને ઝંઝોડવાનો અર્થ નથી. તેના અત્યાચારોને તો જાહેરમાં ખુલ્લા કરવા જોઈએ. શનિ-રવિના વીક-એન્ડમાં ગુલમર્ગમાં ટૂરિસ્ટનો ધસારો હોવાનો. બધાની વચ્ચે તેને ઘસડી તેની ઐયાશી ઉઘાડી ન કરું તો મારું નામ ઝીનત નહીં!
ઘવાયેલા મનમાં પલટવારની જ્વાળા ફૂંકાઈ એ હવે બુઝાય એમ નથી, એને હું બૂઝવા દઉં પણ નહીં!
lll
આ જિસ્મ!કિંગસાઇઝ બેડની સામી દીવાલે જડેલા વૉલસાઇઝ મિરરમાં પોતાના પ્રતિબિંબને આદિલ ગુરુરથી નિહાળી રહ્યો. ખૂબસૂરતી તો જાણે કાશ્મીરીઓના જીન્સમાં હોય છે, પણ એમાં કાયાના રોમેરોમથી સોહામણા હોય એવા નકશીદાર કેટલા! આ કસરતી બદનના ઉઘાડે કાચી કળી જેવી કન્યાઓને અંધારાં આવી જતાં ને અનુભવી ઓરતો પ્રસ્વેદભીની થઈ જતી એનું ગુમાન કેમ ન હોય!
પોતે અત્યંત હૅન્ડસમ છે એની અનુભૂતિ આદિલને ઉચ્ચતર અભ્યાસ માટેના વિદેશરોકાણ દરમ્યાન થઈ. કસરતથી, ડાયટથી પોતાનું શરીર ચુસ્ત રાખવાનું તેને આમેય ગમતું. તેની ખૂબસૂરતી પાછળ લંડનની છોકરીઓ કેવી પાગલ બની જતી! પછી તેનો લાભ લેવામાં શું કામ ચૂકે? એવુંય નહીં કે પોતે બડે બાપ કી બિગડી ઔલાદ જેવો હોય... ના, પિતાની પહોંચનો અને એકના એક દીકરા માટે તેમણે પ્લાન કરી રાખેલા ભવિષ્યનો આદિલને સુપેરે અણસાર હતો. જાહેરસભામાં મૂલ્યોની કથા માંડતા પિતાને કટકી લઈ પ્રોજેક્ટ પાસ કરાવતા જોયા છે, એ બેવડું ધોરણ તેને ગળથૂથીમાં મળ્યું હતું. પરિણામે લંડનથી આવ્યા પછીયે શરાબ-શબાબ અને ક્યારેક ડ્રગના દુર્ગુણો નેપથ્યમાં રાખવાનું કોઈએ શીખવવું ન પડ્યું. અલબત્ત, માબાપથી છૂપું ન જ હોય, પણ ઇમેજ બરકરાર રાખી દીકરો મોજ લૂંટે એમાં તેમને વાંધો શું હોય! એ લોકો સરકારી નિવાસસ્થાનમાં રહેતા, પરિણામે આદિલને કોઠીઓમાં રંગરેલી મનાવવાનો માનો પરવાનો મળી ગયો. લંડનથી આવ્યા બાદ પિતાના ડ્રાઇવરનો હમઉમ્ર દીકરો રઝાક તેની પરછાઈ જેવો બની ગયો. અલબત્ત, રઝાકને સ્પષ્ટ સૂચના હતી કે હમબિસ્તર બનવા આવતી કન્યા જોડે જરાય જોરજબરદસ્તી નહીં કરવી. જસ્ટ ગિવ ધ મની શી ડિમાન્ડ્સ ઍન્ડ ધૅન થ્રો હર ઇન બેડ!
આજ સુધીમાં આમાં એક જ અપવાદ સર્જાયો...
-પણ એના તાણાવાણા અત્યારે શું કામ સંભારવા!
તે બેડ તરફ ફર્યો. થાકીને ચૂર થયેલી મસાજ ગર્લ આંખોથી કરગરી, પણ આદિલની વાસનાને ક્યાં રહેમદિલી પરવડે એમ હતી!
રૂમમાં કન્યાની ચીસોની ઉપરવટ જઈ આદિલનું હાસ્ય ગુંજતું રહ્યું.
lll
હાઉસબોટના ડેક પર બેઠેલી જુલી શિકારામાં આવતા અનાહતને મીટ માંડી નિહાળી રહી.
ત્યાં તો તે હાથ હલાવતો દેખાયો.
‘હેય જુલી... ગૉન્ડોલા રાઇડની ટિકિટ મળી ગઈ! કાલે આપણે ગુલમર્ગ જઈએ છીએ.’
કેબલ રાઇડ માટે તેના બાળક જેવા ઉત્સાહે જુલી હસી પડી.
જોકે આવતી કાલે શનિવારની કેબલ રાઇડમાં શું થવાનું હતું એની કોને ખબર હતી?
(વધુ આવતી કાલે)

