વજુ ડ્રાઇવર મનોમન મલકાતો હતો, સાહેબને આ ગોરી વિધવાની બરાબરની માયા લાગી ગઈ લાગે છે
ઇલસ્ટ્રેશન
આ તરફ ડાભીસાહેબ બીજા દિવસે બપોર સુધી પોલીસ-સ્ટેશને જ બેસી રહેલા. ઘૂંટણોમાં સખત કળતર થતું હતું પણ પછી રોહિણીના વિચાર આવતાં ‘બિચારીને કંઈ કામકાજ હોય તો પૂછતો આવું..’ એમ કરીને જીપ એ તરફ લેવડાવી.
ડ્રાઇવર વજુ ચાવડા પણ હવે તો મનમાં મલકાતો હતો. ‘સાહેબને આ જુવાન વિધવાની માયા લાગી ગઈ લાગે છે.’ રોહિણીના ઘર પાસે બ્રેક મારતાં તેણે ડાભીસાહેબને કહી પણ દીધું :
ADVERTISEMENT
‘અહીં તો વાર લાગશેને? સાંજનું વાળુ અહીં જ પતાવી દઈએ તો? બેનને તો આમેય ટિફિનો ભરવાનોં જ છેને?’
ડાભીસાહેબનો ડોળો ફર્યો એટલે તે ચૂપ થઈ ગયો. જીપમાંથી ઊતરતાં જ ડાભીનું ઘૂંટણ ફરી કળતર કરવા લાગ્યું. રોહિણીએ ખાટલો ઢાળી આપ્યો એટલે તે ઘૂંટણ પસવારતા બેઠા.
‘જમશોને? કે પછી ચા મૂકું?’
પણ ડાભીસાહેબ રોહિણીનો રૂપાળો ચહેરો જોવામાં એવા મશગૂલ થઈ ગયેલા કે જવાબ આપવાનું જ ભૂલી ગયા... સફેદ કપડાંમાં તો વધારે રૂપાળી લાગે છે. આ રણવીર...
‘ચા પીશોને?’ રોહિણીએ ફરી પૂછ્યું ત્યારે ડાભી ઝબકીને ‘હા હા’ એમ બોલ્યા.
રોહિણી ચા બનાવતી હતી એ દરમ્યાન ડાભીસાહેબના મગજમાં જાતજાતના વિચારો ચાલતા રહ્યા. આટલી રૂપાળી બૈરીને ઘરે મૂકીને છેક અમદાવાદમાં નાઇટ ડ્યુટી કરતાં એના ધણીનો જીવ કેમ ચાલતો હશે?
પણ રોહિણીએ ચાનો કપ ધર્યો ત્યારે ડાભીસાહેબે વિચારો ખંખેરીને કામના સવાલો પૂછ્યા : ‘તમારા ધણી જ્યારે છેલ્લી વાર અહીંથી અમદાવાદ ગયા ત્યારે તેમની હંગાથે કોણ-કોણ હતું?’
‘આમ તો અહીંથી સાંજના પાંચની લોકલમાં જનારા બહુ ઓછા છે પણ એ દિવસે તેમની સંગાથે કૌશિકભાઈ હતા. તેમના ભાઈબંધ.’
‘કોણ કૌશિકભાઈ?’
‘અહીં પાડોશમાં જ તેમનું ઘર છે. આમ તો તે સુરતમાં રહે છે પણ મહિને-બે મહિને અહીં આવે છે અને આવે ત્યારે બે-પાંચ દિવસ જરૂર રહી જાય. એવે વખતે મારે ત્યાંથી જ ટિફિન મગાવે છે.’
‘કેમ? અહીં ઘરમાં બીજું કોઈ નથી?’
‘ના. તેમની ફૅમિલી તો સુરતમાં જ છે. આ તો જૂનું ઘર ખરુંને? એટલે જરા ધ્યાન રાખવા આવે.’
‘હં...’ ઇન્સ્પેક્ટર ડાભી મૂંઝાયા.
હવે તેને મારે કંઈ પૂછવું હોય તો છેક સુરત સુધી લાંબા થવું પડેને? ઘૂંટણ પર હાથ પસવારતાં તેમણે પૂછ્યું, ‘ત્યાં સુરતમાં એ કૌશિકનો ફોન-નંબર તો હશેને?’
‘હશેને, પણ મારી પાસે નથી. તેમના એક દૂરના સગા આ ફળિયાને નાકે રહે છે તેમને ત્યાં મળી જાય.’
ડાભીસાહેબે ચા પૂરી કરી. ફળિયાના છેડે સુધી ચાલતા જવાના વિચારે ફરી ઘૂંટણમાં કળતર થવા લાગ્યું. છેવટે ડ્રાઇવરને મોકલીને સુરતનો ફોન-નંબર મગાવી લીધો.
જીપ સ્ટાર્ટ કરતાં વજુ ડ્રાઇવર કહે, ‘બોલો, સ્ટેશન લઈ લઉં? ફાફડા ખાવા હોય તો?’
ડાભીસાહેબે તરત જ ના પાડી. ‘સીધા પોલીસ-સ્ટેશન લઈ લો. સુરત ફોન કરવાનો છે.’
lll
સુરત ફોન કર્યો તો સામેથી જવાબ મળ્યો કે ‘કૌશિક તો અહીં આવ્યો જ નથી! એ તો ગામડે ગયો છે!’ ઇન્સ્પેક્ટર ડાભી ભડકયા. ‘અહીંથી છ દહાડા પહેલોં એ સુરત જવા નીકળેલો, તમોંને ખબર જ નથી?’
‘ના રે! એ ક્યાં ફોન કરીને નીકળે છે?’
ડાભીસાહેબને હવે ધ્રાસકો પડ્યો. આ કૌશિક ક્યાં લાપતા થઈ ગયો? અને હવે એને શોધવો ક્યાં? અને શોધવા માટે આવા દુખતા ઘૂંટણે તેમણે ક્યાં-ક્યાં દોડાદોડી કરવી પડશે? સાલું, છ મહિના પછી આ મર્ડર થયું હોત તો ન ચાલત?
ત્યાં તો ફોનમાં લૉન્ગ ડિસ્ટન્સ કૉલની ઘંટડી વાગી ઊઠી. ધોરાજી પોલીસ-સ્ટેશનથી ફોન હતો.
‘હલો? ત્યાં કોઈ વિનોદ સેદાણી નામના સ્ટેશન-માસ્તર હતા? તેમનું ખૂન થઈ ગયું છે! ગણોસરા ગામની સીમમાંથી તેમની લાશ મળી છે. કોઈએ તેમનું ગળું ઘોંટી નાખ્યું હતું!’
ઇન્સ્પેક્ટર ડાભી સ્તબ્ધ થઈ ગયા! આ શું બની રહ્યું હતું? પહેલાં રોહિણીના પતિ રણવીરની સડી ગયેલી લાશ રેલવેના પાર્સલમાં આવે છે... પછી વિનોદ સેદાણીની હત્યા થઈ જાય છે. અને રણવીરનો ભાઈબંધ કૌશિક તો છ દિવસથી લાપતા છે. શું તે જીવતો હશે કે પછી...
ડાભીસાહેબ ખુરશી પર બેઠાં-બેઠાં ક્યાંય લગી ફાંદ પર હાથ પસવારતા બેસી રહ્યા. આ ત્રણે જણને જોડતી કડી શું છે? કડી તો એક જ હતી... રોહિણી. પણ બિચારી ભલી કબૂતરી જેવી રોહિણી શું કરી શકે? કે પછી જે કંઈ થઈ રહ્યું હતું એની પાછળનું કારણ જ રોહિણી હતી?
lll
‘આ હાળી જશરેખા બહુ હેરાન કરશે એવું લાગે છે...’ ડાભીસાહેબ વિચારી-વિચારીને કંટાળ્યા હતા.
‘હું શું કઉં છું સાહેબ?’ વજુ ડ્રાઇવરે મમરો મૂક્યો. ‘મટોડા રેલવે-સ્ટેશનથી ફાફડા મંગાવવા છે? ગરમાગરમ ચા સાથે ખાઈશું તો જરા મગજની ચાકી ફરતી થઈ જાય...’
‘ના. મટોડા રેલવે-સ્ટેશને જ લઈ લો! હાળા ફાફડા અહીં આવે ત્યોં લગીમોં ઠંડા પડી જાય છે...’
વજુ મનમાં મલકાતો હતો. ‘આ ડાભીસાહેબ ફાફડાને બહાને પેલી રૂપાળી રોહિણી પાસે જ જવાના લાગે છે! આમાં તો સાહેબની જશરેખાનું કશું થવાનું નહીં...’
વજુ ચાવડાએ જીપ સ્ટાર્ટ કરી.
lll
‘અલ્યા વજુ!’ જીપમાં બેઠેલા ડાભીસાહેબ ચોંક્યા. ‘આ તો પેલો ચોર, જે લૉકઅપમાંથી નાસી છૂટેલો એ!’
જીપ હજી મટોડા રેલવે-સ્ટેશન પાસે પહોંચે એ પહેલાં જ ડાભીસાહેબની નજર બરાબર પર્ફેક્ટ જગ્યાએ પડી હતી. ફાફડાની લારી પાસે બેન્ચ પર બેસીને પેલો ચોર ફાફડા ખાઈ રહ્યો હતો!
‘અલ્યા, બરાબર પકડજો! જોજો, છટકી ના જાય!’
પેલી જીપ લારી પાસે ઊભી રહી કે તરત ડાભી પગ લબડાવીને બહાર કૂદ્યા. પણ પેલો ઢીંચણ દગો દઈ ગયો!
ડાભી દોડવા ગયા એવો જ ઘૂંટણમાં એવો લબકારો થયો કે તે ઊંહકારો ભરીને ત્યાં જ વાંકા વળી ગયા! આ બાજુ બેન્ચ પર બેઠેલો પેલો પાતળો ચોર ચેતી ગયો!
તે ફાફડાની ડિશ પડતી મૂકીને નાઠો!
‘અલ્યા વજુભઈ! પકડજો એને! હાહરીનો ફરીથી ઇજ્જત લેવરાવશે મારી!’ ડાભીસાહેબ બૂમો પાડતા રહ્યા.
ઢીલું ટી-શર્ટ અને કમર નીચેથી લસરી પડતું બર્મુડા પહેરેલો ચોર દૂર ભાગે એ પહેલાં વજુ ચાવડાએ ભોંય પર પડેલો મોટો પથરો ઉપાડીને માર્યો જે જઈને ચોરના પગમાં વાગ્યો.
લથડિયું ખાઈને તે પડ્યો કે તરત વજુ ચાવડાએ તેને ઝડપી લીધો. ડાભીસાહેબે કચકચાવીને એક લાફો ઠોકી દીધો.
‘સાલા? આ ફેરી ના છોડું તને!’
હાડકાના માળા જેવા લબૂકિયા ચોરની ઝડતી લેતાં તેની પાસેથી એક મોબાઇલ મળ્યો.
ડાભીસાહેબે બીજો એક લાફો ઠોકતાં પૂછ્યું, ‘હવે આ કોનો મોબાઇલ ચોર્યો છે?’
‘મારો જ છે સાહેબ!’
‘હમણોં ખબર પડશે.’ ડાભીસાહેબે મોબાઇલ ખોલીને અંદર ફોટા જોયા કે તરત તેમની આંખો ચમકી ઊઠી!
‘વજુભઈ, હજી જશરેખા હોલવાઈ નથી!’ ડાભીસાહેબે ફોન પોતાના ખિસ્સામાં મૂકતાં કહ્યું, ‘આને હાથેપગે દોરડાં બોંધીને લૉકઅપમાં રાખજો. ખૂનકેસમાં બહુ મોટી કડી હાથ લાગી છે!’
lll
ચોરને લૉકઅપમાં બરાબર પૂરી દીધા પછી એક નવો વિચાર આવતાં જ ઇન્સ્પેક્ટર ડાભીએ બેલ મારીને જમાદારને બોલાવ્યા. ‘ડ્રાઇવરને કહો કે જીપ કાઢે. અને હા, ડોશીઓ પહેરે છે એવા ધોળા સાડલા ક્યાંથી મળશે?’
‘ધોળા સાડલા? જમાદાર જરા હસ્યા. ‘શું કરવા છે તમારે?’
જવાબમાં ડાભીસાહેબ ભેદી રીતે હસ્યા. ‘ચાર કૉન્સ્ટેબલોને તૈયાર કરો. અને હા, તમારે પણ આવવાનું છે.’
છેવટે બજારમાંથી નવા નકોર ધોળા સાડલા ખરીદવાને બદલે સ્ટાફમાંથી જ કોઈના ઘેરથી બે સાડલા મગાવ્યા. ડાભીસાહેબ બબડ્યા, ‘એક તો TA DAનાં બિલો ઝટ પાસ થતાં નથી એમાં વળી આ સાડલાનાં બિલો મૂકીશું તો કહેશે શું લેવા ખરીદ્યા’તા?’
‘હું પણ એ જ પૂછું છું સાહેબ,’ જમાદારે કહ્યું, ‘શું કરવાનું છે આ સાડલાનું?’
‘સાડલાનું વળી શું કરવાનું હોય? પહેરવાના છે!’
હવે કોણે પહેરવાના છે એવું પૂછવાની જમાદારની હિંમત ના ચાલી. ક્યાંક ડાભીસાહેબ કહી દે કે તમારે જ પહેરવાના છે તો?
જીપમાં બેઠા કે તરત વજુ ડ્રાઇવરે સામેથી જ પૂછ્યું, ‘રોહિણીબેનના ગામડે જ લેવાની છેને?’
ઇન્સ્પેક્ટર ડાભી ઘૂંટણને સંભાળતા માંડ-માંડ જીપમાં બેઠા. પછી બોલ્યા, ‘હા, પણ એ બિચારીનાં ટિફિન નથી ખાવાનાં આપણે, શું સમજ્યા?’
વજુ ડ્રાઇવર મનોમન મલકાતો હતો. સાહેબને આ ગોરી વિધવાની બરાબરની માયા લાગી ગઈ લાગે છે. ક્યાં આ સાહેબની રિટાયર થવાની ઉંમર અને ક્યાં એ બિચારી રોહિણી... જોકે ગામડે પહોંચતાંની સાથે જ ડાભીસાહેબ સીધા રોહિણીને જઈને મળ્યા. પછી પાંચ જ મિનિટમાં બહાર આવીને દરેક કૉન્સ્ટેબલને ફળિયાનાં અલગ-અલગ ઘર જાતે બતાડીને એની બહાર વૉચ રાખવાના ઑર્ડર આપી દીધા.
આટલાબધા પોલીસોને જોઈને ફળિયામાં ખાસ્સી હલચલ મચી ગઈ. જુદા-જુદા ઘરની બહાર ઊભેલા કૉન્સ્ટેબલોને બધા પૂછી રહ્યા હતા. વાત શું છે? પણ કૉન્સ્ટેબલોએ બધાને કડક અવાજમાં એક જ જવાબ આપ્યો. ‘સાહેબનો ઓર્ડર છે, માથાકૂટ ન કરો.’
બધા કૉન્સ્ટેબલો મનોમન એમ જ વિચાર કરી રહ્યા હતા કે સાહેબને આ શું થયું છે? રિટાયર થવાને હવે માંડ છ મહિના બાકી છે ત્યાં શું આવા ખૂનકેસ પાછળ આદું ખાઈને પડ્યા હશે?
પણ ડાભીસાહેબને હવે ખાતરી હતી કે તેમની જશરેખા આજે તો ફળવાની જ છે...!
(ક્રમશઃ)

