Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કિડનૅપર કૌન? ભાવતાલની ભેદી ગેમ (પ્રકરણ ૫)

કિડનૅપર કૌન? ભાવતાલની ભેદી ગેમ (પ્રકરણ ૫)

Published : 18 July, 2025 01:47 PM | IST | Mumbai
Lalit Lad | feedbackgmd@mid-day.com

કિડનૅપરને કહ્યું હતું કે તે પ્લૅટફૉર્મ પરના મૅગેઝિન સ્ટૉલ પર ૫૦ હજાર ભરેલી બૅગ મૂકશે

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


ચર્ચગેટ રેલવે-સ્ટેશનનું પ્લૅટફૉર્મ-નંબર ૨-૩.


એમાંય સવારના સાડાનવ વાગ્યાનો ટાઇમ.



ઘનશ્યામદાસનું સિલેક્શન ગજબનું હતું. મુંબઈ નામના રાક્ષસી શહેરમાં ચર્ચગેટ નામના સ્ટેશન પર માણસોનો એક આખો સમંદર હોય છે.


જ્યારે સવારે સાડાનવનો સમય હોય ત્યારે એ સમંદરમાં એક પછી એક મોટાં- મોટાં મોજાં ઉમેરાતાં હોય છે. વારાફરતી લોકલ ટ્રેનો આવે છે અને દરેક ટ્રેનમાંથી એકસામટા હજારો નોકરિયાતો અને ધંધાદારી મુંબઈગરાઓ ટ્રેનના ડબ્બાઓમાંથી પ્લૅટફૉર્મ પર સમુદ્રનાં મોજાંઓની માફક રીતસર ઠલવાય છે.

ઘનશ્યામદાસે પોતાના દીકરા બન્ટીને કિડનૅપર પાસેથી લેવા માટે આ જગ્યા પસંદ કરી એને તે પોતાનો ‘માસ્ટર-સ્ટ્રોક’ સમજતા હતા.


એનાં ત્રણ કારણ હતાં.

એક, આટલી ભીડમાં પણ જો કિડનૅપર ૫૦ હજાર રૂપિયા ભરેલી બૅગ લેવા માટે આવશે તો ઘનશ્યામદાસ એવી ચોક્કસ જગ્યાએ ઊભા હશે એ તેનો ચહેરો ઓળખી જ જશે.

બીજું, તે બૅગ ઉઠાવીને દોડવા જશે તો પણ આટલી ભીડમાં ઝડપથી દોડી નહીં શકે.

અને ત્રીજું, આખા મામલામાં કોઈ પોલીસને ઇન્વૉલ્વ કરવાની કશી જરૂર જ નહોતી!

કેમ કે પોલીસને જ્યારે ખબર પડે કે ઘનશ્યામદાસ પોતે ૩૦૦ કરોડના આસામી છે ત્યારે એ લોકો બન્ટીને હેમખેમ છોડાવવાની ‘બક્ષિસ’માં બે-પાંચ લાખ તો માગી જ લે!

પણ અહીં તો માત્ર અને માત્ર ૫૦ હજારમાં સોદો થવાનો હતો. મૂળ ઑફર કરતાં એક ટકા રકમમાં!

lll

સાડાનવ વાગી રહ્યા હતા.

બીજા નંબરના પ્લૅટફૉર્મ પરથી એક ટ્રેન હમણાં જ થોડા પૅસેન્જરો લઈને જતી રહી હતી. જ્યારે ત્રણ નંબરના પ્લૅટફૉર્મ પર આવેલી ટ્રેનના છેલ્લા ડબ્બાના જૂજ મુસાફરો પ્લૅટફૉર્મ છોડીને બહાર જઈ રહ્યા હતા.

ઘનશ્યામદાસે પોતાની બૅગ સરખી રીતે પકડીને આમતેમ જોયું. તેમણે કિડનૅપરને કહ્યું હતું કે તે પ્લૅટફૉર્મ પરના મૅગેઝિન સ્ટૉલ પર ૫૦ હજાર ભરેલી બૅગ મૂકશે.

ઘનશ્યામદાસ મૅગેઝિન સ્ટૉલ પાસે ઊભા રહ્યા. તેમની નજર ચારે તરફ ફરી રહી હતી. બન્ટી અને કિડનૅપર કઈ બાજુથી આવશે?

પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર ઊભેલી ટ્રેન ઊપડી. થોડી જ ક્ષણોમાં બન્ને પ્લૅટફૉર્મ જાણે સાવ ખાલી થઈ ગયાં.

પણ ત્રીજી જ મિનિટે બીજા નંબરના પ્લૅટફૉર્મ પર ટ્રેન આવીને ઊભી રહી. ઘનશ્યામદાસ સતર્ક થઈ ગયા. ટ્રેનમાંથી સમંદરના ધોધની જેમ પૅસેન્જરો પ્લૅટફૉર્મ પર ઠલવાવા લાગ્યા.

એ જ ક્ષણે ઘનશ્યામદાસને પોતાની ભૂલ સમજાઈ. બન્ટી જો ટ્રેનમાં આવવાનો હોય તો તે ટ્રેનના કયા ડબ્બામાંથી ઊતરશે? જો એ ડબ્બો મૅગેઝિન સ્ટૉલથી આગળની તરફ હોય તો તેણે ભીડને ચીરીને પાછા આવવું પડે. અને જો પાછળની તરફ હોય તો તે ભીડની સાથે-સાથે આવશે...

પણ મારે એકસાથે બન્ને તરફ નજર શી રીતે રાખવી?

છતાં ઘનશ્યામદાસ એવી રીતે ઊભા રહ્યા કે પીઠ મૅગેઝિન સ્ટૉલ તરફ રહે અને નજર ટ્રેન તરફ રહે. તે સતત ડાબે-જમણે જોતા રહ્યા.

ટ્રેન ઊભી રહી કે તરત ભીડનો પ્રવાહ પ્લૅટફૉર્મ પર ધસી આવ્યો. ઘનશ્યામદાસ તીક્ષ્ણ નજરે સેંકડો ચહેરાઓને સતત સ્કૅન કરવા લાગ્યા.

પણ આખી ભીડ ઓસરી જવા છતાં બન્ટી ક્યાંય દેખાયો નહીં.

ઘનશ્યામદાસને હવે જરા શંકા થવા લાગી. ક્યાંક કિડનૅપર અહીં આવશે જ નહીં તો?

એક તો કિડનૅપરે હજી સુધી પોતાના મોબાઇલ વડે તો કદી ફોન કર્યો જ નહોતો. તો તેનો કૉન્ટૅક્ટ શી રીતે કરવો?

બીજી જ ક્ષણે વિચાર આવતાં ઘનશ્યામદાસે બન્ટીનો નંબર લગાડ્યો. સતત રિંગ જઈ રહી હતી.

હવે? ઘનશ્યામદાસને થયું, ‘સાલા પેલા જગન પંચાલે બન્ટીનો ફોન ખૂંચવીને પોતાની પાસે લઈ રાખ્યો હશે. બેટમજી મને ટેન્શનમાં રાખવા માગે છે, પણ વાંધો નહીં. એ હરામખોર આજે બચીને ક્યાં જવાનો છે ?’

દરમ્યાનમાં પ્લૅટફૉર્મ ફરી એક વાર ખાલી થઈ ગયું. ફરી એક વાર ઘનશ્યામદાસ પ્લૅટફૉર્મ પર લટકતી મોટી ઘડિયાળના કાંટાને સરકતા જોઈને રાહ જોતા ઊભા રહ્યા. નવ ને સુડતાલીસ થઈ ચૂકી હતી.

lll

બીજી ત્રણ મિનિટ પસાર થઈ ત્યાં તો બન્ને પ્લૅટફૉર્મ પર બે ટ્રેનો એકસાથે દાખલ થઈ!

ઘનશ્યામદાસે આ સ્થિતિની તો કલ્પના જ નહોતી કરી! હવે કઈ બાજુથી અને કેવી રીતે નજર રાખવી?

થોડી જ ક્ષણોમાં બન્ને ટ્રેનો આવીને ઊભી રહેતાંની સાથે જ પ્લૅટફૉર્મ-નંબર ૨-૩ પર ભીડનો દરિયો બન્ને બાજુથી ઠલવાયો. ઘનશ્યામદાસ ઘડીકમાં આ તરફ જોઈ રહ્યા હતા, ઘડીકમાં પેલી તરફ.

આટલા બધા સેંકડો ચહેરાઓમાં તે બન્ટીનો ચહેરો શોધી રહ્યા હતા. ભીડની ચહલપહલના ઘોંઘાટની ઉપર પ્લૅટફૉર્મનાં સ્પીકરોમાં કર્કશ અનાઉન્સમેન્ટો ચાલી રહી હતી. એમાં એક ખાસ અવાજ ઘનશ્યામદાસને કાને પડ્યો.

‘ડૅડી...’

એ અવાજ બન્ટીનો હતો! ઘનશ્યામદાસે જોયું તો ટ્રેનના પાછળના ડબ્બાઓ તરફથી આવી રહેલી ભીડમાંથી એક હાથ ઊંચો થતો દેખાયો. એની સાથે કૂદકા મારીને બૂમ પાડી રહેલો બન્ટી પણ દેખાયો.

ઘનશ્યામદાસે હવે પેલા ૫૦ હજાર ભરેલી બૅગ મૅગેઝિન સ્ટૉલ પાસે મૂકીને આગળ વધવાનું હતું. જોકે આગળ-પાછળ નજર કરતાં પેલો જગ્ગુ ઉર્ફે જગન પંચાલ તો ક્યાંય દેખાયો જ નહીં!

‘જે હોય તે, કદાચ એ હરામખોર કિડનૅપર જાતે ન પણ આવે, કોઈ બીજાને પણ મોકલે’ એવું વિચારીને ઘનશ્યામદાસ બન્ટી તરફ આગળ વધ્યા.

સામેથી આવી રહેલી ભીડને ચીરતાં વીસ-પચીસ ડગલાં આગળ વધ્યા પછી તેમણે પાછળ વળીને જોયું.

એક સાવ મામૂલી દેખાતા માણસે એ બૅગ ઉઠાવી લીધી હતી. ઘનશ્યામદાસને હવે હાશ થઈ! છેવટે સોદો પચાસ હજારમાં જ પત્યો.

બન્ટી હવે ઝડપી તેમની તરફ આવી રહ્યો હતો. પણ આ શું?

અચાનક બન્ટી લથડ્યો અને ઊંધે માથે પટકાયો!

ઘનશ્યામદાસ દોડીને તેની પાસે પહોંચ્યા. જોયું તો બન્ટીની પીઠમાં લોહીનું એક ધાબું ધીમે-ધીમે શર્ટ પર ફેલાઈ રહ્યું હતું!

ગોળી ક્યાંથી આવી, ક્યારે આવી અને કોણે મારી તે ઘનશ્યામદાસને જરાય ન સમજાયું...

lll

ઘનશ્યામદાસ પોતાનો એકનો એક દીકરો ગુમાવી બેઠા હતા.

ચર્ચગેટ સ્ટેશનના તમામ CCTV કૅમેરાનાં રેકૉર્ડિંગ ચેક કરવામાં આવ્યાં હતાં. પણ પોલીસને કોઈ જ ક્લુ મળી નહોતી રહી.

પ્લૅટફૉર્મ પર હજારો લોકોની ભીડમાંથી ગોળી કોણે ચલાવી હોય શોધવું કઠિન હતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ ગોળી બન્ટીના શરીરમાં એક ત્રાંસા ઍન્ગલથી પ્રવેશી હતી.

એનો અર્થ એવો થતો હતો કે ગોળી ક્યાંક ઉપરની દિશામાંથી આવી હતી, પણ ક્યાંથી? રેલવે-સ્ટેશન ઉપરનાં જે પતરાંના છાપરાં હતાં ત્યાંથી?

કોઈ CCTV કૅમેરામાં એ વિસ્તાર ઝડપાયો જ નહોતો અને ક્યાંથી ઝડપાય? જે વિસ્તાર કૅમેરા ગોઠવવા માટેનો હોય એની જ પાછળથી ગોળી છૂટી હોય તો શી રીતે ખબર પડે?

lll

ખેર, હવે બન્ટીના બારમા-તેરમા વગેરેની વિધિ પત્યા પછી તેના ઇન્શ્યૉરન્સનો વહીવટ પતાવવાનો હતો.

‘સર, અમારી સહાનુભૂતિ આપની સાથે છે. પણ શું થઈ શકે?’ વીમા-એજન્ટ કહેતો હતો, ‘બન્ટીનો વીમો પાસ થવામાં બહુ સમય નહીં લાગે. આપને હું અપડેટ આપતો રહીશ.’

વીમા-એજન્ટ ગયો પછી ઘનશ્યામદાસે હવે પ્રૅક્ટિકલ રીતે વિચારવું પડે એમ હતું : ‘આમ પણ મારો બન્ટી મને મોંઘો પડી રહ્યો હતો. એકાદ કરોડ રૂપિયા તો તેને પેલા ઍક્સિડન્ટ કેસમાંથી અને ચાકુ મારવાના પ્રકરણમાંથી છોડાવવામાં ઘૂસી ગયા હતા. ઉપરથી...’

ઘનશ્યામદાસે જેમ-તેમ કરીને મન મનાવ્યું. ‘ચાલો, હવે બન્ટીના ઇન્શ્યૉરન્સની રકમ તો આવશે!’

lll

બે દિવસ પછી ઇન્શ્યૉરન્સનો ચેક આવી ગયો હતો.

ઘનશ્યામદાસે એક નિશ્વાસ નાખીને તેમના વિશ્વાસુ નોકર હીરુને બોલાવ્યો. તેને બેસવાનું કહેતાં પહેલાં કૅબિનનાં બારણાં બંધ કર્યા. પછી સ્પષ્ટ છતાં ધીમા અવાજે તે બોલવા લાગ્યા :

‘હીરુ, પહેલી વાર કિડનૅપરનો ફોન આવ્યો ત્યારે જ હું અવાજ ઉપરથી ઓળખી ગયો હતો કે એ બીજો કોઈ નહીં પણ જગ્ગુ જ હતો!’

‘જગ્ગુ?’ હીરુ ચોંકી ગયો.

‘હા, એ જ જગ્ગુ જેની મદદ લઈને બન્ટી પેલી પ્રૉપર્ટી ખાલી કરાવવા ગયો હતો. ત્યાંના કબજેદારે લમણાફોડની દલીલો એટલીબધી લાંબી ખેંચી હતી કે જગ્ગુ અકળાઈ ગયો હતો અને તેણે...’

‘જી સાહેબ, મને ખબર છે. તેણે પેલાના પેટમાં ચાકુ હલાવી દીધું હતું.’

‘બસ, જગ્ગુનો અવાજ સાંભળતાં જ હું સમજી ગયેલો કે મારા દીકરાએ જાતે જ આ જગ્ગુને સાધીને પોતાના અપહરણનું નાટક ઊભું કર્યું હતું!’

હીરુ સ્તબ્ધ થઈને સાંભળી
રહ્યો હતો.

‘હું જાણતો હતો કે આ જગ્ગુની ખોપરી લાંબી-લાંબી લમણાઝીંક થાય તો ખૂબ જ હટી જાય છે. એટલે જ હું તેના દિમાગની નસો ખેંચી રહ્યો હતો! જો તે પચાસ હજારમાં માની ગયો હોત તો ઠીક હતું, પણ...’

ઘનશ્યામદાસ ઊભા થયા, બારીની બહાર એક નજર નાખીને બોલ્યા :

‘મારા ધાર્યા મુજબ, તેણે જ બન્ટીને મારી નાખ્યો!’

ઘનશ્યામદાસ હવે હીરુની પાસે આવ્યા. તેના ખભે હાથ મૂકતાં તે બોલ્યા :

‘હવે હું બહુ આસાનીથી તારા ડાહ્યાડમરા દીકરા સોનુને મારા પુત્ર તરીકે દત્તક લઈ શકીશ... કેમ કે તું તો જાણે જ છે તેનો અસલી બાપ કોણ છે!’

ઘનશ્યામદાસ ફરી પોતાની ખુરસીમાં બેઠા. તેમના હાથમાં પેલો ઇન્શ્યૉરન્સનો ચેક હતો જેમાં અમાઉન્ટ હતી... પાંચ કરોડની.

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2025 01:47 PM IST | Mumbai | Lalit Lad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK