ધારા મારા પર દાદાગીરી કરતી’તી. એવું જ દેખાડે જાણે કે મારી બાયડી હોય...’ સૂરજ હવે ભૂવામાંથી બકરી બની ગયો હતો, ‘મારે બાયડી જ જો’તી હોય તો પછી ઘરમાં હતી એ ક્યાં ખોટી...’
ઇલસ્ટ્રેશન
‘મને એક દિવસ સૂરજ જોઈએ છે...’
સોમચંદ શાહે કમિશનર ધારીવાલને કહ્યું. ઇન્સ્પેક્ટર ગાયતુંડેને મુંબઈ રવાના કર્યા પછી તે સીધા કમિશનરના બંગલે ગયા હતા.
ADVERTISEMENT
‘તેનો કોઈ હાથ...’
‘હાથ નહીં, આખેઆખો સૂરજ ઇન્વૉલ્વ છે.’
‘સાબિત કરી શકીશું?’
‘હા, પણ એ માટે કદાચ તેનો ગાલ સહેજ લાલ કરવો પડે...’ સોમચંદના અવાજમાં આત્મવિશ્વાસ હતો, ‘હું ખોટો નથી એની મને ખાતરી છે અને તમારે વિશ્વાસ રાખવો પડશે...’
‘ભૂલ થઈ તો તેના ચેલકા
મૂકશે નહીં...’
‘અને જો સાચું પુરવાર થયું તો એક પણ ચેલકો તેની બાજુમાં ઊભો રહેશે નહીં.’
ઊંડો શ્વાસ લઈને ધારીવાલે નિર્ણય લીધો.
‘ક્યારે લઈ આવવો છે એને તારે?’
‘આજે અને અત્યારે જ...’ સોમચંદે ચોખવટ પણ કરી, ‘ગુરુવાર પછી હું વાત આગળ વધારી નહીં શકું.’
‘રાઇટ...’ ધારીવાલે બેલ વગાડી, ‘અડધો કલાકમાં આવી જાય એવી વ્યવસ્થા કરું છું... તું અહીં જ રહે...’
ધારીવાલ સોમચંદની સગવડમાં લાગ્યા અને સોમચંદ પોતાના લૅપટૉપમાં રહેલી બધી ફાઇલો અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ખોલવામાં.
lll
સટાક...
થોડું કામ છે એવું કહીને સૂરજને વ્યવસ્થિત આગતા-સ્વાગતા સાથે કમિશનરની ઑફિસે લાવવામાં આવ્યો હતો, પણ સોમચંદે પોતાના મુજબની મહેમાનગતિ શરૂ કરી દીધી હતી.
‘નક્કી તારે કરવાનું છે... તું વાત કરીશ, સાચેસાચી વાત કહીશ તો તારે ઓછો માર ખાવો પડશે અને જો હું કહીશ તો એવો મારીશ કે વીસ વર્ષ પછી પણ સણકા બોલશે.’
‘પણ મેં સાચું જ કીધું છે વા’લા...’
સટાક.
‘નામ ખબર છેને? સાહેબ... બીજું કંઈ કહેવાનું નહીં. માત્ર સાહેબ કહેવાનું.’
‘આ હાથ ઉપાડીને તમે ખોટું...’
ધાડ...
સોમચંદે ચૅર પર બેઠેલા સૂરજના ઘૂંટણ પર લાત મારી અને સૂરજ ઊંધા માથે જમીન પર પટકાયો. તેના મોઢામાંથી રાડ નીકળી ગઈ. જોકે એ રાડથી સોમચંદને કોઈ ફરક નહોતો પડ્યો. ઉતાવળી ચાલે તે સૂરજના ચહેરા પાસે પહોંચ્યા અને તેના વાળ ખેંચીને સૂરજનું માથું જમીન પર અફળાવ્યું.
‘તેં બધી જગ્યાએ તારી ઇચ્છા મુજબનું સેટિંગ કરી લીધું, પણ હરામખોર...’ સોમચંદના મોઢામાં મા-સમાણી ગાળ આવી ગઈ, ‘તું વસઈના ઓવરબ્રિજ પર આવેલા સીસીટીવી કૅમેરા મૅનેજ કરવાનું ભૂલી ગયો.’
સૂરજની આંખો પહોળી થઈ, પણ તેણે પૃચ્છા ચાલુ કરી.
‘ક્યારની વાત છે? ક્યા દિવસે...’
‘૮ જૂને... ગયા વર્ષે.’ સોમચંદે સૂરજનું ગુપ્તાંગ હાથમાં લઈને મચકોડ્યું, ‘ધારાને મારીને તું પાછો અમદાવાદ આવી ગયો એ પછીના દિવસે...’
‘સર... સાહેબ... મને સમજાતું નથી...’
‘સમજાવું?! તું કહેતો હોય તો સમજાવું પણ... એક વાત યાદ રાખજે કે તારા એ બધા સાગરીતો અત્યારે મારા કબજામાં છે. તારો જોડીદાર હરેશ અને ચંદ્રેશ, જેને લઈને તું જૂનાગઢ ગયો હતો... તે જેને ધારા બનાવી હતી એ ચંદ્રેશની બૈરી...’
સોમચંદે એક હાથ સૂરજના કપાળ પર રાખ્યો અને બીજા હાથે તાકાત સાથે તેની દાઢી ખેંચી. સૂરજની ચીસ નીકળી ગઈ.
‘આ જ ચંદ્રેશ અને તેની વાઇફ તારાં પગલાં લેવા આવ્યાં હતાં... એ દિવસે જે રીતે તેની બૈરીએ તારા સાથળને સ્પર્શ કર્યો અને તારી આંખોમાં ચમક આવી એ જ સમયે મને ખાતરી થઈ ગઈ કે ધારાનો કેસ તારી પાસે જ ઉકેલાશે... અને મારી ધારણા સાચી પડી. તારી એ નવી ગર્લફ્રેન્ડ, ચંદ્રેશની બૈરી બધું ભસી ગઈ.’
સૂરજના મોતિયા મરી ગયા. ભૂતકાળ તેની સામે નાચવા માંડ્યો અને નાચતા એ ભૂતકાળ વચ્ચે સોમચંદનો હાથ પણ ચાલુ રહ્યો.
‘ભસ... જલદી.’
lll
‘ધારા મારા પર દાદાગીરી કરતી’તી. એવું જ દેખાડે જાણે કે મારી બાયડી હોય...’ સૂરજ હવે ભૂવામાંથી બકરી બની ગયો હતો, ‘મારે બાયડી જ જો’તી હોય તો પછી ઘરમાં હતી એ ક્યાં ખોટી...’
‘બન્યું શું એ બોલ...’ સોમચંદે સૂરજના સાથળ પર ચીંટિયો ભર્યો, ‘તમારા બેઉની લવસ્ટોરી અને એમાં શું તકલીફો આવી એમાં મને રસ નથી... તેં ધારાને મારી કેવી રીતે?’
‘ત્રીસ લાખ રૂપિયા વકીલને આપીને કેસ પાછો ખેંચવાની વાત પર ધારા રાજી થઈ ગઈ એટલે હું મારા ભાઈબંધોને લઈને જૂનાગઢ જવા નીકળ્યો. રસ્તામાં જ મેં એ બેયને તૈયાર કરી લીધા’તા કે તમારે મને સાથ દેવાનો છે. મેં બેયને કીધું’તું કે તમારે બીવાનું નથી, માવડીની રજા મેં લઈ લીધી છે.’
‘તારામાં માતાજી આવે છે એ નાટક છેને તારાં?’
‘ખરાબ નો લગાડતા સાયબ...’ સૂરજ નીચું જોઈ ગયો, ‘માતાજી એવાં તે કેવાં નવરાં હોય કે તે તેનું સ્વર્ગ મેલીને જમીન ઉપર હાડમાંસના મા’ણામાં આવે... આ તો ભક્તિ હાલે છે એટલે હલાવું છું. થોડીક એવી માહિતી મેળવી લીધી હોય તો બધાય વચ્ચે રોલો પડી જાય ને હંધાય સીધાદોર થઈને રયે...’
‘તમે જૂનાગઢ ગયા, પછી...’
‘ધારા તો રાહ જોતી’તી એટલે તેને લઈને અમે નીકળ્યા... પણ એની પે’લાં મેં ચોટીલા મારા કાકા અને તેના છોકરાંવને વાત કરી દીધી’તી કે એકાદને ઠેકાણે પાડીને આવીએ તો તમે અગ્નિસંસ્કારની તૈયારી કરી રાખજો.’
‘તે કોઈએ વિરોધ નહોતો કર્યો?’
‘ક્યાંથી કરે? બધાયનાં ઘર મારી ઉપર તો હાલે છે...’ જવાબ આપ્યા પછી સૂરજે ધીમેકથી પૂછ્યું, ‘આગળ વધુ?’
સટાક...
સૂરજના ગાલ ઉપર સોમચંદનો હાથ છપાઈ ગયો.
‘પૂછવાનું નહીં, ચાલુ કરી દેવાનું...’
‘ચોટીલા પહોંચ્યા એટલે મેં થાનની બાજુનો શાંત રસ્તો લીધો. રસ્તો મારો જાણીતો એટલે મને ખબર કે ઈ વીસ કિલોમીટરના પટ્ટામાં ભોજિયોભાઈ પણ ભટકાવાનો નથી. ધારા મારી હારે આગળ બેઠી’તી ને ચંદયો, હરિયો વાંહેની સીટમાં... એક જગ્યાએ મેં બ્રેક મારી, જે અમારી સાઇન હતી એટલે ચંદયાએ ધારાના ગળામાં ઝીણી દોરી નાખીને ગળાટૂંપો દેવાનો ચાલુ કર્યો અને એ વખતે હરિયાએ આગળની બાજુ આવીને ધારાના હાથ-પગ પકડી લીધા.’ સૂરજના ચહેરા પર ક્યાંય અફસોસ દેખાતો નહોતો, ‘કામ પતી ગ્યું એટલે ધારાના માથા પર એવી રીતે ચૂંદડી નાખી દીધી જાણે કે ઈ માથું ઢાંકીને સૂઈ ગઈ હોય. ગાડી અમારી વાડીએ પહોંચી એટલે કાકા ને તેના છોકરાંવે ધારાનાં બધાંય કપડાં કાઢી તેને તૈયાર કરેલી ચિતા પર મૂકીને સળગાવી દીધી. એકાદ કલાકમાં ન્યાં કામ પત્યું એટલે પછી અમે તણેય પાછા અમદાવાદ બાજુ આવવા નીકળી ગ્યા...’
‘ચંદયાની બૈરી ક્યાં રાહ જોતી હતી?’
સોમચંદને જવાબ ખબર હતી તો પણ તેણે પૃચ્છા કરી.
‘બગોદરા પાહે... તે મળી એટલે અમે તેને ધારાનાં કપડાં પેરાવી અમદાવાદ પાછા આવી ગ્યા. અમદાવાદથી આગળ શું કરવાનું એ બધું પણ નક્કી હતું એટલે એ રાતે ચંદયાની બૈરી ધારા બનીને મારી ન્યાં રોકાઈ ગઈ ને પછી ધારાનાં કપડાં પે’રીને બીજા દિવસ ઈ રવાના થઈ ગઈ. જાણે કે ઘર છોડીને નીકળી ગઈ હોય...’
‘આ બધું તેં સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં આવી જાય એ માટે કર્યું હતું, પણ તું એક ભૂલ ખાઈ ગયો સૂરજ...’ સોમચંદે પોતાના લૅપટૉપ પર સીસીટીવી કૅમેરાનાં ફુટેજની ફાઇલ ખોલી, ‘ધારા જેવાં કપડાં પહેરાવવાનું તો તને યાદ રહ્યું, પણ તું એ ભૂલી ગયો કે ધારાની પીઠ પર સંગીતા નામ ન લખેલું હોય...’
સૂરજની આંખો પહોળી થઈ ગઈ.
‘એ નામ તો સંગીતા જ લખાવે અને સંગીતાને ધારા જેવાં કપડાં પહેરાવવાની લાયમાં તું એ ભૂલી ગયો કે સંગીતાએ પોતાની પીઠ પર પોતાના નામનું ટૅટુ કરાવ્યું છે. જો તેં એ દિવસે ધારાનો કોઈ સિમ્પલ ડ્રેસ સંગીતાને પહેરવા આપ્યો હોત તો તું હજી પણ પકડાયો ન હોત...’ સોમચંદ સૂરજ સામે બેઠા, ‘ધારા ઘર છોડીને ગઈ એનાં ફુટેજ જોતી વખતે મને અચાનક જ વિચાર આવ્યો કે પીઠ પાછળ લખેલું આ ટૅટૂ ધ્યાનથી જોવું જોઈએ, પણ વિઝ્યુઅલ બહુ બ્લર હતાં એટલે મારે જાતે જઈને એડિટ ટેબલ પર એ વિઝ્યુઅલની ક્વૉલિટી સુધરાવવી પડી અને એમાં તારું ભવિષ્ય પણ સુધરી ગયું...’
lll
‘ઇન્ટરવલ પૂરો... હવે આગળની વાત ચાલુ કર.’
‘કઈ સાહેબ?’
‘વસઈ શું કામ ગયો હતો?’ સોમચંદે કહી પણ દીધું, ‘તારી ૧૦૦૦ નંબરની હ્યુન્ડાઇ ક્રેટા કાર અડધો કલાક સુધી ઓવરબ્રિજની નીચે ઊભી રહી અને એ પછી એમાંથી કંઈ ફેંકવા માટે તું નીચે ઊતર્યો, જે ફેંકવા જવા માટે તું છેક ખાડી સુધી ગયો અને પંદર મિનિટે પાછો આવ્યો...’
‘બધી તમને ખબર છે તો...’
‘તું ભસ, નહીં તો તારી આ જીભડી કાઢી લઈશ...’
‘પ્લાન મુજબ હું ને હરયો... હરેશ અમે બેય બીજા દિવસે બપોર પછી મુંબઈ જવા નીકળી ગયા. એની પેલા પોલીસમાં જઈને ફરિયાદ કરી દીધી’તી, પણ પોલીસવાળાએ કીધું કે અઢારથી મોટી ઉંમરના ગુમ થ્યા હોય તો ચોવીસ કલાક અરજી રાખવાની હોય, એના પછી ફરિયાદ થાય. હું સમજી ગ્યો કે મારે બીજો ખેલ ચોવીસ કલાકમાં પાડવાનો છે. મુંબઈ જતી વખતે અમારી પાસે ધારાનો ફોન હતો, જે અમે ચોટીલાથી સાથે રાખ્યો હતો. એ ફોનથી મારે ઇન્સ્ટા અને ફેસબુક પર અમારા જે ફોટો હતા એ બધાય ડિલીટ કરવા હતા. એ કામ કર્યું ને પછી મુંબઈ પહોંચી બોરીવલીથી મેં ધારાના મોબાઇલથી મારા મોબાઇલ પર મેસેજ કરી દીધો કે મારે તારી હારે રે’વું નથી એટલે મને ગોતતો નઈ, હું મુંબઈ જાવ છું. મેસેજ કરીને અમે મોબાઇલ બંધ કરી દીધો ને પછી વસઈ આવી એ મોબાઇલ ખાડીમાં ફેંકી દીધો.’
‘કોર્ટમાં કેટલું સ્વીકારીશ?’
‘બધેબધું...’
‘નહીં સ્વીકારે તો?’
‘તમારું જોડું ને મારું માથું...’
‘ત્યારે શું કામ, અત્યારે જ રાખ...’ સોમચંદે શૂઝ કાઢીને સૂરજના માથા પર જોરથી ઠપકાર્યું, ‘મુરત જોવાની મૂર્ખામી હું ક્યારેય કરતો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય કરવાનો નથી.’
lll
‘ઇટ્સ સચ અ મિરૅકલ...’
‘નો સર, ઇટ્સ સચ અ કર્મા...’ સોમચંદે ઊભા થતાં કહ્યું, ‘બસ, એક નાનકડી રિક્વેસ્ટ છે. કેસમાં કોઈ જાતની પણ છટકબારી ન રહે એનું ધ્યાન રાખજો. સૂરજ બહુ ચાપ્ટર છે. તે કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે બહાર આવવાની કોશિશ કરશે.’
‘પણ હવે તો બધું ક્લિયર છેને...’
‘હા અને એ જ વાતનું ટેન્શન છે.’ સોમચંદ સ્પષ્ટતા કરી, ‘કસ્ટડીમાં તે માણસ પોતાના સાથીઓને તૈયાર કરશે કે મર્ડરનો આરોપ તમે લોકો લઈ લો, હું બહાર નીકળીને માવડીને કામે લગાડીશ...’
‘ટ્રાય પૂરેપૂરી કરીશ, પણ...’ ધારીવાલે વાસ્તવિકતા સ્વીકારી, ‘જ્યાં સુધી મારા જુરિડિક્શનની વાત હશે ત્યાં સુધી મારી કોશિશ ટકશે. આગળ તો...’
‘ટ્રાય ઍઝ મચ ઍઝ યુ કૅન...’
સોમચંદ ઊભો થયો. ફ્લાઇટનો સમય થઈ ગયો હતો.
‘એક વાર સૂરજ તને મળવા માગે છે... મેં તને કહ્યું હતું...’
‘હા, બોલાવ્યો છે તમે તેને અહીં?’
‘હા, બહાર જ છે...’
‘તો બોલાવી લો...’ સોમચંદે ઊભા-ઊભા જ કહ્યું, ‘તમારી હાજરીમાં જ મળીએ.’
lll
‘સાયબ, ખોટું નો કે’તા... ગળાના સોગન ખાઈને ક્યો...’ હાથમાં હથકડી સાથે ઊભેલા સૂરજે સોમચંદ સામે હાથ જોડ્યા, ‘તમને આ બધી ખબર કેમની પડી?!’
સોમચંદે સૂરજની આંખોમાં જોયું.
પાંચ, દસ, પંદર સેકન્ડ અને પછી અચાનક જ સોમચંદના શરીરમાં ઝાટકો આવ્યો. પહેલો અને બીજો ઝાટકો. સોમચંદના શરીરમાં હવે જાણે કે ચટકા આવતા હોય એમ સોમચંદ રીતસર ઝાટકા મારવા માંડ્યા. તેનો હાથ કપડાં પર અને પછી બન્ને આંખો પર ગોઠવાયો તો બીજા હાથે તેણે પોતાના વાળ વિખેરી નાખ્યા અને જેવા વાળ વિખેરાયા કે બીજી જ ક્ષણે તેનું શરીર શાંત પડ્યું. એકાદ ક્ષણની શાંતિ પછી સોમચંદે તેની બન્ને આંખો ખોલી અને સીધી સૂરજ પર તરાપ મારી.
‘માવડી, આ જ... આ જ માવડી, માર તેને...’
સોમચંદના વર્તનથી સૂરજનું પૅન્ટ ભીનું થવા માંડ્યું હતું તો કમિશનર ધારીવાલની છાતીનાં પાટિયાં બેસી ગયાં હતાં.
સંપૂર્ણ

