રવિ અને વિકી બે મિત્રો છે. વિકી પાસે પોતાની મોટી કાર છે. જેની પાસે કાર નથી એ રવિના ઘરે એક વાર બહારગામથી મહેમાનો આવે છે. તેથી રવિને થાય છે કે મારા મહેમાનોને શહેર બતાવું, જેથી રવિ વિકી પાસે કાર માગવા તેના ઘરે જવા નીકળે છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મને એમ લાગ્યું, મેં એવું ધાર્યું, હું એમ સમજ્યો કે સમજી, મારો અંદાજ એવો હતો કે, મને વિચાર આવ્યો કે, મારા અગાઉના અનુભવ એવા રહ્યા છે કે, મેં એવું ફીલ કર્યું કે... આવા અનેક વિચારો, ધારણા અને અનુમાનો આપણે બીજાઓ માટે એકલા-એકલા કરી લેતા હોઈએ છીએ, જેને કારણે સંબંધોમાં ગેરસમજ કે દરાર ઊભી થતી હોય છે.
શું અમે માની લઈએ આટલું વાંચીને વાચકોને બધું સમજાઈ ગયું? કહી ન શકાય. વાચકો હોશિયાર-સમજદાર હોય છે તેમ છતાં કેટલીક વાતો સ્પષ્ટ કરવી જરૂરી હોય છે, અન્યથા ગેરસમજ ચાલ્યા કરે છે. ગેરસમજ ઘણી વાર વિવાદ પણ ઊભા કરે છે અને ઘણી વાર તો સંબંધો પર પાણી પણ ફેરવી નાખતી હોય છે. તો ચાલો એક કાલ્પનિક પ્રસંગથી વાતને સ્પષ્ટ સમજીએ.
રવિ અને વિકી બે મિત્રો છે. વિકી પાસે પોતાની મોટી કાર છે. જેની પાસે કાર નથી એ રવિના ઘરે એક વાર બહારગામથી મહેમાનો આવે છે. તેથી રવિને થાય છે કે મારા મહેમાનોને શહેર બતાવું, જેથી રવિ વિકી પાસે કાર માગવા તેના ઘરે જવા નીકળે છે. ચાલતાં-ચાલતાં રવિ વિચારે ચડે છે, વિકી કાર આપશે કે નહીં? નહીં આપવી હોય તો શું બહાનાં કાઢશે? આજે મારા પિતા કાર લઈ ગયા છે, મારા ઘરે પણ મહેમાન છે અને એ મહેમાન માટે કાર જોઈશે, મારો ડ્રાઇવર આજે આવ્યો નથી, કાર બગડી ગઈ છે, વગેરે. આ બધી રવિની ધારણાઓ બાંધતાં-બાંધતાં રવિ વિકીના ઘર નીચે પહોંચી જાય છે અને પછી મોટેથી બૂમ પાડીને વિકીને કહી દે છે, જા નથી જોઈતી તારી કાર!
આમ સંબંધોમાં ઘણી વાર માણસો પોતાના મનમાં જ વિચાર્યા કરી અનુમાન લગાવ્યા કરે છે. કયારેક તો જજમેન્ટ પણ લઈ લે છે. પરિણામે ખોટાં અર્થઘટન, ગેરસમજ, અવિશ્વાસ, શંકા, વગેરે જેવાં પરિબળો સર્જાય છે. અતિ સંવેદનશીલ અને ઓવરથિન્કિંગનો સ્વભાવ ધરાવતી વ્યક્તિઓથી આવું વધુ થાય છે. ખરેખર તો સંબંધો અને મિત્રતામાં પારદર્શકતા અને સ્પષ્ટતા હોવી જોઈએ. જો કોઈ વિચાર આવી પણ જાય તો એ સામસામે વાત કરીને એનો ઉકેલ કરી લેવો જોઈએ. આ વાત કરવાનો ટોન-લય પણ સરળ અને ભાર વિનાનો હોવો જોઈએ. સંબંધો અને સંવેદનશીલતા બહુ નાજુક પ્રકૃતિનાં હોય છે. ફૂલ આહિસ્તા તોડો, ફૂલ બડે નાઝુક હોતે હૈં...
જો આપણે વાત કર્યા વિના પોતે ને પોતે ધારણા બાંધી લેવાની માનસિકતા ધરાવતા હોઈશું તો પોતે દુખી થવા ઉપરાંત સામેની વ્યક્તિને પણ નિરાશ કરીશું. માણસના મનને ઓળખવું, એમાં ઊતરવું આમ પણ અઘરું હોય છે. એને સંદેહની જાળમાં મૂકી દેવા કરતાં હળવાશથી સ્પષ્ટ કરી દેવામાં સંબંધોની ગરિમા અને સુગંધ જળવાઈ રહે છે.


