ઉચ્ચ શિક્ષણ મેળવવાથી અને કારકિર્દી ઘડવાથી વંચિત ન રહી જાય એ ઉદ્દેશ સાથે ઘાટકોપરમાં રહેતાં શ્રેયા નાગડા કચ્છની શાળાઓનાં બાળકોને રેમેડિયલ એજ્યુકેશન અપાવવાનું કામ કરી રહ્યાં છે
રામાણિયાની શાળાના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ જયશ્રી ત્રિવેદી અને વિદ્યાભારતી ફાઉન્ડેશનના હરેશ ત્રિવેદી સાથે શ્રેયા.
સારી ગુણવત્તાના શિક્ષણના અભાવે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી અને કારકિર્દી ઘડવાથી વંચિત ન રહી જાય એ ઉદ્દેશ સાથે ઘાટકોપરમાં રહેતાં શ્રેયા નાગડા કચ્છની શાળાઓનાં બાળકોને રેમેડિયલ એજ્યુકેશન અપાવવાનું કામ કરી રહ્યાં છે
એક શિક્ષિત વ્યક્તિ તેની આખી પેઢીને તારી શકે છે. શિક્ષા ફક્ત રોજગાર અપાવવા પૂરતી સીમિત નથી. શિક્ષા વ્યક્તિને વિચાર કરવાની, યોગ્ય નિર્ણય લેવાની અને સમાજમાં સુધારણા લાવવાની શક્તિ આપે છે. આ વાતને શબ્દશઃ સાચી કરીને દેખાડી રહ્યાં છે ઘાટકોપરમાં રહેતાં શ્રેયા નાગડા. શ્રેયાનો ઉછેર એવા પરિવારમાં થયો છે જ્યાં શિક્ષાને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. શ્રેયાએ પોતે તો હાયર સ્ટડીઝ કરીને સારીએવી કારકિર્દી બનાવી જ છે અને સાથે સમાજ માટે કંઈક ઉપયોગી થવાની ભાવના સાથે તેઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. શ્રેયા કચ્છનાં ગામડાંઓમાં આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શિક્ષણનો પાયો મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સારી કારકિર્દી ઘડી શકે. આ કામમાં શ્રેયાને બહેન વિરાલી ભરપૂર સાથ આપી રહી છે.
ADVERTISEMENT
આ દિશામાં કામ કરવાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં શ્રેયા કહે છે, ‘૨૦૨૩ની વાત છે. હું ફૅમિલી સાથે કચ્છના રામાણિયા ગામમાં ગઈ હતી. આ ગામની સ્કૂલમાંથી જ મારા પપ્પાએ પ્રાથમિક શિક્ષણ લીધું છે એટલે અમે જોવા ગયેલા કે સ્કૂલની પરિસ્થિતિ કેવી છે, ત્યાં શું ચાલે છે. કચ્છમાં એવું છે કે બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા મળશે, પણ હાઈ સ્કૂલ સાત-આઠ ગામો વચ્ચે કોઈ એક જ મળશે. રામાણિયામાં પ્રાથમિક અને હાઈ સ્કૂલ બન્ને છે. આજુબાજુની ગામની શાળાના વિદ્યાર્થીઓ આઠમા ધોરણ પછી નવમા-દસમા ધોરણનો અભ્યાસ કરવા માટે રામાણિયા હાઈ સ્કૂલમાં આવે. અમે રામાણિયા હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે અહીં ડ્રૉપઆઉટ સ્ટુડન્ટ્સ બહુ છે. એનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું કે સ્કૂલોમાંથી જે વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં અભ્યાસ કરવા માટે આવે છે તેમનો પાયો ખૂબ કાચો હોય છે. તેમનો પાયો કાચો રહી જવાનું કારણ એ હતું કે ૨૦૨૩ના ફેબ્રુઆરી સુધી ‘નો ફેલ’ પૉલિસી લાગુ હતી. એમાં બાળકે સ્કૂલમાં ઍડ્મિશન લીધું એ પછી તે આઠમા ધોરણમાં આવે ત્યાં સુધી તેની પરીક્ષા જ ન લેવાય. એટલે બાળક વર્ગમાં કેટલું હાજર રહ્યો, કેટલું શીખ્યો, કેટલું સમજ્યો એનું મૂલ્યાંકન જ થાય નહીં. એટલે વિદ્યાર્થીઓ આઠમું ધોરણ પૂરું કરીને નવમા ધોરણ સુધી સરળતાથી પહોંચી જાય છે, પણ નવમા ધોરણમાંથી દસમા ધોરણમાં પહોંચી શકતા નથી. નવમા ધોરણમાં આવ્યા પછી તેમને જે વિવિધ વિષયોનો સિલેબસ છે એ સમજવામાં અઘરો પડે છે. ઉપરથી આઠમા ધોરણ સુધી એક્ઝામ આપ્યા વગર આગળના ધોરણમાં ગયા હોય અને નવમા ધોરણમાં પરીક્ષા આપવી પડે તો એનું પ્રેશર તેઓ હૅન્ડલ કરી શકતા નથી. ઘણા વિદ્યાર્થીઓ જેમ-તેમ કરીને નવમું ધોરણ પાસ કરી લે છે, પણ ઘણા વિદ્યાર્થીઓ ફેલ થઈ જાય છે. પાયો કાચો રહી જવાને કારણે જે વિદ્યાર્થી દસમા ધોરણ સુધી પહોંચી શકતા નથી તેમનું જીવન અંધારામાં ધકેલાઈ જાય છે. આ ગામડાંઓની શાળાઓમાં ભણતાં મોટા ભાગનાં બાળકો ગરીબ પરિવારોમાંથી આવે છે. એટલે તેઓ નવમા ધોરણમાં ફેલ થાય એ પછી માતા-પિતા તેમનાં સંતાનોનું ભણવાનું બંધ કરાવીને કામધંધે લગાવી દેતાં હોય છે અથવા તો ઘણાં બાળકો જ એવાં હોય કે જેમનું ભણવાથી મન ઊઠી જાય. દસમું ધોરણ પાસ ન કરી શકવાને કારણે આગળ જઈને કૉલેજમાં ભણીને કારકિર્દી બનાવવાનો મોકો તેઓ ગુમાવી દે છે. ભણતરના અભાવે તેમને લેબર જૉબ કરવી પડે જેમાં તેમની આખી જિંદગી ગરીબીમાં વીતી જાય. દારૂ, ચોરીચકારીના રવાડે ચડી જાય. એ લોકો તેમના પરિવાર અને સમાજ બન્ને માટે બોજ બની જાય.’
પપ્પા ચેતનભાઈ અને મમ્મી મીનાબહેન સાથે શ્રેયા.
બહેન વિરાલી સાથે શ્રેયા.
આ સમસ્યામાંથી કઈ રીતે ઉકેલ કાઢ્યો અને કઈ રીતે એ દિશામાં કામ કરવાની શરૂઆત થઈ એ વિશે વાત કરતાં શ્રેયા કહે છે, ‘શાળામાંથી ડ્રૉપઆઉટ સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટે અને તેમનો કાચો પાયો મજબૂત કરવા પર જો ધ્યાન આપવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ સરળતાથી દસમું ધોરણ પાસ કરીને જીવનમાં આગળ કારકિર્દી બનાવી શકે છે. એટલે એના ઉકેલ તરીકે આવા વિદ્યાર્થીઓને રેમેડિયલ એજ્યુકેશન અપાવવાનો મને વિચાર આવ્યો. એ સમયે મને વિદ્યાભારતી ફાઉન્ડેશનના કામ વિશે ખબર હતી જે રેમેડિયલ એજ્યુકેશન પર કામ કરતી હતી. રેમેડિયલ એજ્યુકેશન એટલે શૈક્ષણિક રીતે પછાત, ધીમા અભ્યાસી અથવા તો શીખવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને તેમના લર્નિંગ લેવલ પ્રમાણે વધારાની સહાય અને માર્ગદર્શન પૂરાં પાડવાં જેથી તેઓ ધીમે-ધીમે નિયમિત ધોરણ મુજબ ભણી શકે. એ માટે સૌપ્રથમ વિદ્યાર્થીઓનું બેઝલાઇન અસેસમેન્ટ કરીને શૂન્યથી દસના સ્કેલ વચ્ચે તેમને સ્કોર આપવામાં આવે છે જેથી જાણી શકાય કે તેમને કેટલું આવડે છે અને કેટલું શીખવાડવાની જરૂર છે. એ પછી શાળાઓમાં ટ્રેઇન્ડ ટીચર્સને ભણાવવા માટે મોકલવામાં આવે છે જે બાળકોને સરળતાથી સમજાય એ રીતની ટીચિંગ મેથડ અપનાવીને તેમને ભણાવે છે. સાથે જ બાળક કેટલું શીખ્યું એ જાણવા માટે દર થોડા દિવસોના અંતરે તેમની એક્ઝામ લેવામાં આવે છે. એ રીતે એ ચેક કરવામાં આવે છે કે બાળકમાં કેટલું ઇમ્પ્રૂવમેન્ટ થયું. એટલે મેં વિદ્યાભારતી ફાઉન્ડેશનના ફાઉન્ડર હરેશ ત્રિવેદી અને રામાણિયા હાઈ સ્કૂલનાં પ્રિન્સિપાલ જયશ્રી ત્રિવેદીની મીટિંગ ગોઠવી અને પ્રોજેક્ટ કઈ રીતે અમલી બનાવવો એની ચર્ચા થઈ. આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ ભંડોળની જરૂર પડે અને એ કઈ રીતે આવશે એના પ્રયાસો ચાલુ થયા. દરમિયાન મેં ૨૦૨૪માં ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી મારો MBAનો અભ્યાસ શરૂ કર્યો. મારા સદ્ભાગ્યે મને વિદુલા જલાન સ્કૉલરશિપ મળી જે હજી ગયા વર્ષથી જ શરૂ થઈ હતી. એટલે ટ્યુશન અને અકૉમોડેશન પાછળ મારો જેટલો પણ ખર્ચ થવાનો હતો એ સ્કૉલરશિપમાં કવર થઈ ગયો અને એટલે મેં રેમેડિયલ એજ્યુકેશનનો પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો. સૌપ્રથમ પાઇલટ બેઝિસ પર ચાર મહિના માટે ડિસેમ્બર ૨૦૨૪થી અમે ત્રણ સ્કૂલ એટલે કે રામાણિયા પ્રાથમિક શાળા, રામાણિયા હાઈ સ્કૂલ અને નાની તુંબડી પ્રાથમિક શાળામાં એનો અમલ કર્યો. એનાં અમને સારાં પરિણામો પણ જોવા મળ્યાં. એ સમયે મારો MBAનો અભ્યાસ શરૂ હતો એટલે હું મોહાલીમાં હતી, પણ હું તેમના કૉન્ટૅક્ટમાં હતી અને ઇમ્પ્રૂવમેન્ટ રિપોર્ટ્સ મેળવતી રહેતી.’
હસબન્ડ મહેક છેડા સાથે શ્રેયા.
રેમેડિયલ એજ્યુકેશનનો પાઇલટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ આગળની યોજના વિશે વાત કરતાં શ્રેયા કહે છે, ‘આ વર્ષે એપ્રિલમાં જેવો મારો MBAનો અભ્યાસ પૂરો થયો એ પછી ફરી મેં રામાણિયા જઈને મીટિંગ કરી હતી. પાઇલટ પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થીઓમાં સારો સુધાર જણાતાં અમે ૨૦૨૫ના જૂનથી ત્રણ વર્ષ માટે આ પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટ કરી રહ્યા છીએ જેમાં રામાણિયા ગામની બે સ્કૂલ અને એ સિવાયનાં આસપાસનાં પાંચ ગામ એટલે કે નાની તુંબડી, મોટી તુંબડી, બેરજા, ગજોડ, ગેલડાની પ્રાથમિક શાળામાં અમે રેમેડિયલ એજ્યુકેશન ઇમ્પ્લીમેન્ટ કરવાના છીએ. વિદ્યાભારતી એકાદ સ્કૂલ માટે કામ નથી કરતી, ક્લસ્ટરમાં કામ કરે છે. એટલે એકસાથે જો છ-સાત સ્કૂલ આ પ્રોજેક્ટ માટે રેડી થાય તો જ તેઓ રેમેડિયલ એજ્યુકેશન આપવા માટે તૈયાર થાય એમ હતું. વિદ્યાભારતીને પણ ફક્ત એક સ્કૂલ માટે કામ કરવું પરવડે એમ નહોતું. એટલે રેમેડિયલ એજ્યુકેશનની શરૂઆત અમે એક સ્કૂલનું વિચારીને કરેલી પણ હવે એકસાથે સાત સ્કૂલમાં એ ઇમ્પ્લીમેન્ટ થવા જઈ રહ્યું છે. એ માટેનો ખર્ચ લાખોમાં છે અને અત્યારે એ માટેનું ભંડોળ એકઠું કરવાના અમારા પ્રયાસો ચાલુ છે. આ કામમાં મને મારી બહેન વિરાલીનો ભરપૂર સાથ મળી રહ્યો છે. તે કૉર્પોરેટ લૉયર છે. તેના કૉન્ટૅક્ટમાં જે લોકો છે તેઓ આ સામાજિક કામ માટે મદદ કરી શકે છે. તેમને ભંડોળ આપવા માટે કન્વિન્સ કરવાનું કામ તે કરી રહી છે. તેણે અત્યાર સુધીમાં મારાથી પણ વધુ ભંડોળ એકઠું કર્યું છે. અમારી ઇચ્છા છે કે આ કામ માટે કચ્છી સમાજના લોકો આગળ આવીને મદદ કરે. આ પ્રોજેક્ટને ચલાવવા માટે ત્રણ વર્ષમાં કુલ ૬૦ લાખ જેટલો ખર્ચ આવવાનો છે. અમને નથી ખબર કે આટલું ભંડોળ કઈ રીતે એકઠું થશે, પણ એટલી ખબર છે કે યોગ્ય શિક્ષણ અને આર્થિક ભીંસને કારણે તેમનું ભણતર અમે નહીં બગડવા દઈએ.’
શિક્ષણક્ષેત્રે કામ કરવાની પ્રેરણા કઈ રીતે મળી અને પોતાના અને ફૅમિલીના બૅકગ્રાઉન્ડ વિશે વાત કરતાં શ્રેયા કહે છે, ‘અમારા ઘરમાં પહેલેથી જ શિક્ષાનું મહત્ત્વ રહ્યું છે. મારા દાદા ચાંપશીભાઈ (બાબુભાઈ) નાગડાએ તેમનાં સંતાનો એટલે કે મારા પપ્પા, ફઈને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું એટલું જ નહીં, તેમની પાસે એવા લોકો આવે જેમને ભણવામાં બહુ રસ હોય પણ આર્થિક સ્થિતિ એટલી સારી ન હોય તો તેમના માટે પણ તેઓ ગમે એમ કરીને અરેન્જમેન્ટ્સ કરી આપતા. મારા દાદાની આર્થિક સ્થિતિ પણ બહુ સારી કહી શકાય એવી નહોતી, પણ શિક્ષા થકી સમાજ માટે ઉપયોગી થવાની તેમની ભાવના હતી. એટલે મારા માટે તે પ્રેરણારૂપ હતા એમ કહી શકું. મને હંમેશાંથી એમ થયું છે કે જે રીતે મારાં મમ્મી મીનાબહેન અને પપ્પા ચેતનભાઈએ મને ભણાવીને સારી કારકિર્દી બનાવવાની તક આપી એવી તક બધાં જ બાળકોને મળવી જોઈએ. આપણા દેશમાં એવાં ઘણાં બાળકો છે જેમનામાં ભણવાની ખંત છે, પણ યોગ્ય શિક્ષણ અને આર્થિક પરિસ્થિતિના અભાવે તેઓ શૈક્ષણિક જીવનમાં આગળ વધી શકતાં નથી, પરિણામે તેમનું ભવિષ્ય સંઘર્ષમય રીતે વીતે છે. મારા પપ્પા ચેતનભાઈ પોતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. હું પોતે પણ ભણીને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની. મેં બિગ ફોરમાં જેનો સમાવેશ થાય છે એ KPMG ફર્મમાં પણ સાડાચાર વર્ષ કામ કર્યું છે. જોકે મને મારા કામથી આત્મસંતુષ્ટિ મળી નહોતી રહી. મને સતત એમ લાગ્યા કરતું હતું કે જીવનમાં વધુ કંઈક સારું કામ કરવું છે, સમાજ માટે ઉપયોગી થાય એવું કામ કરવું છે. એમાં કઈ રીતે આગળ વધવું એના વિકલ્પો હું શોધી રહી હતી. એ દરમિયાન હું આત્મા નામના એક NGOના સંપર્કમાં આવી. અહીં મેં સોશ્યલ ઇમ્પૅક્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. એમાં મને વર્ક-સૅટિસ્ફૅક્શન મળ્યું અને સમાજ માટે કામ કરવાની મારી જે ઝંખના હતી એ પણ પૂરી થતી દેખાઈ. અહીં મારું કામ સામાજિક સંસ્થાઓને ઍડ્વાઇઝ આપવાનું હતું કે કઈ રીતે તેઓ તેમના કામનો દાયરો વધારી શકે અને બદલાવ લાવી શકે છે. આત્મા સાથે મેં બે વર્ષ કામ કર્યું. આ ફીલ્ડમાં લાર્જ સ્કેલ પર કામ કરવા માટે વધુ સ્કિલ્સ મેળવવાનું નક્કી કર્યું. એટલે મેં ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એક વર્ષનો MBAનો કોર્સ કર્યો જે બે મહિના પહેલાં જ પૂર્ણ થયો છે. હાલમાં હું સત્ત્વા કન્સલ્ટિંગ ફર્મ સાથે કામ કરું છું જે કૉર્પોરેટ કંપનીઓને સોશ્યલ કૉર્પોરેટ રિસ્પૉન્સિબિલિટી (CSR) વર્ક કરવા માટેનું ગાઇડન્સ આપે છે. ટૂંક સમયમાં હવે હું સમગ્ર ગવર્નન્સ કન્સલ્ટિંગ ફર્મ સાથે જોડાવાની છું જે સ્ટેટ ગવર્નમેન્ટ્સ સાથે કામ કરીને એજ્યુકેશન, ઍગ્રિકલ્ચર, હેલ્થ સેક્ટર સંબંધિત પ્રોજેક્ટ્સને એક્ઝિક્યુટ કરવામાં મદદ કરે છે. મારા હસબન્ડ મહેક છેડા છે જેઓ આર્કોનેટ કે જે રિયલ એસ્ટેટ ડેવલપર્સના કામમાં વ્યવહારક્ષમતા લાવવા માટેનું AI પ્લૅટફૉર્મ છે એના કો-ફાઉન્ડર અને CEO છે. તેમણે IIM-કલકત્તામાંથી MBA કરેલું છે એટલે મારા કામમાં તેઓ પણ મને સપોર્ટ કરે છે.’

