પર્ફેક્શનનો વિચાર જ લકવાગ્રસ્ત કરનારો છે. આપણે કોઈ સુપર હ્યુમન નથી કે આપણું કરેલું દરેક કાર્ય સુપરહિટ, જબરદસ્ત કે શાનદાર જ થશે
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં એક લેખક મિત્ર સાથે ફોન પર વાત થઈ. મેં પૂછ્યું, ‘છેલ્લે શું લખ્યું?’ તેણે કહ્યું, ‘લખવાની આળસ આવે છે. છેલ્લા ઘણા સમયથી કશું જ નથી લખ્યું.’ હું આગળ કાંઈ પૂછું એ પહેલાં જ તેણે કહ્યું, ‘કાંઈ જોરદાર કે જબરદસ્ત લખાય એવો મૂડ જ નથી આવતો.’ અને જવાબમાં મેં એટલું જ કહ્યું કે ‘આ આળસ નથી. આ પરિણામ સાથેનો વધુપડતો લગાવ છે.’
આપણી જિંદગીમાં એવું કેટલીયે વાર બન્યું હશે કે કશુંક શરૂ કરતાં પહેલાં આપણે એનાં સંભવિત પરિણામો વિચારી લીધાં હોય અને એ પરિણામો જો આપણી અપેક્ષા કે મનમાં સ્થાપિત ધોરણો કરતાં ઊણાં ઊતરતાં હોય તો આપણે એ કામ શરૂ કરવાનું માંડી વાળીએ છીએ અથવા તો એમાં વિલંબ કરીએ છીએ. આને કહેવાય, ‘Perfectionism, Procrastination, Paralysis’ સાઇકલ. ટૂંકમાં કોઈ પણ કાર્યનું પરિણામ શ્રેષ્ઠ, ઉત્તમ કે સંપૂર્ણ મેળવવાના આગ્રહને કારણે એ કાર્ય શરૂ જ ન કરી શકવાની કે વિલંબ કરતા રહેવાની માનસિકતા. જ્યારે પર્ફક્ટે કરી શકીશ ત્યારે જ હું એ કામ કરીશ એવું વિચારીને આપણે એ કામ પાછળ ધકેલતા જઈએ છીએ.
ADVERTISEMENT
મૂળભૂત રીતે પર્ફેક્શનિઝમ કે પરિણામની શ્રેષ્ઠતાનો આગ્રહ રાખવાનું મુખ્ય કારણ ડર હોય છે. નિષ્ફળતાનો ડર, ભૂલો થવાનો ડર, અન્ય દ્વારા ટીકા કે વિવેચનનો ડર કે પછી પોતે કરેલા કાર્યમાં ખામી રહી જવાનો ડર. પર્ફક્શેનિસ્ટ લોકો પોતાની જાત પર એટલા બધા ક્રૂર હોય છે કે તેઓ દરેક ક્રિયામાં આકરી સ્વતપાસ કરે છે અને એવી માન્યતા ધરાવે છે કે તેમની આસપાસ રહેલા લોકો ખૂબ જ બારીકાઈથી તેમના કાર્યનું નિરીક્ષણ કરશે. પોતે કરેલું કાર્ય અધૂરું, અપૂર્ણ કે ખામીયુક્ત હોઈ શકે એ સ્વીકારના અભાવને કારણે તેઓ કોઈ એક જ જગ્યા પર અટકેલા રહે છે અને આગળ નથી વધી શકતા. જાત પાસેથી તેમની એટલીબધી અવાસ્તવિક અપેક્ષા હોય છે કે આ સ્વનિર્મિત અપેક્ષાઓનું વજન જ તેમનામાં જડત્વ રેડી દે છે.
એક સર્જકનો સૌથી મોટો શત્રુ પર્ફક્શેનિઝમ છે. અમેરિકન લેખક એડવર્ડ એબેનું એક ‘પર્ફેક્ટ’ વિધાન છે, ‘Great art is never perfect. Perfect art is never great.’ અર્થાત્ કલા ક્યારેય સંપૂર્ણ હોઈ જ ન શકે. જેને વર્ષોથી કલાજગતનું માસ્ટરપીસ કહીને સંબોધવા અને સ્થાપવામાં આવ્યું છે એવા મોનાલિસાના ચિત્રમાં પણ અપૂર્ણતાઓ છે. કેટલાકના મત પ્રમાણે મોનાલિસાની પાતળી કે આછી ભ્રમર એ વખતની ફૅશન સૂચવે છે, જ્યારે કેટલાકના મત પ્રમાણે એ અધૂરું ચિત્ર છે. કલા કે સર્જન ક્યારેય પૂર્ણ નથી થતું. એ અધવચ્ચેથી છોડી દેવું પડે છે.
પર્ફેક્શનિઝમ એ જાત પર કરેલો એવો જુલમ છે જે આપણી પ્રગતિને અવરોધે છે. પ્રક્રિયા પરથી ધ્યાન હટાવીને જ્યારે આપણે પરિણામ પર કેન્દ્રિત થઈએ છીએ ત્યારે આપણે નર્વસ, આળસુ, હતાશ કે નિરુત્સાહી બની જઈએ છીએ. પરિણામ સાથેના વધુપડતા લગાવથી આપણે પ્રક્રિયાની મોજ માણવાનું ચૂકી જઈએ છીએ.
આ અપૂર્ણ જગતમાં જીવતા હોવા છતાં પણ સતત પૂર્ણતાની કામના કરવી એ જ એક પ્રકારનું સાયકોસિસ છે. ઈશ્વરે સર્જેલી સૃષ્ટિમાં કશું જ પર્ફેક્ટ નથી. કોઈના ડબ્બામાંથી ઢોળાઈ ગયા હોય એ રીતે વેરવિખેર પડેલા તારા, મનફાવે એમ રસ્તો બદલતી નદીઓ, રોજ આકાર બદલતો ચન્દ્ર અને અડાબીડ ઊગેલાં ઘાસ અને બાવળ. ન પવનની કોઈ દિશા નક્કી હોય, ન ભરતી-ઓટનો સમય. ન ચોમાસું સમયસર આવે, ન ખેતરમાં ધાર્યો પાક ઊગે. કુદરત ક્યાં પર્ફેક્શનનો આગ્રહ રાખે છે? એ મનુષ્ય હોય કે પ્રાણી, સૃષ્ટિ હોય કે પ્રકૃતિ, અહીં બધું જ અધૂરું, અપૂર્ણ અને અનિયમિત છે. એવા જગતમાં આપણે સર્જેલું કશુંય પણ પર્ફેક્ટ કે ક્ષતિરહિત કઈ રીતે હોઈ શકે? પર્ફેક્શનિઝમ એક એવું ‘સ્લો ડેથ’ છે, જે આપણી અંદર રહેલી સર્જનાત્મકતા કે કાર્યશીલતાને ધીમે-ધીમે કોરી ખાય છે. આદર્શવાદ કે સંપૂર્ણતાનું આગ્રહી એવું મન અને માન્યતા આપણને વાસ્તવિક પ્રયત્નો અને વિશ્વથી હંમેશાં અળગા રાખે છે.
ઑસ્ટ્રેલિયન મનોચિકિત્સક ડૉ. રુડોલ્ફ ડ્રિકર્સે તેમની એક પ્રખ્યાત સ્પીચમાં કહેલું એમ, ‘Have the courage to be imperfect.’ જેઓ અપૂર્ણતા સ્વીકારવાની હિંમત રાખે છે તેઓ જ પ્રગતિના પંથે આગળ વધી શકે છે. પર્ફક્શેનનો વિચાર જ લકવાગ્રસ્ત કરનારો છે. આપણે કોઈ ‘સુપર હ્યુમન’ નથી કે આપણું કરેલું દરેક કાર્ય સુપરહિટ, જબરદસ્ત કે શાનદાર જ થશે.
સફળતાનું ચિત્ર પૂરું કરવા અપૂર્ણતાના રંગો જરૂરી છે. ગમતા કામ સુધી પહોંચવામાં સૌથી મોટો અવરોધ પરિણામનો વિચાર છે. શ્રેષ્ઠતા કે પૂર્ણતાના ખ્યાલમાં રાચવા કરતાં ભલેને અધકચરું કે અધૂરું, પણ કશુંક શરૂ કરવું મહત્ત્વનું છે. આળસ ખંખેરવાનો શ્રેષ્ઠ રસ્તો ‘ઍક્શન’ છે. વિચારો આપણને જડત્વ આપે છે અને કર્મ ગતિશીલતા. પરિણામનો ડર પ્રમાદી બનાવે છે, જ્યારે પ્રક્રિયાની મોજ પરાક્રમી.
અસંખ્ય ભૂલો ભરેલી, અપૂર્ણ કે ક્ષતિગ્રસ્ત જિંદગી જીવવી એ આપણો હક છે. નર્યા વિસ્મયથી બારીની બહાર જોઈ રહેલા કોઈ બાળકની જેમ, જે દિવસે આપણે ‘સંપૂર્ણ અને અપૂર્ણ’ કે ‘શ્રેષ્ઠ અને સાધારણ’ના રૂઢિચુસ્ત ખ્યાલોમાંથી બહાર આવી જઈશું એ દિવસે આપણામાં મુઠ્ઠીઓ વાળીને દોડવાની ઊર્જા આપોઆપ આવી જશે.

