જે બિલ્ડિંગમાં ઘર હોય ત્યાં જ ઑફિસ હોય તો કેટલું સારું? આ કલ્પના ચીનમાં અનાયાસ સાકાર થઈ છે
રીજન્ટ ઇન્ટરનૅશનલ અપાર્ટમેન્ટ દુનિયાનું એકમાત્ર વર્ટિકલ સિટી
ચીનના હૅન્ગઝુ નામના શહેરમાં બનેલો રીજન્ટ ઇન્ટરનૅશનલ અપાર્ટમેન્ટ દુનિયાનું એકમાત્ર વર્ટિકલ સિટી છે જેમાં દાખલ થયા પછી વ્યક્તિ ક્યારેય એ અપાર્ટમેન્ટની બહાર ન નીકળે તો ચાલે. વાંચવા-સાંભળવામાં સરળ લાગતી આ દુનિયાને નજીકથી ઓળખવાનો લહાવો લેવા જેવો છે તો સાથોસાથ આવી દુનિયા ખરેખર માણસ માટે લાભદાયી છે કે નહીં એ પણ સમજવા જેવું છે
વિચારો કે તમે બોરીવલીમાં રહો છો અને રોજેરોજ બાંદરા નોકરી કરવા માટે આવો છો. સવારે ૯ વાગ્યે નીકળ્યા પછી તમે રાતે ઘરે પહોંચો છો ત્યારે ઘડિયાળના કાંટા ફરીથી એ જ ૯ પર આવી ગયા હોય છે. ૧૨ કલાકની આ જૉબમાં તમે બે કલાક ટ્રાવેલિંગમાં વેડફો છો. આ ૧૨ કલાકમાં તમે માત્ર ને માત્ર કામ કરો છો. તમારી પર્સનલ લાઇફ જેવું કશું બચતું નથી કે પછી ઘરનાં કોઈ કામ પણ થતાં નથી. ઘરનાં કામ તમે રજાના દિવસોમાં કરો છો એટલે તમારી રજા પણ આમ તો કામમય જ હોય છે. કહેવાનો ભાવાર્થ એટલો કે તમે વીકલી-ઑફ લો છો એ પણ હકીકતમાં વીકલી-ઑફ હોતો નથી. આવા સમયે ખરેખર શાંતિથી જીવવું હોય તો શું કરવું જોઈએ અને લાઇફસ્ટાઇલને કેવી રીતે સેટ કરવી જોઈએ?
ADVERTISEMENT
આ કે આ પ્રકારના સવાલનો જવાબ ચીનમાં શોધાઈ ગયો, એ જવાબે ૨૦,૦૦૦થી પણ વધુ લોકોને રાહતનો શ્વાસ આપવાનું કામ શરૂ કરી દીધું અને એ પણ સાચા અર્થમાં. આપણે વાત કરીએ છીએ ચીનના હૅન્ગઝુ નામના શહેરમાં આવેલા રીજન્ટ ઇન્ટરનૅશનલ નામના અલ્ટ્રામૉડર્ન અપાર્ટમેન્ટની, જેને દુનિયા ડિસ્ટોપિયન સિટી તરીકે પણ ઓળખે છે તો પશ્ચિમના દેશોમાં આ અપાર્ટમેન્ટ વર્ટિકલ સિટી એટલે કે ઊભા શહેર તરીકે પૉપ્યુલર થયું છે.
રીજન્ટ ઇન્ટરનૅશનલની વાત કરતાં પહેલાં કહેવાનું કે આ જે અપાર્ટમેન્ટ છે એ હકીકતમાં હોટેલ તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. ૨૦૧૩માં તૈયાર થયેલી આ સિક્સ-સ્ટાર હોટેલમાં કુલ ૧૦,૦૦૦ લોકોને રહેવાની સગવડ હતી. જોકે એ પછી હોટેલ કરતાં વધારે આવક રેસિડેન્શિયલ ટાવર તરીકે મળશે એવું લાગતાં હોટેલ મૅનેજમેન્ટે એને રેસિડેન્શિયલ ટાવરમાં કન્વર્ટ કરી નાખી, જેમાં અઢળક રૂમોનું ઇન્ટીરિયર ચેન્જ કરીને રહેવાની ક્ષમતા વધારવામાં આવી અને અપાર્ટમેન્ટ ૨૨,૦૦૦ લોકો રહી શકે એ પ્રકારનો ડેવલપ કરવામાં આવ્યો.
શું છે આ રીજન્ટમાં?
એક વર્ટિકલ સિટી એવા આ રીજન્ટ ઇન્ટરનૅશનલની ઊંચાઈ ૨૦૬ મીટરની એટલે કે ૬૭પ ફુટની છે. જો આ હાઇટ પરથી પણ તમને અંદાજ ન આવે તો કહેવાનું કે રીજન્ટ ઇન્ટરનૅશનલમાં કુલ ૩૬ ફ્લોર છે, પણ અપાર્ટમેન્ટની અંદરના અમુક ફ્લોરની હાઇટ ઘટાડીને નવા ફ્લોર ઊભા કર્યા હોવાથી આ અપાર્ટમેન્ટ પ્રૅક્ટિકલી ૩૯ ફ્લોરનો છે. બે લાખ સાઠ મીટર જમીન પર પથરાયેલો આ અપાર્ટમેન્ટ આ સાઇઝનો દુનિયાનો એકમાત્ર સિંગલ બ્લૉક અપાર્ટમેન્ટ છે. કહ્યું એમ આ અપાર્ટમેન્ટમાં ૨૨,૦૦૦ લોકો રહે છે.
આ અપાર્ટમેન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં જ ફૂડ-કોર્ટ પણ છે, સુપરમાર્કેટ પણ છે અને ઇન્ટરનેટ કૅફે પણ છે. વાત અહીં પૂરી નથી થતી. વાળ કપાવવા હોય તો અહીં જ તમને હેર-સૅલોં પણ મળી જાય છે તો નેઇલ સૅલોં, સ્પા, જિમ અને સ્વિમિંગ-પૂલ પણ છે. મતલબ કે તમે એક વખત અપાર્ટમેન્ટમાં આવી ગયા પછી તમારે બહાર નીકળવાની જરૂર નથી. બધું તમને અહીં, આ જ અપાર્ટમેન્ટમાં મળી જશે. તમને થાય કે આટલા મોટા અપાર્ટમેન્ટને આટલી સુવિધાથી શું ફરક પડવાનો તો તમારી શંકાનું શમન કરી દઈએ.
રીજન્ટ ઇન્ટરનૅશનલમાં ૧૨૦થી વધુ ફૂડ-કોર્ટ છે, બાવીસ સુપરમાર્કેટ છે, ૩૦૦થી વધારે હેર-સૅલોં છે અને ૧૦૦થી પણ વધારે નેઇલ સૅલોં અને સ્પા છે. દરેક ફ્લોર પર એક મસમોટા તબેલા જેવડું જિમ છે અને દરેક ફ્લોર પર સ્વિમિંગ-પૂલ પણ છે. મતલબ કે જેટલા લોકો રહે છે એ બધા માટે પૂરતી વ્યવસ્થા રીજન્ટ ઇન્ટરનૅશનલમાં કરવામાં આવી છે. અફકોર્સ, જ્યારે આ હોટેલ હતી ત્યારે આ વ્યવસ્થા આ સ્તર પર વિશાળ નહોતી. રેસિડેન્શિયલ ટાવર તૈયાર કરવાનું નક્કી કર્યા પછી આ બધી અરેન્જમેન્ટ કરવામાં આવી.
શું કામ બન્યો ટાવર?
બહુ મહત્ત્વનો છે આ સવાલ. આખી હોટેલ બની ગઈ, હોટેલને સિક્સ-સ્ટાર સર્ટિફિકેટ પણ મળ્યું, હોટેલ પ્રમાણમાં સારી ચાલતી પણ હતી તો પછી એને શું કામ હટાવીને રહેવા માટેના ફ્લૅટ તરીકે તૈયાર કરવામાં આવી?
રીજન્ટ ઇન્ટરનૅશનલ જ્યારે હોટેલ તરીકે ડેવલપ થઈ ત્યારે જ નક્કી હતું કે એને સર્વિસ માટે જેટલા પણ સ્ટાર્સ મળે, એ હોટેલની ટૅરિફ મિડલ-ક્લાસ અને અપર મિડલ-ક્લાસને પોસાય એ સ્તરની હોવી જોઈએ. લોકોને આ જ વાત ગમી ગઈ અને તેમણે મહિનાઓ માટે અહીં રૂમ ભાડે રાખવાનું શરૂ કર્યું. અરે, તમે માનશો નહીં, દુનિયાભરમાંથી ચીન ભણવા જનારા સ્ટુડન્ટ્સથી માંડીને વ્લૉગ બનાવવા ચાઇના જતા લોકો પણ આ હોટેલમાં રહેવા માંડ્યા. હૅન્ગઝુ શહેર અને શહેરની આજુબાજુની ફૅક્ટરીઓમાં કામ કરતા વર્કરો પણ ટ્રાવેલિંગ ઘટાડવાના હેતુથી અહીં રહેવાના શરૂ થયા અને એ વખતે મૅનેજમેન્ટને વિચાર આવ્યો કે હૅન્ગઝુને એક અલ્ટ્રામૉડર્ન હોટેલ કરતાં વર્ટિકલ સિટીની જરૂર છે અને હોટેલને રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ તરીકે ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું.
અત્યારે પણ આની ઓનરશિપ રીજન્ટ ગ્રુપની જ છે. હવે આ ટાવરમાં રૂમથી માંડીને કૅપ્સ્યુલ અને એક તથા બે બેડરૂમના ફ્લૅટ છે પણ એ વેચાતા નથી મળતા, તમારે રેન્ટ પર જ લેવા પડે. તમારા ફ્લૅટની સાફસફાઈથી લઈને કપડાં ધોઈ આપવા સુધીનું બધું કામ મૅનેજમેન્ટ કરે છે અને એ માટે મામૂલી ચાર્જ લેવામાં આવે છે. એક મહિનો જો અહીં રહેવું હોય અને તમને વિન્ડો ન જોઈતી હોય તો કૅપ્સ્યુલ જેવી એ રૂમના ૧પ૦૦ યુઆન (અંદાજે ૧૭,૫૦૦ રૂપિયા) મહિનાના ચૂકવવા પડે છે. જો તમને પ્રૉપર વિન્ડો અને બાલ્કની સાથેના વ્યુવાળી રૂમ જોઈતી હોય તો તમારે ૪૦૦૦ યુઆન (અંદાજે ૪૮,૦૦૦ રૂપિયા) ચૂકવવાના રહે છે. તમે માનશો નહીં, આ ભાડું પણ લોકોને એ સ્તર પર સસ્તું લાગે છે કે કેટલાક પરિવારો તો હૅન્ગઝુમાં આવેલાં પોતાનાં ઘરો વેચીને અહીં રહેવા આવી ગયા છે.
અને આવ્યો મોટો ચેન્જ
આટલું ઓછું હોય એમ રીજન્ટ ઇન્ટરનૅશનલે ગયા વર્ષે એક મસમોટો નિર્ણય લીધો અને એ નિર્ણયે રીજન્ટની બોલબાલાને ચાર ચાંદ લગાવી દીધા. રીજન્ટ નામના વર્ટિકલ સિટીમાં મૅનેજમેન્ટ પાર્કિંગ એરિયામાં ઑફિસ અને ઍસેમ્બલ યુનિટ માટે જગ્યા ઊભી કરી એ જગ્યા હૅન્ગઝુની ફૅક્ટરીઓવાળાને રેન્ટ પર આપી તો સાથોસાથ એવા આઇટી અને સૉફ્ટવેર ડેવલપર્સને પણ ઑફિસો આપી જેમના મોટા ભાગના એમ્પ્લોઈ આ અપાર્ટમેન્ટમાં રહેતા હોય. જે અહીં રહેતા હતા તેમણે હવે કંઈ જ નહોતું કરવાનું. સવારે જાગવાનું, ફ્રેશ થઈને લિફ્ટમાં અમુક-તમુક ફ્લોર પર આવેલી પોતાની ઑફિસમાં જવાનું અને પછી કામ કરીને ફરી લિફ્ટમાં પોતાના ફ્લૅટમાં પાછા આવી જવાનું.
ઑફિસ આ જ રીજન્ટમાં આવી જવાને કારણે ટ્રાવેલિંગ પણ ઘટ્યું, જેમાં કોઈ પ્રકારની પ્રોડક્ટિવિટી હતી નહીં. માનવકલાકોનો વેડફાટ અટક્યો એટલે પ્રસન્નતા પણ વધી અને સાથોસાથ એ પણ ઍડ્વાન્ટેજ મળ્યો કે ફૅમિલી માટે રહેવાનો સમય મળવા માંડ્યો. એને લીધે પરિવારજનો વચ્ચે પણ લાગણી અને સ્નેહનો સેતુ ઊભો થવા માંડ્યો. ચીન તો એવો દેશ છે જ્યાં મોટા ભાગના પરિવારોમાં હસબન્ડ-વાઇફ બન્ને કામ કરતાં હોય. મોટા ભાગની ફૅમિલી પણ ન્યુક્લિયર એટલે હસબન્ડ-વાઇફ એકબીજાથી જુદી શિફ્ટ જ પસંદ કરે જેથી બાળકોને સાચવી શકાય. એને લીધે તે બન્નેને એકબીજાને મળવાનો સમય ભાગ્યે જ મળે. અહીં તો એ પ્રશ્ન પણ હલ થયો અને એને લીધે અંગત સંબંધોમાં પણ સંવાદિતા વધી. આ જ કારણે રીજન્ટ ઇન્ટરનૅશનલને ‘યુટોપિયા’નું બિરુદ મળ્યું.
યુટોપિયા ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે એવી આદર્શ જગ્યા જેની માત્ર કલ્પના જ થઈ શકે. અલબત્ત, આ જ રીજન્ટ ઇન્ટરનૅશનલને એક વર્ગ હવે ડિસ્ટોપિયા પણ માનતો થઈ ગયો છે. શું કામ એ માટે બૉક્સ વાંચી લો
રીજન્ટ : આશીર્વાદ કે પછી અભિશાપ?
વર્ટિકલ સિટી તરીકે દુનિયા આખીમાં વાહવાહી મેળવતા રીજન્ટ ઇન્ટરનૅશનલને યુટોપિયાનું બિરુદ તો મળી ગયું, પણ આ જ રીજન્ટને સાઇકિયાટ્રિસ્ટ ડિસ્ટોપિયા પણ માનતા થઈ ગયા છે. ડિસ્ટોપિયા પણ યુટોપિયાની જેમ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે એવી ભયાનક જગ્યા જ્યાં રહેવું ત્રાસદી છે.
મનોવિજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારનાં નાનાં ઘરોમાં રહેવું એ સંકુચિત માનસિકતા ઊભી કરે છે તો સાથોસાથ ઘર અને ઑફિસ વચ્ચે અંતર ન હોવાને લીધે ત્રાહિત સાથેનો સંપર્ક પણ તૂટે છે, જેને કારણે બહારની દુનિયાનું એક્સપોઝર મળતું બંધ થાય છે. એક્સપોઝર માણસના વિકાસની અનિવાર્ય જરૂરિયાત છે, પણ રીજન્ટમાં જ રહેતા અને ત્યાં જ કામ કરતા લોકોને એ મળતું બંધ થઈ ગયું છે જેની વિપરીત અસર આવનારાં વર્ષોમાં જોવા મળી શકે છે. સાઇકિયાટ્રિસ્ટોનું એ પણ માનવું છે કે અહીં મોટાં થતાં બાળકોમાં પણ સકુંચિતતા જોવા મળી શકે છે.
હૅન્ગઝુ શહેર વિશે થોડું
આ રીજન્ટ ઇન્ટરનૅશનલ વર્ટિકલ સિટી જે હૅન્ગઝુ શહેરમાં આવ્યું છે એ હૅન્ગઝુ મુંબઈ જેવડું જ વિશાળ છે. આ સિટીનું પૉપ્યુલેશન સવા કરોડથી વધારે છે. આ સિટીની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં સાતથી વધારે તળાવ આવેલાં છે અને એટલે જ એને સિટી ઑફ લેક કહે છે. ચીની બિઝનેસમૅન જૅક મા અને તેમણે શરૂ કરેલું ઈ-કૉમર્સ જાયન્ટ અલીબાબા ગ્રુપ તમને ખબર હશે. આ અલીબાબાનું હેડક્વૉર્ટર હૅન્ગઝુ સિટીમાં છે. હૅન્ગઝુને સ્ટાર્ટ-અપ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ચીનમાં જેટલાં પણ સ્ટાર્ટ-અપ શરૂ થયાં છે એમાંથી ૭૦ ટકા સ્ટાર્ટ-અપ હૅન્ગઝુ સિટીમાંથી શરૂ થયાં છે. શાંઘાઈથી ૧૮૦ કિલોમીટર દૂર આવેલા હૅન્ગઝુમાં મૅક્સિમમ કંપનીઓ ડિજિટલ ટેક્નૉલૉજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ઇનોવેશન ઇકો-સિસ્ટમ સાથે જોડાયેલી છે.
હૅન્ગઝુ એજ્યુકેશનમાં પણ ખૂબ આગળ છે અને આ જ કારણે દુનિયાની મોટા ભાગની યુનિવર્સિટીએ ત્યાં પોતાની કૉલેજ શરૂ કરી છે.

