દેશના ઇતિહાસ અને ગૌરવનું જેણે સિંચન કર્યું છે એ કારીગરોનું નિયમિત અંતરે સ્નેહમિલન થવું જોઈએ
દાદાજી જ્યારે મંદિરના જીર્ણોદ્ધારના કામમાં હતા ત્યારે હું પણ તેમની સાથે સોમનાથ મંદિરે જતો અને ત્યાં રોકાતો.
મારા દાદાજી પ્રભાશંકર સોમપુરાને કારણે અમે સૌ મંદિર નિર્માણના કાર્યમાં આવ્યા. દાદાજીએ જ નક્કી કર્યું હતું કે તે મંદિર સિવાય બીજું કશું નહીં બનાવે. તેમના સમયમાં તે બહુ સારા આર્કિટેક્ટ. અમદાવાદ જ નહીં, એ સમયના મુંબઈ રાજ્યના અનેક ધનાઢ્ય પરિવારોમાંથી તેમને ઘરની ડિઝાઇન બનાવવાનું કહેવામાં આવતું, પણ દાદાજીએ મનોમન નિર્ણય લીધો હતો કે તે પોતાની આ કળાનો ઉપયોગ ભગવાનનું ઘર બનાવવામાં જ કરશે અને તેમણે જીવનપર્યંત એ જ કાર્ય કર્યું. દાદાજી એટલે આમ તો મારા ગુરુ. અગાઉ મેં તમને કહ્યું હતું એમ મારા હજી તો કૉલેજના દિવસો શરૂ થતા હતા ત્યાં મારા પિતાશ્રી બળવંતરાય સોમપુરાનું અવસાન થયું અને પછી નિવૃત્તિ લઈ લીધી હોવા છતાં પણ દાદા ફરી પ્રવૃત્ત થયા અને મારા ઘડતરમાં લાગ્યા. હમણાં સોમનાથ મંદિરનો એક લેખ કોઈ જગ્યાએ હું વાંચતો હતો ત્યારે મારી આંખ સામે સોમનાથ મંદિરની સાથે જોડાયેલી એ તમામ મેમરી આવી ગઈ જે હું જીવ્યો છું અને આજે મારે એ વિશે વાત કરવી છે.
સોમનાથ મંદિરના નવનિર્માણનું કાર્ય શરૂ થયું ત્યારે એ કામ મારા દાદાને મળ્યું. એ કામની જવાબદારી આપણા એ સમયના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી. દાદાજીને કામ મળ્યું એટલે તેમણે ડિઝાઇનો તૈયાર કરી અને પછી જે કમિટી હતી એની સામે મૂકી. સોમનાથ મંદિરની ડિઝાઇન આજે પણ અમે સાચવી રાખી છે. મંદિરનું કામ શરૂ થયું અને એ કામ માટે દાદાજી સોમનાથ રોકાય. ચાર-ચાર, છ-છ મહિના સુધી દાદાજી ત્યાં રોકાય. એ સમયે મારી ઉંમર દસ-બાર વર્ષની. નાનપણથી મારે દાદાજી સાથે બને એટલે વેકેશનના દિવસોમાં તે મને પણ સાથે સોમનાથ લઈ જાય અને હું ત્યાં રોકાઉં.
ADVERTISEMENT
વેકેશન હોય એટલે એવું નહીં કે તમે ક્યાંય પણ રમો કે ફરો. મારે પણ તેમની સાથે મંદિરે જવાનું, ત્યાં ચાલતું કામ જોવાનું અને શક્ય હોય એવી મદદ પણ કરવાની. ઘણી વાર તે મને પોતાની સાથે લઈ જાય અને સાઇટ પર અમુક પ્રકારનું માપ લઈને એ માપ મારી પાસે લખાવે. હું એ કાગળમાં લખી પણ લઉં. તો ઘણી વાર એવું પણ બને કે દાદાજી મને સાથે લઈ ગયા હોય અને હું તેમની સાથે ફરતો પથ્થરોમાં થતું કાર્વિંગ ધ્યાનથી જોઉં. એ દિવસોમાં બહારથી પથ્થરો જ મગાવવામાં આવ્યા હતા. એ પથ્થર પર જે કોતરણીકામ થતું એ બધું મંદિરના બહારના મેદાનમાં જ કરવામાં આવતું.
આજે પણ મને યાદ છે કે સેંકડોની સંખ્યામાં કારીગરો કામ કરતા. કારીગરો કહેવું પડે એટલે કહીએ છીએ, બાકી તો એ સૌ ભક્તો જ હતા એવું કહું તો ખોટું નહીં કહેવાય. ભગવાનનું ધામ બનાવવા માટે તે લોકો જે સ્તરની મહેનત કરે અને એ પણ પવિત્રતા જાળવી રાખીને એ આજે પણ યાદ આવે છે તો તેમના માટે માન થઈ આવે છે. હમણાં જ મને મન થયું હતું કે એ સમયે જે કારીગરો હતા તેમની સાથે સમૂહમિલન કરવું જોઈએ. જોકે એ અસંભવ છે, જેનાં અનેક કારણો છે. એક તો એમાંથી હવે કોણ હયાત હોય એના વિશે ખબર નથી તો બીજું કારણ એ સમયે આજ જેવું ડિજિટાઇઝેશન નહોતું એટલે એ કારીગરોનો ડેટા પણ સચવાયેલો નથી. જોકે હું માનું છું કે આ પ્રકારનાં મહાન અને ઐતિહાસિક કામો જેમણે પણ કર્યાં છે તેમની સાથે સમયાંતરે આ પ્રકારનાં સ્નેહમિલન થતાં રહે, જેથી નવી જનરેશનને પણ જાણમાં રહે કે તેમના વડીલોએ દેશ માટે કેવું સુંદર કામ કર્યું છે.

