સાચું બોલનારા હંમેશાં દુઃખી થતા હોય છે. ખોટું બોલીએ તો રાતે ઊંઘ ન આવે ને સાચું બોલીએ તો બધાને આકરા લાગીએ. છતાં ભીતરનો સાદ કહે એ ચૂકવું ન જોઈએ. સરી ગયેલી ક્ષણ પાછી નથી આવતી. આવે તો પણ એ નવા સ્વરૂપે હોય છે. બિનીતા પુરોહિત આપણી ભૂલ તરફ નિર્દેશ કરે છે...
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સમય ક્યાં પસાર થાય છે એની ખબર પડતી નથી. બળદગાડાનો જમાનો હતો ત્યારે સમય મંથર ગતિથી પસાર થતો. ઘોડાગાડીનો જમાનો આવ્યો તો ગતિ થોડી વધી. ટ્રેન, કાર, વિમાન આવવાથી ગતિમાં તેજ અને તાસીર ઉમેરાયાં. ટચૂકડા મોબાઇલને કારણે તો સમય ભયાનક ગતિએ સફર કરતો થઈ ગયો. ટૂંકમાં, હવે વર્ષો પણ મહિનાઓની માફક પસાર થતાં હોય એવી પ્રતીતિ થાય છે. માળખાગત વિકાસ સાથે આપણે માનવીય સંવેદના ગુમાવી રહ્યા છીએ એ કડવી હકીકત દિલહર સંઘવીની પંક્તિઓમાં ઉજાગર થાય છે...
સૂર્યથી અંજાઈ દૃષ્ટિ ભોંય પર પથરાઈ ગઈ
ક્યાં નજર ફેંકી હતી ને ક્યાં નજર ફેંકાઈ ગઈ
કેમ ના લાગે જગત આખું પછી દોજખ સમું?
માનવીના દિલ મહીંથી પ્રીત ગઈ, સચ્ચાઈ ગઈ
ADVERTISEMENT
સાચું બોલનારા હંમેશાં દુઃખી થતા હોય છે. ખોટું બોલીએ તો રાતે ઊંઘ ન આવે ને સાચું બોલીએ તો બધાને આકરા લાગીએ. છતાં ભીતરનો સાદ કહે એ ચૂકવું ન જોઈએ. સરી ગયેલી ક્ષણ પાછી નથી આવતી. આવે તો પણ એ નવા સ્વરૂપે હોય છે. બિનીતા પુરોહિત આપણી ભૂલ તરફ નિર્દેશ કરે છે...
દરિયો જોવામાં નદી ચૂકી ગઈ
એક ક્ષણમાં હું સદી ચૂકી ગઈ
કૃષ્ણને પહેલાંથી કહેવાનું હતું
એ જ બાબત દ્રૌપદી ચૂકી ગઈ
પહેલેથી ઘણું બધું વિચાર્યું હોય તોય બધું કહી શકાતું નથી. યોગ્ય માહોલ વગર વાત મુકાય તો વેડફાઈ જાય. કોઈ પ્રધાન ગાડીમાં બેસવા જતા હોય એ ટાંકણે પત્રકાર તેમને દેશની વિકટ સમસ્યા અંગે પ્રાણપ્રશ્ન પૂછે એવું દૃશ્ય અવારનવાર ટીવી પર જોવા મળે છે. આવી સ્થિતિમાં જે જવાબ મળે એ ગાડીની બહાર અડધા લટકેલા પગ જેવો જ અધ્ધર હોય. ચાની ટપરી પર સમસ્યાઓ વિશે ગરમાગરમ ચર્ચાઓ થઈ શકે, ઉકેલ માટે તો મીટિંગ રૂમ કે કૉન્ફરન્સ રૂમમાં વાર્તાલાપ કરવો પડે. જોકે કવિઓની કૉન્ફરન્સ જાત સાથે સતત ચાલતી જ રહે છે. અપાર મનોમંથન કર્યા પછી કોઈ મોતીકણિકા હાથ લાગે તો લાગે. જલન માતરી આવી જ એક કણિકા શેરસ્થ કરે છે...
આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ
પાયા ડગી ગયા તો ઇમારત પડી ગઈ
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ
રડવું જરૂરી છે. મેલોડ્રામાનો ઓવરડોઝ ધરાવતી ધારાવાહિકોમાં જે બેફામ આંસુ સારવામાં આવે છે એમાં સાર હોતો નથી. એને રડવું ન કહેવાય, રોકકળ કહેવાય. અન્યની પીડા જોઈને આપણી આંખો ભીની થાય તો એમાં સચ્ચાઈ અને અનુકંપા વર્તાય. નઝીર ભાતરી આવી જ કોઈ અવસ્થાની વાત કરે છે...
હદમાં રહી હું જાઉં છું હદની બહાર પણ
છું હું નશામાં ચૂર અને બેકરાર પણ
સુખના સમયમાં આંખથી આંસુ ખરી પડ્યાં?
પોષાઈ પાનખર ને નભી ગઈ બહાર પણ
કેટલાંક ચક્ર સતત ચાલ્યા જ કરે છે. ઋતુચક્ર તો કુદરતે બખૂબી ગોઠવ્યું છે. વસંત આવે તો પાનખર પણ આવે. ભરતી આવે તો ઓટ પણ આવે. ચડતી થાય તો પડતી પણ થાય. કુદરત તરસ પણ મૂકે તો એના સમાધાનરૂપે તૃપ્તિ પણ મૂકે. આ તૃપ્તિ આપણે ગોતવાની છે. નિનાદ અધ્યારુ એક ઉપાય બતાવે છે...
યાદ તમારી તાજી થઈ ગઈ
સહરામાં વનરાજી થઈ ગઈ
ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી
આબુથી અંબાજી થઈ ગઈ
સહરામાં વનરાજી થાય એ વાત આમ તો માનવામાં ન આવે છતાં અનેક દેશોમાં એવા પ્રયત્નો થયા છે. ઓમાનમાં બહુ વરસાદ પડતો નથી એટલે દરિયાના પાણીને મીઠું બનાવીને એનો ઉપયોગ અર્બન લૅન્ડસ્કેપિંગમાં થાય છે. યંત્રણા એવી ગોઠવી હોય કે પાણી નિયમિત સમયે છંટાતું રહે. જવાહર બક્ષી ત્રિપદીમાં કહે છે એ ભયસ્થાનમાંથી બચવા અછતગ્રસ્ત વિસ્તારોએ ભરચક પ્રયાસ કરવો પડે...
બારી ખૂલી ગઈ છે
કિંતુ સુગંધ અહીંનો
રસ્તો ભૂલી ગઈ છે
લાસ્ટ લાઇન
જોતજોતામાં જ આખી જિંદગી ચાલી ગઈ
કાંઠા ત્યાંના ત્યાં રહ્યા, આગળ નદી ચાલી ગઈ
મેલું પાણી, તટ વિજન ને સૂર્યનું છેલ્લું કિરણ
આવ્યાં મારા ભાગમાં ને સારસી ચાલી ગઈ
ત્યાં હવે ત્યાં હવે સૂમસામ રસ્તો ઊંધે માથે છે પડ્યો
જ્યાંથી થોડી વાર પહેલાં પાલખી ચાલી ગઈ
માર્ગ પહોળો થઈ ગયો, સારું થયું, રોનક વધી
સાંકડી, જૂની ને પોતીકી ગલી ચાલી ગઈ
રંગરોગાનો કર્યાં, ઘરમાં સજાવટ થઈ ગઈ
ભીંત પરથી એક જાણીતી છબિ ચાલી ગઈ
- ભગવતીકુમાર શર્મા


