સરકારી શિક્ષકોની હાલત વાંદરી પાના જેવી છે ને આ વાત હું મજાક કે કટાક્ષમાં નથી કરતો, આવું કહેતી વખતે મારું દિલ રુએ છે ને આત્મા કકળે છે
પ્રતીકાત્મક તસવીર
કસાઈ એક બકરીને ખેંચીને લઈ જતો હતો. બકરીને ભાંભરતી જોઈ દસ વર્ષના એક બાળકે કસાઈને પૂછ્યું: ‘બકરીને ક્યાં લઈ જાઓ છો કાકા?’
કસાઈએ જવાબ આપ્યોઃ ‘હલાલ કરવા...’
ADVERTISEMENT
છોકરો હસીને બોલ્યો, ‘ઓય-વોય, મને તો એમ કે તમે એને નિશાળે લઈ જાતા હશો! બચાડી ખોટી ભેંકડો તાણે છે.’
ગોવર્ધન પર્વત જેવડું દફતર ઉપાડી-ઉપાડીને પ્રાથમિક શાળામાં ભણતાં ભૂલકાંઓના વાંહા રહી ગ્યા છે પણ વાલીઓને ક્યાં ફિકર છે? રેસના ઘોડાની જેમ બાળકોને ટકાવારી માટે દોડાવ્યે જાય છે. તગડી ફી ભરીને છોકરાને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવા એ માભો ગણાય છે. આપણા દેશમાં પહેલાંના જમાનામાં બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એટલે ગુરુકુળો સ્થપાતાં અને હવે બાળકોને આખો દી સાચવવાં ન પડે એટલે આ ડે-સ્કૂલોનો જન્મ થયો છે.
પાપા બિઝનેસ અને મોબાઇલ પર મેસેજ કરવામાંથી નવરા થાય તો તેનાં બાળકોને વાર્તા કહેને? મમ્મીને ‘અનુપમા’ ને ‘કુંડલી ભાગ્ય’ જેવી સિરિયલોમાંથી ને પછી તેની કિટી પાર્ટીમાંથી ટાઇમ મળે તો હાલરડાં ગાયને! જોકે હવેનું ઍડ્વાન્સ જનરેશન હાલરડાં શરૂ થાય એ ભેગું સૂઈ જાય છે. તે વિચારે છે કે મમ્મીનાં આવાં બેસૂરાં હાલરડાં સાંભળવાં એના કરતાં તો સૂઈ જાવું સારું!
સિમેન્ટનાં રાક્ષસી જંગલો જેવાં શહેરોમાં માટીની ધૂળમાં રમતું બાળપણ ક્યાંક દફનાવાઈ ગયું છે. કૉન્વેન્ટ સ્કૂલો ને ખાનગી શાળાઓનો જે દી’ જન્મ પણ નહોતો થયો ત્યારે માત્ર સરકારી પ્રાથમિક શાળાઓ જ હતી. ટાંચાં સાધનો હોવા છતાં કેળવણીની ઊંચી ગુણવત્તા હતી. સુરત—અમદાવાદ-રાજકોટ કે મુંબઈમાં સર્વે કરી લેવાની છૂટ.
શહેરનો ટોચનો ઉદ્યોગપતિ, ડૉક્ટર કે કોઈ પણ ક્ષેત્રના સફળ માણસને પૂછજો, તેનું બાળપણ ગામડામાં વીત્યું હશે અને અભ્યાસ સરકારી નિશાળમાં! આનો સીધો અર્થ ઈ કે કેળવણી, સફળતા, સભ્યતા કે સંસ્કારો કોઈ સિલેબસ કે મીડિયમના મોહતાજ નથી હોતા વ્હાલા! એ તો અંદર જ ક્યાંક પડ્યું હોય, એને જડતાં શીખવું પડે...
આપણે નાના હતા ત્યારે આપણને નિશાળે તાણી જાવા પડતા કારણ કે આપણને છત્રીધારી, ખાદીધારી ને ધોતિયાધારી માસ્તરો ભણાવતા જેના હાથમાં સોટી રહેતી. પણ મારી એક વાત યાદ રાખજો, જ્યારથી માસ્તરોએ સોટી મૂકી ત્યારથી દેશમાં પોલીસે ધોકો ઉપાડવો પડ્યો. સરકારી નિશાળુંના શિક્ષકોની હાલત શું છે? લ્યો સાંભળો, અમારી સાવ સાચુકલી વાતો...! બી.એલ.ઓ. નામની એક બલા માતેલા સાંઢની જેમ કેળવણીના ખેતર પર છેલ્લાં પાંચ વરહથી બેફામ થઈને ફરી ને ચરી રહી છે. શિક્ષણ સાથે સીધી રીતે ન સંકળાયેલી જાહેર જનતા કદાચ ન જાણતી હોય તો કહી દઉં કે આપણા દેશમાં જેટલી પણ રાષ્ટ્રીય કામગીરીઓ કરવાની હોય છે એમાં નેવું ટકા પ્રાથમિક શાળાના શિક્ષકો ફરજિયાત હોય છે (બાળકના શિક્ષણના ભોગે). અહીં બાળકના શિક્ષણ કરતાં વધુ જરૂર મતદાર યાદીના ફોટાની છે. આપણી સિસ્ટમ કદાચ એવું માને છે કે મતદારનાં છોકરાં ભણશે નહીં તો ચાલશે, પણ તેના ફોટા યાદીમાં નહીં આવે તો દેશનો વિકાસ રૂંધાઈ જશે!
હજી તો રાહ જુઓ, માસ્તરોને પરિપત્રો આપવાના બાકી છે કે તમે વર્ગખંડો છોડી મતદારના ઓટલે લેણિયાતની જેમ બેઠા રહો. મતદારના ઘરે સારા દિવસોની શરૂઆત થાય કે તરત સુવર્ણપ્રાશન ને સુખડી પહોંચાડો. એના ઘરમાં કો’ક નવું જન્મે તો તરત વસ્તીગણતરીમાં નામ ઉમેરો ને એનો ફોટો મામલતદાર કચેરીએ પહોંચાડો. મતદારના ઘરે ટીવી કે સ્કૂટર આવે કે તરત આર્થિક ગણતરીમાં ઉમેરી લ્યો. એનું છોકરું હાલતું થાય કે તરત એને આંગણવાડી સુધી લઈ આવો. જેવું એ બાળક દોડતું થાય કે એને સીધું ‘પ્રવેશોત્સવ’માં નિશાળે ખેંચી લાવો. યાદ રાખજો માસ્તરો, દેશની વસ્તી વધવી ન જોઈએ અને નિશાળમાં ‘વસ્તી’ (?) ઘટવી ન જોઈએ. કેવી વિચિત્રતા!
હું એવા મારા ઘણા બીએલઓ મિત્રોને ઓળખું છું જેનાં ખિસ્સાંમાંથી મતદારયાદીમાં રહી ગયેલી મહિલાઓના ફોટા નીકળ્યા હોય ને એ માસ્તરને પત્નીએ ધીબેડ્યો હોય. મધ્યસ્થી કરીને અમે ભાભીને સમજાવ્યાં છે ને તેનું દામ્પત્યજીવન બચાવ્યું છે નહીંતર એ બિચાડો તો બાયડી વાંહે લટકી જાત.
યાદ રાખજો, જે દેશના શિક્ષકને ડરપોક બનાવી દેવામાં આવે ઈ દેશની આવનારી પેઢી માનસિક રીતે નપુંસક પાકે છે. આ કોઈ સુવાક્ય નથી, આ કોઈ સર્વે નથી; એક શિક્ષકની ભવિષ્યવાણી છે કારણ કે અહીં કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને ઘઘલાવે છે એટલે ડેપ્યુટી કલેક્ટર કેળવણી નિરીક્ષકોને તતડાવે છે. પછી વારો આવે છે કેળવણી નિરીક્ષકોનો, એ આચાર્યોને ધમકાવે તો આચાર્યો માસ્તરોને સંભળાવે છે અને અને માસ્તરો પણ બાળકો ઉપર તૂટી પડે છે. યા તો આવી થોકબંધ આંકડાકીય કામગીરોઓના કરોળિયાનાં જાળાંઓથી કંટાળીને માસ્તરો સક્રિય રીતે નિષ્ક્રિય થઈ જાય છે. અંતે તો બાળકની કેળવણીનો કચ્ચરઘાણ વળી જાય છે.
હે શિક્ષકપ્રેમીઓ જાગો! હે સંગઠનના મોભીઓ જાગો! રાષ્ટ્રીય કામગીરીઓનો જે ગાંઠો શિક્ષકોના પગમાં બટકી ગ્યો છે એ જો ટાણાસર નહીં કાઢો તો સમગ્ર દેશની કેળવણી લંગડાઈ જાશે. સાચો શિક્ષક ડાયનોસૉરની જેમ લુપ્ત થઈ રહ્યો છે. તેનો આત્મવિશ્વાસ ઑક્સિજન પર આવી ગ્યો છે. ડૂંટીએ ફૂંક મારીને માસ્તરોની બીક ઉડાડો બાપલા! હે વાલીમિત્રો, સરમારી નિશાળુંમાં શિક્ષણ ખાડે ગયું છે. આમ બોલતાં પહેલાં ઈ પણ વિચારજો કે ઈ ખાડો કોણે-કોણે ગાળ્યો છે.

