આસામના ચાના બગીચાઓમાં પિતા ડૉ. જ્ઞાનેન્દ્ર ચૌધરીના ગ્રામોફોન પર પશ્ચિમી સંગીતકારો બાક, મોઝાર્ટ, બીથોવનને સાંભળીને મોટા થનારને સંગીત તો ગળથૂથીમાં મળ્યું હતું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૧૯૪૩ના બંગાળના દુકાળમાં લોકોને રસ્તા પર મરતા જોઈ, સરકારી નીંભરતા અને કાળાબજારિયાઓની નિર્દયતા જોઈ એક વિદ્યાર્થી બંડ પોકારી ઊઠે છે. આ માનવસર્જિત આપત્તિમાં સરકારની નિષ્ક્રિયતા સામે લડવા તે કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાય છે. એક વખત મહંમદઅલી પાર્કની ઊંચી દીવાલ કૂદી પોલીસથી માંડ-માંડ છટકે છે. બે વર્ષ સુંદરવનનાં જંગલોમાં છુપાઈ ગીતો લખે છે અને તરજો પણ બનાવે છે. પછીથી ‘ઇપ્ટા’ સાથે જોડાય છે. જમીન ગુમાવી ચૂકેલા, શહેરમાં રિક્ષા ચલાવતા અને એક-એક પૈસા માટે વલખા મારતા ખેડૂતની વાર્તા લખે છે. મિત્ર હૃષીકેશે આ વાર્તા સાંભળી બિમલ રૉય સાથે તેની ઓળખાણ કરાવી. પછી તો ઇતિહાસ સર્જાય છે. હિન્દીની ક્લાસિક ફિલ્મ ‘દો બીઘા ઝમીન’નું નિર્માણ થાય છે. એનું યાદગાર સંગીત પણ એ યુવાન જ આપે છે. કાન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ઇન્ટરનૅશનલ પ્રાઇસ મેળવે છે અને અનાયાસ એન્ટ્રી મેળવનાર રાતોરાત પ્રખ્યાત થઈ જાય છે. અનેક યાદગાર કમ્પોઝિશન્સ આપનાર એ રેવલ્યુશનરી રાઇટર તે સલીલ ચૌધરી. ૧૯ નવેમ્બર, ૧૯૨૩ તેમનો જન્મદિવસ.
આસામના ચાના બગીચાઓમાં પિતા ડૉ. જ્ઞાનેન્દ્ર ચૌધરીના ગ્રામોફોન પર પશ્ચિમી સંગીતકારો બાક, મોઝાર્ટ, બીથોવનને સાંભળીને મોટા થનારને સંગીત તો ગળથૂથીમાં મળ્યું હતું. તેથી પૂર્વ-પશ્ચિમી સંગમથી તેમણે તરજોને નવો જ આયામ આપ્યો. તેઓ ‘મોઝાર્ટ રીબૉર્ન’ કહેવાતા. તેમણે કેટલીક ફિલ્મોમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ આપ્યું છે. જોકે એ વખતે ક્લાઇમૅક્સના સીન સિવાય એમાં કંઈ વિશેષ આપવાનો પ્રયત્ન બીજા ન કરતા. પણ આ તો સલીલદા હતા. તેઓ તો આખી સ્ટોરી સાંભળવાનો આગ્રહ રાખતા. તેથી જ તેમના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાંથી ફુલ લેન્ગ્થ કમ્પોઝિશન્સ બન્યાના અભૂતપૂર્વ દાખલા બન્યા છે. મધુમતીનું ‘આજા રે પરદેસી’ ગીતનું સંગીત હકીકતમાં તો ‘જાગતે રહો’નું થીમ-મ્યુઝિક હતું, તરસથી વ્યાકુળ રાજ કપૂર ફિલ્મના પડદે દેખાય છે ત્યારે વાગતું હોય છે. ગીતકાર શૈલેન્દ્રએ આ ટ્યુન ઉપરથી આખા ગીતના સંગીતનો આગ્રહ કર્યો. આ જ રીતે ‘આનંદ’માં જ્યારે ટેપ રેકૉર્ડર સાંભળતાં રાજેશ ખન્નાનું મૃત્યુ થાય છે ત્યારના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પરથી ગુલઝારે મિત્રભાવે ‘કોઈ હોતા જિસકો અપના’નું સંગીત તૈયાર કરાવ્યું.
ADVERTISEMENT
બાય ધ વે, ‘ઇતના ના મુઝસે તૂ પ્યાર બઢા’માં મોઝાર્ટની સિમ્ફનીની સ્પષ્ટ અસર બતાવતાં સલીલદાએ કિશોરકુમારને શરૂઆતમાં નકારી કાઢ્યા હતા. અને લતાજીની ક્ષમતાથી પ્રભાવિત થઈ તેમના માટે ખાસ અઘરી તરજો તૈયાર કરતા હતા.


