Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક વાર તો કહી દે I LOVE YOU

એક વાર તો કહી દે I LOVE YOU

Published : 04 May, 2025 12:38 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

મારી સામે બેઠેલા આ પાંસઠ વર્ષની આસપાસના આધેડ વયના યુવાન આજે તેના જાતસંવાદને મારી સામે શબ્દોનું સ્વરૂપ આપી રહ્યા હતા. મારા ઘરની પાછળની ગલીમાં જ તેમનું ઘર.

પ્રતીકાત્મક તસવીર

શોર્ટ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


‘એક વાર બસ એક વાર કહી દીધું હોત, કેટલા શબ્દો હતા, માત્ર ત્રણ જને? છતાં તેને એટલું પણ કહેતાં નહીં આવડ્યું?’ જાત સાથે જ આ ફરિયાદભર્યો સંવાદ હિતાંશના દિલ-દિમાગમાં અનેક વાર રચાતો અને આથમી જતો. પરંતુ ઉદય અને અસ્ત એ સૂર્યનો રોજિંદો નિયમ છે તો હિતાંશનો આ જાતસંવાદ કઈ રીતે એક જ વારમાં અસ્ત થઈ જાય! મારી સામે બેઠેલા આ પાંસઠ વર્ષની આસપાસના આધેડ વયના યુવાન આજે તેના જાતસંવાદને મારી સામે શબ્દોનું સ્વરૂપ આપી રહ્યા હતા. મારા ઘરની પાછળની ગલીમાં જ તેમનું ઘર. આમ જોવા જઈએ તો અમારે ખાસ કોઈ ઓળખાણનો સંબંધ નહોતો. ક્યારેક આવતાં-જતાં તેમને રસ્તે મળ્યો હોઉં એટલું જ. ખબર નહીં તેમને મારો નંબર ક્યાંથી જડ્યો, તે ગઈ કાલે સાંજે અચાનક ફોન આવ્યો. મને કહ્યું, ‘મારે મળવું છે!’ તેમણે આ વાક્ય એટલા હક અને વિશ્વાસ સાથે કહેલું કે એક વાર તો મને લાગવા માંડેલું કે નક્કી આ ભાઈ મને સારી રીતે ઓળખતા હશે.


હું આ બધા વિચારોમાં અટવાયો હતો ત્યાં તે ફરી બોલ્યા, ‘એક વાર તો કહેવાય કે નહીં?’ એટલે મેં પૂછ્યું, ‘કોની વાત કરો છો, વડીલ?’ અને તે ભડક્યા, ‘આ વડીલ, વડીલ નહીં કર્યા કર, તને કહ્યુંને હિતાંશ નામ છે મારું! ફોન પર કહ્યું તો હતું, હિતાંશ વૈષ્ણવ!’ તેમના આ છેલ્લા વાક્ય પછી મારી આંખમાં ચમક આવી ગઈ. મને યાદ આવ્યું, હા, મારા ઘરની સામેના ગાર્ડન પાસે આ અંકલને મેં સૉરી, હિતાંશને ઘણી વાર જોયા છે. આવતાં-જતાં ક્યારેક હાઇ-હેલો પણ કરી લેતા હતા. બસ, એટલું જ. એકાદ વાર તેમણે કહેલું પણ ખરું, ‘તમે સારું લખો છો! હું વાંચું છું તમને!’ જોકે આ સિવાય ખાસ પરિચય નહીં. પરંતુ ખબર નહીં આજે શું થયું સવારમાં હિતાંશ મારા ઘરે આવી ચડ્યા અને કહે, ‘બેસ, મારે કંઈક કહેવું છે!’ આ વાક્ય તેમણે એટલા હકથી કહ્યું કે મારે તેમની વાત માન્યા સિવાય છૂટકો નહોતો. આ ડોસલા યુવાને જાણે મને ખખડાવી જ નાખ્યો.



‘સૉરી, માય મિસ્ટેક. કોની વાત કરો છો, હિતાંશ?’ મેં શરણાગતિ સ્વીકારી લીધી. ‘આ પન્ના, બીજું કોણ. જોને રિસાણી છે મારાથી. આખી જિંદગી મને પોતાની જાત કરતાંય વધુ ચાહતી રહી, પણ ખબરદાર જો એક દિવસ પણ મગનું નામ મરી પાડ્યું હોય!’ હિતાંશની વાતો હમણાં મને થોડી વિચિત્ર લાગી રહી હતી. પાંસઠની આસપાસની ઉંમર છે, પરણેલા પણ હશે જ. કોઈ બીજું લફરું હોય એવી શક્યતા હવે રહી નથી. અને ધારો કે એવું કંઈ હોય પણ તો હિતાંશના કિસ્સામાં તો નથી જણાતું. તો પછી એ કોની વાત કરી રહ્યા છે? હું વિચારી રહ્યો હતો. પરંતુ આ બાબતની શંકા જાહેર કરવા કરતાં હમણાં મેં તેમની વાતને આગળ વધારવાની તક આપી, મેં પૂછ્યું, ‘પરંતુ તમને કઈ રીતે ખબર પડી કે તે તમને ચાહતી હતી?’ ‘ચાહતી હતી નહીં, આજે પણ ચાહે જ છે!’ કોઈ બાળક પાસે તેનું રમકડું લઈ લીધું હોય અને તે જીદે ચડે એમ હિતાંશ મારા આ વાક્યને સુધારવાની જીદે ચડ્યા. ‘ઓકે બાબા સૉરી, હજીયે ચાહે છે! પરંતુ મારો પ્રશ્ન એ છે કે તમને કઈ રીતે ખબર પડી?’ મેં ફરી પૂછ્યું.


‘ગુજરાતમાં એ સમયે નવનિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું. અમે બધાં અમારું કૉલેજનું ભણતર પૂરું કરી નવા-નવા ગ્રૅજ્યુએટ થયેલાં. નોકરી તો હાથમાં હતી નહીં આથી આંદોલન અમારું નવું ભવિષ્ય લઈને આવશે એવી આશાએ અમે આંદોલનમાં જોડાયાં હતાં. એ સમયે આજની જેમ મોબાઇલ્સ કે વૉટ્સઍપ તો હતા નહીં, અરે મોબાઇલ છોડ ટેલિફોન પણ અમારે માટે ગજા બહારની વાત હતી. એ વખતે સંવાદનો સૌથી મોટો સહારો હતી ચિઠ્ઠીઓ. અને પન્નાના અક્ષરો, શું અક્ષરો હતા! તેનું લખેલું વાંચવું મને ખૂબ ગમતું. પછી ભલેને એ આંદોલનનો સંદેશ હોય, રૅલીની જાણકારી હોય કે ભાષણની સ્ક્રિપ્ટ. તેનો કોઈ પણ સંદેશો વાંચવો મારે મન જાણે વસંતની મોસમ હતી. અને છતાં પન્નાએ એક વાર, એક વાર પણ મને પ્રેમપત્ર સુધ્ધાં નથી લખ્યો, બોલો! તું જ કહે, ખોટું કહેવાય કે નહીં?’ હિતાંશ જે ફરિયાદના મૂડ સાથે મને પૂછી રહ્યા હતા એ જોતાં ‘ના’ કહેવાનો તો પ્રશ્ન જ નહોતો. ‘હા, ખોટું તો કહેવાય!’ મેં કહ્યું. ‘તો પછી! પણ તેને તો મારી પડી નથીને! તને ખબર છે હું તેની કેટલી ચિંતા કરતો? છોકરીઓ નોકરી કરે એ વાત હજી એ સમયે સમાજમાં એટલી સ્વીકાર્ય નહોતી જેટલી આજે છે. હું તેને કેટલીયે વાર કહેતો, તારે ક્યાં નોકરી કરવાની છે કે તું અમારી સાથે આમ હેરાન થઈ રહી છે? તું તો આવતી કાલે પરણી જઈશ. પછી શું કામ આમ તાપમાં રખડ્યા કરે છે, તું કાળી થઈ જઈશ! આ મોંઘવારી ને ગોટાળાઓની ચિંતા તારો વર કરશે.’ હિતાંશ ‘ભૂતકાળ’ નામના ફોલ્ડરમાંથી ‘જૂની યાદ’ નામની એક-એક ફાઇલ મારી સામે ખુલ્લી કરી રહ્યા હતા. ‘ઓહ, એટલે પેલું નવનિર્માણ આંદોલન ફૂડ કરપ્શન સામે હતું?’ ‘હા, ચીમન પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે આવ્યા અને તેમના પર ઇકૉનૉમિક ક્રાઇસિસ, ગોટાળા અને ખાધા-ખોરાકીના વધી રહેલા ભાવો વિશે અનેક આરોપો લાગ્યા હતા. પણ તારે મારી વાત સાંભળવી છે કે નવનિર્માણ આંદોલનનો ઇતિહાસ જાણવો છે?’ હિતાંશને બેકારના મુદ્દાઓ થકી ખલેલ પડે એ મંજૂર નહોતું.

‘ના-ના રસ તો તમારી વાત સાંભળવામાં જ હોયને!’ મેં તેમની સામે કાન પકડ્યા.


‘હા તો હું ક્યાં હતો? હા... નવનિર્માણ આંદોલનમાં જોડાયાં. રોજ કોઈ રૅલી ને કોઈ ભાષણમાં જવાનું, પન્ના મારે માટે કાગળ પર સંદેશો લખીને આપી જતી, બીજા દિવસે સવારે હું સાઇકલ લઈને તેને ઘરે લેવા જતો. તું માનશે, મને જોઈને તેની મમ્મીના ચહેરા પર પણ ચમક આવી જતી. ક્યારેક તો શાંતામાસી કહેતાં પણ ખરાં ‘અલી પન્‍ની, આ હિત્યા જોડે આખી જિંદગી સાઇકલ પર જ ફરવું છે?’ પન્ના બિચારી, ભોળી. હસી પડતી. પણ એ સમયે પણ તેને એમ નહીં થાય કે હિતાંશને પેલા ત્રણ શબ્દોનું વાક્ય કહી દઉં!’ હું એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે એ ત્રણ મૅજિકલ વર્ડ્સનું હિતાંશને કેમ આજે પણ આટલું મહત્ત્વ છે. પણ હિતાંશ માટે હમણાં મારા પ્રશ્ન કરતાં પન્નાએ નહીં કહ્યાનો અફસોસ વધુ મહત્ત્વનો હતો. આથી મેં ચૂપ રહેવાનું જ બહેતર સમજ્યું.

‘અને તને કહું, એવું નહોતું કે પન્ના શરમાતી હતી કે તેને આવડતું નહોતું. આખી જિંદગી મારા નામે હોમી દીધી તો એક આટલું નહીં કહી શકે? તને દેખાડું, દેખાડું એ કેટલું જબરદસ્ત લખતી હતી? આ એ સમયના સાહિર, બાહીર તો તેની સામે પાણી ભરે. અરે, એ સમયે નવો આવ્યો’તોને પેલો કોણ? હા... ગુલઝાર સાહેબ! અરે, શાનો ગુલઝાર સાહેબ! મારી પન્નાની લખેલી એક લાઇન પણ વાંચે તો તને થશે કે ગુલઝાર શું ખાક લખે છે! મારી પન્ના જ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ગઝલકાર કે ગીતકાર છે!’ આટલું કહેતાં હિતાંશે ગજવામાંથી એક પીળો પડી ગયેલો કાગળ કાઢી મારી સામે મૂકી દીધો અને એમાં લખાયેલા શબ્દો બોલવા માંડ્યા...

કભી સોચતી હૂં તુમને મુઝે બેતહાશા પ્યાર દિયા..

મૈં તુમ્હેં ક્યા દૂં? મેરે પાસ તો લે દે કે સિર્ફ તુમ હી હો,

વો મૈં તુમ્હે નહીં દે સકતી! તુમ્હે અપની ચીઝેં સંભાલના કહાં આતા હૈ!’

બોલ, આટલું જબરદસ્ત કોઈ લખી શકે? પણ મારી પન્ના લખે છે. અને પાછી કહે પણ, ‘તુમને મુઝે બેતહાશા પ્યાર દિયા...’ તો પછી ત્રણ શબ્દો કહી દેતાં શું વાંધો હતો તેને, પણ નહીં... નહીં જ કહે. અને હવે હમણાં કેટલાં દિવસથી મારાથી રિસાઈ ગઈ છે. એક શબ્દની પણ વાત કરવા તૈયાર નથી, બોલો!

વાહ, ક્યા બાત હૈ, આટલી બે લાઇનથી જ પન્નાની કાબેલિયતની પૂર્ણ ઝલક મળી રહી હતી. જે સ્ત્રી સૉરી, છોકરી, આટલું સુંદર લખી શકતી હોય એ ગીતો કે ગઝલ લખવાનું નક્કી કરે તો કેટલું બહેતરીન લખી શકે. મને લાગે છે કે હિતાંશ કદાચ માણસનું મન વાંચી શકતા હશે. આથી જ તો તેમણે કહ્યું. ‘એટલું જ નહીં સાહેબ આ બીજી એક સાંભળો, પન્નાની આ રચના તો તું ચાહે તો કંઠસ્થ કરી શકે એવી છે, 

તેરે અલ્ફાઝ મેરી નઝ્મ મેં લડખડાતે હૈં, હાં ફિર લિખતે-લિખતે સંભલ જાતે હૈં!

વો લોગ જો નિકલતે હૈં ખુદ કો ઉઠાએ ઘર સે સુબહ, શામ હોતે હોતે જાને ક્યા બન જાતે હૈં.

હમ એક દૂસરે સે ઉલ્ટી તરફ બહુત દૂર તક ચલતે રહે, થક ગએ હો તુમ? ચલો અબ લૌટ આતે હૈં!’

ઓહ માય ગૉડ, શું લખે છે આ મૅડમ! મારી પાસે ખરેખર જ શબ્દો નહોતા. માત્ર બે નાની રચનાઓ દ્વારા જ હું સમજી શકતો હતો કે હિતાંશની વાત ખોટી તો નહોતી. પન્ના સાચે જ એક જબરદસ્ત ટૅલન્ટેડ કવયિત્રી છે. હવે ખરેખર મને તેમને મળવાની, એક વાર જોવાની ઇચ્છા થઈ રહી હતી. મને વિચાર આવ્યો કે જો માત્ર બે રચના સાંભળી મને પન્નાને મળવાની ઇચ્છા થઈ રહી હોય તો હિતાંશની તો શું પરિસ્થિતિ થઈ હશે. એમાંય જ્યારે આટલી કાબેલ કવયિત્રી તેમને ચાહે છે એ વાતની જાણ હોય. એ કઈ રીતે શક્ય છે કે આખી જિંદગી દરમિયાન પોતાના સૌથી નિકટતમ પ્રેમીને જ તે આઇ લવ યુ પણ નહીં કહે. હિતાંશને ફરિયાદ થવી લાઝ્મી હતું. આટલી વાત પછી ખરેખર મને એમ લાગવા માંડ્યું હતું કે પન્ના સાચે જ જો આટલું જબરદસ્ત લખે છે અને હિતાંશને ચાહે પણ છે તો તેના જેવા પાગલ પ્રેમીને એક વાર એ ત્રણ મૅજિકલ વર્ડ્સ કહી દેવા જોઈએ. પણ અહીં મારા વ્યુનું એટલું મહત્ત્વ નહોતું જેટલું હિતાંશની પન્ના પ્રત્યેની લાગણીનું અને પન્નાના અવ્યક્ત રહી ગયેલા પ્રેમનું હતું. અમારી વાતમાં હવે એ સમય આવી ગયો હતો જ્યારે અનિચ્છાએ પણ મારે હિતાંશને પૂછવું પડે એમ હતું કે તેઓ આ બધી વાત મને શા માટે કહી રહ્યા છે, મારી પાસે શું અપેક્ષા છે?

‘પન્નામૅ’મ ખરેખર ખૂબ સુંદર લખે છે, હિતાંશ! હવે એ કહો કે મને આ બધું કહેવા પાછળનો શું આશય છે? હું શું કરી શકું તમારે માટે? શું મારે તેમને કહેવાનું છે કે તે તમને એક વાર ‘આઇ લવ યુ!’ કહે?’ મેં પૂછ્યું.

‘અરે ના, એ તો મને ખબર જ છે કે તે મારે માટે આઇ લવ યુ છે જ! વાત એ નથી. વાત એ છે કે ડોબી હમણાં મારાથી રિસાઈને બેસી ગઈ છે. કેટલું સમજાવું છું છતાં માનતી જ નથી! મારી વાત સાંભળતી જ નથી. વાત જ નથી કરતી મારી સાથે.’ હિતાંશ બોલ્યે જતા હતા ત્યાં મારી બાજુમાં પડેલો ફોન રણક્યો.

‘હેલો, સર! હું દિવ્યાંશ વાત કરું છું!’ સામે છેડેથી જાત ઓળખાણ રજૂ થઈ.

‘જી, બોલો!’ મેં કહ્યું.

‘સર, પપ્પા તમારે ત્યાં આવ્યા છેને? આઇ મીન હિતાંશ વૈષ્ણવ?’ દિવ્યાંશે પૂછ્યું.

મેં કહ્યું, ‘હા, તમારા પપ્પા અહીં જ બેઠા છે. ફોન આપું તેમને?’

મેં પૂછ્યું, ‘ના ના સર, વાંધો નહીં. હું મારા દીકરા કૈરવને મોકલું છું. બસ, એક રિક્વેસ્ટ છે, તે નહીં આવવા માટે જીદ કરે તો પણ કૈરવ સાથે તેમને મોકલી આપજો. મહારાજ કહે છે કે વિધિ પ્રમાણે બ્રાહ્મણોને દાન તેમના હાથે જ અપાવવું પડે.’

‘દાન, બ્રાહ્મણોને? અરે, તમારે ત્યાં કોઈ પૂજા ચાલી રહી છે? હિતાંશભાઈ પૂજા છોડીને આવ્યા છે? સો સૉરી, હું હમણાં જ તેમને...’ મેં દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું.

‘જી, આજે મમ્મીના તેરમાનું શ્રાદ્ધ છે અને પપ્પાના હાથે જ દાન અપાવીએ તો...’ કહેતાં દિવ્યાંશનો અવાજ ભીનો થઈ ગયો.

‘શું તમારાં મમ્મી, મતલબ, હિતાંશભાઈનાં પત્ની? સો સૉરી ટુ હિઅર ધૅટ!’ મેં કહ્યુ.

‘ઇટ્સ ઑકે સર. મમ્મીના ગયા પછી પપ્પા ઘરમાં ટકતા જ નથી. જરા મોકો મળે કે બહાર ચાલી જાય છે.’

દિવ્યાંશની વાત સાંભળી મને શું કહેવું એ સમજાઈ નહોતું રહ્યું. છતાં મેં હિંમત કરી, ‘તમારાં મમ્મી એટલે...?’

‘જી, પન્નાબહેન વૈષ્ણવ.’ દિવ્યાંશે કહ્યું અને મારી નજર પેલા પીળા પડી ગયેલા કાગળોની ઘડી વાળી રહેલા હિતાંશ પર સ્થિર થઈ ગઈ.

(કાવ્યપંક્તિ સાભાર : પૂર્વી દેસાઈ)

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2025 12:38 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK