૭૭ વર્ષના રિટાયર થઈ ચૂકેલા આ કલાકારનાં તમામ શિલ્પોનાં શબને જોવાં હોય તો હોલૅન્ડમાં એનું એક્ઝિબિશન છે જે ૧૦ જુલાઈ સુધી ચાલવાનું છે
થીઓ જૅન્સન, હવાથી ચાલતાં, ઊડતાં ને નાચી ઊઠતાં શિલ્પો રચે છે આ ડચ આર્ટિસ્ટ
એન્જિનિયરિંગ અને આર્ટનો અનોખો સંગમ કરીને નેધરલૅન્ડ્સના થીઓ જૅન્સન નામના વૈજ્ઞાનિક કલાકારે PVC પાઇપ્સ, પ્લાસ્ટિકની બૉટલો અને ફૅબ્રિકની મદદથી એવાં સ્કલ્પ્ચર્સ બનાવ્યાં છે જે પવનની દિશામાં ચાલે, દોડે અને ઊડે છે. ત્રણ વર્ષ પહેલાં તેમણે છેલ્લે એક ઊડતું શિલ્પ બનાવ્યું હતું. ૭૭ વર્ષના રિટાયર થઈ ચૂકેલા આ કલાકારનાં તમામ શિલ્પોનાં શબને જોવાં હોય તો હોલૅન્ડમાં એનું એક્ઝિબિશન છે જે ૧૦ જુલાઈ સુધી ચાલવાનું છે
શિલ્પની વાત આવે એટલે પથ્થર, કાગળ, ચિનાઈ માટી, ધાતુ જેવાં મટીરિયલ જ યાદ આવે. હવે રીસાઇકલ્ડ મટીરિયલની બોલબાલા વધી છે ત્યારે પ્લાસ્ટિક, રૅપર્સ, પાઇપો જેવાં મટીરિયલથી પણ શિલ્પો બનવા લાગ્યાં છે. જોકે શિલ્પ તો હંમેશાં સ્થિર જ હોય એવી આપણી માન્યતા તોડવાનું કામ કરે છે નેધરલૅન્ડ્સના આર્ટિસ્ટ થીઓ જૅન્સન. ૧૯૪૮ની સાલમાં જન્મેલા આ કલાકાર માત્ર કલાના પૂજારી નથી, તેઓ વૈજ્ઞાનિક પણ છે. સાયન્સ અને ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનની સમજણને કલામાં તબદીલ કરવાની તેમની સૂઝ કાબિલેદાદ છે.
ADVERTISEMENT
નેધરલૅન્ડ્સના એક નાનકડા દરિયાકિનારાવાળા ગામમાં જન્મેલા થીઓમાં બાળપણથી જ કલાત્મક સૂઝ હતી, પરંતુ તેમને વિજ્ઞાનમાં પણ એટલો જ રસ પડતો. ઘરમાં કોઈ પણ નવું સાધન આવે તો સૌથી પહેલાં એને ખોલી નાખીને એમાં શું છે એ જોઈ નાખવાની જિજ્ઞાસા બાળપણથી જ હતી. વિજ્ઞાનના શિક્ષકોના એકદમ ચહીતા સ્ટુડન્ટે સ્કૂલકાળમાં જ પોતાના ઘરમાં નકામી ચીજો વાપરીને રોજબરોજનાં કામો સરળ થઈ જાય એવી અઢળક ચીજો બનાવી હતી. એ પછી ફિઝિક્સમાં ડિગ્રી મેળવવા માટે થીઓ ડેલ્ફ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીમાં ભણવા ગયા. જોકે કૉલેજકાળમાં અચાનક જ શું થયું કે તેમણે ભણતર અધૂરું મૂકી દીધું. તેમને અવનવી ચીજોના જુગાડ તૈયાર કરવામાં વધુ રસ પડતો હતો, ભણવામાં નહીં. ધીમે-ધીમે તેમની કલાત્મક બાજુ પણ આકાર લેવા માંડી. જોકે માત્ર આર્ટના આવિષ્કારો પણ તેમને સંતુષ્ટ નહોતા કરી શકતા.
ખૂબ આત્મવિશ્લેષણ કર્યા પછી તેમને કૉલેજના એ દિવસો યાદ આવ્યા જેમાં તેમણે આર્ટ અને ટેક્નૉલૉજી બન્નેનું મિશ્રણ કરીને કેટલાક પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા. આ દિવસો તેમણે ખૂબ જ એન્જૉય કરેલા. આ દરમ્યાન તેમણે ચાર મીટરની PVC પાઇપમાં હીલિયમ ભરીને ઊડતી રકાબીઓ તૈયાર કરેલી. એ સમયે આ રકાબીઓએ હોલૅન્ડમાં ભારે ચકચાર જગાવેલી. આર્ટ અને એન્જિનિયરિંગનું કૉમ્બિનેશન કરીને કંઈક અનોખું સર્જન કરવું છે એવા વિચાર સાથે તેઓ કલાકો સુધી બીચ પર પડ્યા રહેતા. એવામાં તેમણે જોયું એક દરિયાઈ પ્રાણી બીચની રેતીમાં ચાલી રહ્યું હતું, પરંતુ પવન એટલો જોરદાર હતો કે એ ઊલટી દિશામાં જ વારંવાર પાછું પડતું હતું. અજીબોગરીબ દેખાવ ધરાવતા આ પ્રાણીને જોઈને થીઓને વિચાર આવ્યો કે આવું જાયન્ટ બીચ ઍનિમલ બનાવીએ તો? બસ, એ વિચારને તેમણે અમલમાં મૂકી દીધો. જૂના પ્રોજેક્ટ માટે લાવેલી PVCની પાઇપો પડી હતી એમાંથી તેમણે વિચિત્ર દેખાવ ધરાવતા એક સ્કલ્પ્ચરની સંકલ્પના તૈયાર કરી. સ્મૉલ સાઇઝમાં એ વર્કેબલ લાગી એટલે તેમણે એક હરતું-ફરતું સ્કલ્પ્ચર બનાવવાનું શરૂ કર્યું. નામ આપ્યું સ્ટ્રૅન્ડબીસ્ટ. ડચ ભાષામાં એનો મતલબ થાય બીચ પર ફરતાં જાયન્ટ અને વિચિત્ર પ્રાણીઓ. થીઓએ વિવિધ સાઇઝ અને શેપની PVC પાઇપો, થોડીક પ્લાસ્ટિકની બૉટલ્સ અને હલકીફૂલકી પ્લાસ્ટિકની પ્લેટ્સમાંથી જાયન્ટ જાનવર જેવો શેપ તૈયાર કર્યો. આ જાનવરોના પગ એવા બનાવ્યા જે લિટરલી પ્રાણીઓના પગની સંરચનાને મળતા હોય. એને કારણે જ્યારે પાછળથી પવન આવે ત્યારે એ પગ પવનની દિશામાં આગળ વધવા લાગે અને જાણે ખરેખર ચોપગું કે છોપગું પ્રાણી ચાલતું હોય એવું જ લાગે. હા, થીઓનાં શિલ્પોમાં પ્રાણીઓને ચાર-છ નહીં, પચીસ-ત્રીસ પગ હોય છે જે પવનની દિશામાં એક રિધમમાં ચાલતા જોઈ શકાય એવા છે. બીજી તરફના પવનને રોકવા માટે તેમણે પાતળા કપડાનો ઉપયોગ કર્યો. જેમ સઢવાળી નૌકામાં સઢની દિશા સેટ કરીને નૌકાની દિશા બદલી શકાય એમ છે એવું જ આ શિલ્પોમાં છે. ૧૯૯૦ની સાલમાં થીઓનું પહેલું હરતુંફરતું શિલ્પ રજૂ થયું. એન્જિનિયરિંગ અને બાયોમિમિક્રીનું મિશ્રણ કરીને કુદરતી પવનનો ઉપયોગ કરીને શિલ્પો ચાલતાં હોય એવો આ વિશ્વમાં પહેલો પ્રયોગ હતો. એ પછી તો તેમણે લગભગ સેંકડો સ્ટ્રૅન્ડબીસ્ટ તૈયાર કર્યાં. જોકે એમાંથી માત્ર ૧૩ એવાં જાયન્ટ શિલ્પો હતાં જેમને વૈશ્વિક વાહવાહી પ્રાપ્ત થઈ છે. નવાઈની વાત એ છે કે આજે પણ આવી આર્ટનું ક્રીએશન કરી શકે એવો માઈનો લાલ હજી પાક્યો નથી.
થીઓ જૅન્સનનાં શિલ્પોનું એક્ઝિબિશન મોટા ભાગે દરિયાકાંઠે જ લાગે છે. જોકે એનો પણ ચોક્કસ સમય નથી હોતો, કેમ કે એ પવનની દિશા અને સમય પર નિર્ભર કરે છે. આ આર્ટ જોવા માટે દર્શકો પણ કલાકો સુધી બીચ પર એને હાલતુંચાલતું જોવા માટે બેસે છે. આ એક્ઝિબિશનનો સમય નક્કી કરવા માટે ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી એનું મુહૂર્ત કઢાવવું પડે છે.
છેક છેલ્લે ૨૦૨૧માં થીઓએ એક એવું પ્રાણી બનાવ્યું હતું જે ઊડે પણ છે. સમુદ્રની લહેરો પર આ જાયન્ટ ઍનિમલ સ્કલ્પ્ચર હવામાં ઊડે છે. અલબત્ત, એ ઊડીને ક્યાંક દૂર ન જતું રહે એ માટે એના ચોક્કસ છેડાઓને જમીન પાસે બાંધી રાખવામાં આવે છે. થીઓએ કપડાના સઢનો ઉપયોગ કરીને હવે ચાલતાં અને ઊડતાં શિલ્પોને પોતે ઇચ્છે એ દિશામાં ચાલતાં કરવામાં પણ સફળતા મેળવી છે.
અત્યારે ૭૭ વર્ષની વયે પણ થીઓદાદા કાર્યરત છે. હજીયે તેમનાં ઊડતાં શિલ્પોનું એક્ઝિબિશન દરિયાકાંઠે લાગે છે. જોકે જૂનાં શિલ્પો હવે તેમની ગોદામમાં પડ્યાં છે. થીઓ એને પણ સાચવી રાખવા માગે છે. જ્યાં એ શિલ્પો સચવાયેલાં છે એને કલાજગતે સ્કલ્પ્ચર મૉર્ચરી નામ આપ્યું છે. આ મૉર્ચરીનું એક્ઝિબિશન તાજેતરમાં હોલૅન્ડમાં ચાલી રહ્યું છે જે ૧૦ જુલાઈ સુધી ઓપન રહેશે.
થીઓનું કહેવું છે કે બીચ પર શિલ્પોને ચાલતાં અને નૃત્ય કરતાં દેખાડવાં હોય તો એમના દરેક પગની ડિઝાઇન વૈજ્ઞાનિક રીતે કરવી પડે. જેમ પ્રાણીના પગમાં હાડકાંને જોડતા સાંધા, ટિશ્યુઝ અને મસલ્સ હોય છે એવું જ આ શિલ્પોમાં પણ છે. પવનમાં એ વેરવિખેર થવાને બદલે જાણે સંગીતમય નૃત્ય કરતાં હોય એવું દેખાડવા માટે દરેક પગની સાઇઝ, એનું વજન, એને જોડતા સાંધાનું માન ફિઝિક્સના જટિલ નિયમોના આધારે નક્કી થાય છે. એ વિજ્ઞાન જ આ શિલ્પો પાછળની ખરી કળા છે.

