નવા બજેટમાં સરકારે ઇક્વિટી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સ સંબંધે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ માટેની મુક્તિમર્યાદા વધારીને ૧.૨૫ લાખ રૂપિયા કરી દીધી છે.
પ્રતીકાત્મક તસવીર
કરવેરો ઓછો ભરવો પડે એ માટે લોકોને ટૅક્સ હાર્વેસ્ટિંગ અને ખોટનું કૅરી ફૉર્વર્ડ એ બન્ને જોગવાઈઓ ઉપયોગી થાય છે. આજે એના વિશે વાત કરીશું.
ટૅક્સ હાર્વેસ્ટિંગ : ખોટમાં જઈ રહેલાં અથવા ઓછું વળતર આપી રહેલાં રોકાણો કાઢી લઈને ખોટ અંકે કરવી અને એ ખોટની સામે પોર્ટફોલિયોમાં બીજાં રોકાણોમાં થયેલો નફો મજરે લેવો એને ટૅક્સ હાર્વેસ્ટિંગ કહેવાય છે. અમુક રોકાણો ખોટમાં કાઢીને બીજે થયેલા નફાને એની સામે મજરે લેવાની પદ્ધતિ ઘણા લાંબા સમયથી પ્રચલિત છે. આ વાત એક ઉદાહરણ દ્વારા સમજીએઃ
ADVERTISEMENT
નવા બજેટમાં સરકારે ઇક્વિટી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સ સંબંધે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ માટેની મુક્તિમર્યાદા વધારીને ૧.૨૫ લાખ રૂપિયા કરી દીધી છે. એના આધારે કરવામાં આવતા ટૅક્સ હાર્વેસ્ટિંગને બે રોકાણકારોનાં ઉદાહરણ દ્વારા સમજીએઃ
રોહિતઃ રોહિતને એક નાણાકીય વર્ષમાં ઇક્વિટીમાં ૩ લાખ રૂપિયાનો નફો થયો છે, જે એણે અંકે કરી લીધો છે. આવકવેરાની જોગવાઈ મુજબ ૧.૨૫ લાખ સુધીના નફા પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ નહીં લાગે. બાકીના ૧.૭૫ લાખ પર ૧૨.૫ ટકા લેખે ટૅક્સ લાગશે. આમ રોહિતે ૧.૭૫ લાખના ૧૨.૫ ટકા એટલે કે ૨૧,૮૭૫ રૂપિયાનો કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવો પડશે. રોહિતે ટૅક્સ હાર્વેસ્ટિંગની રીત અપનાવી નથી.
રોહનઃ રોહન ટૅક્સ હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરે છે. તેના પોર્ટફોલિયોમાં પણ ત્રણ લાખ રૂપિયાનો નફો છે, પરંતુ તેણે એ પૂરેપૂરો અંકે કર્યો નથી. તેણે ફક્ત ૧.૨૫ લાખ જેટલી કરમુક્ત રકમ જેટલો જ નફો અંકે કર્યો છે. આ રીતે તેને કોઈ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગતો નથી.
હવે ખોટના કૅરી ફૉર્વર્ડની વાત કરીએ. કોઈ રોકાણમાં અથવા બિઝનેસમાં ખોટ જાય ત્યારે પોર્ટફોલિયોના કે બીજા નફાની તુલનાએ ખોટ વધારે હોય તો એક જ વર્ષમાં નફાની સામે ખોટ મજરે લીધા બાદ પણ નુકસાન થાય. આનું કારણ એ કે ખોટ વધારે છે. આથી આવકવેરા ધારામાં ખોટનું કૅરી ફૉર્વર્ડ આઠ વર્ષ સુધી કરવાની જોગવાઈ છે.
દા.ત. રોકાણકાર પુનીતને એક નાણાકીય વર્ષમાં ૧ લાખ રૂપિયાની ખોટ ગઈ છે. પુનીત આ ખોટને ભવિષ્યમાં થનારા નફાની સામે મજરે લેવા માટે એને કૅરી ફૉર્વર્ડ કરી શકે છે. આ રીતે કરપાત્ર આવક ઘટાડી શકાય છે.
આવકવેરા ધારા હેઠળ આ બાબતે બે સિદ્ધાંતો કામ કરે છેઃ (1) સેટ ઑફ અને (2) કૅરી ફૉર્વર્ડ.
સેટ ઑફઃ આ જોગવાઈ મુજબ વર્તમાન વર્ષના નફાની સામે વર્તમાન વર્ષની ખોટને મજરે લઈ શકાય છે. જોકે આ મજરે લેવા બાબતે કેટલાક નિશ્ચિત નિયમો છે. દા.ત. લૉન્ગ ટર્મ કૅપિટલ લૉસને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ સામે જ મજરે લઈ શકાય છે.
કૅરી ફોરવર્ડઃ જો વર્તમાન વર્ષની ખોટ નફા કરતાં વધારે હોય તો ખોટને આગલાં આઠ વર્ષો સુધી કૅરી ફૉર્વર્ડ કરી શકાય છે. આ લાભ મેળવવા માટે આવકવેરાનું રિટર્ન ભરવું ફરજિયાત હોય છે. જો રિટર્ન ભરવામાં આવે નહીં તો કૅરી ફૉર્વર્ડ કરવાનો અધિકાર જતો રહે છે.

