અમેરિકા પાસે જે B-2 બૉમ્બર્સ છે એ બનાવવામાં મુંબઈના નૌશીર ગોવાડિયાએ ભજવ્યો હતો મહત્ત્વનો ભાગ, જોકે કંપનીએ પ્રમોટર ન બનાવ્યો એટલે ટેક્નૉલૉજી ચીનને વેચી દીધી
નૌશીર શેરિયારજી ગોવાડિયા.
મુંબઈમાં જન્મેલા અને અત્યારે અમેરિકાની જેલમાં રાષ્ટ્રદ્રોહના ગુના હેઠળ સજા ભોગવતા નૌશીર ગોવાડિયાએ અમેરિકા જેવા દેશને જગત પર રાજ કરી શકાય એવું સ્ટેલ્થ બૉમ્બર વિકસાવવામાં મદદ કરી હતી. કમનસીબે આપણે આ બાબતે ગૌરવ લઈ શકીએ એમ નથી, કેમ કે આજે તેના પાપે જ ચીને પણ આવાં બૉમ્બર્સ બનાવ્યાં છે. અમેરિકા સાથે ગદ્દારી કરવા બદલ આજે અમેરિકામાં કાળી જેલની સજા કાપી રહેલા ૮૧ વર્ષના નૌશીર ગોવાડિયાએ શું કર્યું હતું એની કહાણી જાણીએ
નૌશીર શેરિયારજી ગોવાડિયા.
ADVERTISEMENT
આ નામ તમારા માટે નવું હોઈ શકે, અજાણ્યું હોઈ શકે પણ જો તમે અમેરિકાની ફેડરેશન બ્યુરો પાસે આ નામ બોલો તો તમને અડધી જ સેકન્ડમાં બધા કૉર્નર કરી લે અને જો તમે જવાબ આપવામાં ગેંગેંફેંફેં થઈ જાઓ તો તમને નૌશીર શેરિયારજી ગોવાડિયાની સાથે અમેરિકાની સૌથી ટાઇટ સિક્યૉરિટી ધરાવતી મિસુરીની MCFP સ્પ્રિંગફીલ્ડ જેલમાં મોકલી દે. હા, આ નૌશીર એ સ્તર પર ખતરનાક પુરવાર થઈ ગયો છે. આ મહાશયની ઉંમર ૮૧ વર્ષની છે અને તેને ૩૨ વર્ષની જેલ આપવામાં આવી છે. જેલમાં મોકલતાં પહેલાં નૌશીરની તમામ સંપત્તિ પણ અમેરિકાએ કબજે કરી લીધી છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે નૌશીરની જે સંપત્તિ અમેરિકાએ જપ્ત કરી એ અંદાજિત એક હજાર કરોડની હતી! આ આંકડાને તમે જો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો તમને ખબર પડે એ કેટલા લાખ કરોડ રૂપિયા થાય!
નૌશીર ભારતીય છે, પારસી છે. મુંબઈમાં જ ભણ્યો છે. નૌશીરે આ જે સંપત્તિ ઊભી કરી એ સંપત્તિમાંથી એંસી ટકા રકમ તેને ચાઇનાએ આપી છે, જેની સામે નૌશીરે ચાઇનાને સ્ટેલ્થ B-2 બૉમ્બર બનાવવાની ફૉર્મ્યુલા વેચી દીધી, એ ફૉર્મ્યુલા જે અમેરિકાને સાચા અર્થમાં જગત જમાદાર બનાવવાનું કામ કરી ચૂકી છે. યાદ કરો, પાંચેક દિવસ પહેલાંનો એ દિવસ જ્યારે અમેરિકાએ B-2 સ્ટેલ્થ બૉમ્બરની મદદથી ઈરાનમાં એ જગ્યાએ બૉમ્બાર્ડિંગ કર્યું જ્યાં પરમાણુ બૉમ્બ બનાવવાની સામગ્રી પડી હતી.
આ જે બૉમ્બર ફાઇટર એવા સ્ટેલ્થ B-2ની વાત કરીએ છીએ એ પ્લેન બનાવવાની ટેક્નૉલૉજી માત્ર ને માત્ર અમેરિકા પાસે હતી અને હવે એ ટેક્નૉલૉજી ચાઇના પાસે પણ છે. પારસી મહાશય નૌશીર ગોવાડિયાના પાપે. નૌશીર અને ચાઇના વચ્ચે કેવું ગઠબંધન થયું અને કઈ રીતે એ ગઠબંધન સામે આવ્યું એની વાત કરતાં પહેલાં જાણી લઈએ ચામાચીડિયા જેવા દેખાતા આ ફાઇટર પ્લેનની વિશેષતાની.
1,10,00,000
૨૦૦૫ની સાલ સુધીમાં નૌશીરે ચીનને ઇન્ફર્મેશન આપવાના બદલામાં આટલા ડૉલર કમાઈ લીધા હતા.
સ્ટેલ્થની ખાસિયત વિશે થોડું
જે ભારતીય રાતે સ્ટેલ્થ હવામાં ઊડ્યાં એ સમયે અમેરિકા સૌકોઈની સામે છાતી ફાડીને ઘમંડ કરવાની નીતિ ધરાવતું હતું પણ મનમાં ને મનમાં એને ખબર હતી કે આ જ ટેક્નૉલૉજી પર ચાઇના પણ આગળ વધી રહ્યું છે અને બહુ ઝડપથી સ્ટેલ્થ સામે એ જ ટેક્નૉલૉજીનાં ફાઇટર લઈને આવવાની તૈયારીમાં છે.
બાવન મીટર લાંબા સ્ટેલ્થનો લુક તમે જોશો તો ચામાચીડિયા જેવો છે. આવો લુક આપવાનું એક કારણ એ છે કે જેમ રાતે ચામાચીડિયાં દેખાતાં નથી એવી જ રીતે આ સ્ટેલ્થ પણ રડારમાં દેખાતાં નથી. હા, સાચું વાંચ્યું તમે. સ્ટેલ્થ દુનિયાનું એકમાત્ર (હવે કહો, પહેલવહેલું) ફાઇટર છે જે રડારમાં પકડાતું નથી અને એ રડાર પકડી નથી શકતું એટલે દુશ્મન દેશો પર અચૂક બ્રહ્માસ્ત્ર જેવી અસર ઊભી કરી જાય છે. તમે વિચારો, ઈરાનના આકાશમાં છેક ન્યુક્લિયર સ્પૉટ સુધી એ પહોંચી ગયું અને એ પછી પણ ઈરાનનાં રડાર ખાલીખમ બેસી રહ્યાં.
રડાર ઉપરાંત ઊડતા પ્લેનને પકડવાનું કામ હીટ-સેન્સર નામની ટેક્નૉલૉજી પણ કરે છે પણ સ્ટેલ્થ આ હીટ-સેન્સર ટેક્નૉલૉજીમાં પણ પકડાતું નથી. કોઈ દેશ ઇચ્છતો રહે કે દેશની સુરક્ષા માટે આ પ્રકારનું હથિયાર હાથમાં આવે પણ એ અસંભવ છે. અમેરિકા ઑલમોસ્ટ ચાર દસકાથી આ ટેક્નૉલૉજી પર કામ કરતું હતું અને એ પછી એને સ્ટેલ્થ નામની દુનિયાની આંખમાં અચરજ પાથરી દે એવી ટેક્નૉલૉજી મળી. સ્ટેલ્થની ડિઝાઇન અને એની ટેક્નૉલૉજી ડેવલપ કરવાનું કામ જે ટીમ કરતી હતી એ વીસ લોકોની ટીમમાં બહુ મહત્ત્વના સ્થાન પર ભારતીય મૂળની એક વ્યક્તિ પણ હતી. નામ તેનું નૌશીર ગોવાડિયા. આગળ કહ્યું એમ, નૌશીર અત્યારે જેલમાં છે અને તેને ૩૧ વર્ષની સજા થઈ છે. નૌશીરની ઉંમર જોઈને તેના પર લાગેલા આરોપોમાંથી ચાર આરોપોની સજા હજી ફરમાવવાની બાકી રાખવામાં આવી છે. ફેડરેશન બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI અને એની સાથે જોડાયેલા મેડિકલ એક્સપર્ટ્સનું માનવું છે કે પોતાની ૩૧ વર્ષની સજા ભોગવતાં પહેલાં જ નૌશીરનું રામનામ સત્ય થઈ જશે એટલે અન્ય સજાઓ અત્યારે સંભળાવવાની જરૂર નથી. આ અમેરિકન એજન્સીની ખાસિયત છે. અનેક આરોપીઓમાં એ સજા આ જ રીતે સંભળાવવાનું બાકી રાખી દે છે જેથી એ આરોપીને ધારે એટલો સમય તે પોતાના કબજામાં રાખી શકે. ઍનીવે, આપણો ટૉપિક નૌશીર છે.
આ નૌશીર છે કોણ?
ફરી પાછું માળું બેટું એનું એ જ.
તમને આવું થાય તો કહેવાનું કે આ નૌશીરની ઘણી વાતો હજી એવી છે જે તમને કહેવાની બાકી છે.
૧૯૪૪ની ૧૧ એપ્રિલે મુંબઈમાં જન્મેલા નૌશીર ગોવાડિયા ભણવામાં જબરદસ્ત જીનિયસ. કહે છે કે માત્ર ૧૭ વર્ષની ઉંમરે નૌશીરે વૉટર-સપ્લાય ટેક્નૉલૉજી પર PhD કરી લીધું હતું! નૌશીર તેનાં માબાપનું એકમાત્ર સંતાન, ભણવામાં હોશિયાર એટલે તેની ઇચ્છા પ્રમાણે પેરન્ટ્સે તેને અમેરિકા ભણવા માટે મોકલ્યો. નૌશીરે અમેરિકામાં ઍરોનૉટિકલ એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લીધું અને પછી તેણે ઍરોનૉટિકલમાં જ માસ્ટર્સ કર્યું. આ એ સમયની વાત છે જ્યારે અમેરિકા ઍરોસ્પેસના ફીલ્ડમાં લાખો-કરોડો ડૉલરનું રિસર્ચ કરતું હતું.
એજ્યુકેશન પૂરું કરી નૌશીર અમેરિકાની ઍરોસ્પસ અને અમેરિકાના ડિફેન્સ-કૉન્ટ્રૅક્ટમાં બહુ મોટું નામ ધરાવતી નૉર્થોપ કૉર્પોરેશનમાં કામે લાગ્યો. સાઠના ઊતરતા દશકની વાત છે જે સમયે અમેરિકા અને વિયેતનામ વચ્ચેનો જંગ પૂરો થયો હતો અને અમેરિકાની ઍરફોર્સે વિયેતનામ જેવા નાના દેશના હાથે કચકચાવીને ફડાકાઓ ખાધા હતા. આ વૉરમાં અમેરિકાએ પોતાનાં તેરસોથી વધુ ફાઇટર પ્લેન ગુમાવવા પડ્યાં હતાં તો ઑલમોસ્ટ એક હજારથી વધારે ઍરફોર્સ સ્ટાફ પણ ગુમાવ્યો હતો, જે તમારી જાણ ખાતર.
વિયેતનામમાં જે પ્રકારની હાલાકી ભોગવી એ પછી અમેરિકાએ નક્કી કર્યું હતું કે એવાં ખાસ પ્લેન પર કામ કરવું જે રડાર અને સેન્સરની પકડમાં ન આવતાં હોય. આ દિશામાં કામ તો અમેરિકાએ પહેલેથી જ કરી દીધું હતું પણ વિયેતનામની હાલાકી પછી અમેરિકાએ આ કામને પ્રાયોરિટી પર લઈ લીધું અને એ કામ માટે યોગ્ય કહેવાય એવા નૉર્થોપ કૉર્પોરેશનને એના રિસર્ચ અને ડેવલપમેન્ટની જવાબદારી સોંપવામાં આવી. આ એ જ કંપની જે કંપનીમાં પારસી નૌશીર ગોવાડિયા જોડાયેલો હતો.
બન્યો ટીમનો લીડર
રડાર કે સેન્સર પકડી ન શકે એ પ્રકારનું પ્લાન બનાવવાના રિસર્ચમાં લાગેલા નૉર્થોપ કૉર્પોરેશનમાં કામ કરતા નૌશીરની ટૅલન્ટ પારખી ગયેલી અમેરિકન કંપનીએ તેને આ પ્રોજેક્ટનો લીડર બનાવ્યો અને નૌશીર પણ ખંત સાથે દિવસ-રાત ભૂલીને પોતાના કામ પર લાગી ગયો. નૌશીર જે પ્રોજેક્ટ પર કામ કરતો હતો એ એટલો મહત્ત્વનો હતો કે તેને અમેરિકી ગવર્નમેન્ટે હાઈ સિક્યૉરિટી આપી હતી તો સાથોસાથ નૌશીરને હાઈ સિક્યૉરિટી ક્લિયરન્સ પણ આપ્યું હતું જેને લીધે નૌશીર અમેરિકન ઍરફોર્સના સૌથી ખાનગી અને અત્યંત અગત્યના કહેવાય એવા ડિપાર્ટમેન્ટમાં પણ સરળતાથી આંટાફેરા કરી શકતો. નૌશીર માટે એ જરૂરી પણ હતું. રડાર પ્લેન ન પકડે એ માટે તેણે અનેક મેટલ પર રિસર્ચ કરવાનું હતું તો એવાં જ ઘણાં બીજાં રિસર્ચ પણ કરવાનાં હતાં જે અમેરિકન ઍરફોર્સ માટે મહત્ત્વનું હતું.
પોતાના રિસર્ચ દરમ્યાન સ્ટેલ્થ માટે નૌશીરે એક વિશિષ્ટ કહેવાય એ પ્રકારની પ્રોપલ્સન સિસ્ટમ પણ બનાવી જે ઍરોસ્પેસ સાથે જોડાયેલા લોકો સરળતાથી સમજી શકશે. આ ટેક્નૉલૉજીને સાદી ભાષામાં સમજાવવાની હોય તો કહી શકાય કે એવી સિસ્ટમ, જેમાં એવી રડાર સિસ્ટમ હોય જેનાથી પ્લેનમાંથી નીચે બધું જોઈ શકાતું હોય, મૉનિટરિંગ થઈ શકતું હોય અને એ પછી પણ જમીન પર રહેલાં રડાર આ પ્લેનને જોઈ ન શકતાં હોય. આ જે પ્રોપલ્સન સિસ્ટમ ઊભી થઈ એ પછી જ નૉર્થોપ કૉર્પોરેશન અને અમેરિકન ગવર્નમેન્ટને પહેલી વાર આશા બંધાઈ કે આવું પ્લેન બનાવી શકાય છે.
પ્રોપલ્સન સિસ્ટમ ડેવલપ થયા પછી કંપની સ્ટેલ્થ ટેક્નૉલૉજી ડેવલપ કરવામાં લાગી ગઈ અને સમય જતાં B-2 બૉમ્બર એવું સ્ટેલ્થની ડિઝાઇન અને ટેક્નૉલૉજી બન્ને તૈયાર થઈ ગયાં. આખી વાર્તાની શરૂઆત અહીંથી થાય છે.
નૌશીર ગોવાડિયાએ શોધેલી ટેક્નૉલૉજીનું જ આ એક્સપાન્શન હતું એટલે સ્વાભાવિક રીતે તેને વાહવાહી જબરદસ્ત મળી તો તેને કંપનીમાં પ્રમોશન પણ ખાસ્સું મોટું મળ્યું, પણ નૌશીરના મનમાં હતું એવું થયું નહીં!
હવે તમે આવો સામે...
નૌશીરના મનમાં ક્લિયર હતું કે કંપની તેને માત્ર બહુમાન કે પ્રમોશન આપવાનું કામ તો કરશે જ કરશે પણ સાથોસાથ તેને કંપનીના બોર્ડ પર લઈ તેને પ્રમોટર બનાવશે, પણ એવું થયું નહીં અને અપેક્ષા પૂરી ન થઈ એટલે નૌશીરે નક્કી કર્યું કે હવે તે નૉર્થોપ સાથે કામ નહીં કરે.
૧૯૮૬ની સાલમાં ટર્નિંગ પૉઇન્ટ
નૌશીરે નૉર્થોપ કૉર્પોરેશન છોડી પોતાની ઍર-ડિફેન્સ કન્સલ્ટિંગ કંપની શરૂ કરી પણ માણસનાં નસીબ ખરાબ હોય ત્યારે જ તેને આ પ્રકારના ઉંબાડિયા લેવાનું સૂઝે. નૌશીર સાથે એવું જ થયું હતું. પોતાની કંપની શરૂ કર્યાના એક જ વર્ષમાં નૌશીરને દુર્લભ કહેવાય એવી લોહીની બીમારી લાગુ પડી અને નૌશીરે લાંબો સમય બ્રેક લેવો પડ્યો. હેલ્થની મૅટરમાંથી તે બહાર હજી તો આવ્યો, કામ શરૂ કર્યું અને ત્યાં જ તેની કંપનીને એક પ્રાઇવેટ કંપની સાથે વિવાદ થતાં આખી કંપનીનો વહીવટ જેના એકના કારોબારથી ચાલી જતો હતો એ કૉન્ટ્રૅક્ટ કંપનીએ રદ કર્યો. એ પ્રાઇવેટ ઍરલાઇન્સ કંપની હતી. નૌશીરનો કૉન્ટ્રૅક્ટ રદ થયો એ વાત રાતોરાત અમેરિકી ઍરલાઇન્સમાં પ્રસરી ગઈ અને નોશીરનું નામ ખરાબ થયું.
આ એ અરસાની વાત જે અરસામાં નૌશીર અમેરિકાના હવાઈ આઇલૅન્ડના એક આલીશાન પર્વત પર બે એકરમાં પથરાયેલી વિલા લીધી અને પોતાની ઑફિસ પણ તેણે ત્યાં શિફ્ટ કરી. ક્ષમતા બહારના તેના આ ખર્ચને કારણે સિચુએશન એવી ઊભી થઈ કે નૌશીર સમયસર બૅન્કના હપ્તા ન ચૂકવી શકે તો ગામમાં આબરૂ જાય.
કહેવત છેને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બસ, આવું જ થયું નૌશીરની લાઇફમાં અને પૈસાએ નૌશીરના મનમાં લાલચ પાથરી દીધી.
ચાઇના જ નહીં, દુનિયાના મોટા ભાગના દેશો પોતાના જાસૂસ હરીફ કે પછી દુશ્મન દેશોમાં રાખતા હોય છે. આ જ જાસૂસ અને સીક્રેટ એજન્સી દ્વારા નૌશીર વિશે ચાઇના સુધી માહિતી પહોંચી હતી અને ચાઇનાનું ધ્યાન નૌશીર પર લાંબા સમયથી હતું. નૉર્થોપ છોડ્યા પછી તો ચાઇનાની આ નજર નૌશીર પર વધારે શાર્પ થઈ ગઈ હતી. દેવાળિયા થવાની તૈયારીમાં આવી ગયેલા નૌશીરનો કૉન્ટૅક્ટ ચાઇનાના એજન્ટોએ કર્યો. ફેડરેશન બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના કહેવા મુજબ બહુ મોટી રકમની લાલચ સાથે નૌશીર સાથે મીટિંગ કરવામાં આવી અને તેને ચાઇના આવવાનું નિમંત્રણ મળ્યું. FBI કહે છે કે નૌશીરે ચાઇના જવાનું હતું, પણ તેણે સીધા અમેરિકાથી ચાઇના નહોતું જવાનું એટલે તે ત્રણ દેશમાં ફરીને પછી ત્યાંથી ચાઇના ગયો.
નૌશીર ચાઇનાનાં કુલ છ શહેરમાં રહ્યો અને પછી ફરીથી તે અલગ-અલગ દેશોમાં ફરતો અમેરિકા પરત ગયો. એ પછી તો નૌશીર માટે આ એક રૂટીન બની ગયું હોય એમ તે વારંવાર ચાઇના જવા લાગ્યો.
ચૂપકેથી બૉમ્બ ફેંકી રહેલું B-2 સ્ટેલ્થ બૉમ્બર.
ધ્યાનમાં કેવી રીતે આવ્યો?
બહુ વિચિત્ર રીતે નૌશીર ગોવાડિયાની આ હરકતો FBIની નજરમાં આવી.
બન્યું એમાં એવું કે નૌશીરે ૨૦૦૨ના વર્ષમાં પોતાના ઘરનું રિનોવેશન કરાવ્યું અને એની માટેનું ઇન્ટીરિયર ચાઇનાથી ખરીદ્યું. અહીં સુધી બધું બરાબર હતું પણ ઇન્ટીરિયરનું કન્ટેનર આવ્યા પછી પહેલાં હવાઈ અને એ પછી અમેરિકન પોલીસની નજર એના પર ગઈ અને એણે અંદરખાને તપાસ શરૂ કરી, જેમાં FBI પણ જોડાઈ.
અમેરિકા પર કોઈ પણ દેશને માન વધી જાય એ તમે જુઓ.
નૌશીર ગોવાડિયા પર નજર પડી, શંકા દૃઢ થઈ અને એ પછી બારસોથી વધારે એજન્ટો નૌશીર પર કામે લાગ્યા. આખી ઇન્ક્વાયરી અને છેક ચાઇના સુધી નૌશીરના તાર અડ્યા છે એ શોધવામાં FBIને અઢી વર્ષ જેટલો સમય લાગ્યો.
૨૦૦પની ૧૩ ફેબ્રુઆરીના દિવસે નૌશીર ગોવાડિયાના હવાઈના ઘરે FBI, કસ્ટમ્સ અને ઍરફોર્સની કરપ્શન ટીમ સહિત અમેરિકાની કુલ પાંચ એજન્સીએ રેઇડ પાડી, જેમાં શંકાસ્પદ દસ્તાવેજ તરીકે પાંચસો પાઉન્ડ વજનનાં પેપર્સ, ૪૦ બૉક્સ ભરીને ફાઇલો, છ કમ્પ્યુટર અને સિત્તેર હાર્ડ ડ્રાઇવ કબજે લેવામાં આવી.
દરોડામાં પકડાયેલી આ તમામ ચીજવસ્તુઓનું પોસ્ટમૉર્ટમ કરવામાં તેર દિવસ લાગ્યા અને એ બધું ચેક કરવામાં ત્રણસોથી વધુનો સ્ટાફ બેઠો હતો. ફાઇનલી, મનમાં જે ધારણા હતી એ જ નીકળ્યું. નૌશીર ગોવાડિયા અમેરિકન ઍરફોર્સની અંદરની માહિતી ચાઇનાને આપતો હતો, જેના માટે તેની ૨૬ ઑક્ટોબરે એટલે કે રેઇડ પડ્યાના તેર દિવસ પછી અરેસ્ટ કરવામાં આવી.
જૂઠ બોલે કૌઆ કાટે...
નૌશીરની માસ્ટરી જુઓ. ઇન્ક્વાયરી દરમ્યાન તેણે અનેક વાતો સ્વીકારી પણ એ વાતનો સ્વીકાર નહોતો કર્યો જેની માટે તેની અરેસ્ટ કરવામાં આવી હતી. એ વાત હતી સ્ટેલ્થ બૉમ્બર પ્લેન. અફકોર્સ, કોર્ટે પણ નૌશીરનો નનૈયો સ્વીકાર્યો નહીં અને તેને ૩૧ વર્ષની સજા ફટકારી. રાષ્ટ્રની ગુપ્ત માહિતી અન્ય દેશ સાથે શૅર કરવાનો ગુનો તો નૌશીર પર લગાડવામાં આવ્યો જ હતો પણ એની સાથોસાથ નૌશીર પર બીજા પણ સત્તર કેસ લાગુ કરવામાં આવ્યા હતા. બીજા કેસ કયા હતા એના કરતાં મહત્ત્વની વાત એ છે કે અમેરિકાને ખબર ક્યારે પડી કે નૌશીરે અમેરિકાની વર્ષોની મહેનત પછી તૈયાર થયેલા સ્ટેલ્થની માહિતી પણ લીક કરી છે?
અમેરિકાએ બનાવ્યું છે ડિટ્ટો એવું જ સ્ટેલ્થ બૉમ્બર ગયા મહિનાની ૧પમી તારીખે ચીનના ઝિજિયાંગ પાસે આવેલા માલન સીક્રેટ ટેસ્ટિંગ બેઝ પર લૅન્ડ થયેલું મીડિયા રિપોર્ટમાં આવ્યું. એ પ્લેન અદ્દલોઅદ્દલ અમેરિકી સ્ટેલ્થ જેવું જ હતું એટલે અમેરિકાએ તરત કોર્ટને એના વિશે જાણ કરી અને ૮૧ વર્ષના બુઢ્ઢા નૌશીરે કબૂલ કર્યું કે રડાર અને હીટ-સેન્સરમાં ન પકડાય એવા ફાઇટર પ્લેનની ટેક્નૉલૉજી તેણે ચીન સાથે શૅર કરી છે. અફકોર્સ, એ કલમ હેઠળ તેના પર કેસ ચાલી ગયો હતો અને સજા પણ આ જ કારણસર મળી હતી એટલે એમાં વધારો તો ન થઈ શક્યો પણ હા, નૌશીર પર કોર્ટ સમક્ષ ખોટું બોલી કોર્ટનો સમય બરબાદ કરવાનો નવો ગુનો લાગુ કરવામાં આવ્યો. જોકે નૌશીરની પત્ની ચેરીલ અને તેમનો દીકરો ઍશ્ટન તો એ જ કહે છે કે નૌશીરને ફસાવવામાં આવ્યો છે. અલબત, તેમની પાસે નૌશીરની નિર્દોષતાના કોઈ નક્કર પુરાવા નથી અને એટલે જ તેમને કોર્ટમાં સાંભળવામાં સુધ્ધાં નહોતાં આવ્યાં.
નૌશીરે ચીનની સફર છ વખત કરી અને દરેક વખત તેણે એ સફર અન્ય દેશોમાં જઈને કરી હતી. FBIનું માનવું છે કે નૌશીરે માત્ર ચીન જ નહીં પણ જર્મની અને ઇઝરાયલને પણ અમેરિકાની ગુપ્ત માહિતી શૅર કરી છે. નૌશીરને ચીન પાસેથી ૧૧ લાખ અમેરિકી ડૉલરનું ઑફિશ્યલ પેમેન્ટ મળ્યું હતું. FBIનું માનવું છે કે આ પેમેન્ટ કરોડો અમેરિકી ડૉલરમાં થયું છે અને નૌશીરે એ ફન્ડ સ્વિટ્ઝરલૅન્ડમાં શિફ્ટ કર્યું છે. મજાની વાત એ છે કે નૌશીર સ્વિટ્ઝરલૅન્ડ પણ આઠ વખત જઈ આવ્યો છે અને ત્યાં પણ તેની પાસે આલીશાન વિલા છે.
કહેવાનું માત્ર એટલું, અમેરિકન સ્ટેલ્થ જોઈને ઉત્સાહી થયા હો તો હવે જ્યારે ચાઇનાનું સ્ટેલ્થ જુઓ ત્યારે ઉત્સાહી થવાને બદલે દૂધમાં ભળેલી સાકરની જેમ ચાઇનામાં ભળી ગયેલા નૌશીર ગોવાડિયાને યાદ કરજો.

