ઇન્ફ્લુઅન્સર દ્વારા પોસ્ટ કરાયેલી ખાસિયતો ધરાવતું એક ક્રેડિટ કાર્ડ લઈ લીધું. વાસ્તવમાં તેને ક્રેડિટ કાર્ડની જરૂર જ નહોતી. વળી એ ક્રેડિટ કાર્ડ પર શરૂઆતમાં અમુક લાઉન્જમાં નિઃશુલ્ક પ્રવેશની સુવિધા હતી
પ્રતીકાત્મક તસવીર
આજકાલ સોશ્યલ મીડિયામાં ઘણા ઇન્ફ્લુઅન્સર્સ રોકાણ માટેના અનેક વિકલ્પો દર્શાવતા હોય છે. ઇન્ફ્લુઅન્સર્સ જે કહે એ સાચું માની લેવામાં ઘણું મોટું જોખમ રહેલું છે. આવા જ એક જોખમનો ભોગ બન્યાં મીનાબહેન. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીમાના એક પ્લાન વિશેની રીલ જોઈ અને એ પ્લાન ખરીદી લીધો. પછીથી તેમને ખબર પડી કે આ પ્લાન તેમના જીવનનાં નાણાકીય લક્ષ્યોને અનુરૂપ નથી.
આવું જ કંઈક રોહિત સાથે બન્યું. તેણે ઇન્ફ્લુઅન્સર દ્વારા પોસ્ટ કરાયેલી ખાસિયતો ધરાવતું એક ક્રેડિટ કાર્ડ લઈ લીધું. વાસ્તવમાં તેને ક્રેડિટ કાર્ડની જરૂર જ નહોતી. વળી એ ક્રેડિટ કાર્ડ પર શરૂઆતમાં અમુક લાઉન્જમાં નિઃશુલ્ક પ્રવેશની સુવિધા હતી, જે કાળાંતરે બંધ થઈ ગઈ અને એ કાર્ડ રોહિતના ગળામાં ભરાઈ ગયું.
ADVERTISEMENT
ઇન્ફ્લુઅન્સર્સ એટલીબધી વસ્તુઓના પ્રચાર-પ્રસાર કરે છે કે એમાં સાચા-ખોટાનો ભેદ પારખવાનું ઘણું મુશ્કેલ હોય છે. ‘પીળું એટલું સોનું નહીં’ એ કહેવત અહીં યાદ આવે છે.
એક અંદાજ મુજબ ૨૦૨૬ સુધીમાં ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગ ઉદ્યોગનું મૂલ્ય વધીને ૩૩૭૫ કરોડ રૂપિયા થઈ જશે. આમ ઇન્ફ્લુઅન્સર્સ ઘણી મોટી કમાણી કરશે, પરંતુ તેમના દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરનાર કોઈ હોતું નથી.
નાણાકીય બાબતો અને આરોગ્ય એ બન્ને માટે ઇન્ફ્લુઅન્સર્સની ઘણીબધી પોસ્ટ જોવા મળે છે. ખરેખર તો નાણાકીય નિર્ણયો કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને નહીં પણ પોતાનાં નાણાકીય લક્ષ્યોના આધારે લેવાના હોય. એ નિર્ણયો ઉતાવળે પણ લેવાના હોતા નથી.
વગર વિચાર્યે લેવાયેલા નિર્ણયો ફેરવી તોળાયા હોય એવું પણ બન્યું છે. દા.ત. ૨૦૨૩માં ૬૦ લાખ નવાં SIP (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં પરંતુ છથી બાર મહિનાની અંદર એમાંથી ઘણી મોટી સંખ્યામાં અકાઉન્ટ્સ બંધ કરી દેવાયાં હતાં.
નાણાકીય નિર્ણયો નિષ્ણાતનું માર્ગદર્શન જરૂરી છે. રોકાણ કરવા માટે ટૂંકા અને લાંબા ગાળા અર્થેનાં અનેક સાધનો-વિકલ્પો હોય છે, જેના વિશે નિષ્ણાતો પાસે પૂરતી જાણકારી હોય છે. તેઓ તટસ્થ રીતે નિર્ણય લેવામાં મદદરૂપ થતા હોય છે.
ઇન્ફ્લુઅન્સર્સ કોઈ એક વ્યક્તિ માટે નહીં, પરંતુ સર્વસામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને માહિતી આપતા હોય છે. વાસ્તવમાં દરેક વ્યક્તિ-પરિવારની પોતપોતાની જરૂરિયાતો-લક્ષ્યો હોય છે, જેના વિશે અંગત ધોરણે માહિતી-માર્ગદર્શન જરૂરી હોય છે.
નાણાકીય નિષ્ણાતો નિયમન હેઠળ કામ કરનારા હોય છે અને તેથી જ તેઓ જવાબદારીપૂર્વક સેવાઓ પૂરી પાડે છે. તેમણે પોતાની પાસે સલાહ લેનાર રોકાણકારનું હિત સાચવવાનું હોય છે. એનાથી વિપરીત, ઇન્ફ્લુઅન્સર્સ સંબંધિત વિષયના નિષ્ણાત ન હોય એવું પણ બને. વળી તેમની કોઈ દેખીતી જવાબદારી હોતી નથી. હાલ તેઓ કોઈ નિયમન હેઠળ આવરી લેવાયા નથી, જ્યારે વિવિધ પ્રકારના નાણાકીય નિષ્ણાતો નિયમન હેઠળ આવતા હોય છે.
છેલ્લે એટલું જ કહેવાનું કે આ જમાનામાં ‘સુનના સબકી, કરના અપની’ જેવો અભિગમ રાખવામાં જ સાર છે.

