આજકાલ ઝૂમ (ZOOM) શબ્દ બહુ ચલણમાં છે. એનું કારણ છે મોબાઇલ ફોનના ફોટો અને એને જોવા માટે મોબાઇલ સ્ક્રીનને ઝૂમ કરવાની સુવિધા
પ્રતીકાત્મક તસવીર
આજકાલ ઝૂમ (ZOOM) શબ્દ બહુ ચલણમાં છે. એનું કારણ છે મોબાઇલ ફોનના ફોટો અને એને જોવા માટે મોબાઇલ સ્ક્રીનને ઝૂમ કરવાની સુવિધા. ઝૂમ કરવાથી તસવીર વધુ મોટી, વધુ બારીકાઈથી અને વધુ સ્પષ્ટ દેખાય છે. તમને થશે કે આમાં નવી વાત શું છે? કૅમેરા હોય એટલે ઝૂમ હોય.
ચાલો, નવી વાત કરીએ. આપણે બીજા માણસોની કે ઘટનાની તસવીરોને ઝૂમ કરીને જોવા ટેવાઈ ગયા છીએ; પરંતુ આપણી આસપાસ જીવતા, સાક્ષાત્ આપણી સામે કે સાથે રહેતા માણસોને ઝૂમ કરીને જોઈએ છીએ ખરા? વાસ્તવમાં આપણે સામે કે સાથેના માણસોને ઝૂમ કરીને જોવાને બદલે મોટા ભાગે તેઓ કેવા દેખાય છે એ ઉપરછલ્લું જોઈએ છીએ અને તેમના વિશે મત બાંધી લઈએ છીએ. વાત માત્ર માણસોની નથી. આપણે આસપાસની ઘટનાઓને પણ ઉપરછલ્લી જોઈને એને મૂલવી લઈએ છીએ, એને ઝૂમ કરીને એની બારીકીમાં જતા નથી.
ADVERTISEMENT
અલબત્ત, દરેક માણસને કે ઘટનાને ઝૂમ કરીને જોવાની જરૂર પણ નથી; પરંતુ આપણા
જીવન સાથે સંબંધ ધરાવતા લોકોને, સંબંધિત ઘટનાઓને તો ઝૂમ કરીને જોવી જ જોઈએ. આમ કરવાથી જ આપણે સાચું અને ન્યાયી અર્થઘટન કરી શકીએ.
આપણા સ્વજનો હોય કે પ્રિયજનો, મિત્રો હોય કે શત્રુઓ, આપણે મોટા ભાગે દરેકને નજીકથી ભલે જોતા હોઈએ; પણ જોવાની દૃષ્ટિ સીમિત–મર્યાદિત રહે છે, કારણ કે ઘણી વાર બહુ નજીક રહેતી વ્યક્તિ ઘર કી મુરગી દાલ બરાબર જેવી હોય છે. આપણે તેમને ટેકન ફૉર ગ્રાન્ટેડ કરતા રહીએ છીએ એમાં તેમને સમજવાનું ચૂકી જઈએ છીએ એટલું જ નહીં, તેમના વિશે ગેરસમજ કરી તેમને જાણતાં-અજાણતાં અન્યાય પણ કરી દઈએ છીએ. આ જ બાબત આપણી સાથે કામ કરતા સહયોગી-સાથી કર્મચારીઓ માટે, આપણા પાડોશીઓ-સગાંસંબંધીઓ માટે પણ લાગુ પડે છે. અરે, બીજાઓ તો છોડો, આપણે ખુદને પણ ઝૂમ કરીને જોતા નથી અર્થાત્ બારીકાઈથી જોતા નથી, આપણી ભીતર ઊતરીને જોવાની વાત તો બહુ દૂરની રહી.
આપણે ખુદને ઝૂમ કરીને જોવાનું શરૂ કરીએ તો પણ ઘણી એવી વાતો આપણને આપણા વિશે જાણવા મળે જે અત્યાર સુધી માત્ર ઉપરછલ્લું જોવાથી ખબર નહોતી અથવા એના પ્રત્યે ધ્યાન જતું જ નહોતું.
જીવનમાં ઊંડાણ અને બારીકીથી જોવાની દૃષ્ટિ જરૂરી હોવાનો અર્થ બહુ ગંભીર થઈ જવાનો નથી, બલ્કે જાગ્રત થવાનો અને રહેવાનો છે. પોતાને બારીકીથી જોવાથી પોતાના ગુણદોષ જોઈ-સમજી શકાય, અન્યોના દોષો જોઈને ટીકા કરતાં પહેલાં પોતે કેવા છે એનો અહેસાસ થાય.
આત્મનિરીક્ષણ જીવનની આંતરશુદ્ધિ માટે આવશ્યક છે. આપણી દૃષ્ટિ સંકુચિત ન રહીને વિશાળ તેમ જ ગહન બને એ માટે ખુદના જીવનને ઝૂમ કરીને જોવાનું શીખીએ તો જીવનમાં સુપરિવર્તન આવી શકે.

