દીકરીના જન્મ બાદ પતિ સંસારની મોહમાયા છોડીને સાધુજીવન જીવવા લાગ્યા હોવાથી ઉષા ગોરે એકલા હાથે તેનો ઉછેર કર્યો એટલું જ નહીં, છેલ્લા પાંચ દાયકાથી તેઓ સમાજ સ્તરે મહિલામંડળ ચલાવે છે અને ૯૦ વર્ષની ઉંમરે પણ પ્રવૃત્ત છે
ઉષાબહેન
જીવન કોઈને સુખના માર્ગે લઈ જાય છે તો કોઈને સંઘર્ષના રસ્તે, પણ કેટલાક એવા લોકો હોય છે જેઓ બન્ને માર્ગોને અનુભવ તરીકે માણે છે. બોરીવલીમાં રહેતાં ૯૦ વર્ષનાં ઉષા ગોર એવું વ્યક્તિત્વ છે જેમના માટે પડકારો મુશ્કેલ નહોતા, પણ પોતાને ઘડવાની તક હતી. નાની ઉંમરમાં દીકરીના જન્મ પછી પતિ સાધુજીવન તરફ વળી જાય ત્યારે પત્નીના જીવનમાં ખાલીપો સર્જાય, પણ ઉષાબહેને ત્યાંથી પોતાની જર્ની ફરી શરૂ કરી. પોતાની કરીઅર રીસ્ટાર્ટ કરવી હોય કે દીકરીનો ઉછેર કરવો હોય - ઉષાબહેને બધાં કાર્યો પૂર્ણ નિષ્ઠાથી કર્યાં છે. એની સાથે છેલ્લાં ૫૦ વર્ષથી તેઓ તેમના સમાજમાં મહિલામંડળનું સંચાલન કરે છે અને આજની તારીખે પણ કાર્યરત છે. તેમનું જીવન એ વાતનો પુરાવો છે કે જીવનનું સૌંદર્ય વિસ્તાર અને વૃત્તિમાં ખીલે છે.
અસાધારણ વૈવાહિક જીવન
ADVERTISEMENT
મૂળ સાબરકાંઠા જિલ્લાનાં ઉષાબહેનનો જન્મ ગુલામીના સમયમાં થયો હતો. તેમના પિતા મૅટ્રિક પાસ થયા હોવાથી બાકી ફૅમિલી કરતાં ઉષાબહેનની ફૅમિલી થોડી ઓપન-માઇન્ડેડ હતી અને આ જ કારણથી તેઓ ચોથા ધોરણ સુધીની શિક્ષા પ્રાપ્ત કરી શક્યાં હતાં. ઉષાબહેન કહે છે, ‘મારાં ૧૪ વર્ષ પૂરાં થયાં અને પંદરમું બેઠું ત્યાં તો મારાં લગ્ન હસમુખ ગોર સાથે નક્કી થઈ ગયાં. આ ઉંમરમાં લગ્ન શું? જવાબદારી શું? લાઇફ-પાર્ટનર શું? કંઈ જ ખબર પડે નહીં. મારું સાસરું હિંમતનગરમાં હતું. મારા પિયર કરતાં સાસરું વધુ રૂઢિચુસ્ત હતું. હું પરણી ત્યારે મારા હસબન્ડ ભણતા હતા. તેમણે મૅટ્રિક પાસ કરીને ટીચરની સારી જૉબ મેળવી હતી. એ સમયે મારી તબિયત સારી ન હોવાથી મારા બાપુજી મને મુંબઈ લઈ આવ્યા. ભણી-ગણીને સારી જૉબ મેળવવા તેઓ મુંબઈ આવ્યા હતા અને સેટલ થયા હતા તો હું બોરીવલી આવી અને મેં પણ મૅટ્રિક માટે ઝંપલાવ્યું. ચાર ચોપડી ભણ્યા બાદ મૅટ્રિક કરવું અઘરું હતું, પણ દિવસ-રાત મહેનત કરીને હું પાસ થઈ ગઈ. એક વર્ષ પ્રાઇવેટમાં અને બે વર્ષ પાલિકા અંતર્ગત આવતી ભુલેશ્વર સ્કૂલમાં મેં ટીચરની જૉબ કરી હતી. પછી મારા હસબન્ડે મને સાસરે તેડાવી હોવાથી મારી જૉબ છૂટી ગઈ અને મારા ઘરે દીકરીનો જન્મ થયો. મારી દીકરી મીતા એક વર્ષની થઈ ત્યારે મારા હસબન્ડે નોકરી છોડી દીધી અને અધ્યાત્મનો માર્ગ અપનાવી સાંસારિક જીવન છોડીને સાધુજીવન અપનાવ્યું. તેમણે થોડો-થોડો કરીને ઘરપરિવારમાંથી રસ ઓછો કરી નાખ્યો હતો અને એક દિવસ મને કહ્યું કે તું મીતાને લઈને મોટા ભાઈના ઘરે જા, હું મુંબઈ આવીશ તને લેવા. તેઓ રેલવે-સ્ટેશને મૂકવા પણ આવ્યા હતા, પણ પછી અમને લેવા આવ્યા જ નહીં. પછી તપાસ કરતાં ખબર પડી કે તેઓ ઘરસંસારનો ત્યાગ કરીને બીજા ગામે જતા રહ્યા હતા. તેઓ તેમના શિષ્યો સાથે રહેતા અને જે દિક્ષણા મળે એમાંથી જીવનનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સાધુની જેમ ભગવાધારી નહોતા બન્યા અને તેમણે નામ પણ બદલ્યું નહોતું. શિષ્યો તેમને સાહેબ તરીકે સંબોધતા, કારણ કે તેઓ સ્કૂલમાં ટીચર તરીકે કાર્યરત હતા. તેઓ બધાની જેમ સાદાં કપડાંમાં જ જીવન વ્યતીત કરતા હતા.’
જીવનનો આ વળાંક કોઈ સ્ત્રીએ સપનામાં પણ ધાર્યો નહીં હોય એમ જણાવીને ઉષાબહેન કહે છે, ‘પરિવાર તરફથી મને પૂછવામાં પણ આવ્યું હતું કે મારે મારા પતિ સાથે રહેવું છે કે તેમના વગર જ જીવન વ્યતીત કરવું છે? ત્યારે મેં એકલા જીવવાનું પસંદ કર્યું. મારી દીકરી ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા હસબન્ડ મને મળવા આવ્યા હતા, પણ કુદરતને જ નામંજૂર હોય એમ લાગ્યું હતું. એ વખતે હું ઘરે નહોતી, પણ મીતા હતી. પાડોશી તો તેમને ઓળખતા જ હતા. તેથી મારી દીકરીની ઓળખાણ કરાવી અને તેણે તેના પપ્પાને આખું ઘર દેખાડ્યું. એ વખતે હું જૉબ પર હતી.’
મહિના પછી ફરીથી આવ્યા ત્યારે મારી બોરીવલીમાં ટ્રાન્સફર થઈ, પણ મેળાપ નસીબમાં ન હોય એમ અમે મળી શક્યાં નહીં એમ જણાવીને વધુમાં ઉષાબહેન કહે છે, ‘પછી તેમનું બીમારીને લીધે અવસાન થઈ ગયું. એ સમયે મીતા પરણી ગઈ હતી. એમાં પણ થયું એવું કે જે હૉસ્પિટલમાં તેઓ ઍડ્મિટ હતા એ રૂમ આજે પણ બંધ રાખવામાં આવી છે, કારણ કે ડૉક્ટરને તેમનામાં દિવ્ય શક્તિ દેખાઈ હતી. આજની તારીખે અમારા ગામની આસપાસ તેમના શિષ્યોએ ત્રણ મંદિર બનાવ્યાં છે. અહીં આવતા લોકોને એક પણ રૂપિયો ચઢાવવાની મનાઈ કરવામાં આવી છે. મને મારા પતિ પર પહેલેથી જ ગુસ્સો કે નારાજી નહોતી અને હજી પણ નથી. આજની ઘડીએ પણ ગર્વ થાય છે તેમની વાતો સાંભળીને અને સંભળાવીને.’
બીજી ઇનિંગ્સની શરૂઆત
આજની તુલનામાં પહેલાંના સમયમાં સ્ત્રીઓનું જીવન કપરું હતું. પરિણીત પણ એકલી સ્ત્રીને સમાજનો હિસ્સો બનાવવી ગમતી નહોતી એમ જણાવીને વાતનો દોર આગળ વધારતાં ઉષાબહેન કહે છે, ‘મારા માટે લાઇફ બહુ જ અનપ્રેડિક્ટેબલ રહી છે, પણ ભગવાન સાથે છે અને તે મારું અહિત નહીં થવા દે એવો વિશ્વાસ હોવાથી જીવનનો કપરો તબક્કો પણ નીકળી ગયો. આ દરમ્યાન ઘણા સારા અને કડવા અનુભવો થયા. આ જ અનુભવોએ મને અત્યાર સુધી અડીખમ, સફળ અને સુખી રાખી છે. મારે મારી દીકરી સાથે જ જીવન વિતાવવાનું છે એ વાતનો સ્વીકાર કર્યા બાદ હું ફરી જૉબ શોધવા લાગી. પાલિકામાંથી જૉબ છૂટી ગયા પછી પાછી મળવી મુશ્કેલ હોય છે, પણ મારું નસીબ સારું હોવાથી અને મારી થોડી ઓળખાણ હોવાથી એ મળી ગઈ. હવે મારું મિશન હતું કે મીતાને સારું શિક્ષણ આપું અને તેનું ભવિષ્ય સારું બનાવું. એ વખતે પાલિકામાં લોનની ફૅસિલિટી હતી એટલે મેં લોન લઈને સૌથી પહેલાં નાનું ઘર લીધું. એ સમયે મારા પિયર અને સાસરિયાંવાળાનો સપોર્ટ ઘણો સારો હતો. મેં સાસરે સારા સંબંધો જાળવ્યા હતા એટલે વારતહેવારે કે લગ્નપ્રસંગે આવતી-જતી. એકલી સ્ત્રી માટે લોકોના મનમાં ઉદ્ભવતા જાત-જાતના પ્રશ્નો પર હું ધ્યાન આપતી નહોતી. મને બસ મારી નોકરી અને મારી દીકરી જ દેખાતી હતી. નોકરી કરતી ત્યારે જે લોકોને ખબર પડતી કે હું એકલી મારી દીકરી સાથે રહું છું તો મારી બદલી થઈ જતી, પણ સદ્નસીબે મને બૉસ હંમેશાં સારા અને સપોર્ટિવ મળ્યા હતા. તેમણે હંમેશાં મારી વ્યથાને સમજી હતી.’
૧૯૭૬માં શરૂ કર્યું મહિલા મંડળ
ઉષાબહેન ૪૦ વર્ષનાં હતાં એટલે કે આજથી પચાસ વર્ષ પહેલાં તેઓ જૉબ કરતાં હતાં ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સામાજિક સ્તરે કાર્યક્રમો થવા જોઈએ અને મહિલાઓને ઍક્ટિવ રાખવી જોઈએ જેથી તેમને પણ જીવનનો હેતુ મળે. આ વિચાર અને ઉદ્દેશ સાથે મેં મહિલા મંડળ શરૂ કર્યું. એ વિશે ઉષાબહેન કહે છે, ‘૧૯૭૬માં અમારા બ્રાહ્મણોની બળેવ હતી ત્યારે મેં સમાજમાં મહિલાઓ માટે મંડળ શરૂ કરવાની રજૂઆત કરી હતી અને એ સમયે ૭૫ મહિલાઓ મારા મંડળમાં જોડાઈ ગઈ. મંડળનું નામ શ્રી ઔદીચ્ય સાઠા મહિલા મંડળ રાખ્યું. મારું મન એમાં જ પરોવાઈ ગયું. ઘરે-ઘરે જઈને સભ્યો બનાવતી, મૂવી દેખાડતી, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો કરતી. અમે ‘પ્રીતનું પાનેતર’ નામનું નાટક પણ રાખ્યું હતું. લગ્ન બ્યુરો ચલાવ્યા, સમૂહ જનોઈના કાર્યક્રમો આયોજિત કર્યા, વિધવાઓને સહાય કરીએ, છોકરીઓ માટે ક્રિકેટનું આયોજન કરીએ, વિદ્યાર્થીઓ માટે નોટબુક છપાવીએ એવી પ્રવૃત્તિઓ સાથે મારું મંડળ આગળ વધ્યું અને આજની તારીખમાં મારા મંડળ સાથે ૫૫૦ મહિલાઓ જોડાયેલી છે. બ્રાહ્મણ સમાજની ૧૨૨ સંસ્થાઓમાં મને માર્ગદર્શન માટે બોલાવવામાં આવે છે અને હું જાઉં પણ છું. અત્યારે મારી સાથે ત્રીજી પેઢીની છોકરીઓ કામ કરે છે. હું નિવૃત્ત થઈ એને ૩૨ વર્ષ થવા આવ્યાં તોય મારાં નિત્યકર્મ હું જાતે કરી લઉં છું. નજીકમાં મંદિરે એકલી જઈ આવું. મારા ઘરે જ મંડળની મહિલાઓ મીટિંગ રાખે કે કોઈ કાર્યક્રમનું આયોજન કરવાનું હોય તો આખો દિવસ અવરજવર ચાલુ જ હોય. હું લખી-વાંચી શકું. કોઈ લખાણ હોય તો મઠારી પણ આપું. માઇક પર ભાષણ આપવાનું હોય તોય આ ઉંમરે હું પાછી પડતી નથી. જો મારા ઘરે એક-બે મહેમાન આવી જાય તો હું હજી પણ રસોઈ કરીને ખવડાવી શકું એટલી સક્ષમ છું.’
ફરવાનાં શોખીન
ઉષાબહેનને હરવા-ફરવાનું અને નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું બહુ ગમે. તેઓ કહે છે, ‘મને ફરવાનો શોખ પહેલેથી જ રહ્યો છે. તેથી જ્યારે મેં મહિલા મંડળ બનાવ્યું ત્યારે હું પિકનિકનું આયોજન કરતી હતી. નાની-મોટી પિકનિક એકલા હાથે મૅનેજ કરી લેતી, પણ બીજા રાજ્યમાં મોટી પિકનિક કરવાની હોય ત્યારે સમાજના બીજા હોદ્દેદારોની મદદ લેતી. મેં મારા જીવનમાં ફરવાનું સુખ મન મૂકીને માણ્યું છે. ભારતમાં તો મારું કોઈ જ સ્થળ બાકી રહ્યું નથી. બબ્બે અને ત્રણ-ત્રણ વખત જઈ આવી છું. ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા સિવાય આસામ, પંજાબ, દિક્ષણ ભારત ફરી વળી છું. અમરનાથ યાત્રાથી લઈને કન્યાકુમારી સુધી બધાં જ સ્થળો મેં એક્સપ્લોર કર્યાં છે એમ કહું તો ખોટું નથી. કેરલા, આસામ, શિમલા, દાર્જિલિંગ જેવાં પર્યટન-સ્થળોની કુદરતી સુંદરતાને હજી સુધી ભૂલી શકી નથી. ઇન્ટરનૅશનલ ટ્રિપની વાત કરું તો સિંગાપોર, દુબઈ, મલેશિયા, યુરોપ અને નેપાલ ફરી આવી છું. મારી દીકરીની દીકરી અમેરિકા રહે છે તો ત્યાં પણ હું ફરી આવી છું. હવે કંઈ બાકી રહ્યું નથી. મેં કંઈ બાકાત રાખ્યું જ નથી. ભગવાનની કૃપા છે કે મને તે શારીરિક બળ અને મનોબળ બન્ને આપી રહ્યા છે. બાકી મારી ઉંમરના લોકો આ સ્ટેજ પર ખાટલો પકડી લે છે.’
દીકરી છે કવયિત્રી
ઉષાબહેનની દીકરી મીતા ગોર મેવાડા ભણેલાં-ગણેલાં છે. તેમના વિશે જણાવતાં ઉષાબહેન કહે છે, ‘મીતાએ ફિલોસૉફીમાં MA અને BSE કરેલું છે. ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું કામ પણ આવડે છે. નૃત્યનાટિકામાં ભરતનાટ્યમમાં PhD કરે છે. અત્યારે તો તે કવયિત્રી બની ગઈ છે. તેણે ‘સૂરજના સથવારે’ જેવાં ૩ પુસ્તક લખ્યાં છે. ટૂંકમાં, તે કવયિત્રી, લેખિકા અને ડાન્સર છે. અત્યારે તે તેના જીવનમાં બહુ સુખી છે. મીતાની દીકરી પણ અત્યારે અમેરિકામાં જૉબ કરી રહી છે. જીવનમાં મને ભલે કંઈ ન મળ્યું, પણ મારી દીકરી અને તેની દીકરીને બધું જ મળે એ માટે મારા પ્રયત્નો અને સાથે ભગવાનને પ્રાર્થના રહેતાં જ હોય છે.’


